કૉલમ: બહુ ના વિચાર

13 June, 2019 12:49 PM IST  |  | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

કૉલમ: બહુ ના વિચાર

બહુ ના વિચાર

થોડો વખત પહેલાં એક ગુજરાતી ફિલ્મ આવી હતી જેનું ર્શીષક હતું ‘બહુ ના વિચાર’, જે આજના સમયને વધુ અનુરૂપ હોવા ઉપરાંત ખરેખર વિચારતા કરી દે એવું હતું. આ ટાઇટલ પરથી જ ઢગલાબંધ વિચારો આવવાના શરૂ થઈ ગયા હતા, પરંતુ પછી અમે જ યાદ કર્યું કે બહુ ના વિચાર. તેમ છતાં આ વિચાર વિશે થોડા વિચાર શૅર કરવાનું ચોક્કસ દિલ થાય છે.

પહેલી વાત તો આ ફિલ્મનું ટાઇટલ કહે છે કે બહુ ના વિચાર. એનો સીધો અર્થ એ થાય  કે લોકો બહુ વિચારે છે અને તેથી જ બહુ માનસિક તાણ અનુભવે છે, ચિંતા અને સ્ટ્રેસમાં ખોવાઈ જાય છે અથવા એનો ભોગ બની જાય છે. અલબત્ત, તેમ છતાં વિચારવું તો પડે છે, વિચારો આવ્યા પણ કરે છે, વિચારોને રોકી પણ શકાતા નથી કે વિચારોને બંધ પણ કરી શકાતા નથી. બાય ધ વે, વિચાર વિના જીવી પણ શકાય નહીં. કોઈ વિચારકે જ કહ્યું છે, હું છું કેમ કે હું વિચારું છું. વિચારવું એ માનવ અસ્તિત્વનો અનિવાર્ય ભાગ છે. આનો સ્પક્ટ અર્થ એ જ થાય કે વિચાર વિના રહી શકાય નહીં.

જો આમ છે તો વિચાર વિશે એટલું વિચારવું પડે કે બહુ ના વિચાર એટલે કેટલું વિચારવું? બહુ એટલે કેટલું? બીજા શબ્દોમાં કહીએ તો કેટલું વિચારીએ તો બહુ વિચાયુર્‍ં કહેવાય? વિચારવાના સમયની અને મર્યાદાની વ્યાખ્યા શું? નૉટ પૉસિબલ દોસ્તો! વિચારોને સીમા હોતી નથી. બહુ ન વિચાર વિશે એક સાદો અને સરળ અર્થ એ પણ થાય કે એક જ વિષયમાં બહુ ના વિચાર યા દરેક વાત-વિષયમાં બહુ ના વિચાર. કંઈક નવું-સારું કરવું છે તો બહુ ના વિચાર. ઇન શૉર્ટ, બહુ ના વિચાર વિશે પણ બહુ વિચારવાની નોબત આવી જાય એવું બની શકે.

વિચારોને રોકી નહીં શકાય

એક યુવાન બહુ વિચારવાની પીડામાં હતો અર્થાત્ તેને સતત ભયના વિચારો આવતા હતા, તેના મન પર સ્ટ્રેસ અને ડિપ્રેશન સવાર થઈ ગયાં હતાં. તેના જીવનમાં કંઈક એવી ઘટના બની હતી જેને લીધે તે આ સ્થિતિમાં મુકાઈ ગયો. તેના પરિવારના સભ્યો કે મિત્રો સતત તેને એક જ સલાહ આપતા રહ્યા કે તું બહુ વિચારે છે, બહુ વિચારવાનું  છોડી દે. પેલો યુવાન તેમને કહે છે, હું પોતે વિચારતો જ નથી, વિચારો મારા પર સવાર થઈ જાય છે. તૂટી પડે છે. જેમ શાંત રહેવાનો પ્રયાસ કરું છું, વિચારો વધુ ઝડપથી અને વધુ સંખ્યામાં આવે છે. જોકે આવા ઘરગથ્થુ પ્રયાસ કે શિખામણને લીધે પણ એ યુવાને સાઇકિયાટ્રિસ્ટ પાસે જવું કે કેમ એ વિચારવામાં પણ ઘણા દિવસો કાઢી નાખ્યા, કારણ કે આપણા સમાજમાં હજી પણ સાઇકોલૉજિસ્ટ કે સાઇકિયાટ્રિસ્ટ પાસે જવું એટલે પોતે ગાંડા થઈ ગયા છે એવું માનવું અથવા પોતાના વિશે લોકો એવું માનશે એવું વિચારવું. આખરે એ યુવાન સાઇકોલૉજિસ્ટ અને ત્યાર બાદ સાઇકિયાટ્રિસ્ટ પાસે ગયો એટલે બન્નેએ તેને સ્પષ્ટ કહ્યું કે તું વિચારોને રોકવાની કોશિશ છોડી દે, કારણ કે તું જેટલા પ્રયાસ કરીશ વિચારો ડબલ અને ટ્રિપલ થઈને આવશે. વધુ મોટા ટોળામાં આવશે. વિચારો પર આપણો કાબૂ થઈ શકતો નથી, પરંતુ વિચારો સાથે બે કામ થઈ શકે. એક, એને બીજા માર્ગે કે બીજી દિશામાં વાળતા રહેવાનું અને બીજો માર્ગ છે, વિચારો આવે ત્યારે માત્ર એને જોયા કરવાનું જેમ રસ્તાના કિનારે બેઠાં-બેઠાં વાહનોની અવરજવર જોતા હોઈએ. અલબત્ત, આ કાર્ય ભારે કઠિન છે, પરંતુ આ જ માર્ગ છે. બહુ યા ઓછા વિચારોથી મનમાં અશાંતિ કે ઉદ્વેગ (ઍન્ગ્ઝાયટી) પેદા થતાં હોય તો વિચારોને જોતા રહેવાનો માર્ગ જ સાચો માર્ગ છે. જેમ-જેમ જોતા જઈશું તેમ વિચારોની સંખ્યા ઘટતી જશે. વિચારો શું? કોઈ પણ વાતનો અતિરેક થાય તો મન અશાંત થઈ જાય છે.

વિચાર માત્ર વિચાર હોય છે, વાસ્તવિકતા નહીં

આ સાથે એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે વિચાર માત્ર વિચાર છે, જ્યાં સુધી એ વાસ્તવિકતા બનતો નથી ત્યાં સુધી માત્ર વિચારોનો કોઈ અર્થ પણ નથી. વિચાર કલ્પનાની દુનિયા છે, ફિલ્મની સ્ક્રીન પર ચાલતી રીલ છે. ત્યાં ખરેખર કોઈ વ્યક્તિ કે દૃશ્ય કે ઘટના નથી, માત્ર ચિત્ર છે. બોલતાં ચિત્ર છે. દેખાય છે, પરંતુ એ ખરેખર છે નહીં. એમ વિચાર પણ કેવળ વિચાર છે, એ માત્ર  દેખાય છે; જ્યાં સુધી એનો અમલ થતો નથી ત્યાં સુધી એ છે નહીં. એ વિચારો આવે તો એનો વિરોધ ન કરો, અસ્વીકાર નીં કરો. એમ કરવામાં જોખમ છે, એ વધુ વેગવાન અને બળવાન થઈને આવશે. એમને આવકારો. બસ જોતા રહો, પસાર થવા દો. જેમ આવે છે એેમ જવા દો.

શરીર અને મન સાથે હોય છે ખરાં?

અહીં એક બીજા યુવાનનો પ્રસંગ યાદ આવે છે. એ યુવાન સાંસારિક જીવન છોડીને એ આશ્રમમાં રહેવા જવાની યોજના ઘડે છે અને એક દિવસ તેના બધા પરિવારજનો-સ્નેહીઓ-મિત્રો તેને આશ્રમમાં મૂકવા આવે છે. તે બધાને છેલ્લી વાર મળી લે છે, પ્રેમથી ભેટે છે, વાતો કરે છે, ક્યાંક કોઈ રુદન પણ કરે છે. ત્યાર બાદ તે બધું પતાવી આશ્રમમાં ગુરુ પાસે આવે છે. ગુરુ તેને કહે છે, બધાને છોડીને આવ્યો, બધાને મૂકી દીધા? યુવાન કહે છે, હા. ગુરુ તેને કહે છે, મને તો લાગે છે હજી બધા તારી સાથે જ છે, તું બધાને તારી સાથે લાવ્યો છે. યુવાન સાવ જ ઇનકાર કરે છે, માનતો નથી. ગુરુ કહે છે, તારી આંખ બંધ કર. યુવાન આંખ બંધ કરે છે તો જુએ છે એ જ કે હજી તે પોતાના સ્વજનો-મિત્રોને મળી રહ્યો છે, વાતો કરી રહ્યો છે. તેને સમજાઈ જાય છે, ગુરુની વાત સાચી છે. આપણી દશા કંઈક આવી જ છે, આપણે શરીર અને મનને બહુ સમય યા બધે સાથે રાખી શકતા નથી, શરીર ક્યાંક હોય છે અને મન ક્યાંક હોય છે.

આ પણ વાંચો : કૉલમ: જે આસાનીથી થાય છે એ આસન

વિચારોનો અતિરેક શાંતિ છીનવી લે છે

વિચારો મનને ક્યાંય ભટકવા-ફરવા લઈ જાય છે. વિચારોની સંખ્યા કરોડોમાં હોય છે. મન એને કઈ રીતે અને કેટલું કાબૂમાં રાખી શકે? આપણા વિચારોની દશા કહો કે દુદર્‍શા કહો, એ હોય છે કે તે પોતાના કરતાં બીજાઓ વિશે અને બીજાઓ શું વિચારશે એ વિશે વધુ વિચારે છે. તેની સૌથી મોટી વિટંબણા કે પીડા જ આ હોય છે. તમે જરા આ વિષયમાં વિચારજો કે તમે પોતે કયા વિચાર કરો છો? કોના વિચાર કરો છો? શું વિચારો છો? તમે પોતે પોતાની સાથે વિચારોમાં સતત વાર્તાલાપ કરતા રહો છો. આને કહી શકાય બહુ ના વિચાર. બહુ વિચારવાનું પરિણામ સંભવત: આવું આવી શકે. અલબત્ત, શું વિચારો છો, કેવા દૃષ્ટિકોણથી વિચારો છો, કેટલું નકારાત્મક અને સકારાત્મક વિચારો છો એ બધા પર પણ વિચારોના પરિણામનો આધાર રહે છે. શું આપ આટલું બધું વિચારો છો? તો તમારે તમને કહેવું  પડે, બહુ ના વિચાર! યાદ રહે, વિચારો જરૂરી છે; પરંતુ વિચારો સમસ્યાનો કે ચિંતાનો ઉપાય નથી બલકે એનો યોગ્ય અમલ જ વિચારને સાર્થક કરે છે. વિચારમાં શક્તિ છે અને વિચારમાં ક્રાન્તિ પણ, પરંતુ વિચારોનો અતિરેક થઈ જાય અને વિચાર રોગ બની જાય તો એ જીવનની શાંતિ છીનવી લે છે. હવે મિત્રો, તમે જ નક્કી કરો કે કેટલું,  ક્યારે, શું અને કોના વિશે વિચારવાનું? અને જરૂર લાગે ત્યારે પોતાને જ કહી દેવાનું : દોસ્ત, બહુ ના વિચાર!

columnists