સોશ્યલ મીડિયા મેનર્સ: સ્માર્ટફોનનો ઉપયોગ સ્માર્ટ રીતે કરો એ અગત્યનું છે

18 January, 2021 10:07 AM IST  |  Mumbai | Manoj Joshi

સોશ્યલ મીડિયા મેનર્સ: સ્માર્ટફોનનો ઉપયોગ સ્માર્ટ રીતે કરો એ અગત્યનું છે

પ્રતીકાત્મક તસવીર

તમે દારૂ પીઓ છો કે દારૂ તમને પીએ છે?

દારૂની એક જાહેરખબર સરકાર દ્વારા બનાવવામાં આવી હતી, જેના અંતે આ સવાલ પૂછવામાં આવતો હતો. આ જ સવાલ હવે તમારે તમારી જાતને પૂછવાનો છે કે તમે સ્માર્ટફોન વાપરો છો કે પછી તમારો સ્માર્ટફોન તમને વાપરે છે? જવાબ આપતાં પહેલાં શાંતચિત્તે વિચારજો અને પછી જવાબ આપજો. કારણ કે ૯૯.૯૯ ટકા લોકોનો જવાબ ખોટો જ આવવાનો છે. સ્માર્ટફોન તમને વાપરી રહ્યો છે અને આ વપરાશ બંધ થઈ જાય એ રીતે હવે વર્તવાનું છે. વૉટ્સઍપે નવી પૉલિસી અનાઉન્સ કરી એ પછી પહેલી વખત સૌકોઈને વિચાર આવવાનો શરૂ થયો કે ડેટા શૅર થાય એ ખરેખર ખરાબ અને ભયજનક વાત કહેવાય.

એક વાત યાદ રાખજો કે જે કોઈ ગૅજેટ્સ છે એની પાસે ડિલીટ નામનું કોઈ તંત્ર છે જ નહીં. ક્યાંય પણ એવું કોઈ સાધન છે નહીં કે જે કમ્પ્યુટર કે મોબાઇલમાંથી તમારો ડેટા ભૂંસી નાખે. તમે જ્યારે ડિલીટ કરો છો ત્યારે પણ અને તમે જ્યારે બધું ઇરેઝ કરી નાખો છો ત્યારે પણ. ડિલીટ કરો ત્યારે માત્ર અને માત્ર એ પાથ શોધવાનું છોડી દે, તમારો ડેટા ડિલીટ નથી થતો. આ વાતનો ઉલ્લેખ કરવાનું મુખ્ય કારણ એ કે તમારા મોબાઇલમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. ગૅજેટ્સ પર અંકાયેલી એકેક વાત કાયમ માટે ત્યાં જ રહે છે. આવા સમયે જો તમારો ડેટા સીધેસીધો શૅર થતો હોય તો એ કઈ હદે જોખમી પુરવાર થઈ શકે એનો વિચાર તમે એક વાર કરી જુઓ. વિચારો કે તમારા મોબાઇલથી તમે મોકલેલા મેસેજ એમ જ અકબંધ છે અને એ મેસેજ દુનિયામાં કોઈક ખૂણે એ વંચાઈ રહ્યા છે. વંચાતી એ વાતોમાં બધાને રસ નથી પડવાનો, પણ એનો ભાવાર્થ કોઈને દુરુપયોગ માટે કામ લાગી જવાનો હોય તો એ તમારે માટે કેવું જોખમ ઊભું કરનારી પ્રક્રિયા બની જાય અને એ કેવું ખતરનાક જોખમ ઊભું કરી જાય.

મોબાઇલ સાથે ઘરોબો હોવો જોઈએ, એનાં એકેક ફીચર્સ તમને આવડતાં હોય એ પણ જરૂરી છે અને એના દરેક ફંક્શન સાથે તમે સહજ રીતે કામ લઈ શકતા હો એ પણ જરૂરી છે. લૉકડાઉન એનું બેસ્ટ ઉદાહરણ છે. એ સમયે તમારી વહારે આ સોશ્યલ મીડિયા જ આવ્યું હતું અને આ ગૅજેટ્સે જ તમને શ્રેષ્ઠતમ પરિણામ આપ્યાં હતાં. લૉકડાઉનમાં એકલા પડી જતાં પણ આ જ સોશ્યલ મીડિયાએ અટકાવ્યા હતા અને આ જ સોશ્યલ મીડિયા થકી તમે તમારા વહાલાઓ સાથે જોડાયેલા રહ્યા હતા, પણ હવે જ્યારે તમને ખબર છે કે તમારી આ તમામ પ્રતિક્રિયાનો દુરુપયોગ થવાનો છે, હવે તમને જ્યારે ખબર છે કે તમારા તમામ મેસેજ, કૉલ અને અન્ય માહિતી સોશ્યલ મીડિયા સંચાલકો દ્વારા જોવાતી રહેવાની છે ત્યારે એનો વપરાશ ન ઘટાડવો એ અર્થહીન વાત છે. ઑનલાઇન પેમેન્ટની આખી સાઇકલ જો માત્ર ચાર આંકડાના સામાન્ય એવા એક પિનથી થઈ જતી હોય તો તમારે જાગી જવું જોઈએ અને જાણી લેવું જોઈએ કે તમારા આ ગૅજેટ્સ તમારા બૅન્ક-અકાઉન્ટથી માત્ર ચાર જ આંકડા દૂર છે.

ઠક, ઠક, ઠક અને ઠક.

વાત પૂરી. વાત પૂરી ન થવા દેવી હોય તો હવે ઓસરી ચૂકેલા કટોકટીના સમયમાં આપણે ફરીથી નૉર્મલ થવાનો પ્રયાસ કરીએ અને આ પ્રકારની પળોજણથી દૂર રહીએ એ જ હિતાવહ છે.

columnists manoj joshi