નકારાત્મકતામાં હકારાત્મક્તા શોધી લો

24 June, 2019 11:59 AM IST  |  મુંબઈ | ફાલ્ગુની જડિયા-ભટ્ટ - સોશ્યલ સાયન્સ

નકારાત્મકતામાં હકારાત્મક્તા શોધી લો

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

કેટલાક લોકોમાં ગજબની તાકાત હોય છે, નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ હકારાત્મકતા શોધી લેવાની. મારી ઓળખાણમાં એક સ્ત્રી છે. લવમૅરેજ હોવા છતાં તેના પતિએ તેને ગર્ભાવસ્થામાં છોડી કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધાં. આજે એકલે હાથે પોતાની દીકરીને મોટી કરી રહી હોવા છતાં તેને પોતાની સાથે આવું થયાનો કોઈ રંજ નથી. બલકે, તેનું બહુ દૃઢપણે માનવું છે કે પેલો માણસ ફક્ત એટલા માટે જ તેના જીવનમાં આવ્યો હતો કે એ તેને આ દીકરીના સ્વરૂપમાં ન ફક્ત માતૃત્વનું સુખ આપી શકે, પરંતુ સાથે જ જીવનભર તેની સાથે, તેની પડખે ઊભી રહી શકે તેવી સાચી ફ્રેન્ડ આપી શકે. આજે એ મા-દીકરી બંને રાતે એક જ તકિયા પર માથું મૂકી પોતપોતાને ગમતી નવલકથાઓ વાંચે છે, ફિલ્મો જોવા જાય છે અને ન ફક્ત ભારતમાં જ, પરંતુ વિદેશયાત્રાએ પણ જાય છે.

થોડા સમય પહેલાં આવી જ એક બીજી સ્ત્રીને મળવાનું થયું. તેણે પાળેલો કૂતરો તાજેતરમાં જ અકાળે મરી ગયો હતો. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે એ કૂતરો તેને પોતાના બાળકો કરતાં પણ વધારે વહાલો હતો. એ રોજ સવાર-સાંજ તેને જાતે વૉક પર લઈ જતી, પોતે જમે એ પહેલાં તેને જમાડતી, નવડાવતી, ડૉક્ટર પાસે લઈ જતી વગેરે. એ કૂતરાને જરાક શરદી પણ થઈ જતી તો રીતસરનો તેનો જીવ ગળે આવી જતો. આવો તેનો કૂતરો એક દિવસ ઘરનો દરવાજો ખુલ્લો જોતાં નીચે બગીચામાં ભાગી ગયો. દુર્ભાગ્યે એ જ દિવસે બગીચાના માળીએ ઝાડવાંમાં ખાતર નાખ્યું હતું. એ ઝાડવાંની વચ્ચે તેને કંઈ ખાવાનું મળી જતાં તેણે એ ખાઈ લીધું, જેની સાથે પેલું ખાતર પણ તેના શરીરમાં જતાં ત્યાં બગીચામાં જ તેનું અવસાન થઈ ગયું. પોતાના વહાલસોયા એ કૂતરાના નિધન પર પહેલાં તો એ રીતસરની ભાંગી પડી, પણ પછી તેને અહેસાસ થયો કે જે દિવસે તેના કૂતરાનું નિધન થયું હતું એ દિવસ તો અક્ષયતૃતીયાનો દિવસ હતો. તેથી હવે તે એમ માની પોતાનું મન મનાવે છે કે ચોક્કસ એ કૂતરો કોઈ બહુ ઊંચો જીવ હશે, અન્યથા આટલા સારા દિવસે તેનું અવસાન થાત નહીં.

આવા લોકોની હકારાત્મકતા જોઈ ખરેખર નવાઈ લાગે. શું તેઓ ક્યારેય હતાશ, નિરાશ કે નાસીપાસ થતા નહીં હોય? શું તેઓ કોઈ બીજી જ માટીના ઘડાયેલા હશે? કે પછી શું તેઓ ખુશ રહેવાનો માત્ર દેખાડો કરતા હોય છે? ખરેખર તો આમાંનું કશું જ હોતું નથી. તેઓ પણ મારા-તમારા જેવા સામાન્ય માણસો માત્ર જ હોય છે. ફરક માત્ર એટલો હોય છે કે જીવનના અનુભવો પરથી તેઓ એટલું સમજી ગયા હોય છે કે કોઈ પણ બાબતનો બહુ લાંબો સમય અફસોસ કે રંજ કર્યા કરવાનો કોઈ અર્થ નથી. જે થવાનું હોય છે એ તો થઈને જ રહે. તેથી બહેતર તો એ જ છે કે જે છે તેનો સ્વીકાર કરી લો અને તેમાંથી પોતાને ગમે, પોતાને ફાવે તેવું કંઈક સારું શોધી લો, જેથી કરીને એ અફસોસ કે રંજનો ભાર હળવો થઈ જાય.

આમ જોવા જઈએ તો આ કેટલી સામાન્ય બુદ્ધિની વાત છે, તેમ છતાં આપણામાંથી મોટા ભાગના એ કરી શકતા નથી. આપણને સુખ જોઈએ પણ છે, પરંતુ દુઃખને છોડવું પણ નથી. બહુ સીધોસાદો હિસાબ છે બૉસ. આપણે કોઈના રિસેપ્શનમાં જઈએ ત્યારે હવેના સમયમાં ત્યાં ઇન્ડિયનથી માંડી સાઉથ ઇન્ડિયન, કૉન્ટિનેન્ટલ, જૅપનીઝ, થાઈ વગેરે જેવાં દુનિયાભરનાં ક્યુઝિન ઉપલબ્ધ હોય છે. તેમ છતાં એ બધામાંથી આપણે એ જ ખાઈએ છીએ, જે આપણને ભાવે છે અથવા રુચે છે. બાકીની બધી વાનગીઓ ગમે તેટલી સ્વાદિષ્ટ હોવા છતાં આપણે તેને પડતી મૂકી જ દઈએ છીએ ને? તો પછી દુઃખ પણ ગમે તેટલું પીડાદાયક જ કેમ ન હોય, ગમે તેટલું આપણા હૃદયસોંસરવું ઊતરી કેમ ન ગયું હોય, તેને પડતું મૂકવા માટે એકાદ આવું રૂપકડું કારણ ઊભું કરી લેવામાં વાંધો શું છે યાર?

દુઃખ, તકલીફ, પીડા, વેદના, જે નામ આપો તે, એ એક જ બાબત એવી છે, જે આપણને બધાને જ એકબીજા સાથે જોડે છે. આપણે બધા જ જીવનમાં પડીએ છીએ, આથડીએ છીએ, ઊઠીએ છીએ અને આગળ વધીએ છીએ. તેનું જ નામ કદાચ જીવન છે. આ બધાના અંતે આપણા હાથમાં જે આવે છે તે જ એનો પદાર્થપાઠ હોય છે. આવામાં જ્યારે આપણે આપણી વેદના સાથે તેને છોડવાનું કોઈ આવું રૂપકડું કારણ શોધી કાઢીએ છીએ ત્યારે એ વેદના પણ આપણા માટે હરખનું કારણ બની જતી હોય છે. તેથી શોધીએ તો ભગવાન મળે એ કહેવતને દુઃખના સમયે સુખ શોધવામાં કામે લગાડી દેવી જોઈએ, કારણ જીવનની સુંદરતા કશુંક એવું કરવામાં છે, જે આપણને લાગે છે કે આપણા માટે શક્ય નથી.

હવે તમે કહેશો કે દુઃખના સમયે સુખને શોધવું કેવી રીતે? તો તેના બે રસ્તા છે. સકારાત્મક બની જવાનો અથવા હકારાત્મક બની જવાનો. સકારાત્મક બનવાનો અર્થ છે, જે કંઈ બન્યું છે કે બની રહ્યું છે તેની જવાબદારી સ્વીકારવાનો. મોટા ભાગની આપણી પીડા આપણી સાથે જે કંઈ થયું તેનો દોષનો ટોપલો બીજા પર ઢોળવામાંથી જન્મે છે. આપણને કાયમ એવું જ લાગે છે કે મેં તો કંઈ કર્યું જ નહીં, છતાં મારી સાથે આવું બન્યું, પરંતુ તાળી ક્યારેય એક હાથે વાગતી નથી. તેથી તમારી સાથે જે કંઈ થયું તેમાં ક્યાંક ને ક્યાંક તમારી પણ કંઈક ભૂલ થઈ હશે એવું સ્વીકારી લઈએ તો તેમાંથી બહાર નીકળવાના રસ્તા આપોઆપ સૂઝવા લાગે છે. આ સકારાત્મક બનવાનો પહેલો રસ્તો છે.

અલબત્ત, ક્યારેક ખરેખર એવું પણ બને છે કે તમે સાચે જ કંઈ કર્યું ન હોય, છતાં તમારે ભોગવવાનું આવે. દા.ત. તમે ગાડી પાર્કિંગ લૉટમાં બરાબર પાર્ક કરી હોવા છતાં કોઈ આવીને તેને ઠોકી જાય. આવા સમયે ગુસ્સો આવવો કે અકળામણ થવી સ્વાભાવિક છે, પરંતુ તેનાથી કોઈ ફાયદો થવાનો છે? નહીં ને? તો પછી બહેતર એ નથી કે મગજને શાંત અને સ્થિર રાખીને ગાડીને રિપેર કરવા આપી દેવી? કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય ત્યારે પણ તેના પર કેવી રીતે રીઍક્ટ કરવું એ ચોક્કસ આપણા હાથમાં હોય છે. મગજને સ્વસ્થ રાખી મુશ્કેલીઓમાંથી રસ્તા શોધવા એ સકારાત્મક બનવાનો બીજો રસ્તો છે.

આ પણ વાંચો : પ્રાયોરિટી અને પ્રાધાન્ય : ટોચ સાંકડી છે, એકનું અસ્તિત્વ અકબંધ રહેશે

આમ સકારાત્મકતા હકારાત્મકતા કરતાં વધુ મોટો અને સારો ગુણ છે, પરંતુ ઉપર જણાવ્યું તેવી પરિસ્થિતિઓમાં જ્યાં કશું જ કરવું શક્ય ન હોય ત્યાં પીડામાંથી બહાર નીકળવા એકાદ સારું, આપણને ગમે તેવું કારણ શોધી કાઢવામાં પણ કશું જ ખોટું નથી, કારણ જીસ રિશ્તે કા કોઈ અંજામ ન હો, ઉસે કિસી ખૂબસૂરત મોડ પર લાકે છોડ દેના હી અચ્છા હોતા હૈ...

columnists