ભવિષ્ય ઘેરો અંધકાર છે, પણ આશા અમર છે

18 February, 2019 11:14 AM IST  |  | ફાલ્ગુની જડિયા-ભટ્ટ

ભવિષ્ય ઘેરો અંધકાર છે, પણ આશા અમર છે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

જીવન એક વિચિત્ર ચમત્કાર છે. ક્યારેક જીવનભર જે પ્રવાસે જવાની કે પછી ગાડી કે પોતાનું ઘર લેવા જેવી એકમાત્ર ઇચ્છા ગોખતા રહીએ છીએ એ મૃત્યુ સુધી અધૂરી રહી જાય છે અને ક્યારેક અકારણ બોલાયેલા શબ્દો સાચા પડી જાય છે. ક્યારેક જ્યાં પહોંચવા માટે અથાક પ્રયાસો કર્યા હતા ત્યાં પહોંચતાં જ મન પાછું ફરી જાય છે અને ક્યારેક રસ્તે આવતું કોઈ સ્થળ એકદમ પોતીકું લાગવા માંડે છે. અહીં વર્ષો પહેલાં રેણુકા શહાણે અને સચિન ખેડેકરની એક અતિ લોકપ્રિય બનેલી સિરિયલ ‘સૈલાબ’ના ટાઇટલ સૉન્ગની પહેલી બે કડી લખવાનું મન થાય છે.

અપની મરઝી કે કહાં અપને સફર કે હમ હૈં
રુખ હવાઓં કા જિધર કા હૈ ઉધર કે હમ હૈં

ક્યારેક ખરેખર એવું લાગે કે આપણા હાથમાં કંઈ જ નથી. ઈશ્વરને માનો તો ઈશ્વર, કુદરતને માનો તો કુદરત અને નસીબને માનો તો નસીબ. તેની સામે આપણી હેસિયત એક સૂકાયેલા પાંદડાથી વધુ કશી જ નથી. તે જ્યાં દોરવે ત્યાં આપણે દોરાઈ જઈએ છીએ. તે જે તરફ ફૂંક મારે એ દિશામાં આપણે ઊડી જઈએ છીએ. આ દૃષ્ટિએ વિચારીએ તો એવું લાગે કે ભવિષ્ય એક ઘેરો અંધકાર છે. પ્રત્યેક નવો દિવસ અંધકાર છે. પ્રત્યેક નવી ક્ષણ અંધકાર છે; કારણ કે આપણને ખબર નથી કે આવનારા ભવિષ્યમાં, આવનારા દિવસમાં કે પછી આવનારી ક્ષણમાં આપણી સાથે શું થવાનું છે. છતાં આપણે રોજ સવારે જાગીએ છીએ અને પ્રત્યેક નવી ક્ષણ, પ્રત્યેક નવા દિવસનું ખુલ્લા દિલે સ્વાગત કરીએ છીએ.

ક્યારેય વિચાર્યું છે કે રોજેરોજ આપણામાં આ શક્તિ ક્યાંથી આવે છે? આ શક્તિ આવે છે આશામાંથી. એ આશા કે જે થશે એ સારા માટે થશે. જે થશે એ જોયું જશે. જે સામે આવશે એને પહોંચી વળીશું. હવે આને તમે પોતાની જાત પરનો આત્મવિશ્વાસ કહો કે પછી કોઈ અલૌકિક દૈવી શક્તિ પરનો વિશ્વાસ, પરંતુ એ આશા જ છે જે આપણને પકડી રાખે છે અને સતત આગળ વધવાની હિંમત આપ્યા કરે છે.

રોજ સવારે નોકરીધંધે જતો માણસ એ જ આશા સાથે ઊઠે છે કે આજે તો તે ખૂબ સારું કામ કરશે અને પોતાના પરિવાર માટે થોડા વધુ રૂપિયા રળી લાવશે. ગૃહિણી એ જ ઉમ્મીદ સાથે જાગે છે કે આજે તે પોતાના ઘરને થોડું વધુ સુંદર શણગારશે, બધાને ભાવે એવું ભોજન બનાવશે; જેથી સાંજે જ્યારે બધા ઘરે પાછા ફરે ત્યારે સૌકોઈનાં મન પ્રફુલ્લિત રહે. વિદ્યાર્થી એ કામના સાથે સ્કૂલ કે કૉલેજ જાય છે કે આગામી પરીક્ષામાં તે વધુ સારા માર્ક્સ સ્કોર કરશે. કામવાળી એ સપના સાથે લોકોના ઘરનાં ઝાડુ, પોતાં કે વાસણ કરે છે કે એ કામમાંથી મળતા પૈસાથી તે પોતાનાં બાળકોને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવશે જેથી ભવિષ્યમાં તેનાં બાળકોએ લોકોનાં આવાં એઠાં સાફ ન કરવાં પડે. શૅરબજારનો સટોડિયો હોય કે કોઈ પીઠા પર રોજ સાંજે જુગાર ખેલતો કોઈ જુગારી, આખરે તો એ આશા જ છે જે આપણને સાચું, ખોટું કોઈ પણ પ્રકારનું કર્મ કરવાની પ્રેરણા આપતી રહે છે.

બલકે આ આશા કંઈ આજની નથી. આદિકાળથી માનવજાતિ ફક્ત આ ઉમ્મીદના સહારે જ જીવતી આવી છે. મનુષ્ય જ્યારે હજી જંગલોમાં રહેતો હતો ત્યારે પણ તે પોતાના ભોજનની કામનાને પગલે જ શિકારી ખુદ શિકાર બની જવાનો ડર હોવા છતાં શિકાર પર નીકળી જતો હતો. કે પછી થોડું આગળ વધીને જોઈએ તો રાજામહારાજાઓના સમયમાં માતાઓ પણ પોતાનાં બાળકોને

શૂરવીર બનાવવાના સપનાથી જ પ્રેરાઈને તેમના પરાક્રમી પૂર્વજોની દાસ્તાન કહી સંભળાવતી હતી. આમ આશા રાખવી એ આપણા મૂળભૂત DNAનો ભાગ છે. આપણો સ્વભાવ છે. એ ઉમ્મીદોનું જ ભાથું છે જે આપણને હંમેશાંથી વારસામાં મળતું આવ્યું છે. એના જ બળે માનવજાતિની ઉત્ક્રાન્તિ થઈ છે. એના જ સહારે વિજ્ઞાનની આટલી પ્રગતિ થઈ છે.

તેથી ભવિષ્ય ગમેતેટલું અંધકારમય કેમ ન હોય, આશાનો હાથ ક્યારેય છોડવો નહીં. ક્યારેક ભય લાગે, ક્યારેક નિરાશા સાંપડે, ક્યારેક પગ ઢીલા પડી જાય એવું બની શકે. ક્યારેક આપણા મનમાં શંકાનાં વમળો ઊભાં થાય એ પણ એટલું જ સ્વાભાવિક છે, પરંતુ એ શંકાને ક્યારેય આપણા પગની બેડીઓ બનવા દેશો નહીં. નાનું હોય કે મોટું, પોતાનું કામ સંપૂર્ણ નિષ્ઠા સાથે ચાલુ રાખજો. બલકે એ સમયે, એ સંજોગોમાં જે સૌથી વધારે સાચા અને સારા લાગે એ નિર્ણયો પણ લેતા રહેજો. સમયની કસોટી પર એ નિર્ણયો કેટલા ખરા પુરવાર થયા એ તો ભવિષ્ય જ જણાવશે, પરંતુ ત્યાં સુધી આગળ વધવાનું બંધ કરશો નહીં. આગળ વધતા રહેશો તો ખોટા નિર્ણયોને પણ ફરી પાછા સુધારવાની શક્યતા રહેશે, પરંતુ રમત રમવાનું જ બંધ કરી જશો તો હાર નિશ્ચિત છે. ટૂંકમાં આશા અમર છે એ કહેવતને ક્યારેય ભૂલવી નહીં; કારણ કે એ આશા જ છે જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય છે, મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાય છે.

આ પણ વાંચો : જાતે ભાગ્યવિધાતા બનવાને બદલે ભાગ્યમાં જે લખ્યું છે એનો આનંદ લો

ઉમ્મીદની આ વાતને ઉમ્મીદ સાથે જ જોડાયેલા એક જોક સાથે પૂરી કરીએ. એક વાર એક સરદારજી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. થોડી વાર થઈ એટલે TC ટિકિટ ચેક કરવા આવ્યો. અન્ય મુસાફરોની સાથે તેણે સરદારજી પાસે પણ ટિકિટ માગી. સરદારજી ઊભા થયા. પોતાના પૅન્ટનાં આગળ-પાછળનાં ખિસ્સાં તપાસ્યાં. હૅન્ડબૅગનાં બધાં ખાનાં ચેક કર્યા. ક્યાંય ટિકિટ ન મળતાં સરદારજી ગભરાયા. એક આખરી ઉપાય તરીકે પોતાની સૌથી મોટી બૅગ કાઢી એમાં રહેલા દરેક કપડાનાં ખિસ્સાં પણ ફંફોસી જોયાં, પરંતુ ટિકિટ હાથ લાગી નહીં. આટલે સુધી વ્ઘ્એ આ આખો ખેલ શાંતિથી જોયા કર્યો. આખરે તેનાથી ન રહેવાયું અને તેણે સરદારજીને પૂછ્યું કે અરે સરદારજી, આપને ઔર સભી જગહ દેખ લિયા, પર અપને શર્ટ કી જેબ મેં તો હાથ ડાલ કે દેખા હી નહીં. વહાં ભી તો દેખ લીજિએ. ત્યારે સરદારજી બોલ્યા, ઓયે ખોતે, ઉધર મેં કભી હાથ નહીં ડાલૂંગા. વો મેરી આખરી ઉમ્મીદ હૈ.

columnists