28 July, 2026 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શું બાળકોને સોશ્યલ મીડિયા પરથી લૉગઆઉટ કરી દેવાં જોઈએ?
‘મમ્મી, હું હવે ૧૫ વર્ષનો થયો કે નહીં?’
મમ્મી ચોંકી ગઈ. ‘કેમ?’
‘મારે ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ
ખોલવું છે.’
આ સંવાદ ભલે કાલ્પનિક છે, ભલે ભારતમાં અત્યારે શક્ય નથી; પણ ફ્રાન્સે ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો તાજેતરમાં જ પસાર કર્યો એના અનુસંધાનમાં છે. ઑસ્ટ્રેલિયાએ પહેલેથી જ ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે કડક નિયમો લાગુ કરી દીધા છે. બ્રાઝિલ, બ્રિટન, મલેશિયા, ઇન્ડોનેશિયા સહિત અનેક દેશોમાં બાળકોને સોશ્યલ મીડિયાથી કેવી રીતે દૂર રાખવાં એની ચર્ચા ચાલી રહી છે. ભારત કેમ પાછળ રહી જાય?
પ્રતિબંધના સમર્થકો કહે છે કે જો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઉંમર હોય, દારૂ માટે ઉંમર હોય તો સોશ્યલ મીડિયા માટે કેમ નહીં? તેમની દલીલમાં દમ છે તો બીજી બાજુ એટલી જ મજબૂત દલીલો પણ છે. આજનું શિક્ષણ એક ઊંચા સ્તરે પહોંચ્યું છે. વિદ્યાર્થીઓ સર્જનાત્મકતા બતાવી રહ્યા છે એ સોશ્યલ મીડિયાને કારણે જ. ભાષા, સંગીત, કલા - ઘણાંબધાં ક્ષેત્રોમાં તેઓ કૌશલ્ય કેળવી રહ્યા છે એ સોશ્યલ મીડિયાના ઉપયોગથી જ. સ્ક્રીન ખરાબ નથી હોતી, ખરાબ એનો દુરુપયોગ હોઈ શકે. બાળકો મોબાઇલનો ઉપયોગ કેવી રીતે કરે છે એ જોવાની મા-બાપની પણ ફરજ છે. ચાઇલ્ડ લૉકનાં ફીચર્સ છે જ. ટાઇમ કન્ટ્રોલ કરી શકાય છે. ભારતમાં કરોડો બાળકો સ્માર્ટફોન વાપરે છે. જો આવો કાયદો આવશે તો એનો વિરોધ પણ થશે અને સમર્થન પણ, પરંતુ પ્રતિબંધના કાયદા કરતાં મોટી જરૂરિયાત છે નિયમનની.
આજે ઑનલાઇન સ્કૂલિંગને કારણે દૂર-દૂરનાં ગામડાંઓ સુધી પહોંચી શકાયું છે. બાળકો શૈક્ષણિક વિડિયો જોતાં થયાં છે, પુસ્તકમાં છપાયેલા પાઠો અને નાટકોને સ્ક્રીન પર ભજવાતાં જોઈ શકે છે, કવિતાને સૂરમાં ગવાતી સાંભળી શકે છે, અજાણ્યા શબ્દોના અર્થ માટે ડિજિટલ ડિક્શનરી અને ડિજિટલ લાઇબ્રેરીનો ઉપયોગ કરતાં થયાં છે ત્યારે લાંબું વિચાર્યા વગરનો પ્રતિબંધ કેટલો વ્યવહારુ? સંપૂર્ણ પ્રતિબંધ તેમની વિકસતી બુદ્ધિનાં દ્વાર જ બંધ નહીં કરી દે? AI tools બાળકોના બૌદ્ધિક વિકાસ માટે જરૂરી છે, બલ્કે આશીર્વાદરૂપ છે. આપણે ઊંડાણપૂર્વક વિચાર કરીને એ શોધવું જોઈએ કે કઈ રીતે અયોગ્ય સામગ્રી તેમના સુધી ન પહોંચે? મોબાઇલ મનોરંજનનું સાધન ન બની જાય, વ્યસન ન બની જાય? એ શોધવું જરૂરી છે કે કઈ રીતે ઍલ્ગરિધમનો ઉત્તમ ઉપયોગ કરી શકીએ? નહીં તો સિગારેટના બૉક્સ પર ચેતવણીની જાહેરાત છાપીએ અને સિગારેટનું ઉત્પાદન-વેચાણ ધમધોકાર ચાલતું રહે એવો ઘાટ થાય.
ડિજિટલ સાક્ષરતા જરૂરી છે. જેમ બાળકને રસ્તા પર ટ્રાફિક વચ્ચે કેમ ચાલવાનું શીખવીએ છીએ એમ જ ઇન્ટરનેટના ટ્રાફિક વચ્ચે કેવી રીતે સુરક્ષિત રહેવું એ પણ શીખવવાનું છે. પ્રતિબંધ કરતાં આવી સમજણ વધુ અસરકારક બની શકે. સ્માર્ટફોન આપતાં પહેલાં સ્માર્ટ પેરન્ટિંગ જરૂરી નથી?
કોવિડકાળમાં ક્લાસરૂમ ડિજિટલી ચાલુ રાખી શક્યા, શિક્ષણ અટક્યું નહીં. ભારે વરસાદના દિવસોમાં સ્કૂલો ઑનલાઇન ચાલુ રાખવામાં આવી હતી એ તાજેતરનો જ દાખલો છે. ભવિષ્યની સફળતા ડિજિટલ સ્કિલ્સ પર આધારિત છે. આજે નાનાં બાળકો કોડિંગના જ્ઞાનથી અવનવી ઍપ્સ બનાવે છે. દરદીનો ઍન્જિયોગ્રામ ઘેરબેઠાં તમારા મોબાઇલથી જ કાઢી શકાય એવી ઍપ્લિકેશન એક વિદ્યાર્થીએ તાજેતરમાં જ બનાવી એવા સમાચાર આપણે વાંચ્યા છે. આવતી કાલના ધંધા-વ્યવસાય-નોકરીમાં ડિજિટલ કૌશલ્ય અનિવાર્ય બનશે. જો બાળકને ટેકનૉલૉજીના અવનવા આવિષ્કારથી દૂર રાખીશું તો ભવિષ્યમાં તે પાછળ પડી જશે. બાળકના હાથમાંથી મોબાઇલ લઈ લેવાથી સમસ્યા હલ નહીં થાય, પણ એના જીવનમાં મોબાઇલનું સ્થાન શું છે એ સમજાવવાથી એક નવી જ દિશા ખૂલી જશે. પછી એને નિયંત્રણની જરૂર નહીં રહે.
પ્રતિબંધ જ્યારે અમલમાં આવે ત્યારે એ સૌ માટે સમાન હોય છે, પણ એની અસર સૌ માટે સમાન નથી હોતી. ગામડાંઓમાં કે આર્થિક રીતે નબળા પરિવારોમાં દરેક બાળક પાસે પોતાનો સ્માર્ટફોન નથી હોતો. ઘણી જગ્યાએ આખા પરિવાર માટે એક જ ફોન હોય છે. ઑનલાઇન ક્લાસમાં ક્યાં તો ભાઈ હાજરી આપી શકે ક્યાં તો બહેન એવા કિસ્સા કોવિડકાળમાં નોંધાયા છે. બીજી તરફ મહાનગરોમાં દસ-બાર વર્ષની ઉંમરે જ બાળકો પાસે પોતાનો સ્માર્ટફોન, હાઈ-સ્પીડ ઇન્ટરનેટ અને કલાકો સુધી એકાંતમાં સ્ક્રીન સ્ક્રોલ કરવાની સગવડ હોય છે એટલે સમસ્યાની તીવ્રતા ત્યાં વધુ હોય છે. આથી પ્રશ્ન ઊભો થાય છે - એકસરખો કાયદો આવી અસમાન પરિસ્થિતિમાં કેટલો ન્યાયી બની શકે? આથી ચર્ચા માત્ર પ્રતિબંધની નથી રહી જતી. ડિજિટલ અસમાનતાની પણ છે. શહેરના બાળકની સમસ્યા સ્ક્રીનના વધુ પડતા ઉપયોગની હોઈ શકે, જ્યારે ગામડાના બાળકની સમસ્યા સ્ક્રીનની અછતની હોઈ શકે. એકને નિયંત્રણની જરૂર છે, બીજાને તકની. એક તરફ સ્ક્રીનથી બચાવવાની ચિંતા છે તો બીજી તરફ સ્ક્રીન સુધી પહોંચાડવાની. આ વિરોધાભાસ ભારત જેવા દેશ માટે ખૂબ અર્થપૂર્ણ ચિંતન માગી લે છે. પ્રતિબંધને બદલે ડિજિટલ શિક્ષણ, માતા-પિતા દ્વારા નિયમન અને સ્કૂલ દ્વારા માર્ગદર્શન - આ ત્રણેયને સંલગ્ન રાખીને નીતિ ઘડવી યોગ્ય રહેશે.
તમને ખબર છે કે ઑસ્ટ્રેલિયન સરકારના કડક કાયદા છતાં એક રિપોર્ટ અનુસાર ૮૦ ટકાથી વધુ બાળકો પ્રતિબંધના ૩ મહિનાની અંદર જ કોઈ ને કોઈ જુગાડ (જેમ કે VPN કે Fake ID) કરીને સોશ્યલ મીડિયાનો બિન્દાસ ઉપયોગ કરી રહ્યાં છે. જો આવતી કાલથી ડ્રાઇવિંગ લાઇસન્સની જેમ જ સોશ્યલ મીડિયા માટે ડિજિટલ લાઇસન્સ લેવાનું ફરજિયાત કરવામાં આવે તો વિરોધ-પ્રદર્શન સૌથી પહેલાં કોણ કરશે? માતા-પિતા કે બાળકો?