પિરિયડ્સમાં પેઇડ લીવ્સ મળવી જોઈએ?

28 February, 2023 01:31 PM IST  |  Mumbai | Jigisha Jain

જ્યારથી સ્ત્રીઓ ઘર અને ઑફિસ બન્ને ક્ષેત્રે કાર્યરત થઈ છે ત્યારથી માસિકના દિવસો દરમ્યાન પ્રોફેશનલ વર્કમાં પડતી મુશ્કેલીઓની ચર્ચા થતી આવી છે. બિહાર અને કેરળ રાજ્યે તો આ દિવસોમાં સ્ત્રીને બે દિવસની પેઇડ લીવનું રિલૅક્સેશન આપ્યું છે

પ્રતીકાત્મક તસવીર

પણ બધાં રાજ્યોમાં એવું થવું જોઈએ એવી એક પીઆઈએલના જવાબમાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સરકારના પાલામાં નાખી દીધો છે ત્યારે જાણીએ કે મુંબઈની સ્ત્રીઓની આ બાબતે શું અપેક્ષાઓ છે

૧૯૯૨માં લાલુ પ્રસાદ યાદવના નેજા હેઠળ બિહાર સરકારે સ્ત્રીઓને માસિક દરમિયાન બે દિવસની પગાર સાથેની રજાની સહુલિયત આપેલી. એના એક જ મહિના પછી કેરળ સરકારે પોતાના રાજ્યમાં માસિક દરમિયાન ૧ દિવસની પગાર સાથેની રજા આપવાનો નિર્ણય લીધો હતો. આ મહિને તેમના જ હાયર એજ્યુકેશન વિભાગે છોકરીઓની ફરજિયાત હાજરી ૭૫ ટકાથી ઘટાડીને ૭૩ ટકા કરી નાખી છે. માર્ચ ૨૦૨૧માં દિલ્હી સરકારે પોતાના નોકરિયાત વર્ગ માટે એ જાહેર કર્યું કે એમને એમના માસિક દરમિયાન કોઈ પણ એક દિવસ રજા મળી શકે છે. એના એક મહિના પછી મહારાષ્ટ્ર સરકારે પણ આ જ પ્રકારની કોઈ જાહેરાત કરી હતી. જોકે એનો કઈ રીતે અમલ થયો છે એ બાબતે ખાસ માહિતી નથી, જેને કારણે સુપ્રીમ કોર્ટમાં પણ એ PIL - પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે એક અરજી કરવામાં આવી હતી કે આ કાયદાને કેન્દ્રીય ધોરણે અમલમાં લાવો. દરેક રાજ્યને આ બાબતે એક ગાઇડલાઇન આપો. પરંતુ સુપ્રીમ કોર્ટનો હાલમાં એ ચુકાદો મળ્યો કે આ બાબત કેન્દ્રનો પ્રશ્ન છે. આ બાબતે નિર્ણય લેવાનો અધિકાર કેન્દ્રનો છે અને એ જ એ લે તો બરાબર છે. માસિક દરમિયાન કામ પરથી રજા મેળવવાનો આ મુદ્દાએ આ કારણે જોશ પકડ્યો છે. આજે આપણે મુંબઈની નોકરી કરતી મહિલાઓ પાસેથી જાણીએ કે તેમનું મંતવ્ય શું છે. માસિકમાં રજાની છૂટ હોવી જોઈએ કે નહીં એ બાબતે ચાલો કરીએ વિસ્તારમાં તેમની સાથે ચર્ચા.

ટ્રાવેલિંગમાં તકલીફ

બોરીવલીમાં રહેતાં ૪૮ વર્ષનાં અર્ચના દવે ગ્રાન્ટ રોડમાં એક ડૉક્ટરના ક્લિનિકમાં પર્સનલ અસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. પોતાની પરિસ્થિતિ વર્ણવતાં તેઓ કહે છે, ‘ઘરેથી બસ સ્ટૉપ ચાલીને, બસ સ્ટૉપથી બસમાં બેસીને બોરીવલી લોકલ સ્ટેશન, ત્યાંથી ટ્રેનમાં ગ્રાન્ટ રોડ સ્ટેશન અને ત્યાંથી ફરી ચાલીને હું મારા ક્લિનિક પર પહોંચું છું; જેમાં બે કલાક થઈ જાય છે. આમ હું ૪ કલાક તો ટ્રાવેલ કરું છું. મુંબઈ જેવા શહેરમાં લગભગ દર બીજી કામકાજી સ્ત્રીની આ હાલત છે. માસિક દરમિયાન અમારી હાલત કેવી થાય છે એ તો અમે જ જાણીએ. હું લેડીઝ સ્પેશ્યલ ટ્રેનમાં આવું-જાઉં છું. અમે બધાં વાતો કરતાં હોઈએ તો સમજાય છે કે આ મારી નહીં, દરેક સ્ત્રીની સમસ્યા છે. કેટલી સ્ત્રીઓને આ દરમિયાન ટ્રેનમાં ચક્કર આવી જાય છે, કપડાં ખરાબ થઇ જાય, ચીડચીડાપણું વધી જાય. આવામાં કામ કઈ રીતે થાય? એક દિવસ એના કરતાં રજા મળી જાય તો કેટલી શાંતિ થઈ જાય! મારું માનવું છે કે માસિકમાં કામકાજી સ્ત્રીઓને રજા મળવી જ જોઈએ.’

પગાર સાથે જ રજા

કાંદિવલીમાં રહેતાં ૩૮ વર્ષનાં ફોરમ શાહ છેલ્લાં ૧૩-૧૪ વર્ષથી કૉર્પોરેટમાં નોકરી કરે છે. તેઓ માને છે કે રજા હોવી તો જોઈએ અને એ પણ પગાર સાથેની. પોતાની આ વાત સમજાવતાં તેઓ કહે છે, ‘જે કંપનીને પોતાની સ્ત્રી-કર્મચારીની હેલ્થની કાળજી છે તેઓ નિયમ વગર પણ માસિકમાં રજા આપે છે. દેશમાં આ નિયમ લાવવો જરૂરી છે. એ પણ કપાત પગાર રજા નહીં, પગાર સાથેની રજા. આ દેશની સ્ત્રીઓએ પોતાની હેલ્થનું ક્યારેય ધ્યાન રાખ્યું નથી. પોતાની હેલ્થથી વધુ તે પોતાના પરિવારને અને કામને ગણે છે. જો કપાત પગારી રજા રાખવામાં આવે તો સ્ત્રીઓ પોતાની હેલ્થને અવગણીને પણ કામ કરવા જશે જ, કારણ કે તેનું કામ અને એના દ્વારા મળતો પૈસો તેના માટે ખૂબ મહત્ત્વના છે. પરંતુ પગાર સાથે રજા મળતી હોય તો તે પોતાની બાબતે વિચારતાં શીખશે, પોતાની હેલ્થને પ્રાથમિકતા આપશે અને આરામ કરશે.’

કંપની સાથે સંબંધ

તો શું એનાથી કંપનીને નુકસાન નહીં થાય? બિલકુલ નહીં, એમ દૃઢપણે જણાવતાં ફોરમબહેન કહે છે, ‘જ્યારે કંપનીના ટાર્ગેટ પૂરા કરવાના હોય કે અચાનક ખૂબ વધારે કામ આવી પડે ત્યારે અમે પણ શનિવાર આખો કામ કરીએ છીએ. સાંજે ૬ વાગ્યે નીકળી જવાને બદલે રાત્રે ૧૦ વાગ્યા સુધી ઑફિસમાં બેઠાં-બેઠાં કામ કરતાં હોઈએ છીએ. વગર કોઈ વધારાના પૈસાની અપેક્ષાએ અમે જો કંપની માટે આટલું કરી શકતાં હોઈએ તો કંપની અમને એક દિવસ રજા ન આપી શકે? આ તો સંબંધ છે. કંપનીને જરૂર ત્યારે અમે ઊભાં રહીએ એમ અમને જરૂર ત્યારે કંપની ઊભી રહે એટલી અપેક્ષા તો રાખી જ શકાય.’

બાંધછોડ કરીએ જ છીએ

આ દિવસોમાં જો તમે રજા ન આપો તો કંઈ નહીં, પરંતુ ઘરેથી કામ કરવાની છૂટ તો આપી જ શકો. એ વાત કરતાં ફોરમબહેન કહે છે, ‘ઘણા માને છે કે માસિકમાં મળતી રજા શરૂ થાય તો સ્ત્રીઓ એનો ગેરફાયદો ઉઠાવશે. તો એક વાત સમજીએ. દરેક કંપનીમાં અમુક બીમારીની રજા નિશ્ચિત હોય છે. તો શું દરેક કર્મચારી એનો ફાયદો ઉઠાવે છે? ના, એવું નથી હોતું. જે ઉઠાવે છે એ ઉઠાવતા રહે છે, બાકી બધા એવા નથી હોતા. એટલે એને કારણે આ રજા ન આપવી યોગ્ય ન ગણાય. માસિકમાં મરતાં-મરતાં કામ કરીએ અને પર્ફોર્મન્સ પણ સારો ન હોય તો એનો શું ફાયદો? એના કરતાં કમ્ફર્ટમાં કામ કરીએ તો કામનું પ્રમાણ અને એની ગુણવત્તા બંને વધશે.’

સોલ્યુશન કાઢવું જોઈએ

બોરીવલીમાં જ રહેતાં ૪૫ વર્ષનાં સ્કૂલ શિક્ષિકા રૂપલ સંઘવી પણ માને છે કે માસિકની રજા મળવી જ જોઈએ, પરંતુ આ રીતે બધા રજા લેવા માંડે તો કંપનીને કેટલું નુકસાન થાય એનું શું? એ બાબતે તેઓ કહે છે, ‘મેં ઘણાં વર્ષો કૉર્પોરેટમાં પણ કામ કર્યું અને હવે બે વર્ષથી ટીચિંગમાં છું. હું માનું છું કે સ્ત્રીઓને આ દિવસોમાં રજા મળવી જ જોઈએ પરંતુ સાથે-સાથે એ પણ જોવું જરૂરી છે કે કંપનીનું નુકસાન ન થાય એ માટે એવું કંઈ કરી શકાય કે જો તમે માસિકમાં એક દિવસ રાજા લીધી તો કોઈ એક શનિવારે તમારે આવવું પડશે. જો એમ મેળ ન પડે તો દરરોજ ૧-૨ કલાક વધુ રોકાઈને, ઓવરટાઇમ કરીને પણ તમારે કામના કલાકો પૂરા કરવા અને કામ કરીને આપવું. સ્ત્રી જ્યારે સ્વસ્થ હોય ત્યારે તેને એક દિવસ વધુ કામ કરવું પડે એમાં તેને તકલીફ નહીં થાય. કાઢવાં હોય તો બધાં સોલ્યુશન મળે.’

પુરુષાર્થ પર પાણીઢોળ

૪૩ વર્ષનાં SNDT વિમેન યુનિવર્સિટીના ગુજરાતી વિભાગનાં અસિસ્ટન્ટ પ્રોફેસર અંજલિ શાહ માને છે કે આ પ્રકારની રજા સ્ત્રીઓના કામ પર ઊંધી અસર કરી શકે છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સ્ત્રીઓએ વર્ષો પોતાની જાતને પુરુષો જેટલી જ કાબિલ પુરવાર કરવામાં કાઢ્યાં છે. પુરુષ સમોવડી છું એટલે પુરુષોની જેમ કામ કરી શકું છું એ બાબત સાબિત કરવા સ્ત્રીઓએ ઘણો પુરુષાર્થ કર્યો છે. આ પુરુષાર્થ પર પાણીઢોળ એટલે માસિક માટે રજાની ડિમાન્ડ. માસિક છે, કોઈ બીમારી નથી. હું માનું છું કે અમુક સ્ત્રીઓ ખૂબ હેરાન થતી હોય છે. પરંતુ એવી માંડ ૧૦ ટકા હશે. એને કારણે ૯૦ ટકા સ્ત્રીઓને રજા આપવી બરાબર નથી. વળી આ વાત પુરવાર ન કરી શકાય કે સ્ત્રીઓને તકલીફ છે કે નથી. આમ જો રજા એને જ આપીએ કે જેને તકલીફ છે તો એ પુરવાર કર્યા વગર તો થશે નહીં. વર્ષોથી સ્ત્રીઓ પોતાના દમ પર કામ કરતી જ આવી છે અને તેણે એ કરવું જોઈએ. જો વધુ તકલીફ હોય તો ઇલાજ કરાવો. રજાની જરૂર નથી.’

થાય છે એવું કે જ્યારે આપણે સ્ત્રી હકો વિશે ડિમાન્ડ કરીએ છીએ ત્યારે એ હકોને અવગણી ન શકવાને કારણે કંપનીઓ સ્ત્રીઓને કામ પર જ નથી રાખતી. એ વિશે વાત કરતાં અંજલિ કહે છે, ‘સ્ત્રીઓને લગ્ન પછી અમુક મહિનાની રજા જોઈએ, મૅટરનિટી લીવ જોઈએ અને હવે માસિકની પણ રજા જોઈએ તો આ રીતે આપણે વધુને વધુ એવો સંદેશ આપીએ છીએ કે અમને કામ પર રાખશો તો રજાઓ તો આપવી જ પડશે. આવી શરતો સાથે કંપનીઓ આપણને કામ નહીં આપે. સીધું નહીં તો બહાનાં બતાવીને પણ એ આપણને કામ પર નહીં લે. એમ્પ્લૉયમેન્ટ ઘટશે, જેની જવાબદારી આપણી આ પ્રકારની ડિમાન્ડ હશે. એટલે સમજવું જરૂરી છે.’

columnists Jigisha Jain