આપણી ભીતર ચોર છે કે ચોકીદાર? એ નક્કી કોણ કરશે?

28 March, 2019 11:44 AM IST  |  | જયેશ ચિતલિયા

આપણી ભીતર ચોર છે કે ચોકીદાર? એ નક્કી કોણ કરશે?

મેં ભી ચોકીદાર

સોશ્યલ સાયન્સ

આજકાલ દેશભરમાં ચોકીદાર શબ્દ એક આગવો અર્થ બનીને ફેલાઈ રહ્યો છે. આ શબ્દ અને અર્થમાં ઊંડા ઊતરીએ તો એ સારો અને સચોટ પણ છે, કિંતુ હાલ તેને રાજકીય રંગ લાગી જતાં કે પછી રાજકીય રંગમાં તેને રંગી દેવામાં આવતાં તેના અર્થ કરતાં કટાક્ષ વધવા લાગ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇન કરેલા આ શબ્દ ચોકીદાર સામે વિરોધ પક્ષોએ ચોકીદારને ચોર ગણાવતાં આક્ષેપો કરવાનું શરૂ કરતા આ ચોકીદાર શબ્દને વધુ મહત્વ મળી રહ્યું છે, આ મહત્વ એટલી હદ સુધી વધવા લાગ્યું છે કે આ શબ્દ ચૂંટણી પર છવાઈને તેના પરિણામમાં કોઈ ચોક્કસ ભૂમિકા ભજવે તોય નવાઈ નહીં. જોકે આપણે આ શબ્દને લઈ રાજકારણની કે ચૂંટણીની વાત કે ચર્ચા કરવી નથી. બલકે ચોકીદારના સાચા અર્થ સમજવાની કોશિશ કરવી છે,ારણ કે આપણી સૌની ભીતર પણ એક ચોકીદાર બેઠો જ હોય છે અને ચોર પણ બેઠો હોય છે.

રાજકીય ચોર કે ચોકીદાર

આપણે આપણામાં રહેલા ચોર અને ચોકીદારને ઓળખવાનો-સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આ માટે આપણે આપણી જાતને ચોક્કસ કરવા જોઈએ. આપણે પણ ચોકીદાર, હમ ભી ચોકીદાર એવી રાજકીય ઝુંબેશ પ્લસ સામાજિક ઝુંબેશ ચાલી રહી છે ત્યારે સૌપ્રથમ આપણે રાજકીય ચોર અને ચોકીદારને સમજીએ. શું આપણી અંદર રહેલો ચોકીદાર ખરેખર પ્રામાણિક છે? કે પછી પ્રામાણિક હોવાનું રાજકારણ રમે છે? યાદ રહે, આપણી ભીતર જાણતા-અજાણતા પણ એક રાજકારણી હોય છે, જે પોતાના સ્વાર્થ માટે સ્વરૂપ, ભાવ, દેખાવ અને શબ્દો બદલી છેતરતો રહે છે. તે રાજકીય ચોર દરેક વ્યવહારમાં - સંબંધોમાં પણ રાજકારણ વધુ ગોઠવતો રહે છે. સાચું કે નહીં? પૂછો તમારા ભીતરના ખરા ચોકીદારને!

સામાજિક ચોર કે ચોકીદાર

હવે આપણા સામાજિક ચોરની વાત કરીએ. સમાજમાં સારા દેખાવું (સારા બનવું કો હોવું એ જુદી વાત છે) એ આપણો મૂળભૂત સ્વભાવ હોય છે. આપણાં વખાણ થાય, આપણા અહંકારને સતત પંપાળ મળે, આપણું ઊંચું માન-સ્થાન રહે એવી ઝંખના આપણને સતત યા કાયમ હોય છે. પાપ કર્યા બાદ કથિત પુણ્ય કરવા દાન-ધર્મ કરીએ, ગરીબોને સહાય કરીએ, મંદિરોમાં જઈએ. કરચોરી, કાળાં નાણાં, કરપ્શન, કાળાં બજાર, શોષણ, છેતરપિંડી વગેરે સમાન કાળાં કામ કર્યાં કરીએ છતાં ઊજળા દેખાવું હોવાથી એક મોભો ઊભો કરીએ, એવો માહોલ બનાવીએ કે આ બધાં કાળાં કામ ઢંકાઈ જાય. ઘરના કે ઑફિસના નોકરને જરા પણ પગાર વધારવા માટે વાંધા કાઢીએ, કિંતુ પોતાના નામની તકતી લાગે એ માટે જાહેરમાં દાન કરીએ. આસપાસના માણસોનું શોષણ કરીએ અને પોતાને અવૉર્ડ મળે એ માટે સમાજમાં સુફિયાણી વાતો કરીએ. માતા-પિતા કે ભાઈ-બહેનની યોગ્ય કાળજી લેવાનું બાજુએ મૂકી ધર્મશાળા કે વૃદ્ધાશ્રમ બનાવીએ. કેવા-કેવા આપણા વિરાધાભાસ!

ધાર્મિક ચોર કે ચોકીદાર

આપણામાંના ધાર્મિક ચોરને પણ ઓળખવો જોઈએ, જે આપણને ધર્મના નામે એવો ઢાંકી દે છે કે બીજાઓને તો દેખાતો નથી જ, કિંતુ ખુદને પણ નજરે પડતો નથી, કેમ કે આપણે પોતે એવા આભાસમાં યા ભ્રમમાં જીવવા લાગીએ છીએ કે આપણે તો ધાર્મિક છીએ, આપણી ધાર્મિકતાની વ્યાખ્યા શું હોય છે? રોજ મંદિરે કે દેરાસરે જવું, પંડિતો, પુરોહિતો, બાબા-બાપુઓ, મહારાજોનાં પ્રવચન સાંભળવા, ક્રિયાકાંડ કરવા, યજ્ઞ કરવા, પૂજા રાખવી, કથાનું આયોજન કરવું, યાત્રાસ્થળે જવું, પોથીઓ પધરાવવી, શાસ્ત્રો વાંચવા કે સાંભળવા વગેરે. આપણામાં રહેલા આ ચોરને આપણો ચોકીદારે બરાબર ઓળખતો હોય છે, પણ શું કરે મજબૂત હોય છે, પોતાના માલિકને કઈ રીતે ખુલ્લો પાડી દેવો એવો સવાલ તેને પણ થાય છે.

આધ્યાત્મિક ચોર કે ચોકીદાર

આવો જ એક ચોર આપણી ભીતર આધ્યાત્મિક સ્વરૂપે પણ હોઈ શકે. જે આપણને ફિલોસૉફી-આધ્યાત્મિક વિચારોમાં રાખીને જાણે આપણે ખરેખર અધ્યાત્મ તરફ જઈ રહ્યા હોઈએ એવા ભ્રમમાં પણ રાખી શકે છે. આપણે જ્યારે સારા વિચારો કરીએ છીએ યા આપણને સારા વિચારો આવે છે ત્યારે આપણે એ માત્ર વિચારોથી જ એટલા પ્રભાવિત થઈ જઈએ છીએ કે જાણે આપણે વાસ્તવમાં સારા થઈ ગયા છીએ. જ્યારે કે સારા વિચારો પણ જ્યાં સુધી અમલમાં કે જીવનમાં ઊતરતા નથી ત્યાં સુધી તેનું ખાસ કોઈ મૂલ્ય નથી.

રાજા હો યા રંક, સબ હૈ ચોકીદાર

અમુક વરસ પહેલાં એક ફિલ્મ આવી હતી, જેનું નામ ચોકીદાર હતું, આ ફિલ્મમાં કલાકાર ઓમપ્રકાશ એક ચોકીદારની ભૂમિકા ભજવે છે, જેના મુખે એક ગીત મુકાયું હતું, આ ગીતના શબ્દો આજે પણ રિલેવન્ટ છે, યે દુનિયા નહીં જાગીર કિસીકી, રાજા હો યા રંક યહાં પર, સબ હૈ ચોકીદાર, કુછ તો આકર ચલે ગયે, કુછ જાને કો તૈયાર, ખબરદાર! ખબરદાર!

આ ગીત બધાને ચોકીદાર કહે છે અને બધાને ખબરદાર પણ કહે છે. રાજા હોય કે રંક, દરેક જણ ચોકીદાર છે, કેમ કે અહીં કોઈ કાયમ રહેતું નથી, અહીંથી કોઈ કંઈ લઈ જતું નથી - લઈ જઈ શકતું નથી... જે આવે છે તે જાય છે. જગત-સંસારનું ચક્ર આમ જ ચાલ્યા કરે છે. હવે આ શબ્દોને આપણે રાજકીય, સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક સહિત કોઈ પણ અર્થમાં જોઈએ-મૂલવીએ તેનો સાર એ જ છે કે કોઈ જ કાયમ નથી અને કંઈ જ કાયમ નથી.

આપણી ભીતર રામ અને રાવણ બન્ને હોઈ શકે છે, આપણે કોને બહાર લાવીએ કે પ્રગટ કરીએ છીએ એ આપણા કર્મ અને પરિણામ પરથી સ્પક્ટ થાય છે. એક સત્ય સનાતન છે, સૌથી મોટો અને સાચો ચોકીદાર આપણો આત્મા છે, જે સતત ભીતર રહે છે અને કંઈ પણ ખોટું કરો યા ખોટું વિચારો તો પણ ખબરદાર કરી જગાડ્યા કરે છે. આપણી અંદર તે સજાગ અને સત્ય બની રહે ત્યારે અને ત્યાં સુધી આપણે ચોકીદાર. કોઈ આપણને શું સમજે કે કહે છે એ પછી ગૌણ બની જાય છે.

આ પણ વાંચો : બીજા પર નિયંત્રણ કરવાનું છોડી દઈએ

આપણે કોની રક્ષા કરીએ છીએ?

સવાલ માત્ર આ ગીતનો નથી. ચોકીદારને બીજા પરિપ્રેક્ષ્યમાં પણ જોઈ શકાય. આપણે જો ખરેખર આપણને ચોકીદાર ગણતા હોઈએ તો, આપણે કોની રક્ષા કરીએ છીએ? શું કામ કરીએ છીએ? કઈ રીતે અને કયા ઉદૃશે સાથે કરીએ છીએ? આપણે દેશની રક્ષા કરીએ છીએ? યાદ રહે, દેશની રક્ષા કરવી એટલે માત્ર સરહદ પર સૈનિક બનવાની જ વાત નથી. દેશના હિતની રક્ષા અનેક રીતે થઈ શકે છે. દેશનું વિવિધ સ્વરૂપે અહિત થતું હોય તો એમાં આપણે ભાગીદાર તો બનતા નથી ને? એ જાણી-સમજી લેવું જોઈએ. રસ્તા પર કચરો ફેંકવો એ પણ દેશને ગંદો કરી નુકસાન પહોંચાડવા જેવું કામ છે. કરપ્શન-કરચોરી પણ દેશને નુકસાન કરતું કાર્ય છે. ખોખલી ધાર્મિકતા-આધ્યાત્મિકતાના માર્ગે કે તેના નામે અંધશ્રદ્ધા ફેલાવવી, ખોટાં કામ કરવા, લોકોને ગેરમાર્ગે દોરવું એ પણ દેશ વિરુદ્ધની જ પ્રવૃત્તિ ગણાય. રાજકારણમાં પ્રવેશવું અને સાચા-પ્રામાણિક રહી કામ કરવું એ એક વાત છે અને આ ક્ષેત્રમાં પ્રવેશી તેની સત્તાનો સતત ગેરલાભ ઉઠાવતાં રહેવું, દેશને બદનામ કરતા રહેવું, ખોટાં કામો, અન્યાય, અનીતિ અને લોકહિતના નામે લોકોને છેતરતાં રહેવું એ પણ રાષ્ટ્ર વિરુદ્ધનું કાર્ય છે. સારાં અને સાચાં કાર્યો સામે સતત અવરોધ બનતાં રહેવું એ પણ રાષ્ટ્રહિતની વિરુદ્ધ ગણાય. અંગત સ્વાર્થ ખાતર દેશ સાથે કોઈ પણ પ્રકારની ગદ્દારી કરવી એ દેશદ્રોહનું જ કામ કહેવાય. આ અને આવા તમામ મુદ્દા ઉઠાવી જાતને જ પૂછવાનું રહે છે કે તે ચોર છે કે ચોકીદાર છે?

columnists