હિન્દુસ્તાન મેં કિતની સારી ઇન્દિરા ગાંધી કા કરીઅર કિચન મેં સમાપ્ત હુઆ

09 October, 2020 02:48 PM IST  |  Mumbai | J D Majethia

હિન્દુસ્તાન મેં કિતની સારી ઇન્દિરા ગાંધી કા કરીઅર કિચન મેં સમાપ્ત હુઆ

પ્રતીકાત્મક તસવીર

હાથરસની ઘટના હજી શમી નથી. હજી પણ એના પડઘા આજુબાજુમાં સંભળાયા કરે છે. ગયા શુક્રવારે આપણે વાત કરી કે એક મોટા ફિલ્મસ્ટારે આ ઘટનાના અનુસંધાનમાં ટ્વીટ કર્યું કે આ પ્રકારનાં કૃત્યો આચરનારાઓને તરત મોતની સજા આપી દેવી જોઈએ. આ ટ્વીટની સામે એક મનોચિકિત્સક ડૉક્ટરે રિપ્લાય આપ્યો. એ મનોચિકિત્સકનું કહેવું હતું કે ફાંસી જેવી મોટી સજા આપીને તમે આવા ગુનેગારોને વધારે ખતરનાક બનાવો છો. ઘણા બળાત્કારી એ કૃત્ય કરીને કોઈને ખબર ન પડે એની ધમકી આપીને પોતે ભાગી જાય અને પીડિતને છોડી મૂકતા હોય છે. હવે આ ડૉક્ટરોનું કહેવું છે કે ગુનેગાર પોતાના કૃત્યનો પુરાવો ન રહે એ માટે વધુ ખતરનાક પગલું લઈ પીડિત વ્યક્તિને મોતને ઘાટ ઉતારતા થઈ જશે. તમે જેમ-જેમ વધુ ઊંડાણમાં વિચારતા જાઓ એમ આવું ઘણું-ઘણું જાણવા અને સમજવા મળે છે અને સમજતાં-સમજતાં એ સમજાશે કે આનો જન્મ ક્યાંથી અને કેવી રીતે થાય છે. પુરુષો માટે આ જાણવું, સમજવું અને આચરણ કરવું બહુ મહત્ત્વનું થઈ રહે છે. આ કૃત્ય એક અથવા વધુ વ્યક્તિ શું કામ કરી શકે છે?
મને લાગે છે કે પહેલાં આ સવાલનો જવાબ દરેક પુરુષે મેળવવાની જરૂર છે. શારીરિક રીતે વધારે શક્તિશાળી બનીને પોતાનાથી નબળી વ્યક્તિ પર જબરદસ્તી કરીને પોતાના મનમાં જન્મેલી કોઈ ઇચ્છાને પૂરી કરવાની ક્રિયા. આ વાત કહેવાય છે એટલી સરળ નથી, પણ સમજવા-સમજાવવા માટે આ રીતે હું તમને કહી રહ્યો છું. આનો જન્મ ક્યાંથી થાય છે? પુરુષ એમ માને છે કે એ સ્ત્રીઓથી વધારે શક્તિશાળી છે. વર્ષોથી ચાલી આવતી વિચારધારામાંથી પેદા થયેલી આ વિચારધારા છે અને હું માનું છું અને દૃઢપણે માનું છું કે આ વિચારધારાને નાબૂદ કરવાની તાતી જરૂર છે, કારણ કે બળાત્કાર પહેલાં વિચારોથી થાય છે અને પછી એનો અમલ થાય છે. એ વિચારનો જન્મ, એની શરૂઆત જ્યાંથી થાય છે ત્યાં આપણે ધ્યાન આપવાની જરૂર છે.
ઇનઇક્વલિટી, સુપીરિયારિટી કૉમ્પ્લેક્સ અને એ આવે છે સમાજે ઊભી કરેલી સિસ્ટમમાંથી, જેમાં પુરુષ કમાય છે માટે એ જેમ નક્કી કરે એમ થાય એવું તે ધારે છે અને એવું જ તે વર્તે છે. આ જ સમાજે સ્ત્રીઓને જરૂરી એવી ભણતરની કે બહાર જવાની, બહાર જઈને કામ કરવા માટેની તકો નથી આપી અને રસોડામાં ચૂલો સંભાળવા બેસાડી દીધી છે. અમે થોડા સમય પહેલાં સબટીવી માટે એક ટીવી-સિરિયલ બનાવી હતી, જેનું ટાઇટલ હતું, ‘મિસિસ તેન્ડુલકર.’
આ ‘મિસિસ તેન્ડુલકર’નો કન્સેપ્ટ સંભળાવતી વખતે લેખકે મને એક જ લાઇન કહી હતી અને મેં એક લાઇન પર નક્કી કરી લીધું હતું કે કોઈ પણ ભોગે, કોઈ પણ કિંમતે આ શો બનાવવો જ છે. એ લાઇન હતી ‘હિન્દુસ્તાન મેં કિતની સારી ઇન્દિરા ગાંધી કા કરીઅર કિચન મેં હી સમાપ્ત હો ગયા.’
અદ્ભુત લાઇન હતી આ. લેખકના કહેવા પ્રમાણે, તેના ફાધર કરતાં તેનાં મધર વધારે ભણેલાં અને હોશિયાર હતાં, પણ એ જમાનામાં પુરુષો જ કામે જાય એવી આપણી ખોટી પ્રથાને કારણે તે ક્યારેય ઘરની બહાર જઈને કામ કરી શક્યાં નહીં. કેટકેટલી હોશિયાર સ્ત્રીઓને આપણે આવા જ કારણસર, આવી જ ખોટી પ્રથાને નામે જરૂરી પ્લૅટફૉર્મ નથી આપ્યાં.
મારી વન ઑફ ધ મોસ્ટ ફેવરિટ ગુજરાતી ફિલ્મ, નૅશનલ અવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘હેલ્લારો’ તમને ડિજિટલ પ્લૅટફૉર્મ પર જોવા મળી જશે, જુઓ તમે એ. પુરુષોએ એક એવો સમાજ બનાવેલો જેમાં સ્ત્રીઓને ગરબા રમવા પર પ્રતિબંધ હતો. ભણતર, કલા જેવા અનેક ક્ષેત્રમાં ભાગ નહીં લેવા દઈને સમાજે સ્ત્રીઓ સાથે બહુ મોટા પાયે અન્યાય કર્યો છે. દહેજ વાયલન્સ અને એવી તો બીજી કંઈક પ્રથાઓ કે અન્યાયની વાતને તો હું અહીં છેડતો જ નથી, પણ હવે જે વાત કહેવા જાઉં છું એ ઘણી વેધક છે અને ઘણાને ન ગમે એવી પણ છે, પરંતુ એ ઘણા અંશે સત્ય છે. સ્ત્રીઓને સમાનતા નહીં આપવાનો, સ્ત્રીઓના હક છીનવી લેવાનો આ પ્રકારનો પુરુષનો અભિગમ અને વર્તણૂક એ એક પ્રકારનો સૉફ્ટ બળાત્કાર જ છે. સ્ત્રીઓને ભણતર અને પુરુષોને મળે છે કે પછી પુરુષો લઈ લે છે એવી તક અને જન્મસિદ્ધ અધિકારોથી વંચિત રાખવાનો નિર્ણય જ એક એવા વિચારને જન્મ આપે છે જે ઇક્વલિટીની વિરુદ્ધ છે. તમે જુઓ તો ખરા કે આ બધી હકીકત પછી પણ આપણે સૌથી વધારે પ્રેમ સ્ત્રીઓને કરીએ છીએ. આપણી મા, પત્ની, પ્રેયસી, દીકરી અને બહેન. ફક્ત આ પાંચની જ વાત કરું તો જીવનમાં કેટલું મળે છે આપણને આમની પાસેથી અને તેમને જ આપણે એવી દુનિયા ન આપીએ જેમાં તે સુરક્ષિત હોય! બને કે તમને તરત જ મનમાં થાય કે અરે, આપણે ક્યાં આવું બધું કરીએ છીએ જે આ નિર્ભયા કે અન્ય દીકરીઓ સાથે થાય છે? હું અહીં તમને ફરીથી કહું છું કે આગળ મેં કહ્યા એવા વિચારોથી ઊભી થયેલી સમાજ-વ્યવસ્થામાંથી જ આવી દુર્ઘટનાનો જન્મ થાય છે. મોટાં યુદ્ધ કે પછી રાજ્યોનાં રાજ્યોની બરબાદીનો જન્મ પણ ઘણી વાર આવી એક નાનકડી વિચારધારાને લીધે જ થાય છે. તમે જોયું જ એ ‘પદ્‍માવત’ ફિલ્મમાં. પદ્‍માવતી રાણી સાથે જે થયું હતું અને એનો અંજામ શું આવ્યો હતો. એ આખી ઘટનાનો જન્મ એક નાનકડી સોચમાંથી જ થયો હતો. આ વાતને હું અહીં લાંબી નથી કરતો, પણ હું એટલું ચોક્કસ કહીશ કે ગરીબ કે તવંગરની શારીરિક પરિસ્થિતિ તેમને થોડા ઓછા સિક્યૉર બનાવે છે, પરંતુ આપણે ત્યાં પણ આવી દુર્ઘટનાઓની કમી નથી. દુનિયાના દરેક પુરુષોએ એક ડગલું આગળ ભરવાની જરૂર છે અને આ ફક્ત બીજા બધાની વાત નથી.
મારી જ વાત કરું તો, મારી અને મારી દીકરી કેસર વચ્ચે થયેલી ચર્ચામાં તેણે મને કહ્યું ત્યારે મને સમજાયું કે હું પણ ક્યારેક આવા વિચારોમાં માની બેસું છું અને મારાથી પણ આવું વર્તન ક્યારેક થઈ જાય છે. આ દુનિયાને આવી બનાવવામાં આપણા જેવા ઘણા સફળ પુરુષોનો ક્યાંક અજાણતાં પણ ફાળો તો છે જ અને આપણે જ આને બદલવાનો પ્રયાસ કરવાનો છે. પ્રેમથી બે વ્યક્તિનું ભેગા થવું, પહેલાં હૈયાથી અને પછી મન અને પછી શરીરથી. આ એક ઉત્તમ, પવિત્ર પ્રોસેસ છે. જે આનંદ, સુરક્ષાની ભાવનાથી લઈને તાદમ્ય જન્માવે એવી કંઈકગણી લાગણીઓનો સમન્વય છે. આ જે સંબંધો છે એ સંબંધો મનુષ્ય તરીકેના જન્મને આનંદિત કરે છે, જીવનને પ્રફુલ્લિત કરે છે તો સાથોસાથ વંશવૃદ્ધિ કરી સમાજને આગળ વધારે છે. આવી પવિત્ર ભાવનાને, શ્રદ્ધામય પ્રક્રિયાને સમયાંતરે અનુકૂળતા મુજબ બદલીને આપણે બધા એમાં સગવડ શોધી લીધી છે, પણ એમાં કોઈ પણ પ્રકારની બળજબરીને કોઈ સ્થાન નથી અને જો તમે આ વાત સાથે સહમત હો તો જ્યાં તમને મોકો મળે, જે રીતે તક મળે આ દુર્ઘટનાની સાચી હકીકત જાણી એનો વિરોધ નોંધાવો અને ક્યાંક તમે પોતે પણ આવા સમાન હકના કે પછી ગુરુતાગ્રંથિના છીછરા વિચારોને આચરણમાં મૂકતા હો તો એને બદલવાના પ્રયાસ કરજો. યાદ રાખજો મારી વાત, બદલાવની શરૂઆત આપણા પોતાના બદલાવથી જ થતી હોય છે અને હવે આપણને આ સમાજને બદલવાની ખૂબ જરૂર છે. આજે આપણા વિચારો નહીં બદલાય તો આવતી કાલ આપણી આસપાસની સ્ત્રીઓ માટે આવી કે પછી કહો કે આનાથી વધારે ભયંકર અને ભયાનક રહેશે. પુરુષોની સાથોસાથ હું એ પણ કહીશ કે સ્ત્રીઓએ પણ આ પ્રકારની સોચ-વિચારનો વિરોધ કરવો જ રહ્યો. હું ઝઘડો કરવાનું નથી કહેતો, પણ ચર્ચા તો થઈ જ શકે અને બદલાવનો પહેલો તબક્કો ચર્ચા જ હોય છે.
તો ચાલો બદલાવની શરૂઆત કરીએ, સાથે મળીને. આ બદલાવ જ આપણને શ્રેષ્ઠ બનાવશે.

JD Majethia columnists