તો જાણી લો પાવર ઑફ બ્યુટી સીક્રેટ

11 February, 2021 01:10 PM IST  |  Mumbai | Varsha Chitalia

તો જાણી લો પાવર ઑફ બ્યુટી સીક્રેટ

તો જાણી લો પાવર ઑફ બ્યુટી સીક્રેટ

એ સીક્રેટ છુપાયેલું છે જે-તે પ્રોડક્ટ અને તમારી સ્કિન અને હેરના પીએચ લેવલમાં. જો તમે આ બન્ને પરિમાણોને અનુરૂપ હોય એવી કૉસ્મેટિક પ્રોડક્ટ્સ વાપરશો તો સ્કિન ડ્રાયનેસ, ડલનેસ, ફ્રિઝી હેર, ફંગલ ઇન્ફેક્શન જેવી અનેક સમસ્યાઓથી છુટકારો મળશે

ત્વચા આપણા શરીરનું એવું બાહ્ય આવરણ છે જેની સતત કાળજી રાખવી પડે છે. સ્વાસ્થ્ય અને સૌંદર્યની બાબતમાં સભાનતા કેળવાતાં ત્વચાની માવજત માટે સાબુ, સ્ક્રબ, ક્રીમ જેવાં જુદાં-જુદાં ઉત્પાદનોનો વપરાશ વધ્યો છે. વાળમાં એક્સપરિમેન્ટ કરવાના અભરખા લગભગ બધાને હોય છે. જોકે બ્રૅન્ડેડ પ્રોડક્ટ્સ વાપર્યા પછી પણ ઘણી વાર ફાયદો થતો નથી એનું કારણ છે ત્વચા અને વાળનું પીએચ લેવલ. પીએચ લેવલ એટલે કે પાવર ઑફ હાઇડ્રોજનનું પ્રમાણ મૉડર્ન કૉસ્મેટિક પ્રોડક્ટ્સ સામે રીઍક્ટ કરે છે. તમારા પીએચ લેવલ અનુસાર ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચા મુલાયમ અને વાળ સુંવાળા બને છે અન્યથા વિપરીત અસર પડી શકે છે. આજે આપણે પીએચ લેવલ શું છે તેમ જ એની અસર વિશે નિષ્ણાત સાથે ચર્ચા કરીશું.
પીએચ એટલે શું?
ત્વચા, વાળ અને વાળની નીચેની ત્વચાનો પીએચ એ બીજું કંઈ નહીં હાઇડ્રોજનના પરમાણુઓના પ્રમાણને માપવાનો એક એકમ છે એવી જાણકારી આપતાં મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલનાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મધુલિકા મ્હાત્રે કહે છે, ‘પીએચ લેવલને ૧થી ૧૪ના ગ્રેડ સ્કેલમાં માપવામાં આવે છે જેમાં સાતને ન્યુટ્રલ અથવા તટસ્થ ગણવામાં આવે છે. પીએચ સ્કેલના ૧-૬ લેવલને ઍસિડિક અને ૭-૧૪ લેવલને આલ્કલાઇન ગણવામાં આવે છે. આપણા શરીરની ત્વચા માટે આદર્શ પીએચ લેવલ થોડુંક આલ્કલાઇન એટલે કે ૭.૩૦થી ૭.૪૫ માનવામાં આવે છે. નૉર્મલ હેર અને સ્કૅલ્પનું પીએચ લેવલ ૪.૫થી ૫.૫ હોવું જોઈએ.’
ત્વચાનું પીએચ
ત્વચા આપણા શરીરનું રક્ષણાત્મક આવરણ છે. એની બે લેયર છે, ઍસિડ ડર્મિક અને ડર્મિક. ઍસિડ ડર્મિક એ ટૉપ લેયર છે. ડર્મેટોલૉજિસ્ટ બતુલ પટેલ કહે છે, ‘નૉર્મલ સ્કિન લેયર ઍસિડિક હોવી જોઈએ. સ્કિન પ્રોટેક્ટિવ લેયરની અંદરના આવરણમાં પીએચ લેવલ સાતથી નીચે હોય એ સારું કહેવાય. આ લેવલનું ત્વચા પર હાજર નૅચરલ માઇક્રોબિયલ ફ્લોરા (ગુડ બૅક્ટેરિયા) તમારી ત્વચાનું રક્ષણ કરે છે. જો પીએચ લેવલ ઇમ્બૅલૅન્સ થતાં ત્વચા એનું લચીલાપણું ગુમાવી દે છે. સ્કિન ઍલર્જી, ઇન્ફેક્શન, એક્ઝિમાનું કારણ હાઈ પીએચ લેવલ છે. ત્વચા સંબંધિત રોગોથી બચવા ઍસિડિક પીએચ લેવલ મેઇન્ટેન રાખવું પડે. બજારમાં મળતા મોટા ભાગના કમર્શિયલ સોપમાં પીએચએલ વધુ હોય છે. બાથ માટે સોડિયમ લોરેટ સલ્ફેટ (એસએલએસ) ધરાવતા સોપ બેસ્ટ કહેવાય.’
આપણે દિવસમાં બે-ત્રણ વાર ચહેરો ધોઈએ છીએ. આ રૂટીન ઍક્ટિવિટીની ત્વચા પર અસર વિશે વાત કરતાં ડૉ. બતુલ કહે છે, ‘સાબુ અને ફેસ વૉશના પીએચ લેવલમાં તફાવત હોય છે. હાઈ પીએચએલ સોપથી ચહેરો ધોવાથી રોમછિદ્રો ખૂલી જાય છે, જ્યારે માઇલ્ડ ફેસ વૉશ ત્વચામાંથી મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. ફેસ વૉશ એસએલએસ ફ્રી હોવાથી ચહેરાની નાજુક ત્વચાને હાનિ પહોંચતી નથી. એવી જ રીતે ફેશ્યલ ક્રીમની પસંદગીમાં પીએચએલ ધ્યાનમાં રાખવાથી ત્વચા મુલાયમ અને સુંદર બને છે. સાયન્ટિફિકલી જોઈએ તો ત્વચા અને પેટને સંબંધ છે. તમારા પેટમાં ઍસિડિક અને આલ્કલાઇન ફૂડનું કૉમ્બિનેશન આંતરિક અને બાહ્ય સુંદરતાને
નિખારે છે.’
વાળ પર અસર
મૉડર્ન કૉસ્મેટિક વર્લ્ડથી આપણે સૌ ખાસ્સા પ્રભાવિત છીએ. વાળ માટેનાં અઢળક ઉત્પાદનો માર્કેટમાં અવેલેબલ હોય ત્યારે સાચી પસંદગી કરવી અઘરી છે. તમારા વાળના પીએચ લેવલને ઓળખ્યા વગર વાપરવામાં આવતી પ્રોડક્ટ્સ હેરની ક્વૉલિટી ખરાબ કરી શકે છે એવી માહિતી આપતાં ડૉ. મધુલિકા કહે છે, ‘વાળની નીચેની ત્વચામાં પોપડી જામે, વાળ બેજાન લાગે તો સમજી જવું કે તમે યોગ્ય પ્રોડક્ટ વાપરતા નથી. આપણે ત્યાં મળતાં શૅમ્પૂમાં પીએચ લેવલનું લેબલિંગ હોતું નથી તેથી બે-ચાર વાર પ્રયોગ કર્યા વગર ઓળખવું મુશ્કેલ છે. ડ્રાય અને ફ્રિઝી હેરનું કારણ શૅમ્પૂ અને તમારા વાળ વચ્ચે રાસાયણિક સંયોજનોનો મેળ નથી. આ સમસ્યાને પીએચ લેવલ ઇમ્બૅલૅન્સ્ડ થવાનું પ્રાથમિક લક્ષણ માનવું. આવા સમયે સૌથી પહેલાં શૅમ્પૂ બદલવું. શૅમ્પૂ કર્યા બાદ કન્ડિશનર ખાસ વાપરવું. કૉસ્ટ કટિંગના ચક્કરમાં ઘણા લોકો કન્ડિશનર નથી વાપરતા. વાસ્તવમાં કન્ડિશનર તમારા વાળના પીચએચ લેવલને મેઇન્ટેન રાખવાની સાથે વાળને મૅનેજેબલ રાખવામાં હેલ્પ કરે છે.’
વાળની નીચેની ત્વચામાં બૅક્ટેરિયા હોય છે, પરંતુ સ્કૅલ્પનું પીએચ બૅલૅન્સ્ડ હોય તો આ બૅક્ટેરિયાથી નુકસાન થતું નથી. જો આલ્કલાઇન બને તો બૅક્ટરિયા માથું ઊંચકે છે. હેર કલરિંગ અને હેર બ્લીચિંગ જેવી ટ્રીટમેન્ટથી વાળનું પીએચ લેવલ વધી જાય છે. તેઓ કહે છે, ‘પીએચ લેવલ વધી જાય ત્યારે વાળના ક્યુટિકલ્સ (વાળની ત્વચાની નીચેનાં છિદ્રો) ખૂલી જાય છે અને એમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહે છે. ઘણાને શૅમ્પૂ કરવા માટે વધુ પાણી જોઈએ છે એનું કારણ વાળની નીચેની ત્વચા વધુ પાણી શોષી લે છે. પાણી ભરાઈ જવાથી ફંગલ ઇન્ફેક્શન, ડૅન્ડ્રફ થઈ શકે છે. મૂળમાંથી વાળ તૂટવાની ઝડપ વધે છે. સ્વસ્થ અને સુંદર વાળ માટે પીએચ લેવલ મેઇન્ટેન રહેવું જોઈએ.’
ખોટાં ઉત્પાદનો અને પાણીના પીએચને કારણે જ વાળ ખરે છે કે સ્કિન ખરાબ થઈ જાય છે સાવ એવા ભ્રમમાં પણ ન રહેવું. ડાયટ, હૉર્મોનલ ચેન્જિસ, રોગ, વિટામિન ડેફિશિયન્સી જેવાં અનેક કારણો પીએચ લેવલને બગાડી શકે છે. ઇન શૉર્ટ બાહ્ય અને આંતરિક બ્યુટી સીક્રેટ માટે પીએચ લેવલને ઓળખવું જરૂરી છે.

સેલ્ફ-એક્ઝામિનેશન કેવી રીતે?

કોઈ પણ વ્યક્તિ નિયમિત રીતે પોતાનું પીએચ લેવલ ટેસ્ટ કરી શકે છે. સવારના ભૂખ્યા પેટે એક લિટમસ પેપરનો ટુકડો જીભ નીચે અથવા સવારમાં સૌથી પહેલાં કરેલા યુરિનમાં મૂકવો. જો લિટમસ પેપરનો રંગ ભૂરો થાય તો સારું કહેવાય પણ જો એનો રંગ લાલ થાય તો ચિંતાજનક હોઈ શકે છે. જોકે તમે કેટલું પાણી પીધું છે, કોઈ ઇન્ફેક્શન છે અથવા તમારા શરીરમાં બૅક્ટેરિયાનો ગ્રોથ વધી ગયો હોય તો એની અસર ટેસ્ટનાં પરિણામો પર પડી શકે છે.

પાણીની અસર

પાણીનું પીએચ લેવલ સાત હોય છે. સામાન્ય રીતે ગ્રામીણ અને ડુંગરાળ પ્રદેશના વિસ્તારના પાણીમાં ક્ષાર અને ખનીજનું પ્રમાણ ઊંચું હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે ફલાણી જગ્યાએ ફરવા જાઓ ત્યારે બૉડી વૉશ વાપરજો. ત્યાંના પાણીમાં શરીર પર સાબુ લાગતો નથી, ફીણ વળતા નથી. મુંબઈના પાણીથી વાળમાં શૅમ્પૂ કરવાથી વાળ સ્વચ્છ થઈ જાય છે જ્યારે ગુજરાત બાજુ જઈએ તો વાળ ધોયા પછી ઊઘડતા નથી, ચીકાશ રહે છે અને બરછટ થઈ જાય છે. આમ થવાનું કારણ પાણીનું પીએચ લેવલ છે. મિનરલ્સ અને સૉલ્ટનું પ્રમાણ વધુ હોય એવા હાર્ડ વૉટરમાં સાબુ-શૅમ્પૂ લાગતા નથી. સામાન્ય રીતે અહીંના સ્થાનિક લોકો પીવાના પાણી માટે ઘરમાં વૉટર પ્યુરિફાયર વાપરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવા સ્થળે ફરવા જાઓ ત્યારે પીવાના પાણીથી ચહેરો ધોવો. નળ સાથે જોડી શકાય એવાં અત્યાધુનિક ફિલ્ટર પણ હવે આવી ગયાં છે. સ્કિન અને હેરના પીએચ લેવલને મેઇન્ટેન રાખવા લોકલ પબ્લિકે ફિલ્ટર ઇન્સ્ટૉલ કરાવી લેવા જોઈએ. પાણીનું પીએચ લેવલ ચેન્જ થવાથી વાળમાં સમસ્યાઓ ઉદ્ભવે છે, પરંતુ વાળ ખૂબ ખરતા હોય તો નિષ્ણાતનો સંપર્ક કરી તબીબી કારણોની શોધ કરવી જોઈએ.

ડ્રાય અને ફ્રિઝી હેરને પીએચ લેવલ ઇમ્બૅલૅન્સ્ડ થવાનું પ્રાથમિક લક્ષણ માનવું. આવા સમયે સૌથી પહેલાં શૅમ્પૂ બદલવું. હેર કલરિંગ અને હેર બ્લીચિંગ જેવી ટ્રીટમેન્ટથી વાળનું પીએચ લેવલ વધી જવાથી વાળના ક્યુટિકલ્સ ખૂલી જાય છે અને એમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહે છે. પાણી ભરાઈ જવાથી ફંગલ ઇન્ફેક્શન, ડૅન્ડ્રફ થઈ શકે છે. સ્વસ્થ અને સુંદર વાળ માટે પીએચ લેવલ મેઇન્ટેન રહેવું જોઈએ
- ડૉ. મધુલિકા મ્હાત્રે, સ્કિન ઍન્ડ હેર એક્સપર્ટ

નૉર્મલ સ્કિન પ્રોટેક્ટિવ લેયરમાં ઍસિડ મેન્ટલ સાતથી નીચે હોય એ સારું કહેવાય. આ પીએચ લેવલ ઇમ્બૅલૅન્સ થતાં ત્વચા એનું લચીલાપણું ગુમાવી દે છે. સ્કિન ઍલર્જી, ઇન્ફેક્શન, એક્ઝિમાનું કારણ હાઈ પીએચએલ છે. બજારમાં મળતા મોટા ભાગના કમર્શિયલ સોપમાં પીએચએલ વધુ હોય છે. બાથ માટે સોડિયમ લોરેટ સલ્ફેટ (એસએલએસ) ધરાવતા સોપ અને ચહેરા માટે એસએલએસ ફ્રી ફેસવૉશ બેસ્ટ કહેવાય.
- ડૉ. બતુલ પટેલ, ડર્મેટોલૉજિસ્ટ

નિષ્ણાતોએ શૅર કરેલી હોમ રેમેડીઝ

ધારો કે તમારા વાળનું પીએચ લેવલ વધીને સાત થઈ ગયું છે તો ઘરમાં ઉપાય કરી શકાય. ઍપલ સાઇડર વિનેગરનું પીએચ લેવલ ૩ છે. વાળ ધોવાના પાણીમાં એક ઢાંકણું આ વિનેગર ઉમેરવાથી વાળનું પીએચ લેવલ મેઇન્ટેન થઈ જશે.
અલોવેરા જૂસને વાળમાં લગાવવાથી પણ પીએચ લેવલ બૅલૅન્સ રાખી શકાય છે. એનાથી વાળ સ્મૂધ બનશે અને ડૅન્ડ્રફ થવાની શક્યતા ઘટી જશે.
સવારે લીંબુનો રસ લેવાથી તમારું શરીર અંદરથી ક્લીન થાય છે અને પીએચએલ મેઇન્ટેન રાખી શકાય છે. જોકે લીંબુ ખૂબ જ ઍસિડિક હોવાથી પીએચ લેવલ ઓછું હોય તેવા લોકોએ સેવન ન કરવું.

columnists Varsha Chitaliya