ભાઈની બેની લાડકી

14 August, 2019 11:49 AM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

ભાઈની બેની લાડકી

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

સંબંધોનાં બંધનો ગમતીલાં હોય તો એ હંમેશાં વહાલાં જ લાગે છે. લોહીના સંબંધો ઈશ્વરની કૃપાથી મળે છે અને બાકીના સંબંધો આપણા પ્રયત્નોથી બંધાય છે. દરેક સંબંધના મૂળમાં લાગણીનો ભાવ રહેલો હોય તો ગમે તેવા ઝંઝાવાત પછી પણ સંબંધ અડીખમ ઊભો હોય છે.

સૌથી નટખટ અને તોફાની સંબંધ જો કોઈ હોય તો એ છે ભાઈ-બહેનનો સંબંધ. લડતાં-ઝઘડતાં સાથે મોટાં થયાં હોય. રમકડાં, સાઇકલની આપ-લેમાં કેટકેટલી ફરિયાદો થઈ હોય. મનનું ધાર્યું ન થતાં ક્યારેક ધક્કો માર્યો હોય તો ક્યારેક લપડાક લગાવી દીધી હોય. વળી ભેગાં થઈ મનગમતી રમત રમવાની મજા માણી હોય. એકબીજાના જન્મદિવસ પર મીણબત્તી ઓલવવાનું કામ હકથી કર્યું હોય. એકબીજાની બુકમાં પેન્સિલથી લીટોડા કરવાનું તોફાન કર્યું હોય. ગાદલા પર સાથે મળી કૂદાકૂદ કરી હોય. પાણીની બૉટલ અને નાસ્તાના ડબ્બાની ખેંચતાણ થઈ હોય. સાથે મળી છુપાઈને ચૉકલેટ ખવાઈ હોય.

આહાહા! કેવા મજાના દિવસો! બાળપણનો જલસો જ નોખો છે. કોણ આપણને પ્રેમ કરે છે, કોણ આપણને મિસ કરે છે, કોણે મેસેજનો રિપ્લાય કર્યો એની કોઈ માથાકૂટ નહીં. બાળક તેની મસ્તીમાં મસ્ત હોય છે.

ભાઈ નાનો હોય અને બહેન મોટી હોય તો હુકમ જરૂર ચલાવે છે. ભાઈને ખિજાય છે. મમ્મીને કહી દઈશ એવી ધાકધમકી આપે છે. અને નાનો ભાઈ વળી બહેનની ધાકધમકીથી ક્યારેક ડરીને બેસી જાય છે તો ક્યારેક બળવો પોકારે છે. બહેન ભાઈને વાર્તા કહેતાં-કહેતાં વહાલથી જમાડવાનું કામ પણ કરે. તોય મોટી બહેનની બુક ફાડવાનું કારસ્તાન નાના ભાઈએ કરી જ લીધું હોય. બહેનને હેરાન કરવાની એકે તક ન ગુમાવનાર નાનો ભાઈ મોટા થતાં તેની બહેન માટે એટલો જ પ્રોટેિક્ટવ બની જાય છે.

ભાઈ મોટો હોય અને બહેન નાની હોય તો ભાઈ પહેલેથી જ પ્રોટેિક્ટવ હોય છે. બહેનને ઝૂલો ઝુલાવવાથી લઈને ગાર્ડનમાં રમાડવા લઈ જવાની સુધીની જવાબદારી સહજતાથી નિભાવે છે. બહેનને લાડ લડાવે. એક જ ઘરમાં સાથે ઊછરતાં ભાઈ-બહેન કેટકેટલું શૅર કરતાં શીખે છે. પ્રોટેિક્ટવ બનતાં શીખે છે. જતું કરતાં શીખે છે. અને ખાસ તો લાગણીથી જોડાય છે.

જે સંબંધ દિલથી જોડાયેલો હોય છે એ પૂરો નહીં પણ સંપૂર્ણ થાય છે. ભાઈ-બહેનનો સંબંધ મોટા થયા પછી નાનામોટા ઝઘડાને લીધે પૂરો થઈ ગયો એવા કિસ્સાઓ પણ છે. બન્ને વચ્ચે થયેલા અબોલામાં કોણ પહેલ કરે અથવા તો હું શું કામ બોલાવું તેને? એવો અહંકાર સંબંધમાં અંતર વધારી દે છે. અને ભાઈ-બહેનના સંબંધની મીઠાશમાં કડવાશ ઉમેરાતી જાય છે. બાળપણમાં સારું હતું ગમેતેટલા અબોલા પછી ભાઈ-બહેન ભેળાં ને ભેળાં હોય. તેમની વચ્ચે બુચ્ચા થઈ જ ગઈ હોય.

સંબંધ કોઈ પણ હોય આપણે પ્રેમ, હૂંફ, ઓનેસ્ટી, લાગણી શોધતા હોઈએ છીએ. અને સમજદાર થયા પછી આપણો અહંકાર સમજદારી પર પાણી ફેરવી દે છે. ભાઈ-બહેન પોતપોતાની લાઇફમાં સેટલ થઈ ગયાં હોય અને સાળો-બનેવી મળી કોઈ બિઝનેસ કરે. અને જો એમાં લૉસ જાય તો એને કારણે ભાઈ-બહેનના સંબંધમાં તિરાડ પડે છે. બહેન પર તેના વર અને ભાઈ બન્નેને સંભાળવાનું, સમજાવવાનું પ્રેશર હોય છે. અને ઘણી વાર તો સંબંધો એટલા ખરાબ થઈ જાય કે બોલવા વ્યવહાર પણ ન રહે. એટલે જ શાણા લોકો કહે છે કે અંદરો અંદર પૈસાનો વ્યવહાર પાડવો નહીં. જોકે અંદરો અંદર એકબીજાને મદદ કરી સેટલ કરવાના કિસ્સાઓ પણ છે જ. બહેન ફૉરેન સેટલ હોય તો ભાઈને ત્યાં બોલાવી સેટલ કરી દે. ભાઈ ત્યાં હોય તો બહેનને બોલાવી લે. પરિવારમાં જ્યારે એક વ્યક્તિનો ગ્રોથ થતો હોય અને એ વ્યક્તિ બીજાનો હાથ ઝાલે ત્યારે આખા પરિવારનો ગ્રોથ થતો હોય છે.

લોહીનો સંબંધ ન હોય એવા અજાણ્યા સંબંધમાં પણ ઘણી વાર એક આત્મીયતા બંધાય છે અને પછી રાખડી વ્યવહાર શરૂ થાય છે. રક્ષાબંધન પર ભાઈ દ્વારા બહેનને અપાતી ભેટ વ્યવહાર નહીં પણ વહાલ હોય છે.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

ભાઈ-બહેનના સંબંધને માત્ર રક્ષાબંધન પર યાદ નથી કરવાના. એ તો રોજરોજ ધબકવા જોઈએ. એમાંથી અહંકારની, ફરિયાદની બાદબાકી થઈ જવી જોઈએ. અબોલા હોય તો સંબંધ બોલતો થઈ જવો જોઈએ. આ દિવસે તો ખાસ કહેવું જોઈએ કુછ મીઠા હો જાએ!

Sejal Ponda columnists