શું કામ આ મહિલાઓને પુરુષસમોવડી બનવું છે?

08 March, 2019 01:46 PM IST  |  | રશ્મિન શાહ

શું કામ આ મહિલાઓને પુરુષસમોવડી બનવું છે?

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ  

અનાયાસે આજે ઇન્ટરનૅશનલ વીમેન્સ-ડે છે, પણ એ યોગાનુયોગ માત્ર છે. બાકી જેની ચર્ચા કરવાની છે એ મુદ્દો તો સર્વકાલીન છે અને એને સર્વકાલીન રાખવાનું કામ પણ ફિમેનિઝમનો ઝંડો લઈને ફરતી મહિલા પત્રકારો કે લેખિકા, કવયિત્રીઓનું છે. રાફડામાં લાકડી ખોસો ને કીડીઓનાં ઝુંડ ઊભરાઈ એવી જ અવસ્થા આ મુદ્દા પર ઊભરાતી આ લેખિકા-કવયિત્રીઓની છે. એક જ બકવાસ કરતી રહી છે કે અમે મહિલાઓ પણ પુરુષ-સમોવડી છીએ, અમને પણ સમાન દરજ્જો મળવો જોઈએ. આ પુરુષપ્રધાન સમાજે આટલી સદીઓ સુધી અમારા પર જુલમ કર્યો, પણ હવે અમને ન્યાય મળવો જોઈએ.

ભલા માણસ, કંઈક તો બુદ્ધિ વાપરો. જરા તો અક્કલનો ઉપયોગ કરો. અમિતાભ બચ્ચનને ક્યારેય નસીરુદ્દીન શાહની ઈર્ષ્યા કરતો તમે જોયો ખરો? શાહરુખ ખાને ક્યારેય એવા છાજિયા લીધા કે તેને અલી ઝફરના સ્તર પર જવું છે? આલિયા ભટ્ટ ભારતીસિંહ બનવાનાં ખ્વાબ નથી જોતી અને વાઇસે વર્સા. સપનાંઓ હંમેશાં ઊંચાઈઓનાં જોવાનાં હોય અને એ ઊંચાઈઓ હાંસિલ કરવા માટે ઝઝૂમવાનું હોય, દોડવાનું હોય. તકલીફ, દુ:ખ કે પછી કહો કે ગેરવાજબી સ્તરની સરખામણીની અપેક્ષા રાખવી એ હકીકતે તો જાતનું નિકંદન કાઢવા સમાન છે. પુરુષસમોવડી બનવાના ઓરતા સેવતી આ મહિલાઓને કોણ સમજાવે કે આજે નહીં, સદીઓથી એ પુરુષોથી આગળ છે અને આગળ છે એટલે જ પુરુષોને મહિલાઓ વિના ચાલ્યું નથી. વંશની બાબતમાં પણ તે મહિલાઓને આધીન છે અને જીવનના અંશને અકબંધ રાખવામાં પણ તેની પાસે મહિલાઓને આધીન રહેવા સિવાય કોઈ છૂટકો નથી અને એ પછી પણ બનવું છે પુરુષસમોવડી. વાત શરૂ કરતાં પહેલાં જ કહ્યું એમ, આજે વીમેન્સ-ડે છે અને વીમેન્સ-ડેના દિવસે પુરુષસમોવડી બનવાની કે પછી મહિલા સશક્તીકરણની વાતો કરવી એ એટલું સહજ છે જેટલું સહજ નાહી લીધા પછી કપડાં પહેરવાનું છે. મહિલા સશક્તીકરણના મુદ્દાને તો હજુ પણ અમુક અંશે સ્વીકારી શકાય, પણ ના, મહિલાઓની પુરુષસમોવડી બનવાની વાત બિલકુલ અસ્થાને છે. ટોચ પર રહીને તળેટીનો અફસોસ શું કામ કરવાનો? આસમાનના સ્ટારનું રાજ ભોગવતી વખતે ખેતરમાં પરાણે ઊગી ગયેલા નીંદામણનો રાગ શું કામ રાખવાનો? પુરુષસમોવડિયા બની જવા પાછળનો હેતુ, ઇરાદો, મકસદ કે પછી ઇન્ટેન્શન ક્લિયર નથી ત્યારે પુરુષોના હિસ્સામાં રહેલી આઝાદી જ જો તમને આ આકર્ષણ આપતી હોય તો મહિલાઓને ટપારીને કહેવાનું મન થાય કે પુરુષસમોવડી બનવાની તમારી આ જે માગ છે એ માગ ખોટી છે. ખોટી પણ છે અને વાહિયાત પણ છે. તમારે તમારી જાતને ઓછી આંકવાનું સામે ચાલીને કહો છો, તમે તમારી જાતને ઊતરતી ગણવા માટે હાંક પાડી-પાડીને કહી રહ્યા છો અને એવું કરીને તમે તમને જ અન્યાય કરો છો. સમોવડિયાપણું એનું માગવાનું હોય, જેનામાં તમારા જેટલી જ લાયકાત હોય અને એ પછી પણ તેને વધારે માન મળી રહ્યું હોય. પુરુષ ક્યારેય મહિલાથી આગળ હતા નહીં, છે નહીં અને થઈ પણ નહીં શકે. જો કોઈને દુ:ખ ન થવાનું હોય, જો પુરુષોના પહાડી અહમ્ને પીડા ન થવાની હોય તો એક સલાહ આપવાનું મન થાય કે, માગ કરો કે તેમને મહિલાસમોવડા ગણવામાં આવે અને એ મુજબના હક્ક આપવામાં આવે. એક હકીકત એ પણ છે કે એ માગ મકૂતાં પહેલાં તમારી જાતને મહિલા સમકક્ષ લઈ જવા માટે જહેમત ઉઠાવો અને જાત પર કામ કરો.

આ પણ વાંચો : હુમલો થયા પછી પુરાવાઓ માગનારાઓને જત જણાવવાનું કે...

આજે વીમેન્સ ડે છે અને વીમેન્સ ડેના સમયે જ આ વાત થઈ રહી છે એ એક અનાયાસ છે. આ અનાયાસ, આ અકસ્માત અને આ કો-ઇન્સિડન્ટને એકદમ વાજબી રીતે સમજવાની કોશિશ એકેક મહિલા કરે એવી નમþ અરજ છે અને એ અરજની સાથોસાથ એક સૂચન પણ છે. પુરુષસમોવડી ન ગણાઈ રહ્યાનો ગર્વ અનુભવો, એની ખુશી માણો. જે સમયે પુરુષસમોવડી ગણાવાની શરૂ થઈ જશો એ સમયે તમે જાતે જ, તમારા હાથે જ તમારી આભાને નેસ્તનાબૂદ કરી બેસશો અને એવું બનશે પણ ખરું. આજે જે પુરુષો તમને સમોવડિયાપણું નહીં આપીને આપખુદશાહીનો આનંદ લઈ રહ્યા છે એ પુરુષો જ એક દિવસ તમને આ ઊંચાઈથી નીચે ઉતારીને પોતાની સમકક્ષ ઊભી રાખી દેશે અને પછી સન્માનીય હોવાનો આનંદ લેશે. એવું બને નહીં એની અપેક્ષા રાખો અને એવું બન્યું નથી ત્યાં સુધી આનંદ માણો. આજના આ, ઇન્ટરનૅશનલ વીમેન્સ ડેના કલાકો દરમ્યાન પહેલી વાર નક્કી કરો અને જાહેર કરો, અમારે પુરુષસમોવડી નથી બનવું. ના, અમે અમારી ઊંચાઈ પર છીએ અને અમને તળેટી તરફ પ્રયાણ નથી કરવું.

columnists Rashmin Shah