સ્મૃતિ ઈરાની અને આર. દોરાઇકન્નુને આવેલો કોવિડ-પૉઝિટિવ શું સૂચવે છે?

02 November, 2020 09:59 PM IST  |  Mumbai | Manoj Joshi

સ્મૃતિ ઈરાની અને આર. દોરાઇકન્નુને આવેલો કોવિડ-પૉઝિટિવ શું સૂચવે છે?

પ્રતીકાત્મક તસવીર


બે દિવસ પહેલાં સ્મૃતિ ઈરાની અને ગઈ કાલે તામિલનાડુના કૃષિપ્રધાન આર. દોરાઈકન્નુ અને એકથી દોઢ મહિના પહેલાં હૉસ્પિટલાઇઝ્‍ડ થયેલા નવનિયુક્ત રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજ. આ તમામ મહાનુભાવો કોવિડના શિકાર બન્યા છે અને જોવાની અને સમજવાની જરૂર એ છે કે એ કોઈ એવી હસ્તી નથી કે તેમના સુધી સામાન્ય માણસ પહોંચી પણ શકે અને એ પછી પણ તેમને કોવિડ આવ્યો, તેમણે સારવાર શરૂ કરવી પડી. એમાં તામિલનાડુના કૃષિપ્રધાન દોરાઈકન્નુને તો કોવિડ ભરખી પણ ગયો. ત્યારે સૌથી મોટી ચિંતા ઊપજાવે એવા સમાચાર આપણે માટે એ છે કે કેન્દ્રીય પ્રધાન અને રાજ્યના પ્રધાન જો કોવિડની હડફેટમાં આવી જાય તો આપણે એમાંથી બાકાત કેવી રીતે રહી શકીએ, કેવી રીતે આપણે આપણી જાતને આ કોરોનાથી બચાવી શકીએ?
વારંવાર એકની એક વાત કહેવામાં આવે છે અને વારંવાર એકની એક ચર્ચા આપણે કરીએ છીએ કે કોરોનાની ગંભીરતાને ભૂલવાનું નથી અને એવું ભૂલથી પણ કરવાનું નથી જેને લીધે કોરોના એના ઊતરતા કાળ વચ્ચે પણ નાહકની તકલીફ આપી જાય. જો પ્રધાનમંડળમાં સમાવિષ્ટ વ્યક્તિ સુધ્ધાં કોરોના-સંક્રમણમાં આવી જાય અને જો તેણે પણ ક્વૉરન્ટીન થવું પડે તો કોવિડની ગંભીરતા તમને સમજાવી જોઈએ. આજે પણ, આટલું કહ્યા પછી પણ કોવિડને ઊતરતો ગણનારા મરદ-મુછાળાઓનો તોટો નથી. આ મરદ-મુછાળાઓ પોતે તો જોખમમાં મુકાય છે અને સાથોસાથ એ સૌ પણ મૂશ્કેલીમાં મૂકાય છે જે તેની નજીકના છે. જુઓ તમે, કોવિડે કેવી માઝા મૂકી છે. જુઓ તમે, યુરોપમાં કેવી હાલત થઈ છે. બે દિવસ પહેલાં અમેરિકામાં રેકૉર્ડબ્રેક નવા કેસ નોંધાયા. ફ્રાન્સ ઑલરેડી ફરી એક વખત લૉકડાઉન અપનાવી ચૂક્યું છે અને યુરોપના અન્ય દેશો પણ હવે નવેસરથી લૉકડાઉન લાવવાની તૈયારીમાં લાગી ગયું છે. લૉકડાઉન અનિવાર્ય હોય એવું અત્યારના તબક્કે ફરી એક વાર લાગવા માંડ્યું છે. કૉર્પોરેટ ઑફિસ હજી શરૂ થઈ નથી. મોટાં કૉર્પોરટ હાઉસ પણ હજી ચાલુ કરવામાં આવ્યાં નથી અને લાગતું નથી કે વૅક્સિન પહેલાં એ કૉર્પોરેટ હાઉસ ચાલુ કરવાની હિંમત કરવામાં આવે. આ ડર છે અને આ ડરને સૅલ્યુટ કરવાની જરૂર છે. કામ જો ઘરેથી ચાલી રહ્યું છે તો પછી શું કામ જાતને જોખમમાં મૂકવી છે. બીજા નીકળે છે એટલે આપણે નીકળી શકાય કે પછી થોડી વાર જવામાં કશું લૂંટાઈ નથી જવાનું. આવું અને આ પ્રકારનું માનનારા સૌકોઈએ સમજવું પડશે કે આમ જ કોરોનામહારાજને ઘરમાં લઈ આવવાની પ્રક્રિયા થઈ જશે અને આમ જ આપણે કોરોનાનો શિકાર બની જઈશું. લૉકડાઉનને તબક્કાવાર ખોલવાનું શરૂ કરવામાં આવ્યું છે, પણ એની પાછળ એક નહીં, અનેક કારણ છે અને એ કારણોને પણ સૌકોઈએ સમજવાનાં છે. જે ઘરમાં રહી શકે છે એને માટે લૉકડાઉન ખૂલ્યું જ નથી, પણ જેમને નાછૂટકે ઘરની બહાર નીકળવું પડે એમ છે, આર્થિક સંકડામણનો સામનો કરવો પડે એમ છે તેમને માટે લૉકડાઉન ખૂલ્યું છે. લગ્નની પરમિશન મળી ગઈ એવું ધારીને એમ માની લેનારાઓ પણ આપણે ત્યાં છે કે હવે તો બધી નિરાંત છે. ના, એવું નથી અને શું કામ નથી એની વાત આપણે આવતી કાલે કરીશું પણ પ્લીઝ, એની પહેલાં જરૂર ન હોય તો બહાર નીકળવાનું ટાળો, પ્લીઝ.

manoj joshi columnists