ટાઇટલ શિક્ષણ-વ્યવસ્થામાં ધરખમ પરિવર્તનની જરૂર

30 September, 2019 04:52 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા

ટાઇટલ શિક્ષણ-વ્યવસ્થામાં ધરખમ પરિવર્તનની જરૂર

શિક્ષણ-વ્યવસ્થામાં ક્રાન્તિકારી પરિવર્તનની જરૂર

મોદી સરકાર વિવિધ ક્ષેત્રમાં સુધારા અને પરિવર્તન લાવી રહી છે. આ સરકારનું ફોકસ ભાવિ પેઢી અને યુવાનો પર વધુ હોવાનું જણાય છે, પરંતુ આ નવી પેઢી અને આજના યુવાનો જે શિક્ષણ લઈને મોટા થાય છે એ શિક્ષણ-વ્યવસ્થામાં ક્રાન્તિકારી પરિવર્તનની જરૂર છે અન્યથા ભણેલા બહુ નીકળશે. જોકે ગણેલા ઓછા બહાર આવશે. આજે વિદ્યાર્થીઓ મોટા ભાગે ગોખેલું ભણે છે, કેવલ પરીક્ષામાં વ્યસ્ત રહ્યા કરે છે, માર્ક અને પર્સન્ટેજની પાછળ દોડ્યા કરે છે. વિશ્વની વિદ્યાપીઠોમાં કંઈક નવું અને જુદું જોવા મળે છે. મોદી સરકારે આ વિષયમાં વિચારીને અમલ કરવાની જરૂર છે

તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં લાખો લોકોની મેદનીને સંબોધી આવ્યા. આ સમારંભમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પણ નરેન્દ્ર મોદીનાં ભરપેટ વખાણ કર્યાં અને કેમ નહીં? મોદી સરકારે દેશનો વહીવટ પોતાના હાથમાં લીધો ત્યારથી લઈને અત્યાર સુધી દેશમાં છેલ્લાં ૭૦ વર્ષમાં થયા નહોતા એટલા સુધારા છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે કરી દેખાડ્યા છે. હાલમાં જ તેમણે ઇન્ડિયા ઇન્ક માટે બિગ બૅન્ગના રિફૉર્મની ઘોષણા કરી અને કૉર્પોરેટ કંપનીઓના ટૅક્સ રેટમાં ધરખમ ઘટાડો ઘોષિત કર્યો. ઘણા લોકોએ આને છેલ્લાં વીસ વર્ષોમાંના સૌથી મોટા સુધારામાંનો એક ગણાવ્યો છે. પોતાની પ્રથમ ટર્મમાં પણ મોદી સરકારે ડીમૉનેટાઇઝેશન તથા જીએસટી જેવા પ્રચંડ સુધારા કર્યા હતા. બીજી ટર્મમાં કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવાથી લઈને કૉર્પોરેટ ટૅક્સ રિલીફ સુધીના સુધારાને સૌકોઈ બિરદાવી રહ્યા છે. ઑક્ટોબરમાં મોદી સરકાર પ્લાસ્ટિક વિરુદ્ધ પણ સ્વચ્છ ભારત જેવી ભવ્ય ઝુંબેશ લૉન્ચ કરવાની છે. આ બધા સુધારા આવકાર્ય છે અને ભારતમાં સુધારાઓની જરૂરિયાતની અછત પણ નથી. કરો એટલા સુધારા ઓછા પડે. નરેન્દ્ર મોદીનો બાળકો માટેનો પ્રેમ પણ જગજાહેર છે, પરંતુ આ બધી લાગણીઓ છતાં બાળકોને સીધી અસર કરતી ભારતની શિક્ષણવ્યવસ્થામાં સુધારા કોઈક કારણસર મોદી સરકારના રડાર પર આવવામાંથી રહી ગયા છે.

દર વર્ષે ઍડ્મિશન સીઝન તથા પરીક્ષા સીઝનમાં લગભગ આખા દેશમાં ભારતની શિક્ષણવ્યવસ્થાને લગતી રોકકળ સાંભળવા મળે છે. માતા-પિતા ઍડ્મિશન સીઝનમાં આઇસીએસઈ, સીબીએસઈ, એસએસસી, આઇજી, આઇબી જેવાં બોર્ડ તથા એની સ્કૂલોની જંજાળમાં લિટરલી અટવાઈ જતા હોય છે.

મોદી સરકારને એ વાતની ક્રેડિટ તો જરૂર આપવી પડે કે ઘણા એવા પ્રશ્નો, જે આઝાદીનાં ૭૦ વર્ષ પછી હોવાં જ નહોતા જોઈતાં એ બધાનાં સમાધાન અત્યારે એ કરી રહી છે. દરેક ઘરમાં પાણીનો નળ, દરેક ઘરમાં ગૅસનું કનેક્શન, દરેક ગામ તથા મહોલ્લામાં ટૉઇલેટની વ્યવસ્થા, દરેક ભારતીયને હેલ્થ ઇન્શ્યૉરન્સ, દરેક ભારતીયને બેઝિક ઘર, આ બધી યોજનાઓની શરૂઆત આ સરકારે કરી છે. વિપક્ષ ભલે આને ઇલેક્શન ગિમિક કહે, પણ હકીકત તો એ છે ભારતમાં આ જ બધા પ્રશ્નો અત્યાર સુધી વણઊકલ્યા હતા. પશ્ચિમના કોઈ વિકસિત દેશની સ્કૂલના બાળકને પૂછો તો તેને કદાચ નવાઈ લાગે કે ચંદ્ર અને મંગળ પર પહોંચેલા ઇમર્જિંગ સુપર પાવર ભારતમાં આ બધી સમસ્યા છે? અને કદાચ આ બધી સમસ્યા સામે લડવામાં જ મોદી સરકાર શિક્ષણ વ્યવસ્થા પર જોઈએ તેટલું ધ્યાન આપી શકવામાં અસમર્થ રહી છે.

એ વાત પણ સાચી છે કે આટલી બધી ભાષા અને રાજ્યવાળા ભારત જેવા વિશાળ દેશમાં એક જેવી શિક્ષણવ્યવસ્થા લાગુ કરવી સંભવ નથી, પરંતુ કેટલીક મૂળભૂત બાબતો તો આખા રાષ્ટ્ર માટે એક હોઈ જ શકેને? આજે કોઈની મુંબઈથી દિલ્હી બદલી થાય તો તેને આઇસીએસઈ બોર્ડની સ્કૂલ શોધવામાં નાકે દમ આવી જાય. એવી જ રીતે દિલ્હીવાળાની બદલી જો કોલ્હાપુર કે ભોપાલ થાય તો તેને સીબીએસસી બોર્ડ માટે ફાંફાં મારવા પડે. સૌથી મોટી સમસ્યા એ છે કે આટલાં બધાં બોર્ડ અને પરીક્ષાની જંજાળમાં ભારતમાં શિક્ષણવ્યવસ્થા બ્રિટિશ કૉલોનિયલ માર્ક સિસ્ટમમાંથી જ બહાર આવી શકી નથી. બાળક જેમ-જેમ આગલા ધોરણમાં જાય તેમ-તેમ વધુને વધુ માર્ક લાવવાની સ્પર્ધા તીવ્ર થતી જાય છે. આ જ કારણ છે કે ભારતમાં સ્કિલ્ડ સ્ટુડન્ટની ગંભીર અછત ઊભી થઈ રહી છે. આપણને પણ ગોખણિયું જ્ઞાન વારસામાં મળ્યું હતું અને આપણે પણ આપણાં બાળકોને ગોખણિયું જ્ઞાન જ આપી રહ્યા છીએ. વસ્તુને સમજીને ઉત્તર લખવા સુધી તો આપણાં બાળકો ક્યારેય પહોંચી શકતાં જ નથી, કારણ કે તેમના પર સતત એક પછી એક પરીક્ષાઓનો એવો મારો ચાલ્યા કરે છે કે તેમને જ્ઞાનને ગળે ઉતારવાનો તો સમય મળતો જ નથી. જો આ પરિસ્થિતિમાં કોઈ ધરખમ ફેરફાર નહીં કરાય તો કાલે ઊઠીને ભારતીય વિદ્યાર્થીઓ ગ્લોબલ વિદ્યાર્થીઓ સામે સ્પર્ધામાં પાછળ પડવા માંડશે.

શું તમને ખબર છે ન્યુ ઝીલૅન્ડ જેવા નાનકડા દેશમાં આઠમા ધોરણમાં બાળકોને ભણવાની સાથે સુથારકામ, ઇલેક્ટ્રિશ્યન, સૉફ્ટવેર, ઑટો એન્જિનિયર જેવા વિષયોની પ્રૅક્ટિકલ થીમ આપવામાં આવે છે. આનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે બાળક કૉલેજમાં આવે ત્યાં સુધીમાં તેને, તેનાં માતા-પિતાને તથા સ્કૂલને અંદાજ આવી ગયો હોય છે કે આ બાળક કયા ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. ચીનમાં તો સ્કૂલના પ્રબંધકો જ સાતમા ધોરણથી બાળકોને સ્પોર્ટ્સ, અર્થશાસ્ત્ર, યુદ્ધનીતિ, કૂટનીતિ જેવા વિષયોના આધારે અલગ તારવી તેમની તાલીમ શરૂ કરી દેતા હોય છે. ભારતમાં બારમા ધોરણમાં ભણતા બાળકને કરન્ટ તથા સેવિંગ્સ અકાઉન્ટ વચ્ચેનો તફાવત સુધ્ધાં ખબર હોય છે કેમ એ પણ એક વિકટ પ્રશ્ન છે.

હિન્દીમાં એક શબ્દ છે, કિતાબી કીડા. અંગ્રેજીમાં પણ બુકિશ નૉલેજ જેવો શબ્દપ્રયોગ થાય છે. સામાન્ય રીતે સ્વીકારવામાં આવેલું ગ્લોબલ તથ્ય છે કે માત્ર કિતાબી જ્ઞાનથી વાસ્તવિક દુનિયામાં જંગ જિતાતો નથી, પરંતુ ભારતમાં આઝાદી પછીનાં આટલાં વર્ષો બાદ પણ માર્ક્સ, કિતાબી ભણતરની પદ્ધતિ તથા સતત ચાલતો રહેતો પરીક્ષાનો મારો ખરેખર ચિંતાજનક વિષય છે. બાળકોને પ્રૅક્ટિકલ જ્ઞાન આપવાની વાત તો દૂર, તેમને બહાર રમવા જવાનો સમય સુધ્ધાં દુર્લભ થતો જાય છે. બોર્ડની સમાનતા તો દૂર, પરીક્ષાના સમય તથા કોર્સમાં પણ સમાનતા મળવી મુશ્કેલ છે. આટલી હદે શિક્ષણ જેવી મૂળભૂત વ્યવસ્થામાં વિસંવાદિતા આવનારા ભવિષ્યનો સારો અણસાર આપતી નથી.

વિશ્વની દર સાતમાંની એક વ્યક્તિ ભારતીય છે, પરંતુ વિશ્વની ટોચની ૩૦૦ યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટીનો સમાવેશ થતો નથી. એક સમયે ભારતની નાલંદા કે તક્ષશિલા જેવી યુનિવર્સિટીમાં ભણવા દેશ-વિદેશથી વિદ્યાર્થીઓ આવતા હતા. ત્યારથી જ તેમને ભારતના પ્રચંડ વારસાનો ખ્યાલ હતો, પરંતુ બ્રિટિશ શાસનમાં તેમણે ભારતમાં જે શિક્ષણવ્યવસ્થા ઊભી કરી એ એ પ્રકારની હતી કે તેમને પોતાની સરકાર તથા વહીવટ ચલાવવા માટે કર્મચારીઓ મળી રહે. સ્વતંત્રતા બાદ ભારતે શિક્ષણપદ્ધતિની નવી ઇમારત ઊભી કરવાના સ્થાને આ જૂના પાયા પર જ નવી ઇમારત વધારવા માંડી અને હવે એ ઇમારત ખખડી રહી છે. ભારત દર વર્ષે લાખો-કરોડો ગ્રૅજ્યુએટ તથા પોસ્ટ-ગ્રૅજ્યુએટ તો પેદા કરે છે, પરંતુ કઈ ગુણવત્તાના એ મોટો પ્રશ્ન છે.

કેટલા રાજકીય પક્ષોના ચૂંટણી મૅનિફેસ્ટોમાં શિક્ષણપદ્ધતિમાં સુધારાનો મુદ્દો જોવા મળે છે? દેશમાં મોટી-મોટી લક્ઝરી સ્કૂલો બની ગઈ છે, જ્યાંથી ભણીને કરોડપતિ માબાપનાં બાળકોને સીધા વિદેશમાં પોસ્ટ-ગ્રૅજ્યુએટ ડિગ્રી માટે પાર્સલ કરી દેવામાં આવે છે, કારણ કે જેણે ખરા અર્થમાં સેન્ટર ઑફ એક્સલન્સ કહી શકાય એવા આઇઆઇટી, આઇઆઇએમ કે એઆઇઆઇએમએસની સંખ્યા આપણી જનસંખ્યાના પ્રમાણમાં કંઈ જ નથી. આવા અધકચરા વાતાવરણમાં શિક્ષા લઈને તૈયાર થઈ રહેલી પેઢીની હાલત યુદ્ધમેદાન પર જતા એવા સૈનિક જેવી હોય છે કે તેની પાસે નથી લડવા માટે પૂરતાં હથિયાર કે નથી સ્વરક્ષા માટે બખ્તર.

આ પણ વાંચો : પડકાર છે પુરુષ બનવું પણ!

દરેક મા-બાપને મનમાં એવી લાગણી હોય છે કે તેમના સંતાનનું ઉજ્જવળ ભવિષ્ય તેમની મૂર્ખામીના કારણે ન બગડે અથવા નીચલા સ્તરનું ન રહી જાય. આ જ વિચારધારા શાસકોમાં પણ હોવી જરૂરી છે. તેમની નિષ્ક્રિયતા કે દૂરદૃષ્ટિના અભાવનો ભોગ આવનારી પેઢી બને એ યોગ્ય નથી. દરેક મા-બાપની ક્ષમતા એવી નથી હોતી કે તેઓ પોતાના સંતાનને કોઈ ભવ્ય સ્કૂલમાં મોકલે, પણ જ્યાં સુધી સામાન્ય સ્કૂલમાં જતો સામાન્ય વિદ્યાર્થી સક્ષમ નહીં બને ત્યાં સુધી ભારતની ઊંચી ઉડાન પૂરી ઊંચાઈ પર પહોંચી શકશે કે કેમ એ નિશ્ચિતપણે કહેવું કદાચ વડા પ્રધાન મોદી માટે પણ આસાન નહીં હોય.

columnists