ચાંદીનાં ઘરેણાંની ચાંદી થઈ ગઈ છે

10 December, 2020 08:10 PM IST  |  Mumbai | Alpa Nirmal

ચાંદીનાં ઘરેણાંની ચાંદી થઈ ગઈ છે

અત્યાર સુધી સિલ્વર જ્વેલરી નવરાત્રિમાં યાદ આવતી. પરંપરાગત ચણિયાચોળી સાથે જૂની ટ્રેડિશનલ ડિઝાઇનોનાં હાર, કડાં, ઝૂમકાં વગેરે પહેરાતાં. હા, ક્યારેક વળી ગામઠી પ્રિન્ટનો કુરતો કે ડ્રેસ પહેર્યો હોય તો બુટ્ટી કે બંગડી ચડાવીએ. બાકી ચાંદીના દાગીના દાબડામાં જ પડ્યા રહેતા. પણ છેલ્લાં ત્રણેક વર્ષથી ચાંદીનાં આભૂષણો એલીટ વર્ગમાં પૉપ્યુલર થયા છે. અલબત્ત, નવા રૂપ, રંગ અને ડિઝાઇનમાં. આજકાલ હૅન્ડલૂમ સાડી કે ડ્રેસ સાથે ગળામાં મોટા નેકલેસ કે ફક્ત ઈયર-રિંગ્સ, વીંટીને સ્ટેટમેન્ટ જ્વેલરી તરીકે પહેરવાનો ટ્રેન્ડ ઇન છે.

 આમ તો સોશ્યલ મીડિયાના જમાનામાં કોઈ ફૅશન વ્યાપક થવામાં બહુ સમય નથી લાગતો, પણ સિલ્વર જ્વેલરીને લાંબો ગાળો લાગ્યો. એની પાછળ બે મુખ્ય કારણો રહ્યાં. પહેલું મોટા ભાગની સ્ત્રી માટે ચાંદીનાં ઘરેણાં મીન્સ પાયલ અને પગનાં વીંછિયા માત્ર. ચાંદીની ચેઇન, બંગડી કે બુટ્ટી પહેરવી તો લોઅર સોશ્યલ સ્ટેટ્સ ગણાય. સોનું ન પોસાય એ લોકો ચાંદી પહેરે એ માનસિકતાને કારણે ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ચડાવેલાં આભૂષણો કે પછી સાવ ખોટી સોનેરી જ્વેલરી પહેરાય, પણ ચાંદીની સફેદ ચમક તો નહીં જ. બીજું કારણ એ કે સિલ્વર જ્વેલરી પહેરવાના આ નવા ટ્રેન્ડમાં નવરાત્રિ ટાઇપની જ્વેલરી નહોતી પહેરાતી. ટ્રેડિશનલ અને આધુનિક ડિઝાઇનના મિક્સચર સમા હટકે આભૂષણોની ફૅશન ચાલતી હતી. હવે આવી જ્વેલરી લાઇન બહુ લિમિટેડ બ્રૅન્ડ્સ બનાવતી અને એની પ્રાઇસ ભદ્રંભદ્ર વર્ગને પોસાય એવી રહેતી. આ બે કારણોથી ચાંદીનાં ઘરેણાંની ફૅશન ત્રણ વર્ષ ઈન્ક્યુબેટરમાં જ રહી.

આનંદો, હવે અઢળક ઑપ્શન

વેલ, હવે સેંકડો નાના-મોટા મૅન્યુફૅક્ચરોએ આ ફીલ્ડમાં ઝંપલાવ્યું છે અને એક માગતાં હજાર ડિઝાઇનો મળે છે. ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટથી ફૅશન ડિઝાઇનિંગના થર્ડ યરમાં ભણતી દિનાર છેડા કહે છે, ‘અમને ભણવામાં ઇન્ટરનૅશનલ, નૅશનલ ફૅશનની હિસ્ટરી અને કરન્ટ ટ્રેન્ડ્સ જેવા વિષયો સાથે આપણી ભારતીય પરંપરાગત કલા પણ શીખવવામાં આવે, જેમાં ટેક્સટાઇલથી લઈ જ્વેલરી વિશે પણ જ્ઞાન અપાય. એટલે અમે જ્યારે કોઈ પ્રોજેક્ટ રૂપે ગાર્મેન્ટ બનાવીએ ત્યારે એને એન્હાન્સ કરવા ઍક્સેસરીઝ પણ ડિઝાઇન કરવાની રહે. પહેલાં એમાં એક્રિલિક, જૂટની ઍક્સેસરીઝ ચાલતી હતી; પણ હવે અમે ચાંદી વિશે પહેલાં વિચારીએ, કારણ કે હવે એમાં બહુ સુંદર ડિઝાઇન ઑપ્શન મળે છે સાથે-સાથે બ્રૉચિસ, કફલિંક્સ, ટાઇપિન્સ જેવી ઍક્સેસરીઝ પણ મળે છે. વળી કોઈ પણ ફૅશન થીમ હોય, સિલ્વર ગોઝ વિથ એવરી થીમ.’

કમાલની કન્ટેમ્પરરી ડિઝાઇન

સ્પેશ્યલ જયપુરમાં બનતાં ડાયમન્ડ કે કલર સ્ટોન્સ સાથેનાં ચાંદીનાં આભૂષણો ઘણા વખતથી પ્રચલિત છે, પણ હવે ચાંદી પર રંગબેરંગી ઇનેમલ કરાયેલી કે એકલી ચાંદીની જ્વેલરી લાઇન ઇન છે અને ડિઝાઇનોમાં રબારી કે રાજસ્થાની નહીં પણ કન્ટેમ્પરરી ડિઝાઇન કન્સેપ્ટ હિટ છે. એક્ઝામ્પલ ખુરશીના શેપની ઈયર-રિંગ ને વીંટીમાં ચાની કિટલી અને કપ. ડિઝાઇનરો ખરેખર કમાલ કરી રહ્યા છે. તેમણે એવી-એવી ડિઝાઇન, એવા અનયુઝ્અલ ઑબ્જેક્ટનાં ઘરેણાં બનાવ્યાં છે જેની કલ્પના પણ ન કરી શકાય. વળી આવી યુનિક ડિઝાઇનોનો દબદબો એવો છે કે એની કિંમત પર પીસ અંકાય છે. બજારમાં ચાંદીનો શું ભાવ છે ને જે-તે આભૂષણનું વજન કેટલું છે એવાં પરિબળોનું અહીં કોઈ સ્થાન નથી. બસ, તમને ડિઝાઇન ગમી તો પે ફોર ઇટ.

શુકનમાં પણ ફર્સ્ટ ચૉઇસ

દિવાળીના દિવસોમાં ચાંદી-સોના જેવી કીમતી ધાતુઓ ખરીદવી શુભ મંગળ શુકન ગણાય છે. એક તો આ વખતે લાંબા લૉકડાઉનને કારણે મંદી છે ને ઉપરથી સોનાનો ભાવ બહુ ઊંચો હતો એટલે મોટા ભાગના લોકોએ એનો ભાવ ન પૂછ્યો. પણ ચાંદીમાં એ વખતે નવો ટ્રેન્ડ જોવા મળ્યો. સોના-ચાંદીનાં વાસણો, પૂજા વગેરે સાધનોનો હોલસેલ વ્યાપાર કરતા વિશાલ જૈન કહે છે, ‘દિવાળીમાં લગડી, લક્ષ્મી-ગણેશના સિક્કા, મૂર્તિ અને થાળી અને પૂજાનાં વાસણો મોટા પ્રમાણમાં વેચાય છે પણ આ વખતે રીટેલ વેપારીઓ તરફથી અમને ચાંદીનાં ઘરેણાંની બહુ ઇન્ક્વાયરી આવી અને એ પણ ટિપિકલ પાયલ, વીંછિયા જેવું નહું, ફૅન્સી જ્વેલરી માટેની પૂછપરછ બહુ થઈ.’

અને તેમના કહેવા પ્રમાણે લોકોએ આ વખતે લગડી-સિક્કા વગેરે લેવાને બદલે શુકન રૂપે ચાંદીના ઘરેણાંની ખરીદી વધુ કરી છે.

પ્યૉર વાઇટ પૉલિશ: હમણાં ઑક્સિડાઇઝ કરેલી જ્વેલરીને બદલે ચાંદીની ઓરિજિનલ પૉલિશના દાગીના ફૅશનમાં છે. મોતી કે સ્ટોન વગર ઓન્લી ચાંદીની જ્વેલરીમાં હટકે કન્સેપ્ટ અને ડિઝાઇન ડિમાન્ડમાં છે. લાઇટ વેઇટથી લઈ વજનદાર વીંટી, પેન્ડન્ટ, સ્ટડ, લૉન્ગ ઈયર-રિંગ્સ, કડાં, કફ્સ, નેકલેસ, હાંસડી, પગના કડલા જેવાં આભૂષણો સોશ્યલ મીડિયાનાં વિવિધ માધ્યમો પર ધૂમ મચાવી રહ્યાં છે.

કેવાં-કેવાં ઘરેણાં ટ્રેન્ડમાં છે?

ઇનેમ્લડ સિલ્વર જ્વેલરી: સોના કે ચાંદીના લાલ-લીલા મીણાકારીવાળા દાગીના દાયકાઓથી પ્રચલિત હતા, પણ હવે એ મીણાની બદલે ટર્કોઇસ, સી ગ્રીન, વાઇટ, યલો ઇનેમલ કરાયેલા દાગીના યંગસ્ટર્સ અને મિડલ એજેડ મહિલાઓ બહુ પસંદ કરે છે. ટ્રેડિશનલ અને મૉડર્ન બેઉ ડિઝાઇનમાં આવી ઇનેમલ્ડ જ્વેલરી મળે છે.

સ્ટોન, મોતી, કુંદન જડેલી જ્વેલરી ઃ રિયલ લુક જ્વેલરી નામે સોનાના બદલે ચાંદીમાં જડેલી કુંદન જ્વેલરીએ પાંચ-સાત વર્ષ પહેલાં બહુ રાજ કર્યું, પણ હવે એ ડિઝાઇનો લેડીઝ લોગને આકર્ષિત કરતી નથી. એ જ પ્રમાણે જયપુરની સ્ટોન જ્વેલરી ચાલે છે પણ એ હવે હૅપનિંગ નથી ગણાતી. એને બદલે વિક્ટોરિયન કે યુરોપિયન ડિઝાઇનમાં બ્લુ, રેડ કલરના ડાયમન્ડ કે સ્ટોન કે પર્લ ડ્રૉપ્સવાળા નેકપીસ મહિલાના ‘વૉન્ટ્સ ટુ હૅવ’ના લિસ્ટમાં સ્થાન પામે છે. એમાં એકથી એક એવા અદ્ભુત પીસ બને છે કે જોતાં જ એને લેવાનું મન થઈ જાય. અલબત્ત, એની માટે એની મોટી પ્રાઇસ પણ ચૂકવવાની રહે છે.

સમ સ્ટાઇલિંગ ટિપ્સ

એવું નથી કે ટ્રેડિશનલ સિલ્વર જ્વેલરી આઉટડેટેડ છે. એ હવે ગામઠી ડ્રેસ કે પરંપરાગત ચણિયાચોળી ને સાડીની બદલે વનપીસ, શર્ટ અને વેસ્ટર્ન ડ્રેસ સાથે પહેરાય છે. વાઇટ શર્ટ સાથે નવરાત્રિમાં પહેરો છો એ હાર પહેરો કે કાનમાં પેલા રબારી ટાઇપના વેડલા, સ્ટનિંગ લુક આપે છે.

સિલ્ક કાંજીવરમ સાથે સિલ્વર અને ગોલ્ડ મિક્સ જ્વેલરી બહુ સુપર્બ ઉઠાવ આપે છે. કાંજીવરમની ગોલ્ડ જરીની સાથે ચાંદીનાં ઘરેણાંની વચ્ચે-વચ્ચે ગોલ્ડન પૉલિશ માઇન્ડ બ્લોઇંગ દેખાય છે. બટ બી કૅરફુલ. જો તમે સંપૂર્ણપણે આ સ્ટાઇલ કૅરી કરી શકો તો જ એ પહેરજો. જો તમારામાં જ આત્મવિશ્વાaસ નહીં હોય ને ગોલ્ડ-સિલ્વર કેવી રીતે મૅચ થાય એ અવઢવ હોય  તો ડૂ નૉટ ટ્રાય.

મુંબઈની ભેજવાળી હવામાં રૂપેરી રજત કાળું પડવા માંડે છે. આથી એની યોગ્ય જાળવણી ખૂબ જરૂરી છે. રેગ્યુલર ક્લીનિંગ એને કાળું થતું અટકાવશે.

જો તમારી પાસે ચાંદીનાં જૂનાં ઘરેણાં છે તો એને રીડિઝઇન કરી એ જ આભૂષણને અલગ રીતે યુઝ કરી શકાય. જેમ કે લાંબા જૂના હારની સેરમાંથી લૉન્ગ ઈયર-રિંગ કે બ્રેસલેટ બનાવી શકાય. એ જ રીતે બાજુબંધને ટાઇટ ચોકર બનાવી શકાય. તો કમરના ઝૂડામાંથી લૉન્ગ પેન્ડન્ટ બનાવી શકાય. જૂના દાગીનાનું નવીનીકરણ ઑલ્વેઝ એક્સક્લુઝિવ જ રહેશે.

columnists alpa nirmal