શું જીવનની પ્રત્યેક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તમે સક્ષમ છો?

01 July, 2019 12:36 PM IST  |  મુંબઈ ડેસ્ક | ફાલ્ગુની જડિયા-ભટ્ટ - સોશ્યલ સાયન્સ

શું જીવનની પ્રત્યેક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તમે સક્ષમ છો?

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

2008ની સાલ હતી. અમેરિકામાં આવેલી મંદીની અસર ભારતીય માર્કેટ પર પણ વર્તાઈ રહી હતી. નાની હોય કે મોટી, ભારતની પણ મોટા ભાગની કંપનીના મૅનેજમેન્ટે પોતાને ત્યાં નવા લોકોને નોકરી પર લેવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સાથે જ કંપનીઓમાં કૉસ્ટ કટિંગ નામની નવી પૉલિસી પણ પ્રચલિત બની રહી હતી, જે હેઠળ અનેકોને રાતોરાત નોકરીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું તો અનેકોનાં પ્રમોશન અટકાવી દેવામાં આવ્યાં તો કેટલીક કંપનીઓએ આ ઉપરાંત એ એક વર્ષ પૂરતું પોતાના બાકી રહી ગયેલા કર્મચારીઓ પર કામનો બોજો તો વધારી દીધો, પરંતુ પગારવધારો આપ્યો નહીં. પરિણામે એકાએક ચારેબાજુ અસંતોષ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી. લોકોના નોકરીધંધા સાવ ઠપ થઈ ગયા હતા અને સૌ કોઈ પોતાની પાસે જે છે તેને બે હાથે કસીને પકડી રહેવા પર મજબૂર બની ગયા હતા. જેમને મળો તે સૌ નિસાસા જ નાખતું દેખાતું.

પરંતુ એક મિત્ર એવો હતો, જેણે પોતાના માટે પ્લાન બી તૈયાર રાખ્યો હતો. એ દિવસોમાં તે એક નામાંકિત મીડિયા કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરી રહ્યો હતો, પણ જેવા અમેરિકન મંદીના અહેવાલ ભારત પહોંચ્યા કે તરત જ તેણે પોતાના પ્લાન બીનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતું અને પોતાની ઍડર્વટાઇઝિંગ કંપની ચાલુ કરવાની યોજના ઘડવામાં માંડી હતી. પરિણામે જે સાંજે તેને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો તેના બીજા જ દિવસે સવારે તેણે પોતાની કંપની લૉન્ચ કરી દીધી અને પૂરા જોશ સાથે એવો મચી પડ્યો કે વર્ષેકના ટૂંકા ગાળામાં તો તેની કંપની પ્રૉફિટ-મેકિંગ કંપની બની ગઈ.

કોઈ આશ્ચર્ય સાથે તો કોઈ ઈર્ષ્યા સાથે, પણ મિત્રવર્તુળમાં બધા જ તેની ચર્ચા કરી રહ્યા હતા. બલ્કે અમારી નવાઈનો પાર તો ત્યારે ન રહ્યો, જ્યારે અમને ખબર પડી કે તેણે પોતાના માટે ન ફક્ત પ્લાન બી, પરંતુ પ્લાન સી અને પ્લાન ડી પણ તૈયાર રાખ્યો હતો. તે દિવસે અમને બધાને અફસોસ થયો હતો કે કેમ અમારામાંથી કોઈએ તેના જેવો વિચાર કર્યો નહીં અને પોતાના માટે આવા વિકલ્પો તૈયાર કર્યા નહીં? શા માટે અમે બધા વાવાઝોડામાં અહીંતહીં ઊડતાં સૂકાં પાંદડાં જેવા જ બનીને રહી ગયા.

તે દિવસોમાં સમજાયું કે જીવન જેનું નામ, તે આપણી સામે ક્યારે કયો પડકાર ફેંકે તે કહેવાય નહીં. તેથી જેની સાથે આપણું સર્વાઇવલ જોડાયેલું હોય તેવી નોકરીધંધા જેવી જીવનજરૂરિયાતોની દરેક બાબતોમાં બધાએ પોતાનો પ્લાન બી તૈયાર રાખવો જ જોઈએ. જ્યારે આપણે આવા વિકલ્પોની શોધમાં નીકળીએ છીએ ત્યારે જ આપણને આપણું ખરું સામર્થ્ય સમજાય છે, આપણા ગુણો-અવગુણોનો ક્યાસ નીકળે છે તથા આપણી આવડત-હોશિયારીનો પરચો મળે છે.

આ માટે જરૂરી છે કે સમયાંતરે આપણે થોડા પાછળ હટીને પોતાની જ જાતને કોઈ બીજી જ વ્યક્તિના દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરીએ. આપણી ખામીઓ અને ખૂબીઓનો પરિચય મેળવીએ તથા કઈ બાબતો એવી છે, જે આપણને આનંદ અને સંતોષ પણ આપી શકે છે તેનો વિચાર કરીએ. હવે કેવી રીતે આપણે આપણી આ જ આવડત અને હોશિયારીને આપણા લાભમાં પરિવર્તિત કરી શકીએ તેનો વિચાર કરીએ તો ચોક્કસ નવા નવા રસ્તા નીકળી જ આવે છે.

અંગ્રેજીમાં આ માટે મૂવિંગ યૉર ગોલ પોસ્ટ જેવો શબ્દપ્રયોગ થાય છે. વાસ્તવમાં આ શબ્દપ્રયોગ ફૂટબૉલની રમત પરથી લેવામાં આવ્યો છે. જેઓ ફૂટબૉલના ચાહકો છે તેમને ખ્યાલ જ હશે કે ફૂટબૉલમાં અડધી મૅચ પૂરી થાય અને બ્રેક પડે ત્યાર બાદ ગોલ પોસ્ટ બીજી બાજુ જતી રહે છે અને ખેલાડીઓએ હવે બીજી તરફની ગોલ પોસ્ટમાં ગોલ મારવા પડે છે. આવું જ કંઈક ક્યારેક જીવનમાં પણ કરવું પડતું હોય છે. બલકે, ફક્ત નોકરીધંધાની બાબતમાં જ નહીં, જીવનની જે કોઈ બાબતો આપણા દિલની નજીક હોય, આપણે મન મહત્ત્વની હોય તેમાંનું કશું જ્યારે યોગ્ય દિશામાં જતું ન જણાય ત્યારે જરૂરી છે કે આપણે પણ આપણી ગોલ પોસ્ટ બદલી નાખીએ. પછી એ આપણા સંબંધો હોય, આપણી આદતો હોય કે આપણા વિચારો હોય. નવા દૃષ્ટિકોણ અને અભિગમથી પરિસ્થિતિઓને જોવાથી તેમાંથી નવા અર્થો પણ મળી જ આવતા હોય છે.

યાદ રાખો, કેટલાક ટાર્ગેટ્સ આપણે આ ધરતી પર આવ્યા તે પહેલાંથી કુદરતે આપણા માટે નક્કી કરી રાખ્યા છે, જેમ કે જન્મ લેવો, મોટા થવું, શરીર અને મગજનો વિકાસ થવો, સંતાનોને જન્મ આપવો, વૃદ્ધ થવું અને છેલ્લે મરી જવું. તેવી જ રીતે કેટલાક ટાર્ગેટ્સ સમાજે આપણા માટે તૈયાર કરી રાખ્યા છે, જે છે ભણવું, નોકરીધંધા કરવા, લગ્ન કરવા, સંતાનોને જન્મ આપવો, તેમને ભણાવવા, તેમને પોતાના જીવનમાં સ્થાયી થવામાં મદદ કરવી અને છેલ્લે જીવનની ઢળતી સંધ્યાએ રિટાયર્ડ થઈ શરીર અને મનને આરામ આપવો.

પરંતુ જીવનની આ ઢળતી સંધ્યાએ સુખ અને સંતોષનો ઓડકાર પણ જોઈતો હોય તો જરૂરી છે કે જ્યારે મન અને શરીર તંદુરસ્ત હોય ત્યારે ન ફક્ત આપણે આપણા બધા મોજશોખ પૂરા કર્યા હોય, પરંતુ આપણી કાબેલિયતોનો પૂરેપૂરો લાભ ઉઠાવી આપણે મન જે અચીવમેન્ટ છે તેને હાંસલ પણ કર્યું હોય. એ હાંસલ કરવા માટે ક્યારેક આપણે આપણી ગોલ પોસ્ટ ચેન્જ પણ કરવી પડી શકે તો ક્યારેક પોતાના માટે જ નવા ટાર્ગેટ્સ પણ ઊભા કરવા પડે.

આ પણ વાંચો : નકારાત્મકતામાં હકારાત્મક્તા શોધી લો

ટૂંકમાં જેમ આપણે આ ટ્રેન આપણને જોઈતા સ્ટેશન જાય છે કે નહીં એ જાણ્યા વિના તેમાં ચઢતા નથી તો પછી જીવનની ટ્રેન યોગ્ય દિશામાં જઈ રહી છે કે નહીં એ જાણ્યા વિના તેમાં કેવી રીતે બેસી જવાય? આ માટે જરૂરી છે કે આપણા જીવનનો કન્ટ્રોલ આપણે ખુદ પોતાના હાથમાં રાખીએ અને આપણી પાસે જે કંઈ છે તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીએ. એક યોજના નાકામિયાબ પુરવાર થાય તો તેના પર અફસોસ કર્યા કરવાને સ્થાને પ્લાન બી તૈયાર કરી હવે પછીની લાઇફને નવેસરથી ડિઝાઇન કરીએ. માનો યા ના માનો, પણ નવી ઊર્જા અને જોશ છતાં પૂરતી સભાનતા સાથે જ્યારે આપણે કંઈક નવું કરીએ છીએ ત્યારે ભૂતકાળના અનુભવો તેમાંથી કશુંક સારું ઊપજાવી જ કાઢતા હોય છે.

columnists