શું તમારો થોડો ટાઇમ આપશો?

30 May, 2019 11:29 AM IST  |  | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

શું તમારો થોડો ટાઇમ આપશો?

તમારો સમય આપશો?

હવેના સમયમાં જે જુઓ તે બિઝી છે, દરેકનો સમય દોડતા શહેરની જેમ દોડી રહ્યો છે. દિવસો, મહિનાઓ અને વરસો પણ દોડી કે ઊડી રહ્યાં છે. કોઈની પાસે સમય નથી એવો માહોલ બની રહ્યો છે. શા માટે? કઈ રીતે, કોણ લઈ ગયું આપણો સમય? કયાં ખોવાઈ ગયો સમય? જરા સમય કાઢીને આ વિશે વિચારીએ, અન્યથા ભવિષ્યમાં પસ્તાવા માટે તૈયાર રહેવું પડશે

સોશ્યલ સાયન્સ

આપણે બૅન્ક પાસેથી અથવા ખાનગી કંપનીઓ કે શાહુકારો પાસેથી નાણાંની લોન લેવા વિશે જાણીએ છીએ, પણ શું કોઈની પાસેથી નાણાં લોનમાં લેવાને બદલે સમયની લોન લેવાનું વિચાર્યું છે? આવી કોઈ કલ્પના પણ કરી છે? શું તમને સમય લોનસ્વરૂપે મળતો હોય તો તમે લો ખરા? અથવા સમયને લોન તરીકે બીજાને આપવો હોય તો આપો ખરા? જરા નવાઈ લાગીને! જોકે આ કલ્પના પરથી હૉલીવુડમાં ‘ઇન ટાઇમ’ નામની એક મજેદાર ફિલ્મ બની હતી, જેમાં ટાઇમ જ કરન્સી છે. આ ફિલ્મમાં ગરીબ માણસો પોતાના જીવનનો સમય બૅન્કમાં નાણાંની જેમ જમા કરાવતા હોય છે અને અમીર માણસો સમય ખરીદતા હોય છે. નોકરી-ધંધા પણ નાણાંની લેવડ-દેવડથી નહી, બલકે સમયની લેવડ-દેવડથી થાય છે. આમ રીતસરના અમીર લોકો જેમને જીવનને માણવા વધુ સમયની જરૂર છે તેઓ ગરીબ-મજબૂર માણસો પાસેથી સમય ખરીદી લેતા અને પોતાનું આયુષ્ય વધારી દેતા, લોકોના હાથમાં ટાઇમ મશીન રહેતું, જે ચોક્કસ પદ્ધતિથી સમયને બીજા માણસમાં ટ્રાન્સફર કરી શકતું યા બીજા પાસેથી સમયને લઈ શકતું. લૂંટારાઓ તરફથી લૂંટ પણ સમયની થતી, કારણ કે સમય જ કરન્સી છે આ ફિલ્મમાં. આ તો ફિલ્મ અને ફિક્શનની વાત છે, પરંતુ આજે સમયની જે બોલબાલા અને સમયની જે અછત છે તે જોતાં ભવિષ્યમાં સમયનું શું થશે એના વિશે કલ્પના કરવી મુશ્કેલ છે.

આપણે ઘણી વાર કોઈને કહેતા હોઈએ છીએ કે તમારી પાસે થોડો સમય છે? તમે મને થોડો સમય આપશો? તમને ક્યારે સમય છે, મારે તમને વાત કરવી છે, મારે મળવું છે આવું પણ એકબીજાને લોકો કહેતા-સાંભળતા હોય છે. લોકો તો છોડો, સગાં-સંબંધીઓમાં પણ આવી વાતચીત કૉમન થતી જાય છે. હદની બાબત તો એ થઈ રહી છે કે હવેના સમયમાં મા-બાપ સંતાનો પાસે અને ક્યાંક સંતાનો માતા-પિતા પાસે સમય માગે છે.

હાલ તો સમય જ એવો આવ્યો છે કે દિવસ અને રાત બન્ને મળીને ૨૪ કલાક જેમ છે તેમ જ હોવા છતાં કોઈની પાસે સમય જાણે છે જ નહીં એવી લાગણી વધવા લાગી છે. ક્યાં ખોવાઈ ગયો આ સમય? અહીં તો ગરીબમાં ગરીબ માણસ પાસે પણ સમય નથી. એ પણ સતત વ્યસ્ત છે. અમીરનો સમય તો એટલો બધો વપરાય છે કે તેની પાસે તો સમયની સતત અછત રહે છે, ક્યાં જાય અને ક્યાં ન જાય? ક્યાં કેટલો સમય વાપરે, ક્યાં ન વાપરે? તેમણે તો ટાઇમટેબલ બનાવવું પડે છે. તેમ છતાં સમયની શૉર્ટેજ તો રહે જ છે. જોકે ભગવાને તો ગરીબ અને અમીર બન્નેને ૨૪ કલાક એટલે કે સમાન સમય આપ્યો છે. સારો સમય અને બૂરો સમય માણસની સ્થિતિ પરથી નક્કી થઈ શકે.

કોણ લઈ જાય છે આપણો સમય?

દિવસ તો શું મહિનો અને વરસ પણ ક્યાં પૂરાં થઈ જાય છે, ખબર જ પડતી નથી. લોકોની પાસે સમય નથી, એટલે એકબીજાને મળવા જવાનું ટાળે છે. હવે તો મહત્તમ સમય મોબાઇલ માર્ગે સોશ્યલ મીડિયાએ લઈ લીધો હોવાથી સોશ્યલ લોકો પણ ખરેખર તો ઍન્ટિ-સોશ્યલ બનતા જાય છે. આમાં એક સૌથી મોટું પરિબળ શહેરનું માળખું અને સંસ્કૃતિ પણ બની જાય છે. જ્યાં અંગત રીતે કોઈને મળવા જવાનું વિચારો કે પહેલો સવાલ એ જાગે, ટ્રાફિકમાં અટવાઈ તો નહીં જઈએને? કેટલા કલાક લાગશે? દસથી ત્રીસ મિનિટના કામ માટે લોકોના આવવા-જવાના ત્રણથી ચાર કલાક વપરાતા હોય એ હવે તો સાધારણ માણસને પણ પોસાતું નથી. શારીરિક ત્રાસની સાથે માનસિક ત્રાસ હવે લોકોને વધુ ભારે લાગે છે. બર્થડે ની શુભેચ્છા, ઍનિવર્સરી ડેની શુભકામના અને અવસાનનું ઓમ શાંતિ હવે વૉટ્સઍપ મારફત પળવારમાં પહોંચી જાય છે.

સમય ખોવાયો છે, લાવી આપો છો કોઈ?

સમયને તમારી સાથે રહેવું છે, પણ તમે એને દૂર ધકેલી રહ્યા છો, સમયને દોષ આપવો ન જોઈએ, દોષ આપણો છે, જે પોતે ખોવાઈ ગયા છે અને વાંક સમયનો કાઢે છે. તમે જ જુઓ, કોને તમે વધુ સમય આપો છો? શા માટે આપો છો? એ આપીને શું તમે પામો છો અને શું ગુમાવો છો? એ આપવાથી તમારા જીવનમાં શું ફરક પડે છે? જ્ઞાનીઓ હંમેશાં કહેતા હોય છે કે સમય ઓછો કે વધારે હોતો નથી, હોઈ શકે પણ નહીં. આપણે સમયનું આયોજન કરવું પડે, જે આપણે કરતા નથી. આપણે સમયને આડેધડ વેડફી નાખીએ છીએ અને પછી સમય નથીની બુમરાણ મચાવીએ છીએ. જોકે ઘણી વાર સમયનું આયોજન ઇચ્છા હોય તો પણ થઈ શકતું નથી. સમય કયારેક એવા આંચકા આપે છે, આઘાત પણ આપે છે અને ક્યારેક આનંદ પણ આપે છે. વાસ્તવમાં સમયને આપણે ગુમાવી બેઠાં છીએ, એક કૃત્રિમ દુનિયામાં ડૂબી જઈને. હવે એ દુનિયાની જાળમાં ફસાઈ ગયા એટલે સમય ખોવાઈ ગયાની ફરિયાદ કરીએ છીએ. જેમ આપણું પરિવારજન ખોવાઈ ગયું હોય અને આપણે જાહેરખબર આપીએ ગુમ થયા છે, કોઈ પણ વ્યક્તિ જાણ કરશે તેને ઇનામ અપાશે. અથવા એમ લખીએ રિસાઈને ચાલ્યા ગયા છે, જે શોધી આપે તેને ઈનામ આપીશું એવું કહેવા ઉપરાંત રિસાઈને ચાલી ગયેલી વ્યક્તિને એમ પણ કહીએ કે જ્યાં હો ત્યાંથી પાછા આવી જાવ, તમને કોઈ કંઈ બોલશે નહીં. બધાં બહુ ચિંતા કરે છે અને યાદ કરે છે. સમય માટે આપણે આવું કહીએ તો શું એ પાછો આવી જશે? નહીં આવે, કારણ કે સમય ખોવાયો કે ચાલ્યો ગયો નથી, આપણે જ તેને દૂર કરી બેઠા છીએ, તેની ઉપેક્ષા કરતા રહ્યા છીએ. એ તો હજી પણ સામે ઊભો છે, સમજો તો ઇશારા કાફી!

આ પણ વાંચો : મનોરંજન અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કંઈ પણ ચાલે?

મનને પણ પોતાના માટે સમય જોઈએ છે, કેમ કે

વાસ્તવમાં શરીરની મૂવમેન્ટને બદલે આપણા મનની મૂવમેન્ટ એટલી બધી વધી ગઈ છે કે મન પાસે સમય નથી, મન સતત કામોમાં, વિચારોમાં, દોડાદોડમાં, કંઈ ને કંઈ પામી લેવામાં અને સતત પામતાં રહેવાની લાહ્યમાં વ્યસ્ત રહે છે. મન સંતોષ નામના સાથીને ખોઈ બેઠું છે, મન શાંતિ નામની મિત્રને ગુમાવી બેઠું છે. મન ઇચ્છાઓથી ભરચક થતું રહ્યું છે. દિલ માગે મોર ઍન્ડ મોરમાં મન ડૂબી ગયું છે. મન હરીફાઈમાં અને દેખાદેખીમાં ઓતપ્રોત થઈ ગયું છે. મન સતત ઉદ્વેગ સાથે એટલું બધું અશાંત થઈ ગયું છે કે લોકોએ પોતાના મનને લઈને સાઇકિયાટ્રિસ્ટ કે સાઇકોલોજિસ્ટ પાસે જવું પડે છે. લોકોને સતત મેડિટેશન (ધ્યાન) કરવાની સલાહ અપાય છે. તેથી જ યોગાની બોલબાલા સતત વધી રહી છે. મન સતત બીજાં અથવા અર્થહીન કામોમાં ખોવાઈને થાકી રહ્યું છે, જેથી મન પણ હવે પોતાના માટે સમય માગવા લાગ્યું છે, કારણ કે તે બધાંનાં મન રાખવા જાય છે, પરંતુ પોતાને સાચવવાનું ચૂકી જાય છે, જેથી બીમાર પડી રહ્યું છે, પરિણામે મનના ડૉક્ટરોની માગ પણ સતત વધી રહી છે. આપણે દરેકે પોતે વિચારવાનું છે કે આપણો સમય ક્યાં જાય છે, કેટલો જાય છે, અને કેટલો ક્યાં જવો જઈએ? સમયનો સાચો સાથ જોઈતો હોય તો સમયને આરામ અને શાંતિ આપવાં જરૂરી છે. સમયની કદર કરતાં અને સમયને માન આપતાં શીખવું પડશે.

columnists