રાજા જ્યારે પ્રજાનો સાચો અવાજ બને

11 March, 2019 10:26 AM IST  |  | ફાલ્ગુની જડિયા-ભટ્ટ

રાજા જ્યારે પ્રજાનો સાચો અવાજ બને

નરેન્દ્ર મોદી

સોશ્યલ સાયન્સ

એક પ્રાચીન સંસ્કૃત કહેવત છે યથા રાજા તથા પ્રજા અર્થાત્ રાજા તેવી પ્રજા. આમ તો આ કહેવત આપણે ઘણીવાર સાંભળેલી છે, પરંતુ હમણાં હમણાં આ કહેવત વારંવાર યાદ આવી જાય છે. પુલવામામાં થયેલા આતંકી હમલામાં દેશના ૪૦ સીઆરપીએફના જવાનો શહીદ થયા પછી આખા દેશમાં ભયંકર ગુસ્સો વ્યાપેલો હતો. આપણા કાયમી શત્રુ પાકિસ્તાન પર આકરો પ્રહાર કરવાની લાગણી સહુમાં હતી. ત્યારબાદનો ઘટનાક્રમ ઐતિહાસિક છે. ૧૯૭૧ પછી પહેલીવાર ભારતના જાંબાઝ ફાઈટર પ્લેન પાઈલટ્સને લાઈન ઓફ કન્ટ્રોલ પાર કરી પાકિસ્તાનમાં જઈને વેર વાળવાનો મોકો મળ્યો. માત્ર આ મોકો મળ્યો તેનાથી જ દેશના સૈનિકો એટલા કૃતજ્ઞ થઈ ગયા કે ભૂતપૂર્વ અફસરોએ ટ્વીટ સુદ્ધાં કર્યું કે ૨૬/૧૧ના મુંબઈ હુમલા પછી પણ અમારી તૈયારી આ રીતે પાકિસ્તાનના ટેરર કેમ્પ પર હુમલો કરવાની હતી, પરંતુ અમને પરવાનગી મળી નહીં. વિચાર કરો, સૈન્યને તેની ફરજ બજાવવાની પરવાનગી મળે તેમાં પણ કેટલી મોટી વાત થઈ જાય છે, કારણ કે ભારતમાં દાયકાઓથી ફૂંકી ફૂંકીને ચાલવાની પ્રજાને આદત પડી ગઈ છે અને તે માટે જવાબદાર છે આપણા રાજાઓ એટલે કે રાજકારણીઓ. નમાલો રાજા ક્યારેય શુરવીર પ્રજાનો માલિક બની શકે નહીં.

આ એ જ ભારત છે, જેમાં વર્ષો પહેલાં કંદહાર ગયેલા વિમાનના યાત્રીને છોડાવવા ધરણાં થતાં. પછી ભલે ને એ વખતે છોડવામાં આવેલા આતંકવાદીઓ આ જ સુધી ભારતને રડાવતા રહ્યા. આ એ જ ભારત છે, જ્યાં કારગીલ યુદ્ધ વખતે પોતાની જ સીમામાં આવેલી પવર્તલમાળા પર એરર્ફોસ વાપરવો કે નહીં તેનો નર્ણિય લેવામાં પણ દિવસો લાગી ગયા હતા. આપણા જ દેશની જમીન પર આવેલા શત્રુને ભગાડવા કયું હથિયાર વાપરવું તે વિશે આટલો વિચાર?

થોડા સમય પહેલાં સદગુરુ જગ્ગી વાસુદેવનું એક સુંદર કથન સાંભળ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્ર કોઈ જમીનનો ટૂકડો નથી. વાસ્તવમાં રાષ્ટ્ર એ તેના લોકો છે અને આ લોકો માટે સૌથી મોટી પ્રેરણા કે ઉદાહરણ તેના રાજનેતા હોય છે. ર્જમની, ઈઝરાયેલ, ફ્રાન્સ, રશિયા કે ચીનની પ્રજા આટલી બેખોફ તથા ગર્વીષ્ઠ છે, કારણ કે ત્યાંના રાજા એવા છે. રાજા નમાલો હોય તો પ્રજા પણ નમાલી થવા માંડે. ડરીને, વિચારી વિચારીને પગલાં લેવા પ્રજાની આદત બની જાય. નરેન્દ્ર મોદીની મશ્કરી કરવાવાળા ઘણીવાર ૫૬ ઈંચની છાતીનો ડાયલોગ મારી મશ્કરી કરતા હતા, પરંતુ હકીકત એ છે કે આ મશ્કરી કરવાવાળા લોકો પોતે એવા પ્રધાનમંત્રીની ભેંટ આ દેશને આપી ચૂક્યા હતા, જે દુશ્મનો સામે તો શું પત્રકાર પરિષદમાં પણ આંખમાં આંખ નાખીને વાત સુદ્ધાં કરી શકતા નહોતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકો સારા વકતા કહે છે, પરંતુ છેલ્લે ભારતના કયા પ્રધાનમંત્રીને તમે એવું કહેતા સાંભળ્યા હતા કે, તમારી છાતીમાં જે આગ અને ગુસ્સો છે તે મારી છાતીમાં પણ છે. પુલવામા હુમલા પછી મોદીએ આ કહ્યું પણ અને તેના ૭૨ કલાકમાં જ ભારતે ૧૯૭૧ પછી પહેલીવાર એલઓસી પાર કરી, પાકિસ્તાનની સીમામાં ઘુસી ત્યાં આગ વરસાવી. જન્મ્યા પછી શત્રુનું જડબુ તોડવાની આ લાગણી અનુભવવા માટે અમારી પેઢીએ જ લગભગ ૪૦ વર્ષ રાહ જોવી પડી, પરંતુ આ લાગણીની માનસિક અસરનો વિચાર કરી જુઓ. આજે આ દેશમાં રહેતાં નાનામાં નાના બાળકને પણ એ વાતનું આશ્વાસન છે કે આ દેશમાં તેની તથા તેના પરિવારજનોના જીવનની પણ કોઈ કિંમત છે. મન કરે ત્યારે બગીચામાં ફરતા હોય એ રીતે આતંકવાદીઓ આવીને આપણને ઉડાવીને નહીં જઈ શકે. આ આશ્વાસન તથા સુરક્ષાની લાગણી લોકોના માનસના ઘડતરમાં બહુ મોટી ભૂમિકા અદા કરે છે, કારણ કે બે પેઢીથી એદેશ સંસદ હુમલો, અક્ષરધામ, કારગીલ જેવી ઘટનાઓ પછી આક્રોશનો કડવો ઘૂંટ પી જવા પર મજબુર હતો. શૌર્ય હોવા છતાં હથિયાર ઊંચકી શત્રુ પર હુમલો કરવા પહેલાં બધી ગણતરી કરવા પર મજબુર હતો, પરંતુ લાખોના લોહી રેડીને મેળવેલી આઝાદીની કિંમત આવી ક્ષણોમાં થતી હોય છે. આઝાદીની લડાઈનું કારણ દુનિયાભરમાં આત્મસન્માન, આત્મગૌરવ હોય છે અને જ્યારે દેશનો રાજા તેની રક્ષા કરવા હથિયાર ઊઠાવવા તૈયાર હોય ત્યારે આપોઆપ પ્રજામાં પણ લડવાનો જુસ્સો આવી જ જતો હોય છે.

આ શબ્દો કંઈ મિડિયામાં ચાલતાં પ્રવચનોનું પરિણામ નથી, પરંતુ પ્રજામાં દેશદાઝ જગાવવા માટે રાજામાં દેશદાઝ હોવી અને દેશદાઝનું પ્રમાણ દેખાવું એટલું જ આવશ્યક હોય છે. શત્રુથી ઘેરાયેલો ઈઝરાયેલ તેની પ્રજા અને રાજા વર્ષોથી આવી દેશદાઝથી જ ટકી રહ્યા છે અને બધાને હંફાવી પણ રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધ બાદ ઊભું થયેલું જર્મની એટલે જ આજે યુરોપનું કેન્દ્રબિંદુ છે. જ્યારે ફ્રાન્સનો એરર્ફોસનો પાયલટ ધીસ ઈઝ ફોર પેરીસ લખીને બંકરબસ્ટર બોમ્બ આઈસીસના આતંકી મથક પર નાખે ત્યારે તેમાં કોઈ સ્ટાઈલ સ્ટેટમેન્ટ નહીં, પણ ત્યાંના રાજાની દેશ સામે આંખ ઊઠાવનારની આંખ કાઢી લેવાની ખુમારી હોય છે. રાજા જ્યારેદેશના આત્મસન્માન માટે કિંમત ચૂકવવા તૈયાર હોય ત્યારે જ પ્રજાને આત્મસન્માનની કિંમત સમજાય છે.

રશિયાના પુતિને વર્ષો પહેલાં સ્કૂલમાં બંધક બનાવેલા લગભગ ૧૦૦થી વધુ સ્ટૂડન્ટ્સના ભોગે પણ ત્યાં છુપાયેલા આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યા હતા. ગૌતમ બુદ્ધના પંચશીલના સિદ્ધાંત પર બનેલું આધુનિક ચીન પોતાના ઉલીવર પ્રાંતમાં લાખો મુસલમાનોને પ્રશિક્ષણ આપવાના નામે લગભગ કોન્સન્ટ્રેશન કેમ્પ જેવી સ્થિતિમાં રાખે છે, પરંતુ રોજ ચીન પાસે ભીખ માગતું પાકિસ્તાન ચીનના મુસલમાનોના અધિકાર માટે બોલવાનું તો દૂર, તેની સામે જોઈ પણ શકતું નથી. આ ઘટનાની અસર પાકિસ્તાની નાગરિક તથા ચીનના નાગરિકના માનસ પર શું થતી હશે એ વિચારી તો જૂઓ!

આ પણ વાંચો : શું કામ આ મહિલાઓને પુરુષસમોવડી બનવું છે?

પ્રજાની વિચારસરણી રાજાની દ્રિક્ટ પર અવલંબે છે. અમેરિકામાં મેક્સિકન બોર્ડરનો વિવાદ વર્ષોથી ત્યાંના પ્રત્યેક રાષ્ટ્રપતિને ખબર હતો. તેના માટે ઈતિહાસનું સૌથી લાંબુ શટ ડાઉન કરનાર ટ્રમ્પને ભલે બધા સનકી કહે, પરંતુ સામાન્ય અમેરિકન નાગરિક, જે પોતાના છોકરાના ડ્રગ એડિક્ટ થઈ જવાના કે બેરોજગારીના ડરથી જીવે છે તે જાણે છે કે ટ્રમ્પની વાત સાવ ખોટી નથી.

પ્રજાની લાગણીને પોતાના કર્મો દ્વારા વાચા આપવી તે દરેક રાજાનું કર્તવ્ય હોય છે. પ્રજા રાજાનો પરિવાર હોય છે. આ પરિવાર માટે જરૂર પડ્યે માથું નમાવવાની સાથે જરૂર પડ્યે માથું વાઢવાની ક્ષમતા જ સામાન્ય તથા સર્વોચ્ચ પ્રકારના રાજા વચ્ચેનો ફરક પેદા કરે છે. તેથી યથા રાજા, તથા પ્રજા એ વાક્ય પર ફરી એકવાર ગંભીરતાથી વિચાર કરી જોજો, કારણ કે આપણા બધાનું ભવિષ્ય તેની સાથે સંકળાયેલું છે.

columnists