મનોરંજન અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કંઈ પણ ચાલે?

23 May, 2019 04:00 PM IST  |  | જયેશ ચિતલિયા - સોશ્યલ સાયન્સ

મનોરંજન અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કંઈ પણ ચાલે?

પ્રતીકાત્મક તસવીર

આ દેશ દરેકને તેમના પિતાશ્રી વારસામાં આપી ગયા છે અને કહી ગયા છે કે અહીં તારે જે કરવું હોય એ બિન્દાસ કરજે. તારી કાર યા બાઇક ક્યાંય પણ પાર્ક કરજે, તારે થૂંકવું હોય ત્યાં થૂંકજે, જેને ગાળો આપવી હોય તેને આપજે. કાળાં કામ કરીને એના પરિણામથી બચવા કરપ્શન કરજે, રાજકારણીઓ અને વડા પ્રધાન માટે તો બેધડક ગમે ત્યારે તું કંઈ પણ બોલી શકે

સોશ્યલ સાયન્સ

યે જવાની, યે દીવાની, હટ મેરી રાની, રુક જાઓ રાની, દેખ જરાં પીછે મુડ કે, ચલી કહાં ઐસે ઉડ કે, ગિલિ ગિલિ અપ્પા, ગિલિ ગિલિ અપ્પા. ગિલિ, ગિલિ... યાદ આવી ગયું. આ ગીત કઈ ફિલ્મનું છે? યસ, કરણ જોહરની લેટેસ્ટ મુવી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ (પાર્ટ ટુ). મૂળ તો આ ગીત બહુ વરસ પહેલાંની રણધીર કપૂર-જયા ભાદુરીની ફિલ્મ ‘જવાની દીવાની’નું છે, જેને કરણ જોહરે પોતાની કરન્ટ ફિલ્મમાં આજની જવાની કેવી દીવાની છે એ દર્શાવવા માટે વાપર્યું છે. અરે ગીત તો છોડો, એ ફિલ્મની સ્કૂલ કે કૉલેજ તો જુઓ, અરે છોડો યાર, આ સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિની તો જુઓ. આ ફિલ્મ બાદ એક વ્યંગકારે વ્યંગચિત્ર બનાવ્યું હતું, જેમાં બાળક પોતાના પિતાને કહે છે, પાપા, મારે મોટા થઈને આ કૉલેજમાં ભણવું છે હોં!

લાર્જર ધૅન લાઇફ અને જે સ્વર્ગમાં પણ હશે કે નહીં તેનો વિચાર કરવો પડે એવી આલીશાન ઝાકઝમાળવાળી ફિલ્મો બનાવવા માટે જાણીતા કરણ જોહરની આ ફિલ્મ ભલે કમર્શિયલ ધોરણે ઝાઝી સફળ ન થઈ, પણ સંસ્કાર, વિચાર અને વિચિત્રતાની દૃષ્ટિએ સમાજને ઘણું ન આપવા જેવું આપી ગઈ. આમ પણ કરણ જોહર અલગ દુનિયાના માણસ છે. ખેર, આપણે અહીં ફિલ્મની અને કરણ જોહરની વાત કે વાર્તા કરવી નથી. બલકે સમાજને મનોરંજનના નામે કેવું-કેવું દર્શાવવામાં અને માથે મારવામાં આવે છે એ સમજવું છે. આવી ફિલ્મો મારફત સમાજના યુવા વર્ગ પર કેવી અને કેટલી ગંભીર અને વિચિત્ર દુ:અસર થાય છે એ જોવાની જવાબદારી કોઈની ખરી કે નહીં? સેન્સર ર્બોડ શું માત્ર હિંસા અને સેક્સ કે નગ્નતાનાં દૃશ્યો પર કાતર ચલાવવા માટે જ છે? કે પછી સ્થાપિત હિતોના રક્ષણ માટે જ છે? આપણો સમાજ ફિલ્મોની તેમની જિંદગી પર વ્યાપક અસર ધરાવે છે. માત્ર કરણ જોહર શા માટે, આજકાલ ઘણી ફિલ્મો એવી આવે છે, જેમાં સમાજની વાસ્તવિકતાથી સાવ જ જુદું અને વિચિત્ર બતાવાય છે, જેની સારી કે નરસી અસર સમાજ પર પડે છે. અલબત્ત, નરસી વધુ પડે છે. તેની અસરની ગ્રેવિટી જુદી-જુદી હોઈ શકે.

જરા વધુ ઊંડાણથી જોવામાં આવે તો સમાજના કલ્ચરને બદલી યા બગાડી નાખવામાં આ બાબત ગંભીર ભૂમિકા ભજવે છે, પણ તેની નોંધ લેવાની કોઈને ફુરસદ નથી યા ચિંતા પણ નથી. માની લઈએ કે ફિલ્મો માત્ર ઉપદેશ આપવા માટે કે ફિલોસૉફી ભણાવવા નથી બનતી, પણ સમાજની દશા બગાડવા પણ તો ન બનવી જોઈએ. સવાલ છે કે લોકો સમાજનું, દેશનું જે થાય તે, મને આવી ફિલ્મ બનાવવાથી કરોડોની કમાણી થાય છે ને! બસ તો મારે બીજું કંઈ વિચારવાનું નહીં.

મનોરંજનના નામે કંઈ પણ ફિલ્મી લોકો કહેતા હોય છે કે પછી એવું વરસોથી કહેવાતું રહ્યું છે, વાસ્તવિક જીવનમાં નથી હોતું એટલે જ તો એ ફિલ્મોમાં બતાવાય છે, એ જ તો મનોરંજન ગણાય છે. પણ સવાલ એ છે કે કેટલું વાસ્તવિક અને કેટલું કાલ્પનિક? કોઈ અંતર યા સીમા ખરી કે નહીં? મનોરંજનના નામે કંઈ પણ? પછી એ સમાજના યા તેના ચોકકસ વર્ગના વાસ્તવિક જીવનમાં ઊતરીને રોગ બની પ્રસરવા માંડે તો કોણ જવાબદાર? ફિલ્મોના માધ્યમથી સમાજમાં સારી ઘટનાઓ બનવાના કિસ્સા પણ ઘણા હશે અને છે, પણ છેલ્લા કેટલાક સમયથી તો ફિલ્મોમાં હિંસા, ક્રૂરતા, અશ્લીલતા, ઇતિહાસ સાથે ચેડાં, ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ-મનોવૃત્તિ વગેરેએ તમામ મર્યાદા વટાવી દીધી છે. યસ, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને આર્ટની વાત છે ભાઈ!

બીજી બાજુ ટીવી-સિરિયલ્સે કપટ, કાવાદાવા, ક્રાઇમ, છેતરપિંડી, ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરવા, ભગવાન અને ભક્તિનું વ્યાપારીકરણ કરવામાં કયાં કોઈ કસર છોડી છે? ઘેરબેઠાં લોકો માણે જ છે ને! લોકો પૈસા આપીને પણ મૂર્ખ બનવા તૈયાર હોય તો શું થાય? સોશ્યલ મીડિયાથી લઈ વિવિધ મનોરંજનના નામે કુછ ભી ચલતા હૈ. જો ચલતા હૈ વો હી બનતા હૈ ઓર બિકતા હૈ.

કલ્ચર કોણ બગાડે છે?

મૂળ વાત પર આવીએ, આપણે વરસોથી કહેતા-સાંભળતા આવ્યા છીએ કે વેસ્ટર્ન કલ્ચરની આપણા સમાજ પર બહુ ગંભીર અને નકારાત્મક અસર થાય છે. આપણી સંસ્કૃતિનું ધનોતપનોત આને કારણે નીકળી રહ્યું છે. આ વાત સાચી હશે, પણ એ તો બીજા દેશોના લોકો કરી રહ્યા છે, પરંતુ આપણા દેશના લોકો પોતાના સ્વાર્થ માટે દેશની સંસ્કૃતિની દશા બગાડી રહ્યા છે તેનું શું? એ પણ કળાના-મનોરંજનના નામે! ફિલ્મો ઓછી હતી કે હવે તો કેટલાક સમયથી ટીવી-ચૅનલ્સ મેદાનમાં આવીને બાકીની કસર પૂરી કરી રહી છે. એ ઓછું હોય તેમ હવે ચોક્કસ ખાનગી ચૅનલ્સનાં આક્રમણ શરૂ થઈ ગયાં છે, જે વિદેશી અને દેશી બન્નેની દેન છે અને સેન્સરથી તેમ જ અમુક અંકુશોથી પણ ઘણે અંશે પર રહે છે. વાહ - વાહ! સ્વાતંત્ર્યના નામે, અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કંઈ પણ કરો, કંઈ પણ બતાવો. લોકશાહીનો કેટલો અતિરેક કરાશે? એમાં વળી આ બધાને સરળમાં સરળ માર્ગ પૂરો પાડવા લોકોના હાથમાં આવી ગયા છે, સ્માર્ટફોન! કહાં ભી, કિધર ભી, કભી ભી, કુછ ભી!

મેરા ભારત મહાન કઈ રીતે?

આપણો દેશ મહાન કેમ છે એ ખબર છે? ટ્રકની પાછળ લખ્યું હોય છે, મેરા ભારત મહાન એટલે નહીં, બલકે આપણા દેશની લોકશાહીના અતિરેકને કારણે. આ દેશ દરેકને તેમના પિતાશ્રી વારસામાં આપી ગયા છે અને કહી ગયા છે કે અહીં તારે જે કરવું હોય તે બિન્દાસ કરજે. તારી કાર યા બાઇક ક્યાંય પણ પાર્ક કરજે, તારે થૂંકવું હોય ત્યાં થૂંકજે, જેને ગાળો આપવી હોય તેને આપજે. કાળાં કામ કરીને તેના પરિણામથી બચવા કરપ્શન કરજે, રાજકારણીઓને તો બેધડક ગમે ત્યારે અને વડા પ્રધાન માટે તું કંઈ પણ બોલી શકે. જુઓને, આ મહાન દેશના મહાન લોકો વડા પ્રધાન જેવી દેશની ટોચની હસ્તી માટે ચોર, નીચ, રાક્ષસ વગેરે જેવા શબ્દો વાપરતા રહ્યા છે, શું વિચારતા હશે વિદેશના લોકો આપણા દેશના લોકોની આ માનસિકતા અને દશા જોઈને? સવાલ માત્ર મોદીનો નહોતો કે નથી, સવાલ વડા પ્રધાન જેવા પદની ગરિમા પણ જાળવી ન શકનાર લોકોને તમે દેશની કેવી વ્યક્તિ યા પ્રજા કહો એ છે. એ પછી પણ સવાલ ઊઠતા નથી. વિરોધ થતા નથી. ઉપરથી પરસ્પર અપશબ્દોના વેપાર અને વ્યવહાર થાય છે.

આ પણ વાંચો : કૉલમ: દરેક વ્યક્તિ એક પાઠશાળા છે

સત્યથી ભયભીત છે લોકો

અહીં સત્યની માત્ર ચર્ચા થાય છે, સત્ય માટે કોઈ લડતું નથી. ઉપરથી સત્યનું ગળું ઘોંટી દેવા માટે લડે છે. સત્યથી લોકો એટલા ભયભીત છે કે તેને દૂર રાખવા યા તેનાથી દૂર રહેવા સતત તેના પર આવરણ ચઢાવાતાં જાય છે. તેનાં સ્વરૂપ બદલાવાતાં જાય છે. તેને કોઈ ઓળખી જ ન શકે એવી દશા થઈ ગઈ છે. ઓળખે તો માની ન શકે, માને તો જાણી ન શકે. બધા કલ્પનાની દુનિયામાં રહેવા લાગ્યા છે. વાસ્તવિકતાનો સામનો કરવો જ નથી. મોઢું, મગજ અને માનસિકતા આ બધાંને મોબાઇલમાં, ફિલ્મોમાં, ચૅનલોમાં, ટીવીના સમાચારોમાં, આખા ગામની પંચાતમાં, મૉલ્સમાં, મનોરંજનમાં છુપાવી દેવાય છે. શાહમૃગ બની જવાય છે. બધા આમ જ કરી રહ્યા છે. કોણ જોઈ રહ્યું છે? કોઈ નહી, કેમ કે બધાનાં મોઢાં અને મગજ પરોવાઈ ગયાં છે, ખોવાઈ ગયાં છે એક અલગ દુનિયામાં. અત્યાર સુધી ચૂંટણીની ચર્ચા ચાલી. હવે નવી સરકારની ચાલશે. દેશ ચાલે છે, ક્યા ફરક પડતા હૈ! મેરા દેશ તો મહાન હૈ!

columnists