સમાગમ લાંબો ચલાવવા સ્પ્રે લગાડવું કે દવા લેવી?

11 November, 2020 09:47 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

સમાગમ લાંબો ચલાવવા સ્પ્રે લગાડવું કે દવા લેવી?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારાં લગ્નને સાત વર્ષ થયાં છે અને આમ તો અંગત જીવન ઠીકઠાક છે, પરંતુ હમણાંથી વહેલું સ્ખલન થઈ જતું હોય એવું લાગે છે. શીઘ્રસ્ખલન રોકવા માટે અથવા તો સમાગમને લાંબો ચલાવવા માટેની દવાઓમાં ગળવાની દવા વધુ સારી કહેવાય કે પછી બહારથી સ્પ્રે કરવાની? પત્નીને ઑર્ગેઝમ ફીલ થાય એ પહેલાં જ મારું સ્ખલન થઈ જાય છે એટલે આ બેમાંથી કયો ઑપ્શન વાપરવો જોઈએ? બહારથી પેનિસ પર સ્પ્રે કરવાથી ત્વચાને નુકસાન થાય ખરું? મારી વાઇફને સ્પ્રે નથી ફાવતું એટલે હું અસમંજસમાં છું કે બેમાંથી શું કરવું?
જવાબ- મને એક સવાલનો જવાબ આપો કે તમારી પત્નીને અસંતોષ રહી જાય છે એટલે તમને લાગે છે કે સમાગમ વધુ લંબાવવો જોઈતો હતો કે પછી ખરેખર તમને પોતાને ફીલ થાય છે કે બહુ ઝડપથી સ્ખલન થઈ જવાને કારણે તમને પૂરતો આનંદ નથી મળતો? જો પત્નીને અસંતોષ રહેતો હોય તો એ માટે તમારે કોઈ દવા લેવાની જરૂર નથી. ફોરપ્લે દરમ્યાન આંગળી અથવા મુખમૈથુનથી તેને પેનિટ્રેશન પહેલાં જ સંતુષ્ટ કરશો તો સમસ્યા ઊકલી જશે. હા, જો તમને પોતાને લાગતું હોય કે યોનિપ્રવેશની ગણતરીની સેકન્ડ્સમાં જ સ્ખલન થઈ જવાથી તમને અધૂરપ વર્તાતી હોય તો દવા લઈ શકાય.
સામાન્ય રીતે સ્પર્શની વધુપડતી ઉત્તેજનાને કારણે શીઘ્રસ્ખલન થઈ જતું હોય ત્યારે સ્પ્રે વપરાય છે અને સ્પ્રેથી સ્પર્શની સંવેદના બ્લૉક થઈ જતી હોવાથી ઝડપથી સ્ખલન થતું અટકે છે. મૂળે આ સ્પ્રેથી સ્ખલન લંબાય છે, પણ સમાગમની પ્રક્રિયા દરમ્યાન થતી સંવેદના ઘટી જાય છે. એમાંય જો તમે સ્પ્રે લગાડીને યોનિપ્રવેશ કરતા હશો તો યોનિમાર્ગની દીવાલ પર પણ એ સ્પ્રે લાગતું હશે. એને કારણે યોનિમાર્ગની સંવેદનશીલ ત્વચા પણ સ્પર્શસંવેદન ગુમાવી બેસે છે. મતલબ કે પત્નીને ઓછી સંવેદના થતી હોવાથી તેને ઑર્ગેઝમ સુધી પહોંચવામાં વિલંબ થાય છે ને કદાચ બની શકે કે તેને ચરમસીમા અનુભવાતી જ ન હોય. સ્પ્રે લગાડ્યા પછી ઇન્દ્રિય ધોઈ નાખવી અથવા તો એના પર કૉન્ડોમ પહેરી લેવું અને પછી યોનિમાર્ગમાં પ્રવેશ કરાવવો જોઈએ.
સ્પ્રે વાપરવાથી તમને પણ સ્પર્શનો આનંદ ઘટી જતો હોવાથી સમાગમ લાંબો ચાલશે, પણ સંવેદના ઘટી હોવાથી આનંદમાં પણ ઓટ આવશે.

dr ravi kothari columnists sex and relationships