સોશ્યલ મીડિયા મેનર્સ : જો હવે ભૂલ કરી તો પસ્તાવાનો વારો તમારો છે

15 January, 2021 11:24 AM IST  |  Mumbai | Manoj Joshi

સોશ્યલ મીડિયા મેનર્સ : જો હવે ભૂલ કરી તો પસ્તાવાનો વારો તમારો છે

તસવીર સૌજન્ય જાગરણ

કોઈ પણ જાતનો વ્યવહાર હોય, સંબંધ હોય ત્યાં શિષ્ટાચારનું મહત્ત્વ વધારે છે અને જ્યાં પણ શિષ્ટાચાર તૂટે છે ત્યાં સંબંધો અને વ્યવહારમાં અંતર આવવાનું શરૂ થઈ જાય છે. ઑફિસનો શિષ્ટાચાર અલગ હોય છે, ઘરનો શિષ્ટાચાર જુદો હોય છે. ફોન કરવા માટેનો શિષ્ટાચાર અલગ હોય છે અને રૂબરૂ મળવા જવાનો શિષ્ટાચાર પણ જુદો હોય છે. તમે કોઈના અંગત મિત્ર હો તો શિષ્ટાચારમાં છૂટછાટ લઈ શકો, તમે કોઈના સ્નેહીજન હો અને એની પણ સ્નેહીજનની યાદીમાં તમારા નામનો સમાવેશ થતો હોય તો તમે બોલચાલમાં પણ છૂટ લઈ શકો અને તમે વાતચીતમાં પણ છૂટ લઈ શકો. મળવા જવાના સમયમાં પણ હકથી છૂટછાટ લેવી હોય તો લઈ શકાય અને ફોન કરવાની બાબતમાં પણ છૂટ લેવાનો અવકાશ રહે, પણ એ ત્યારે જ જ્યારે સ્નેહીજનની યાદીમાં તમારો સમાવેશ થતો હોય.
શિષ્ટાચાર. મેનર્સ.
આ શિષ્ટાચાર આપણે અત્યારે પણ પાળીએ જ છીએ, પણ એ પાળવામાં હવે સોશ્યલ મીડિયાએ અઢળક છૂટછાટ આપી દીધી છે. કહોને, વૉટ્સઍપ અને ફેસબુકને કારણે લોકોએ છૂટછાટ લઈ લીધી છે. સોશ્યલ મીડિયા સામે કોઈ વિરોધ નથી પણ એના અતિરેક સામે ચોક્કસ વિરોધ હોવો જોઈએ. જે પ્રકારે અત્યારે વૉટ્સઍપે પોતાની પૉલિસી ચેન્જ કરી છે એ જોતાં કહેવાનું મન થાય કે હવે સમય આવી ગયો છે કે સોશ્યલ મીડિયાની બાબતમાં હવે મેનર્સ પાળવાનું શરૂ થવું જોઈએ. આવું લાગવા પાછળનું એક સચોટ કારણ પણ છે. આજના સમયમાં તમે આ પ્રકારના સોશ્યલ મીડિયાથી દૂર રહી શકવાના નથી અને દૂર રહેવું વાજબી પણ નથી, પરંતુ જો કોઈ એનો અતિરેક કરી રહ્યું હોય અને એના અતિરેકનો શિકાર તમે બનવાના હો તો આ ઉપયોગને મેનર્સ સાથે જોડી દેવો જોઈએ અને એ મેનર્સ વાપરવાનું કે એનો વપરાશ લોકોએ કઈ રીતે કરવો એ પણ શીખવી દેવું જોઈએ.
મન પડે ત્યારે વૉટ્સઍપની ઘંટડી વાગે એ યોગ્ય છે જ નહીં. તમે સ્ટેટસમાં લખીને રાખ્યું હોય કે કામના અને અગત્યના જ મેસેજ કરવા, પરંતુ એ પછી પણ તમારા આત્મીયજન તમને દરરોજ સવારે ગાંઠિયા અને જલેબીનો થાળ મોકલી દે. ભાઈ, એટલો જ પ્રેમ ઊપજે છે તો મારા પાર્લાના ઘરે પડીકાં મોકલોને. હું ખાઈને રાજી થઈશ. કાં સવારના પહોરમાં ગાંઠિયા-જલેબી આવે, કાં કૉફીનો એક કપ આવે, કાં સરસમજાની પંક્તિ લખેલી શાયરી મોકલે અને બીજું કંઈ ન સૂઝે તો સવારના સમયે ફૂલોનો ગુલદસ્તો મોકલી દે. આવું મોકલનાર જેકોઈ મહાશય હોય એ મહાશયને ચોક્કસ જગ્યાએ લાત મારવાનું મન થઈ આવે. મફતમાં મળતી આ સેવાનો દુરુપયોગ કરવા બદલ એ સૌ સામે ખરેખર પોલીસકેસ કરવો જોઈએ, જેથી સૌકોઈમાં સમજ આવે અને હાથમાં આવી ગયેલા રમકડાનો સંયમ સાથે ઉપયોગ કરે.
સંયમ, બહુ જરૂરી છે આ શબ્દનો ઉપયોગ કરવાની અને ખાસ કરીને સોશ્યલ મીડિયાની બાબતમાં તો અગ્રીમ રીતે. જો તમે સોશ્યલ મીડિયા પર અતિરેક ચાલુ રાખશો તો સામેવાળો પણ હવે તમારા બૉયકૉટના રસ્તે આવી જશે. નાત બહાર મૂકવાની ગેરવાજબી પ્રથા સમાજમાંથી દૂર થઈ છે, પણ સોશ્યલ મીડિયા પર નાત બહાર મૂકવાની પ્રથા અર્થાત્ બ્લૉક કરવાની પ્રથા તો હજી ચાલુ જ છે એ ભૂલવું નહીં.

manoj joshi columnists