સોશ્યલ મીડિયા મેનર્સ

17 January, 2021 11:13 AM IST  |  Mumbai | Manoj Joshi

સોશ્યલ મીડિયા મેનર્સ

પ્રતીકાત્મક તસવીર

રસ્તા પર તમે પસાર થતાં હો અને જો સામે તમને જાણીતા ડૉક્ટર મળી જાય તો તમે એને ત્યાંને ત્યાં ઊભા રહીને શરીરમાં થતી કળતર દૂર કરવાની દવાનું નામ પૂછવા માંડો તો એ યોગ્ય કહેવાય ખરું? કોઈ જગ્યાએ તમને સ્ટૉક બ્રોકર મળી જાય એટલે તમે એની પાસે ત્યાં જ ઇન્વેસ્ટમેન્ટ માટેની ટીપ માગવા માંડો એ વાજબી ગણાય ખરું? જો ના, તો પછી તમને કોઈ સોશ્યલ મીડિયા પર એમ જ મળી જાય એનો અર્થ એવો જરા પણ નથી કે હવે એ તમારા માટે ત્યાં ઉપલબ્ધ છે. ના, સહેજ પણ નહીં. માણસ વૉટસઍપ કે પછી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે પછી કોઈ પણ સોશ્યલ મીડિયા પર હોય એનો અર્થ દુનિયા એવો ક્યારેય કરી ન શકે અને મન પડે ત્યારે કે પછી ઇચ્છા થાય એ સમયે એ તમને હેરાનગત‌િ કરવા આવી ન શકે.

સોશ્યલ મીડિયા પર હોય એ તમામ લોકોએ આ વાતને સહજ રીતે સમજવાની જરૂર છે અને આ સોશ્યલ મીડિયા મેનર્સમાં પણ કાઉન્ટ થતો બહુ મહત્ત્વનો મુદ્દો છે. રાતના બાર પછી સોશ્યલ મીડિયા પર મેસેજનો મારો ચલાવનારાઓને કેમ નહીં સમજાતું હોય કે ગ્રુપમાં હોવાનો અર્થ એ નથી કે તમને કોઈને પણ હેરાન કરવાનો પીળો પરવાનો મળી ગયો. ના રે, એવી છૂટ હોય પણ નહીં અને લેવાની પણ ન હોય. સોશ્યલ મીડિયા મેનર્સને હવે સૌ કોઈએ સમજવી પડશે અને જો એની સમજદારી આવશે તો અને તો જ આ પ્રકારના મીડિયાના વપરાશની સભાનતા પણ આવશે. આજે સૅલિબ્રિટી પણ સોશ્યલ મીડિયા પર છે અને કૉમનમૅન પણ સોશ્યલ મીડિયા પર છે. સમય સંપર્કમાં રહેવાનો છે, પણ સંપર્કમાં રહેવાનો અર્થ શું કહેવાય એની સમજણ પણ જાતને આપવી પડશે. યાદ રાખો, મન પડે એ સમયે મેસેજનું બૉમ્બાર્ડિંગ નહીં ચલાવો. ખાસ કરીને ગ્રુપમાં હોય એવા લોકોને આ વાત વધારે લાગુ પડે છે. મેસેજ કરવાનો સમય નક્કી કરો અને બે કે ત્રણ મેસેજ વચ્ચે પ્રત્યુત્તર આપવાનો સમય પણ એટલિસ્ટ આપો. અનેક લોકો એવા છે જે એક સાથે બાર-ચૌદ અને પંદર મેસેજનો ઢગલો કરી દે. જાણે કે ગ્રુપના સૌ કોઈ નવરા જ છે અને એના મેસેજની જ રાહ જોઈને બેઠા છે બિચારા. એક તો ફૉર્વર્ડેડ મેસેજ મોકલવા અને એમાં પણ વર્તન તો એ જ રાખવું કે જાણે કે પોતે બહુ મોટો કે બહુ મોટી સર્જક હોય.

રાતે બાર વાગ્યા પછી કોઈ જાતના મેસેજ ન કરવા જોઈએ. ઇમર્જન્સી છે, તાત્કાલિક વાત કરવી જરૂરી લાગે છે તો સીધો ફોન કરો. તમને કોઈ ન્યુઝ પહોંચાડવા છે તો એ ન્યુઝ કે ખબર પૂરતી વાત હજી પણ સમજી શકાય, પણ ચોરી કરેલી શાયરી કે જોક્સની વાહવાહી લૂંટવા માટે બાર વાગ્યા પછી પાબંદી જાત પર જ મૂકી દેવી જોઈએ. જો એ પાબંદી મૂકવાની ક્ષમતા આવશે તો ચોક્કસપણે આવી વ્યક્તિઓથી અનેક લોકોને રાહત થશે અને આ રાહત દરેકનો જન્મસિદ્ધ હક છે. સોશ્યલ મીડિયા મેનર્સનો બીજો નિયમ છે, જો સામેની વ્યક્તિને પર્સનલી તમે ઓળખતાં હો પણ એ તમને નથી ઓળખતો કે એને યાદ નથી તો વાતની શરૂઆત કરતાં પહેલાં તમારી ઓળખાણ આપી દો એ બહુ જરૂરી છે. ‘લે, મને ન ઓળખ્યો’ અને ‘બસને, ભૂલી ગયા’ જેવા ફાલતું સવાલોની ઊલટી કરીને જવાબની અપેક્ષા રાખવી ખોટી છે. આવા સવાલો પૂછીને તો તમે જ પ્રસ્થાપિત કરો છો કે સામેની વ્યક્તિ માટે તમારી મહત્તા કેવી અને કેટલી છે કે એને તમારું નામ સુધ્ધાં ખબર નથી. બહેતર છે કે મેસેજ કરીને સીધી તમારી ઓળખાણ આપી દો, જેથી કોઈના મગજની નસ ન ખેંચાય અને કોઈએ તમારા સવાલોની ઊલટી સહન ન કરવી પડે.

columnists manoj joshi