સંજય લીલા ભણસાલીનાં મમ્મીને લીધે શ્રેયા ઘોષાલને બૉલીવુડમાં બ્રેક મળ્યો

05 May, 2020 06:06 PM IST  |  Mumbai | Ashu Patel

સંજય લીલા ભણસાલીનાં મમ્મીને લીધે શ્રેયા ઘોષાલને બૉલીવુડમાં બ્રેક મળ્યો

શ્રેયા ઘોષાલે ‘સારેગામાપા’માં ભાગ લીધો એ પછી તે મેગા ફાઇનલમાં વિજેતા બની હતી અને એ રિયલિટી શો સંજય લીલા ભણસાલીનાં મમ્મી જોતાં રહેતાં હતાં. તેમણે શ્રેયાને ગાતી સાંભળી હતી. તેમને તેનો અવાજ ખૂબ ગમી ગયો હતો. તેમણે દીકરાને કહ્યું હતું કે ‘સારેગામાપા’માં આ છોકરીને ગાતી જો. તેનો અવાજ અદ્ભુત છે. 

એ સમયમાં સંજય લીલા ભણસાલી ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. ભણસાલીએ મમ્મીના કહેવાથી શ્રેયાને ‘સારેગામાપૉમાં જોઈ-સાંભળી અને તેમને પણ શ્રેયાનો અવાજ ગમી ગયો. એ પછી તેઓ ‘દેવદાસ’ ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે તેમણે શ્રેયાનો સંપર્ક કર્યો અને તેને ‘દેવદાસ’ ફિલ્મનું ‘દિલ ડોલા રે ડોલા રે ડોલા... ગીત ગાવાની તક આપી. 

શ્રેયાને બાળપણથી જ ગાવાનો શોખ જાગ્યો હતો. શ્રેયાનો જન્મ મુર્શિદાબાદમાં થયો હતો. જોકે તે ૧૩ વર્ષની ઉંમર સુધી રાજસ્થાનમાં રહી હતી. તેના પિતા ન્યુક્લિયર પાવર કૉર્પોરેશનમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ ન્યુક્લિયર પાવર કૉર્પોરેશનની ટાઉનશિપમાં રહેતા હતા, જ્યાં દરેક ફૅમિલીના વડા ક્યાં તો સાયન્ટિસ્ટ હતા અથવા એન્જિનિયર હતા. શ્રેયા ટાઉનશિપ બહારની દુનિયાથી લગભગ કપાયેલી હતી અને ત્યાં મનોરંજન માટે કોઈ સાધનો નહોતાં. શ્રેયાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે એ નાનકડા સ્વર્ગ જેવી જગ્યા હતી, જ્યાં એકદમ હરિયાળી હતી અને નજીકમાંથી ચંબલ નદી વહેતી રહેતી હતી. 

શ્રેયાનાં માતા-પિતા બંગાળી હતાં અને તેમના ઘરમાં સંગીત વાગતું રહેતું હતું. શ્રેયાનાં નાની ટ્રેઇન્ડ ક્લાસિકલ સિંગર હતાં. તેમણે શ્રેયાની મમ્મીને સંગીત શીખવ્યું હતું અને શ્રેયાની મમ્મીએ શ્રેયાને સંગીત શીખવ્યું હતું. એ પછી શ્રેયા થોડી મોટી થઈ એટલે ન્યુક્લિયર પાવર કૉર્પોરેશનની ટાઉનશિપથી નજીકના શહેર કોટામાં સંગીત શીખવા માટે દરરોજ ૭૦ કિલોમીટર જેટલો પ્રવાસ કરતી હતી. તે કોટામાં પંડિત મહેશ શર્મા પાસે

સંગીત શીખવા લાગી હતી. તેઓ ત્યાંની મ્યુઝિક કૉલેજના પ્રિન્સિપાલ હતા. 

શ્રેયા આઠ વર્ષની હતી ત્યારે તેણે સંગમ કલા ગ્રુપની સ્થાનિક સ્પર્ધામાં હિસ્સો લીધો હતો. એ  સ્પર્ધામાં ભાગ લઈને સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણ પણ ગાયક બની શક્યાં હતાં. શ્રેયા એ સ્પર્ધામાં આગળ વધી અને એ પછી તેને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી અને છેવટે તે નૅશનલ લેવલની સ્પર્ધા સુધી પહોંચી. એ વખતે તેણે પંડિત રાજન-સાજન મિશ્રા અને આણંદજીભાઈની ઉપસ્થિતિમાં આત્મવિશ્વાસપૂર્વક એ સ્પર્ધામાં ગાયું હતું. એ સ્પર્ધાને કારણે તેના પિતાને તેની પ્રતિભામાં વિશ્વાસ બેઠો અને તેમણે તેને ‘સારેગામાપા’માં ભાગ લેવા માટે  પ્રોત્સાહિત કરી હતી. એ પછી તે ૧૪ વર્ષની ઉંમરે મુંબઈ આવી ગઈ અને સંગીતકાર કલ્યાણજી-આણંદજી જોડીના સંગીતકાર કલ્યાણજીભાઈએ તેને પ્રોત્સાહન આપ્યું અને તાલીમ પણ આપી. 

રેસ્ટ ઇઝ ધ હિસ્ટરી.

entertainment news bollywood bollywood news columnists ashu patel