બીજાનું જે થવાનું એ થાય, મારું કામ થઈ જવું જોઈએ

10 October, 2019 04:26 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

બીજાનું જે થવાનું એ થાય, મારું કામ થઈ જવું જોઈએ

PMC બેન્ક

કોઈ પણ કૌભાંડ બહાર આવે ત્યારે એ કૌભાંડ ઘડનારા માત્ર અમુક જ માણસો હોય છે, પરંતુ એનાં પરિણામ સહન કરનારાઓની સંખ્યા બહુ મોટી હોય છે. બૅન્કોમાં થતા કૌભાંડથી લઈ વિવિધ બાબતોમાં આપણે જોઈશું તો મહદ્ અંશે માનવીની માનસિકતા જ નેગેટિવ ભૂમિકા ભજવતી જોવા મળે છે, આપણે આવી માનસિકતા ધરાવતા નથીને?

એક વાર મારે આર્થિક પત્રકાર તરીકે નિયમન સંસ્થાના ચૅરમૅનને મળવાનું થયું હતું. અમારી ચર્ચાનો મુખ્ય મુદ્દો એ સમયે બનેલા એક આર્થિક કૌભાંડનો હતો. નિયમન સંસ્થાના ચૅરમૅને એ સમયે બહુ ચોટદાર સત્ય કહ્યું. તેમણે કહ્યું, કોઈ પણ કૌભાંડ (સ્કૅમ) સિસ્ટમમાં પછી બને છે, એ પહેલાં એ સ્કૅમ માણસના દિમાગમાં ઘડાય છે. એ પછી માણસ તેના દિમાગથી સિસ્ટમનો દુરુપયોગ યા એમાં કોઈ છટકબારી શોધી સ્કૅમનો પ્લાન ગોઠવે છે. સ્કૅમમાં સાથ આપનાર સ્થાપિત  હિતો સમાન હોય છે, તેથી એ બધાં એમાં ભાગીદાર બની જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્કૅમ માટે તેઓ સહયોગી બની જાય છે.

બીજાનું–જનતાનું–ગ્રાહકોનુંજે થવાનું હશે એ થશે, અત્યારે આપણે આપણું કામ કરી લઈએ; બાકી બધું પછી જોવાઈ જશે. અમુક માણસોની આ માનસિકતા જ કૌભાંડ, સ્કૅમ, છેતરપિંડી, વિશ્વાસઘાત વગેરેનું સર્જન કરે છે. સિસ્ટમનો ઉપયોગ તો પછી આવે છે.

પીએમસી બૅન્કની ઘટના

તાજેતરમાં પીએમસી બૅન્ક (પંજાબ-મહારાષ્ટ્ર બૅન્ક)નું કૌભાંડ બહાર આવ્યું એમાં શું થયું? એ જોઈએ તો બૅન્કના ઉચ્ચ અધિકારીઓનું હિત એક હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કંપનીમાં હતું, એ કંપનીના પ્રમોટરને બૅન્કનાં નાણાંની જરૂર  હતી. કેટલાક મોટા રાજકરણીઓનાં હિત પણ આમાં સામેલ હતાં. આમ પરસ્પર આ બધાએ પોતાનું કામ કઢાવી લીધું, જેમાં બૅન્કના ગ્રાહકોનું શું થશે? આ નાણાં પરત નહીં આવે તો શું? બૅન્કનું નામ ડૂબશે, બીજી બૅન્કો પરથી પણ લોકોનો વિશ્વાસ ડગમગી જશે, સમગ્ર બૅન્કિંગ સેક્ટરને અસર થશે, દેશનું નામ પણ ખરાબ થશે વગેરે વિશે આ સ્થાપિત હિતના માણસો અથવા પોતાની માનસિકતામાં જ જીવતા માણસો વિચારતા નથી.

કૌભાંડ કરે કેટલા અને સહન કરે કેટલા?

હર્ષદ મહેતા કે કેતન પારેખના સ્કૅમ વખતે શું થયું હતું? એ જ બૅન્કોના અમુક અધિકારીઓએ છટકબારીનો ગેરલાભ લીધો-અપાવ્યો. બજાર ચલાવ્યું, જે સ્કૅમનો ઘટસ્ફોટ થયા બાદ તૂટ્યું ત્યારે કોણે સહન કરવાનું આવ્યું? લાખો ઇન્વેસ્ટરોએ, સંખ્યાબંધ બૅન્કોએ અને રાષ્ટ્રએ. સત્યમ કમ્પ્યુટરની ઘટના બની ત્યારે એ કાર્ય કેટલા લોકોએ કર્યું અને એનું સહન કેટલા લોકોએ કરવાનું આવ્યું? જાહેર છે. જેટલાં પણ કૉર્પોરેટ કૌભાંડ ગણો કે બૅન્કો‍ની ગરબડ જુઓ, એના સર્જક અમુક જ લોકો હોય છે પરંતુ સહન કરનારા લાખોમાં હોય છે.

બૅન્કની જ વાત છે તો જ્યારે પણ કોઈ બૅન્કની ક્રાઇસિસની અફવા આવે કે લોકો તરત પોતાનાં નાણાં ઉપાડવા દોડી જાય છે. સ્વાભાવિક છે, પરંતુ વગદાર લોકો એમાં નિયમ નહીં પાળે. તેઓ તો બૅન્કના ઉચ્ચ અધિકારીઓ સાથે હાથ મિલાવીને પોતાનાં નાણાં પહેલાં કઢાવી લેશે. તેઓ આમ કરતી વખતે બીજાને અન્યાય થશે એમ નહીં વિચારે.

નોટબંધી વખતે શું જોવાયું?

નોટબંધી આવી હતી ત્યારે માણસો એ જ કામ કરતા હતા કે પોતાની રદ થયેલી નોટ જલદી બદલવા મળી જાય, પોતાનાં નાણાં બૅન્કમાં તરત જમા થઈ જાય, બૅન્કમાંથી ઉપાડ વખતે પોતાના પૈસા જલદી મળી જાય. આ જરૂરિયાત બધાની હતી તેમ છતાં વગદાર લોકો સૌથી વધુ લાભ અને તરફેણ લઈ ગયા, બાકીના સામાન્ય માણસો અહીંથી ત્યાં ફાંફાં મારતા રહ્યા-હેરાન થતા રહ્યા. બૅન્ક આર્થિક કટોકટીમાં આવે ત્યારે પોતાના પૈસા ઉપાડી લેવા માટે આવી જ સ્થાપિત હિત સમાન માનસિકતા ધરાવતા લોકો બીજાનું જે થવાનું તે થાય, પોતાનું કામ કઢાવી લેવા સક્રિય અને આક્રમક બની જાય છે. માણસ પોતાના કામ માટે મહેનત કરે, પ્રયાસ કરે, પોતાના હક માટે લડે એ બરાબર છે; પરંતુ બીજાના ભોગે, બીજાને અન્યાય કરીને આમ થાય ત્યારે માણસ એમ કરવામાં સફળ પણ થઈ જાય તોય માણસાઈમાં તે નિષ્ફળ ગણાય. માણસ સ્વકેન્દ્રી હોઈ શકે, પરંતુ માત્ર પોતાને જ કેન્દ્રમાં રાખી જીવન જીવે ત્યારે બીજાઓને અન્યાય થાય કે બીજાઓનો ભોગ લેવો પડે કે સહન કરવું પડે એ વાજબી નથી. 

મારું કામ પહેલું થઈ જવું જોઈએ

વાસ્તવમાં આપણા સમાજમાં મોટા ભાગના માણસોની માનસિકતા જ આવી હોય છે. પોતાના  નાના-મોટા લાભ માટે તેઓ કોઈ પણ હદ પાર કરી નાખે છે. બસ! મારું કામ થઈ જવું જોઈએ, મને લાભ થવો જોઈએ, મારાં ખિસ્સાં ભરાવાં જોઈએ, મારું નામ મોટું થવું જોઈએ, મને માન મળવું જોઈએ, મારો પ્રભાવ કે વટ પડવો જોઈએ વગેરે બાબતો માણસના મનમાં સતત ફરતી હોય છે. આપણે ટ્રેનમાં ચડતા માણસો જોયા છે. ખાસ કરીને પીક અવર્સમાં. કેવા ધક્કામુક્કી કરતા હોય છે. તેમનું લક્ષ્ય એ જ હોય છે કે બીજાઓને હડસેલી, પાછળ ધકેલી હું અંદર ઘૂસી જાઉં, બારી પાસે બેસી જાઉં યા અંદર બેઠક મેળવી લઉં. ફિલ્મોની ટિકિટની લાઇનમાં પણ માણસ ઘૂસણખોરી  કરવાની કોશિશ જ્યાં ચાન્સ મળે ત્યાં કરતો હોય છે. ટ્રાફિકમાં પોતાની ગાડી બીજા કરતાં આગળ નીકળી જાય, બીજા ભલે અટવાય, પોતે નીકળી જાય એવા લક્ષ્ય સાથે ગાડી ચલાવનારા પોતાના સ્વાર્થ કે માનસિકતા ખાતર શિસ્ત તોડે છે, ટ્રાફિક જૅમ કરે છે, રૉન્ગ સાઇડ ગાડી ચલાવે છે, સિગ્નલ તોડે છે. તેમાં પણ બાઇકવાળાની વાત જ નિરાળી, તેઓ તો કયાંયથી પણ માર્ગ કાઢે છે. બીજા જાય તેલ લેવા, હું નીકળી જાઉં.

આ પણ વાંચો : તમે આટલાં અકળાયેલાં કેમ રહો છો?

આપણે ખુદને પણ જોઈ લેવું જોઈએ

માણસની માનસિકતામાં પોતાનું હિત તો પહેલાં આવે જ, પરંતુ આ સાથે પોતાના  પરિવારજનો, સગાં-સંબંધી માટે પણ તેમનો ભાવ કંઈક આવો જ. મારા દીકરા કે દીકરીનું સારી કૉલેજમાં ઍડ્મિશન પહેલાં થઈ જવું જોઈએ. મારાં સંતાનોને નોકરી તરત મળી જવી જોઈએ. આ માટે તેઓ ઓળખાણ લગાડે, ઉપરથી ભલામણ પત્ર લાવે, જાત જાતનાં ઍડ્જસ્ટમેન્ટ કરે, કરપ્શન કરે, ગેરકાનૂની કામ કરે, ગેરરીતિ અપનાવે. આ માટે ડોનેશન આપીને પણ સીટ મળતી હોય તો લઈ લે, એ પછી ભલે વધુ લાયક વિદ્યાર્થી રહી જાય. એ તેનો પ્રૉબ્લેમ છે. હું, મારું, મારા અને પોતાના એ માણસના માનીતા શબ્દો છે. માણસ જ્યારે બીજાનું વિચારતા જ નથી ત્યારે ધીમે-ધીમે એવો સમાજ બનતો જાય છે જેમાં દરેક જણ માત્ર પોતાનું જ વિચારવા લાગે છે અને આખરે એક સંકુચિત-સ્વાર્થી-નકારાત્મક સમાજ રચાતો જાય છે. આપણે આવી માનસિકતા ધરાવતા નથીને એ આપણે પોતે જોઈ-સમજી લેવું જોઈએ અને જો એવું હોય તો એને સુધારી લેવું જોઈએ.

columnists