ભાઈ-બહેનનો પ્રેમ જોઈને પતિ કે પત્નીને ઈર્ષ્યા આવી શકે

07 August, 2020 05:35 PM IST  |  Mumbai | J D Majethia

ભાઈ-બહેનનો પ્રેમ જોઈને પતિ કે પત્નીને ઈર્ષ્યા આવી શકે

ઘણી વાર આપણને એમ થાય કે આ મારા કરતાં એના ભાઈને વધારે પ્રેમ કરે છે, પણ એ લાગણી, એ સંબંધ જ એવો છે. એક્સપેક્ટ કરી લેવાનો.

વહાલી બહેન કમલ અને ચંદ્રિકા, સંગીત, શોભાબહેન અને સ્કૂલમાં મને જેમણે-જેમણે રાખડીઓ બાંધી છે કે જેમણે મને જ્યારે-જ્યારે એક ભાઈના રૂપમાં જોઈ, સંબોધીને આશીર્વાદ અને પ્રેમ આપ્યા છે એ બધાને રક્ષાબંધનની બધાઈ.
મારા જીવનમાં રક્ષાબંધનોએ બહુ બધા બદલાવ જોયા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવું પણ થતું કે બહેન અને ભાઈને ન ફાવતું હોય તો રક્ષાબંધન રવિવારે અથવા તો થોડા દિવસ પછી પણ ઊજવી લે અને એવું ન બને તો એવું પણ બને કે એક જ શહેરમાં રહેતાં ભાઈ-બહેન બન્ને રક્ષાબંધન મિસ કરી જાય, પણ આ વખતના માહોલે રક્ષાબંધનને ઘણી રીતે વધુ મજબૂત કરી દીધી છે. રક્ષાબંધનને બે અક્ષરમાં બહુ સરસ રીતે છૂટું પાડીએ તો એમાં એક અલગ જ ઊંડાણભર્યો અર્થ સમજવા મળે. રક્ષા અને બંધન. સુરક્ષા અને અટૅચમેન્ટ. અત્યારે દરેક વ્યક્તિ પોતાની વ્યક્તિની સુરક્ષા ઇચ્છે છે અને માટે જ લોકો સુરક્ષિત રહીને પ્રત્યક્ષ રીતે મળીને બાંધી શક્યા તેમણે એ રીતે, તો જે લોકોને સુરક્ષિત ન લાગ્યું એ લોકોએ કોઈ પણ પ્રકારના બંધનને તાબે થવાને બદલે વિડિયો-કૉલ કરીને આ તહેવારની ઉજવણી અફસોસ સાથે કરી અને એકબીજાની રક્ષા પર વધારે ધ્યાન આપ્યું. આ જ તો આ તહેવારનો સાચો અર્થ છે.
રક્ષાબંધન એટલે ભાઈની બહારનાં દરેક પરિબળો સામે લડતાં રક્ષા માગતી બહેન અને સામે ભાઈનું બહેનને દુનિયાની દરેક મુસીબતમાં બહેનની બાજુમાં ઊભા રહીને રક્ષા કરવાનું વચન. આ તહેવાર છે અને આ તહેવારની આ જ ભાવના છે. રક્ષાબંધનની શરૂઆત મહાભારતમાં શિશુપાલના વધ વખતે થયો. શિશુપાલના વધ માટે શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્ર છોડ્યું એ સમયે તેમની આંગળીમાં પણ ઈજા થઈ હતી અને આંગળીમાંથી લોહી વહેવાનું શરૂ થયું હતું. આ લોહી વહેતું બંધ નહોતું થતું ત્યારે આસપાસના બધા લોકો દવાદારૂ માટે દોડાદોડ કરવા માંડ્યા હતા, પણ એ સમયે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને એ આંગળીએ બાંધી દીધો અને શ્રીકૃષ્ણની આંગળીમાંથી લોહી વહેતુ બંધ થયું. એ સમયે ફાડવામાં આવેલા સાડીના એ છેડાને રાખડીનું પ્રતીક ગણવામાં આવે છે. દ્રૌપદી સાથેના આ જ સંબંધોની વાતમાં ભાઈપણાની જો વાત કહું તો દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે શ્રીકૃષ્ણએ કદી પૂરી ન થાય એવી સાડીથી રક્ષા કરીને ભાઈનો ધર્મ નિભાવ્યો હતો. આ સુંદર ફેસ્ટિવલ આપણે ઘણી રીતે જોયો છે. બહેન-ભાઈ નાનાં હોય ત્યારે મમ્મી-પપ્પા ભાઈના હાથમાં પૈસા આપીને એ પૈસા બહેનને આપવાનું કહે. બહેન માટેનો સ્પેશ્યલ ડે હોય છે આ. બહેન થોડી મોટી થાય એટલે ભાઈ આસપાસના છોકરાઓની મસ્તીથી બચાવીને રક્ષા કરવાનું શરૂ કરે છે. બહેનનાં લગ્ન પછી આમાં એક સુંદર વળાંક આવે છે. બહેન જો એક જ શહેરમાં હોય તો પિયરે આવવા માટેનો તેને આ એક સુંદર પ્રસંગ મળે છે. થોડાં વર્ષથી મોબાઇલ અને લોકોના વિચારોમાં થોડો બદલાવ આવ્યો છે, પણ કેટલીયે બહેનો કેટલાંય વર્ષો સુધી પોસ્ટમાં એક કાગળ સાથે ભાઈને રાખડી મોકલતી. ખાસ કરીને જે બહેનો બહારગામ હતી તે. લગ્ન પછી જેમનું સાસરું બહારગામ હતું તે. મને યાદ છે કે આવી ખૂબ રાખડીઓ મેં બંધાવી છે. મોટી બહેન કમલ તરફથી આવતી રાખડીઓ. કમલે મોકલી હોય એ રાખડીઓ બાંધે નાની બહેન ચંદ્રિકા અને કમલે મોકલેલો કાગળ બધા ભાઈઓની સામે રાખડી બંધાઈ ગયા પછી વંચાય. આંખો ભીની થઈ રહી છે અત્યારે પણ આ લખતાં, એમ જ, ડિટ્ટો એમ જ, જેમ દર વખતે એ કાગળ સાંભળતો ત્યારે થતી. દુઃખથી નહીં, પણ બહેનના પ્રેમથી, તેના હેતથી અને તેણે લડાવેલા લાડથી. કેટલા સુંદર શબ્દો લખતી કમલ. કમલે મને મારી માની જેમ મોટો કર્યો છે. હું આજીવન તેનો ઋણી રહીશ અને મારી બહેન ચંદ્રિકા, મારી હમઉમ્ર, મારી વહાલી, મારી સખી. મારી સતત ચિંતા કરતી બહેન. મેં તેને એક વાર મદદ કરી હતી ત્યારે તે મને કહે, ‘બાબુલ, હું તારા ભાગમાં આવી છું.’ મેં તેને જવાબ આપ્યો હતો...
‘ભાગમાં નહીં, તું મારા ભાગ્યમાં આવી છો.’
હા, ભાઈ-બહેન ભાગ્યમાં આવે. ભાગ્ય હોય તો ભાઈ-બહેનનો પ્રેમ મળે. અમે બધાએ ખૂબ માણ્યો છે એ પ્રેમ અને આજે પણ માણીએ છીએ. અમે છેલ્લાં કેટલાંય વર્ષોથી આ રક્ષાબંધનનો તહેવાર ખૂબ સરસ રીતે માણીએ છીએ. મારાં બા-બાપુજી અહીં હોય એટલે અમૂલભાઈ-પન્નાભાભીને ઘરે ભેગાં થઈએ. સામે જ ઉત્સવભાઈ રહે એટલે તે આવે. ચંદ્રિકા બાજુના બિલ્ડિંગમાં જ એટલે તે પણ આવે. મારા મામાનો છોકરો, માસીનો અને અદાનો દીકરો. બધા એક ઠેકાણે ભેગા થઈએ અને બધા રાખડી બંધાવે. મારા મામા આવે, મારી બા તેને રાખડી બાંધે. રવિ, કિશન, મોટી બહેનનો દીકરો આનંદ, વિવેક એ થોડા સમયથી મિસિંગ છે. મારી દીકરીઓ કેસર અને મિશ્રી હોય. અમી હોય તો અમી પણ હોય, શ્યામુ. બધાની રાખડીઓ બંધાય. ત્રણ જનરેશન રાખડી બાંધતી હોય અને એ માહોલ જ આખો જુદો હોય. આ વખતે એ બધું મિસ થયું. અમારા ઘરે ભાર્યુંભાદર્યું છે એટલે મને જરા વધારે થાય છે અને મારા જેવા બીજા પણ અનેક હશે જેણે આ બધું મિસ કર્યું હશે.
એ રક્ષાબંધન સતત આંખ સામે છે. હું મારી બાને મારા મામા સાથે જોઉં તો એટલો માયાળુ સંબંધ છે કે આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય. રસિકમામાને રાખડી બાંધતી હોય મારી મા ત્યારે બન્નેના ચહેરા પર આવેલું મંદ-મંદ સ્મિત. મોટો ભાઈ ઉત્સવ હોય કે રસિક જે વિડિયો-કૉલ પર ચંદ્રિકા અને કમલને દર્શન કરાવે. અમૂલના ઘરે જ ઊતરે બહેનો. અમૂલ એટલે ૨૪x૭ અને ૩૬પ દિવસની હેલ્પલાઇન. ઉપરથી રાજેશ ભાયાણી, અમૂલ રાજા, ભાવેશ જેવા ઘણા બધા ભાઈઓ આસપાસ. વૈષ્ણવમાં ઠાકોરજીને ધરાવેલી રાખડીઓ બાંધવાની પ્રથા અને ઠાકોરજીને ખૂંચે એવી તો રાખડીઓ બંધાય જ નહીં એટલે એકદમ સુંવાળી, નાની, સરસ મખમલ જેવી રાખડીઓ ધરાવાઈ હોય. નાનપણમાં બિલ્ડિંગ પર બધાના હાથમાં મોટી-મોટી રાખડીઓ જોઈએ, જેમાં ઘણી વાર આપણી ફેવરિટ પિક્ચરનાં નામ લખ્યાં હોય એવી રાખડીઓ પણ હોય. અલગ-અલગ પ્રકારની ફૅન્સી રાખડીઓ. એ બધું જોઈને મને બંધાયેલી રાખડીઓનો બહુ અફસોસ, પણ એ અફસોસ શાળામાં બીજા દિવસે આનંદમાં ફેરવાઈ જતો.
એ દિવસની શાળાનો સમય આજે પણ આંખ સામે છે. દોસ્તોને પ્રેમ કરો એ સ્વીકાર્ય, પણ ઑપોઝિટ જાતીય દોસ્તી તો લગભગ શક્ય જ નહોતી. લોકો થોડા કૉન્ઝર્વેટિવ હતા, આ સંબંધોને જુદી નજરે જોતા અને એટલે જ એક પવિત્ર સંબંધને, દોસ્તીને કે પ્રેમને રાખડીરૂપ પ્રતીક બનાવી દીધું. છોકરીઓ વિનાસંકોચ જેને રાખડી બાંધે તેની સાથે છૂટથી વાતો કરી શકે, મળી શકે. દોસ્તી રાખી શકતી અને છોકરાઓ પોતાની ગમતી છોકરી શાળામાં રાખડી ન બાંધી દે એની પ્રાર્થનાઓમાં ખાસ્સો સમય કાઢી નાખતા. અદ્ભુત ઉત્સવ છે આ. બહેનનો તહેવાર કહું હું આને.
બહેન પિયરથી રાખડી બાંધીને આવે એટલે અનોખી લાગણી, અનોખી લાલી હોય તેના ચહેરા પર, અનેરો ઉત્સાહ આવી જાય તેના પગમાં. કહો કે જોમ આવી ગયું હોય. આ વર્ષે કોરોનાને કારણે લગભગ બધી બહેનોએ ભાઈઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રાર્થના કરી હશે અને દરેક ભાઈઓએ બહેનના પરિવારના પડખે ઊભા રહેવાની તૈયારી બતાવી હશે. હમણાં એક બહુ સુંદર વિડિયો જોવા મળ્યો. એ વિડિયોમાં વાઇફ પોતાના ભાઈઓને રાખડી બાંધીને સાસરે પોતાના ઘરે આવે છે અને બન્ને ભાઈઓએ ખૂબબધા પૈસા આપ્યા એવું તેના વરને કહે છે. તેનો વર બહુ પ્રેમથી સાચી વાતનો ખુલાસો કરીને કહે છે, ‘તારા ભાઈઓ મુસીબતમાં છે એની મને ખબર છે. તારા પિયરને સાચવવાનો પ્રયાસ પણ મને ખૂબ ગમ્યો પણ એની જરૂર નથી. તારે કોઈ પણ માનસિક દબાણમાં રહેવાની જરૂર નથી. બહેનનો વર તેના ભાઈઓની બાજુમાં ઊભા રહેવાની તૈયારી પણ એમાં બતાવે છે. દરેક વર, દરેક પતિઓએ આવો પ્રયાસ જરૂર કરવો. પત્નીઓ છેને એ ભાઈઓને બહુ પ્રેમ કરતી હોય અને થોડી વધારે લાગણીશીલ હોય. ઘણી વાર આપણને એમ થાય કે આ મારા કરતાં એના ભાઈને વધારે પ્રેમ કરે છે, પણ એ લાગણી, એ સંબંધ જ એવો છે. એક્સપેક્ટ કરી લેવાનો.
બધા ભાઈઓ અને બહેનો, દુનિયાના આડંબર અને ખોટા વ્યવહારથી બહાર અને દૂર રહેજો અને સાચા અર્થમાં એકબીજાના પરિવારની મદદમાં ઊભા રહેજો. બહુ અઘરો સમય જઈ રહ્યો છે, પણ આવતી રક્ષાબંધન સુધી એ સમય નહીં રહે એની પણ ખાતરી રાખજો. ખૂબ આનંદથી ઊજવીશું એ રક્ષાબંધન. આ વખતે થોડી ફિક્કી ગઈ હોય તો આવતા વર્ષે બરાબર સાટું વાળી લઈશું. બસ, બહેન અને ભાઈ, એકબીજાના સંપર્કમાં રહેજો અને જરૂર પડે ત્યારે પડખે રહેજો એ જ સાચી રક્ષાબંધન છે. વધારે તો શું કહું હું આ પવિત્ર દિવસ માટે. મારી બધી બહેનોને રક્ષાબંધનનો ખૂબ ખૂબ પ્રેમ. મને આજ સધી આટલો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ ખૂબ-ખૂબ આભાર.

JD Majethia columnists