સોશ્યલ મીડિયા અને સેલિબ્રિટીઃ ઉપયોગ કરતાં પહેલાં હજાર વખત વિચારો

29 January, 2020 04:33 PM IST  |  Mumbai | Manoj Joshi

સોશ્યલ મીડિયા અને સેલિબ્રિટીઃ ઉપયોગ કરતાં પહેલાં હજાર વખત વિચારો

ફાઈલ ફોટો

હા, સોશ્યલ મીડિયા એક વેપન છે અને જ્યારે એ સેલિબ્રિટીના હાથમાં હોય છે ત્યારે તો એ બેધારી તલવાર બની જાય છે. સેલિબ્રિટી એટલે ફિલ્મસ્ટાર કે મૉડલની જ વાત નથી થતી અહીં. કોઈ પણ ફીલ્ડની જાણીતી વ્યક્તિની વાત છે, પછી ભલે એ સ્પોર્ટ્સ સ્ટાર હોય, બિઝનેમૅન હોય કે પછી સમાજનો અગ્રણી હોય, પણ જેનું નામ જાણીતું હોય તેવી વ્યક્તિ. સેલિબ્રિટી જ્યારે સોશ્યલ મીડિયા પર હોય ત્યારે તેમની જવાબદારી વધી જાય છે. તેમના દ્વારા આપવામાં આવતું એક ચિંતન કે પછી એક વિચાર કેટલી જગ્યાએ અને કેવી આક્રમક રીતે અસર કરી શકે છે એની તીવ્રતાનો અંદાજ તેમણે દરેક પળે મનમાં રાખવો જોઈએ. આ વાત કેટલાક કલાકારો બહુ ધ્યાનથી નજર સામે રાખે છે અને એટલે જ તેઓ સૌ સોશ્યલ મીડિયા પર ભારોભાર ઍક્ટિવ હોય તો પણ તેમનાથી એવું કોઈ અજાણતાં પણ કૃત્ય ન થઈ જાય એનું તેઓ સતત ધ્યાન રાખે છે. આવી વ્યક્તિઓમાં એક નામ અત્યારે અચૂક લેવું પડે અને એ છે અમિતાભ બચ્ચન.

અમિતજી ઘણાં વર્ષોથી સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ છે તથા ભારોભાર ઍક્ટિવ છે અને એ પછી પણ તેમના તરફથી એક પણ સ્ટેટમેન્ટ એવું નથી આવ્યું જેને લીધે દેશમાં કે પછી લોકોમાં ક્યાંય પણ વિગ્રહ થયો હોય. અમિતજી પાસેથી આ વાત શીખવા જેવી છે. સોશ્યલ મીડિયા એ બેધારી તલવાર છે, ખાસ તો ત્યારે જ્યારે તમને ફૉલો કરનારાઓની સંખ્યા લાખો-કરોડોમાં હોય.

આ વિષય પર વાત કરવાનું આજનું ખાસ કારણ એ જ કે હું કેટલીક સેલિબ્રિટીઓને જોઈ રહ્યો છું, તેમનાં કામો અને તેમની સોશ્યલ મીડિયા ઍક્ટિવિટીને જોઈ રહ્યો છું અને એટલે જ મને ચચરાટ થઈ રહ્યો છે. રાષ્ટ્ર વિશે જેમ ફાવે એમ લખવું, રાષ્ટ્રવાદની વાત આવે ત્યારે નકામી અને અર્થહીન કહેવાય એવી ટિપ્પણી કરવી અને બે કોમ વચ્ચે વગરકારણે વૈમસ્ય વધે એવી પ્રવૃત્તિ કરીને નડતર બનવું. આ એવું કાર્ય છે જે કરવાનું દેશદ્રોહી સિવાય કોઈ કલ્પી ન શકે, પણ એવું કાર્ય આ જ દેશની અમુક એવી સેલિબ્રિટી કરી રહી છે જેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર હજારો-લાખો લોકો જોડાયેલા છે. દરરોજ ઝેર આપવાનું કૃત્ય આ પ્રજાને થઈ રહ્યું છે અને એ થઈ રહ્યું છે એટલે તેમને ફૉલો કરનારાઓના મનમાં પણ રાષ્ટ્ર માટે, રાષ્ટ્રવાદ માટે અને રાષ્ટ્રભાવના બાબતે અનેક પ્રશ્નો ઊભા થતા રહે છે. તારીફ ન કરો તો ચાલશે, કોઈ આવશ્યકતા નથી તમારી આ દેશને, પણ મહેરબાની કરીને દેશના શાંત વહેણમાં પથ્થર નાખીને વમળ ઊભા કરવાનું કાર્ય ન થાય એની તકેદારી રાખશો તો રાષ્ટ્ર આપનું આભારી રહેશે. સાહેબ, લોકશાહીનો અર્થ એ નથી કે તમે તમારી ઊલટીઓ જાહેરમાં કરો. ના, જરાય નહીં. તમે તમારા શબ્દોની અને વિચારધારાની ઊલટીઓ જાહેરમાં કરશો તો એનાથી દેશનું યુવાધન ગેરમાર્ગે દોરવાતું હોય છે અને એમાંથી જ દેશમાં અશાંતિ ફેલાતી હોય છે. બહેતર છે કે તમે તમારા સેલિબ્રિટી સ્ટેટસની ગરિમા જાળવી રાખો અને ચૂપ રહો

manoj joshi columnists