આઇ ઍમ ધ બેસ્ટ

15 July, 2019 10:47 AM IST  |  મુંબઈ ડેસ્ક | ફાલ્ગુની જડિયા - સોશ્યલ સાયન્સ

આઇ ઍમ ધ બેસ્ટ

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

કહેવાય છે કે આપણે જેવું વિચારીએ છીએ એવું આપણી સાથે થાય છે. પૉઝિટિવ વિચારો તો પૉઝિટિવ થાય અને નેગેટિવ વિચારો તો નેગેટિવ થાય. બીજું કંઈ આપણા હાથમાં હોય કે ન હોય, ઍટ લીસ્ટ પોતાની જાત માટે સારું વિચારવું તો આપણા હાથમાં છે જને? અને તમને ખબર છે સતત પોતાની જાત માટે સારું વિચારતા રહેવાથી પણ જિંદગી બદલાઈ શકે છે? કેવી રીતે? ચાલો એક વાર સમજવાનો પ્રયત્ન કરી જોઈએ...

હિન્દુ ધર્મમાં એક માન્યતા છે કે દિવસના ચોવીસ કલાકમાંથી કોઈ એક ક્ષણ એવી હોય છે જ્યારે સરસ્વતી આપણી જીભ પર હોય છે. એ ક્ષણે આપણે જે કંઈ બોલીએ એ અક્ષરશઃ સાચું પડે છે. જીવનમાં બે-ચાર એવા અનુભવો થઈ ચૂક્યા છે જ્યારે મેં વાતવાતમાં એમ જ શેખચલ્લીની જેમ કોઈ વિચાર રજૂ કર્યો હતો, જે આગળ જતાં અક્ષરશઃ સાચો પડ્યો હતો. ત્યારથી બહુ બોલવા કરતાં ઓછું અને ખપ પૂરતું બોલવું તથા બને એટલું સારું બોલવું એ ફિલસૂફીમાં મારી માન્યતા બહુ દૃઢ થઈ ગઈ છે.

આજકાલ મારી એક ફ્રેન્ડ આ જ ફિલસૂફીને જરાક અલગ રીતે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહી છે. તેણે ક્યાંક વાંચ્યું કે સાંભળ્યું હતું કે સતત પોતાની જાત માટે સારું બોલવા કે વિચારવાથી આપણે ખરેખર એવા બની શકીએ છીએ. પૉઝિટિવ રીઍફર્મેન્શન્સ તરીકે ઓળખાતી આ થિયરીને અનુસરતાં તે સતત પોતાની જાત સાથે વાત કરતી રહે છે અને એ વાતચીત દરમિયાન પોતે ખૂબ સુંદર છે, પોતે ખૂબ પાતળી છે, ખૂબ પ્રેમાળ, ઉદાર અને બુદ્ધિશાળી છે વગેરે જેવાં હકારાત્મક વિધાનો પોતે જ પોતાની જાતને કહેતી રહે છે. તેનો એવો દાવો છે કે આવાં પૉઝિટિવ રીઍફર્મેન્શન્સે તેનામાં અનેક આંતરિક પરિવર્તનો આણ્યાં છે, જેને પગલે તેનું લગ્નજીવન વધુ ઉષ્માભર્યું બનવાની સાથે તેનું વજન પણ બે કિલો ઘટી ગયું છે.
મને તેની આ થિયરી સાચી છે કે નહીં એ તો ખબર નથી, પરંતુ સારી ચોક્કસ લાગી છે. આપણે બધા જ જાણીએ છીએ કે શબ્દોમાં એ તાકાત છે જે મૃતકોને જીવતા કરી શકે છે તો સાથે જ જીવતા મનુષ્યનું જીવન મૃત્યુથી પણ બદતર બનાવી શકે છે. મહાભારતમાં આપણે જોઈએ છીએ કે દુર્યોધનના મૃત્યુ બાદ યુદ્ધ પૂરું થઈ ગયું હોવા છતાં પ્રતિશોધની ભાવનામાં અંધ થઈ ચૂકેલો ગુરુ દ્રોણનો પુત્ર અશ્વથામા પાંડવકુળનો નાશ કરવાનું પ્રણ લે છે. પરિણામે તે યુદ્ધના નિયમોની વિરુદ્ધ રાતના સમયે પાંડવોની છાવણીમાં જઈ પાંડવ સમજી દ્રોપદીના પાંચે પુત્રોને મારી નાખે છે એટલું જ નહીં, બદલાની ભાવનામાં અંધ બની છેલ્લે તે હજી તો જે જન્મ્યો પણ નથી તેવા ઉત્તરાના ગર્ભમાં રહેલા અભિમન્યુના પુત્ર તથા પાંડવ વંશના છેલ્લા વંશજ પરીક્ષિત પર પણ બ્રહ્માસ્ત્ર ચલાવે છે. તેના આ અવિચારી પગલાથી ગુસ્સે ભરાયેલા ભગવાન શ્રીકૃષ્ણ તેને ભીષણ અરણ્યોમાં આશ્રય વિના રક્તપરુથી દૂઝતા ઘા સાથે અનંતકાળ સુધી રઝળવાનો શાપ આપે છે. બીજી બાજુ એ જ શ્રીકૃષ્ણ માત્ર ઉત્તરાના ગર્ભ પર હાથ ફેરવી ‘ઊઠો, પરીક્ષિત ઊઠો’ બોલી માના ગર્ભમાં મૃત્યુ પામેલા જીવને નવજીવન આપે છે.

આપણે માની લઈએ કે શ્રીકૃષ્ણ તો ભગવાન હતા તેથી આવું અને આના સિવાયનું બીજું પણ ઘણુંબધું કરી શકે; પરંતુ કોઈના બે સારા શબ્દોએ આપણને દુઃખમાં સાંત્વના આપી હોય, ભયંકર ગુસ્સો આવ્યો હોય ત્યારે આપણને હસાવી દીધા હોય કે પછી ભરઉનાળામાં આપણને પ્રેમથી ભીંજવીને તરબતર કરી દીધા હોય વગેરે જેવી ઘટના આપણા બધાની સાથે ક્યારેક ને ક્યારેક તો બનેલી જ હોય છે. ‍એવી જ રીતે કોઈએ વર્ષો પહેલાં સંભાળાવેલું મહેણું આપણને આજે પણ એટલું જ ખૂંચતું હોય એવું પણ આપણી સાથે બન્યું જ હોય છે. તેથી જ તો કહે છે કે શબ્દો તીર પણ છે અને મલમ પણ. બસ, આપણને એનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ.

જો શબ્દોમાં આટલી ક્ષમતા રહેલી જ હોય તો બીજાની સાથે ખુદ પોતાની જાત માટે એનો સદુપયોગ કરવામાં ખોટું શું છે? આપણને બાળપણથી હંમેશાં બીજાની સામે સારું અને સાચું બોલવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ ખુદ પોતાની જાતને તો હંમેશાં આરોપીના કઠેરામાં ઊભા રાખીને જ જોવાનું શીખવવામાં આવે છે. આનું પરિણામ એ આવે છે કે દુનિયા આખી પર ભરોસો કરનારા આપણે પોતાની જાતને, પોતાની આવડત અને હોશિયારીઓને તો કાયમ સાશંક નજરે જ જોવાનું શીખીએ છીએ. પોતાના પ્રત્યેક વાણી, વર્તન, વ્યવહાર સામે પ્રશ્નાર્થચિહ્ન જ મૂકતાં શીખીએ છીએ.

પરંતુ એ જ જો આપણને બીજા બધાની સાથે ખુદ પોતાની જાત માટે પણ સારું બોલવાનું અને વિચારવાનું શીખવવામાં આવ્યું હોય તો આપણી શક્તિઓમાં આપણો આત્મવિશ્વાસ કેટલો વધી જાય? આપણી ઇચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ કેટલી સરળતાથી પૂરી કરી શકાય તો સાથે જ આપણી ફરજો અને કર્તવ્યો પણ કેટલી સહજતાથી નિભાવી શકાય? અંદરથી જ આપણે એટલા આનંદિત અને પ્રફુલ્લિત રહી શકીએ કે ખુશ રહેવા માટે બાહ્ય પરિબળોની અપેક્ષા જ ન રહે.

પોતાના અતિચર્ચિત પુસ્તક ‘ધ સીક્રેટ’માં લેખિકા રૉન્ડા બાયર્ને પણ કહ્યું છે કે આ બ્રહ્માંડમાં આપણે જે કંઈ તરતું મૂકીએ છીએ, પછી એ સકારાત્મક હોય કે નકારાત્મક, આપણી પાસે પાછું આવે જ છે. વિશ્વવિખ્યાત નવલકથા ‘ઍલ્કેમિસ્ટ’માં લેખક પૉલો કોએલ્હોનો પણ મૂળ વિચાર એ જ છે કે તમે જ્યારે કોઈ ઇચ્છા પ્રગટ કરો છો ત્યારે તમારી જાણની બહાર આખું બ્રહ્માંડ એને પૂરી કરવા કામે લાગી જાય છે. સેલ્ફ-હિપ્નોસિસની આખી પદ્ધતિના મૂળમાં પણ આખરે આ જ સિદ્ધાંત છે કે તમે પોતાની જાતને સતત એ જ કહેતા રહો, જેવા તમે થવા માગો છો. દા.ત. તમને માઇગ્રેનને પગલે માથામાં ભયંકર દુખાવો થતો હોય તો અરીસા સામે ઊભા રહી પોતાના કપાળની વચ્ચે આંગળી મૂકી રોજ દિવસમાં પચાસ વાર બોલો, આ મારું માથું નથી અને એ મને દુખતું નથી. મનોવિજ્ઞાનનો દાવો છે કે આવું કરવાથી માથાના દુખાવામાં ચોક્કસ ફરક પડે જ છે. યાદ છે ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’માં આમિર ખાને પણ સતત પોતાની જાતને ‘ઑલ ઇઝ વેલ, ઑલ ઇઝ વેલ’ કહેતા રહેવા પાછળ આવું જ કંઈક કારણ આપ્યું હતું! બીજા શબ્દોમાં એક ને એક વાત વારંવાર પોતાની જાતને કહેવાથી શરીર અને મનને એ રીતે વર્તવાની ફરજ પડે છે.

આ પણ વાંચો : તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?

જો આ વાતમાં થોડું પણ સત્ય હોય તો માત્ર શરીરના રોગો દૂર કરવા માટે જ શું કામ, પોતાની જાતને બહેતર બનાવવા, ખોટી કે ખરાબ આદતો છોડવા, પોતાનો આત્મવિશ્વાસ વધારવા અને ખાસ તો નવેસરથી પોતાની જાતના પ્રેમમાં પડવા માટે પણ આ ટેક્નિકનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ? વળી કહેવાનો આશય એ નથી કે જાહેરમાં ડંફાસ મારતા ફરો, પરંતુ એકલામાં અરીસા સામે પોતાની જાત સામે જોઈ થોડું મીઠું હસી લેવામાં, પોતાની જાતને આઇ લવ યુ કહેવામાં, હું સુંદર, દયાળુ, પ્રેમાળ અને હેતાળ છું, મારામાં સફળ થવાની પ્રત્યેક કાબેલિયત છે, આઇ ઍમ ધ બેસ્ટ વગેરે જેવાં પૉઝિટિવ રીઍફર્મેશન્સ આપવામાં ખોટું શું છે? એમ કરવાથી ફાયદો થાય કે ન થાય, નુકસાન તો નહીં જ થાયને? આખરે માણસ એ જ હોય છે જેવા તેના વિચારો હોય છે. બીજા બધાની સાથે પોતાની જાત માટે પણ સારું વિચારીશું તો આપણી સાથે બધું સારું જ થશે. આપ ભલા તો જગ ભલા એ કંઈ એમને એમ કહેવાય છે?

columnists