તારી પાસે સમય છે? ક્યારેક આ સવાલ સમયને પણ પૂછી જુઓ!

09 January, 2020 04:03 PM IST  |  Mumbai | Jayesh Chitaliya

તારી પાસે સમય છે? ક્યારેક આ સવાલ સમયને પણ પૂછી જુઓ!

ફાઈલ ફોટો

એ સમય, તારી પાસે સમય છે? થોડો મને પણ આપને! સમય કહે છે, બધો જ તો તને આપી દીધો છે, તું આખરે વાપરે છે ક્યાં  કે વારંવાર માગવો પડે છે. એમ છે, ચાલ, એ વિચારવા થોડો સમય આપ. આ સવાલ આપણને દરેકને લાગુ પડે છે. સમય કેમ ખૂટે છે, તો જે સમય છે એ આપણે ક્યાં વાપરીએ છીએ? ચાલો થોડી સમય સાથે અને થોડી જાત સાથે વાત કરીએ

એક વાર સમય વિશે વિચારતી વખતે સમયને પૂછવાનું મન થયું. એ સમય, શું તારી પાસે સમય છે? સમયે કહ્યું ‘છે અને નથી પણ!’ ત્યાર બાદ સમયે મને પૂછ્યું, ‘તારી પાસે સમય છે?’ મારી બોલતી બંધ થઈ ગઈ. આપણે કહેતા હોઈએ છીએ કે સમય ખર્ચાઈ કે ખતમ થઈ રહ્યો છે. વાસ્તવમાં આપણે ખર્ચાઈ કે ખતમ થઈ રહ્યા હોઈએ છીએ. કહેવાય છે સમય પસાર થઈ રહ્યો છે, ખરેખર તો આપણે પસાર થઈ રહ્યા હોઈએ છીએ.

જીવનમાં ઘણી વાર અથવા ક્યારેક એવો સમય આવે છે જે આપણને એટલો પ્રિય લાગવા માંડે છે કે એ સમયને સ્ટૅચ્યુ કહેવાનું મન થઈ જાય છે, પરંતુ સમય ઊભો રહે ખરો? જેમ છે એમ સ્થિર થઈ જાય ખરો? એનો સ્વભાવ તો વહેતા રહેવાનો જ છે. ક્યારેક સમય એવો પણ આવે છે જેને સ્ટૅચ્યુ કહેવાને બદલે એ જલદી પસાર થઈ જાય તો સારું એવું મન થયા કરે. સમય ક્યારેક તો એવો કઠોર બનીને આવે છે કે એક પળ પણ સહન કરવી કઠિન બની જાય છે ત્યારે આપણે સમયને કહીએ છીએ, હવે આ પતે તો સારું, હવે આ કારમો સમય જાય તો સારું.

સમયનો મિજાજ સમજો

સમય વિશેની વાત કરતી વખતે બલરાજ સાહની, રાજકુમાર, સુનીલ દત્ત, શશી કપૂરની ફિલ્મ ‘વક્ત’ યાદ આવ્યા વિના રહે નહીં. એમાં પણ એનું લાઇફટાઇમનું ધારદાર ગીત ખાસ, ‘વક્ત કે દિન ઔર રાત, વક્ત કે કલ ઔર આજ, વક્ત કી હર શય ગુલામ, વક્ત કા હર શય પે રાજ...’ આમાં જ એક પંક્તિ ચેતવણી આપે છે અને કહે છે, ‘આદમી કો ચાહિયે વક્ત સે ડર કર જિયે, જાને કૌન કિસ ઘડી, વક્ત કા બદલે મિજાજ...’ સમયના અનેક મિજાજ હોય છે જે ક્યારે કોને માટે કેવો બદલાય એ સદા રહસ્ય બની રહે છે. ‘વક્ત’ ફિલ્મનું જ બીજું ગીત પણ સમય વિશે કહે છે, ‘આગે ભી જાને ના તૂ, પીછે ભી જાને ના તૂ, જો ભી હૈ બસ યહી ઇક પલ હૈ...’

સમયની ધીમી અને ઝડપી ગતિ

સુખ અને આનંદ હોય ત્યારે સમય બહુ ઝડપથી પસાર થતો હોય એવું લાગે છે, જ્યારે દુઃખ યા વિષાદમાં સમય જાણે આગળ વધતો ન હોય એમ લાગ્યા કરે છે. સુખના માહોલમાં રહેતા લોકો કહે છે, ‘સમય તૂ ધીરે ધીરે ચલ, સારી દુનિયા છોડ કે પીછે, આગે જાઉં નિકલ, મૈં તો આગે જાઉં નિકલ...’ સમય માટે એક અદ્ભુત વાત એવી પણ કહેવાઈ છે કે ‘આનેવાલા પલ જાનેવાલા હૈ, હો સકે તો ઇસ મેં જિંદગી બિતા લો, પલ યે જો જાનેવાલા હૈ...’ કેટલું સનાતન સત્ય છે. દરેક આવતી પળ જવાની જ છે, કોઈ કાળે રોકાવાની નથી, જેથી સાર તો પળ-પળ જીવી લેવામાં જ ગણાય, પરંતુ પળ-પળ ક્યાં જીવી શકાય છે? આપણે તો વર્ષોનાં પ્લાનિંગ કરતા રહીએ છીએ, સારા ભવિષ્યની આશા કે તૈયારીમાં સારો-સંપૂર્ણ વર્તમાન જવા દઈએ છીએ. વાસ્તવમાં સમય કોઈને પણ માટે રોકાતો નથી, રોકાઈ જવું કે ઊભા રહી જવું યા સ્થિર થઈ જવું એ સમયની ફિતરત નથી અને પ્રકૃતિ પણ નથી.

સમયના અભાવની ફરિયાદ 

સમયને આપણે સમજીએ છીએ ખરા? સમયને આપણે કઈ રીતે મૂલવીએ છીએ? આપણે સમયનો ઉપયોગ ક્યાં અને કેટલો કરીએ છીએ એ વિશે વિચારીએ છીએ ખરા? મોટા ભાગે આપણે આપણી પાસે સમય નથી એવી કાયમ ફરિયાદ કરતા હોઈએ છીએ. જ્યારે ઈશ્વરે અને પ્રકૃતિએ દરેક માનવીને સરખો સમય આપ્યો છે. દરેક માટે દિવસ અને રાત મળીને ૨૪ કલાકના જ હોય છે. સમયનું માપ કઈ રીતે થઈ શકે? ખરેખર તો સમયના અભાવની ફરિયાદ કરવા કરતાં સમયનું આયોજન મહત્ત્વની બાબત છે. જેને અત્યાધુનિક ભાષામાં ટાઇમ મૅનેજમેન્ટ અથવા ટાઇમ પ્લાનિંગ કહે છે, પણ હા દોસ્તો, જિંદગી પ્લાનિંગથી ચાલતી નથી. તો સમયનું પ્લાનિંગ ભલે આપણે કરીએ, સમય પણ પોતાનું પ્લાનિંગ કરતું રહે છે અને આપણા પ્લાનિંગમાં કચાશ કે ભૂલો થઈ શકે, પરંતુ સમય પોતાના પ્લાનિંગ મુજબ જ ચાલે છે. સમયને આપણે માન આપીએ, આદર આપીએ, એના મૂલ્યને સમજીએ તો સમય પણ આપણું ધ્યાન રાખે છે. હવે આપણે દરેક જણ પોતપોતાના સમય વિશે વિચારીએ. કોણ કેટલા વાગ્યે શું કરે છે, કેટલાં કામ કરે છે, કેવાં કામ કરે છે? કોણ કેટલા વાગ્યે જાગે અને સૂએ છે, કોણ સમયનો ઉપયોગ, સદુપયોગ કે દુરુપયોગ કરે છે? આ બધા મુદ્દાને જનરલાઇઝ ન કરી શકાય, કારણ કે એકેક વ્યક્તિનો સમય સાથે પોતાનો અલગ નાતો હોય છે. નવું વર્ષ શરૂ થઈ ગયું છે, નવા વર્ષે સમયના સદુપયોગ વિશે વધુ નવું વિચારીએ અને અમલમાં પણ મૂકીએ એમાં જ સમયની અને આપણી પણ સાર્થકતા રહેશે. આ નવા સમય સાથે આપ સૌને નવા વર્ષની શુભકામના.

સમય શિક્ષક, સમય ઈશ્વર પણ

સમયને સમજવો હોય તો આપણે ભૂતકાળમાં જઈને જોવું જોઈએ, ક્યાં અને કઈ રીતે ગયો આપણો સમય? શું કર્યું? કઈ રીતે કર્યું, શા માટે કર્યું? જો એમાંથી બોધ લેવાની સમજ આવી જાય તો ભવિષ્ય માટે સમયનું સુંદર આયોજન થઈ શકે અને વર્તમાનમાં સમયને માણવાનું શીખી શકીએ. આપણને ઘણી વાર આપણા વીતેલા સમયમાંથી જ ઘણું શીખવા મળતું હોય છે. સમયને સૌથી મોટો શિક્ષક પણ કહેવો જોઈએ. સમયને સમજવામાં જ જીવનની સફળતા અને સાર્થકતા છે. સમય જ ઈશ્વર છે એમ કહેવાનું મન થાય, કારણ કે એ જ એક શાશ્વત છે, જે દેખાતો નથી તેમ છતાં એ છે. જેનો આકાર નથી, જેનું નામ નથી, જેનું કોઈ સ્વરૂપ નથી. જે આપણા અને જગત પહેલાં પણ હતો અને આપણે તેમ જ જગત ક્યારેક નહીં હોય ત્યારે પણ રહેશે.

columnists