પૂનમનો ઉજાસ

21 May, 2023 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘છોકરો ઍગ્રિકલ્ચર એન્જિનિયર છે અને મહેનતુ છે... બાપદાદાની ઘણી જમીન છે. બે બહેનો પરણેલી છે.’ માસાએ બોલતી વખતે સહેજ પ્રકૃતિની સામે જોયું.

ઇલેસ્ટ્રેશન

લગ્નનો હૉલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. યુવતીઓની હસાહસ, ભૂલકાંની દોડાદોડ અને સગાંસંબંધીની અવિરત વાતો વચ્ચે લગ્ન ઉકેલાઈ રહ્યાં હતાં. રેશમી સાડીની સરસર, ગજરાના મઘમઘાટ અને કંકણના રણકાર વચ્ચે હસ્તમેળાપની ઘડી આવી પહોંચી. ગોર મહારાજે પિતા પાસે કન્યાદાન કરાવ્યું અને કન્યાનો હાથ વરના હાથમાં સોંપાયો.

વર અને વધૂ સિવાય ખીચોખીચ ભરેલા હૉલમાં કોઈને પણ આ સુંદર ક્ષણની અનુભૂતિ થઈ નહીં. વરે કંઈક ટીખળ કરી હશે તે વધૂ જરા સંકોચાઈ ગઈ. 

સોળ શણગાર, ફૂલના ગજરા અને કપાળ સુધીના ઘૂંઘટના ભાર તળે ઢળેલી પાંપણ જરા ઉપાડીને વધૂ પ્રકૃતિએ હવે જનમ-જનમના સાથી બનવાની રાહ પર ચાલી નીકળેલા નિશાંત તરફ એક નજર કરી. આમ તો રૂપે-રંગે ઠીકઠાક કહેવાય એટલે જ વળી હા કહેવાઈ ગઈ. કંઈ આગળ-પાછળનું વિચાર્યું નહીં અને હવે લગ્ન થઈ ગયાં.

lll

પહેલી મુલાકાત માસીને ત્યાં ગોઠવાયેલી. બધાએ કહ્યું એટલે અંદર રૂમમાં એકલાં મળ્યાં હતાં ત્યારે જ ગમી તો ગયેલો અને પછી કંઈ ઝાઝું વિચાર્યું પણ નહીં. તેની બે ખાસ બહેનપણીમાંથી કાશ્મીરાની સાઉદીમાં નોકરી કરતા છોકરા સાથે સગાઈ થઈ છે અને હવે છ મહિના પછી લગ્ન કરીને ત્યાં જતી રહેશે. બીજી ધરાને પોળમાં સામે જ રહેતા નિકુંજ સાથે અફેર થયું એટલે તે રોડ ક્રૉસ કરીને સામે જ ગોઠવાઈ ગઈ. 

પછી પ્રકૃતિએ અવઢવમાં જ હા પાડી દીધી... હવે શું? 

lll

મુલાકાત પછી એક વાર નિશાંતનો ફોન આવ્યો હતો. પ્રકૃતિ સાથે વાત કરવી છે એમ નિશાંતે કહ્યું.

‘હેલો.’ પોતાના જ અવાજમાં તેને કંપ સંભળાયો હતો. આડીઅવળી વાત પછી હળવેથી નિશાંતે પૂછ્યું, ‘તું ખુશ છેને આપણા સંબંધથી? મારાથી હાલની નોકરી અને સાથે ખેતીનું કામ છોડી શકાય એમ નથી. તું બરાબર વિચારી લેજે. તું ના પાડશે તો દુઃખ તો ખૂબ થશે, પણ જીવનભર તને દુખી થતાં નહીં જોઈ શકું.’

ત્યારે પણ પોતાનાથી કંઈ કહી શકાયું નહોતું. થોડી હિંમત કરીને ‘તમે શહેરમાં નોકરી ન લઈ શકો?’ એમ પણ ન કહેવાયું. બસ અસ્ફુટ અસ્પષ્ટ કંઈ બોલી હતી. 

જોને હથેળી કેટલી મજબૂત છે. જોઈને લાગે નહીં કે આવા પાતળા માણસનો હાથ હોય. થોડો સખત અને રુક્ષ એ સ્પર્શ લાગ્યો. ખેતરમાં કામ... પ્રકૃતિ આગળ વિચારી ન શકી.

lll

હસ્તમેળાપની થાળી વાગી.

માસાના સગપણમાં એ કુટુંબ હતું.

‘છોકરો ઍગ્રિકલ્ચર એન્જિનિયર છે અને મહેનતુ છે... બાપદાદાની ઘણી જમીન છે. બે બહેનો પરણેલી છે.’ માસાએ બોલતી વખતે સહેજ પ્રકૃતિની સામે જોયું.

‘હમણાં બે મહિના પહેલાં જ નવું ફાર્મહાઉસ બનાવ્યું છે. શહેરથી થોડે દૂર છે. દોઢ-બે કલાક લાગે. હવે તો રસ્તા એટલા સરસ થઈ ગયા છે કે વાર જ ન લાગે. પ્રકૃતિને જ્યારે શહેરમાં મમ્મી-પપ્પાને મળવું હોય તો ઝટ આવી શકે. લગ્ન જરા જલદી લેવાનું કહે છે જેથી નવા ઘરમાં વહુનાં પગલાં પહેલાં પડે.’ માસા એકશ્વાસે બોલી ગયેલા.

ઘરે આવીને કોઈએ કંઈ કહ્યું નહીં. પપ્પાનો નાનો છૂટક સાડીનો ધંધો હતો. તે ભલા માણસ એમાં જ વ્યસ્ત રહે. તેમને છોકરો સારો લાગ્યો. મમ્મીને બનેવી પર ભરોસો હતો. નાનો ભાઈ થોડું ચીડવીને જતો રહ્યો.

બહેને છેડાછેડીની ગાંઠ બાંધી અને હવે ફેરાનો સમય થઈ ગયો. હવે આની પાછળ-પાછળ ગામડે જવું પડશે? લગ્ન પૂરાં થયાં. હવે વડીલોને પગે લાગવાનું હતું. પ્રકૃતિને ગળે શોષ પડવા લાગ્યો. હમણાં જ બધા મને મૂકીને ઘરે જતા રહેશે. તે ચાલતાં અટકી ગઈ. પેટમાં ચૂંથારા જેવું થવા લાગ્યું. છેડો સહેજ ખેંચાયો એટલે આગળ જતા વરે પાછળ જોયું. પરણીને ગયેલી બે બહેનનો તે ભાઈ હતો. બાજુમાંથી પસાર થતા કોલ્ડ-ડ્રિન્કવાળાને રોકીને એક પીણું પોતાની દુલ્હનને આપ્યું. પ્રકૃતિએ મ્લાન હસીને લઈ લીધું. થોડું સારું લાગ્યું, પણ ચૂંથારો યથાવત્ રહ્યો. હવે કન્યાવિદાયનો સમય થઈ ગયો.

શહેરથી દૂર એટલે ગામડું! પોતે તો શહેરની વચ્ચોવચ રહેતી હતી. પ્રકૃતિ વિચારી રહી. ભલે જૂની પોળ હતી. ચપોચપ ચોંટેલાં જૂનાં મકાનો. નીચે અંધારિયા ઓરડામાં પપ્પાની દુકાનનો સામાન અને સોફા-કમ-બેડ. સીડીને સમાંતર બાંધેલું દોરડું પકડીને ઉપર આવો એટલે એક તરફ રસોડું અને સામી તરફ ટેબલ-ખુરશી. હજી એક ઉપરના માળે સૂવાની વ્યવસ્થા. 

બાજુમાં અડોઅડ કલ્યાણીઆન્ટીનું ઘર. સવારમાં લસણનો વઘાર કરે અને અહીં મમ્મીને છીંકો આવે. ત્રીજા ઘરે રાતે કાળીબાને ખાંસી ચડે અને બધાની ઊંઘ હરામ. સામેની તરફ સુરેશભાઈને ગજબનો અગરબત્તીનો શોખ. આખા મહોલ્લાને સુગંધિત કરી નાખે. સામે બે મકાન છોડીને પાનનો ગલ્લો. આખો દિવસ ફિલ્મી ગીતો વાગતાં રહે. સાંજ પડતાં જ ગલીમાં મકાનોની નીચે પાઉંભાજી, સૅન્ડવિચ અને ભેળપૂરીની લારીઓ ગોઠવાઈ જાય. જાતજાતની સોડમ આવતી રહે. પાઉંભાજીનો ઠકઠક અવાજ રાત્રે દોઢ વાગ્યા સુધી આવ્યા કરે. હજી તો ભળભાંખરું થાય એટલે પાછળની મસ્જિદમાંથી બાંગનો અવાજ રેલાઈ જાય. આટઆટલા અવાજ વચ્ચે ઊછરેલી પ્રકૃતિ સાવ ગામડે? કેમ ગમશે?

માતા- પિતાને પગે લાગતાં જ પ્રકૃતિની આંખો વરસવા લાગી. એમાં ગાનાર વૃંદે વિદાય-ગીત ઉપાડ્યું. માએ ગળે લગાડીને હાથ ફેરવ્યો : સૌને સુખી કરીને સુખી થજે દીકરી...

પ્રકૃતિને ખૂબ જોરથી રડી પડવું હતું. સમજુ માતા ઝટ દીકરીને અળગી કરીને પતિ તરફ દોરી ગઈ. 

નવદંપતીની શણગારાયેલી કારમાં બેસીને પ્રકૃતિને ન સમજાય એવી લાગણી ઊમટી આવી. થોડો ગુસ્સો માબાપ પર આવ્યો.

‘બસ, તેમને તો લગ્ન પતાવી દેવાં હતાં. છોકરી પર શું વીતશે એની કોને પરવા છે?’

ધીમે-ધીમે નિશાંતને સમજાવીશ કે શહેરમાં જ નોકરી લે. પછી ઘર લેતાં કેટલી વાર? પણ માનશે? ન માને તો? 

તેણે સજળ આંખે કારની બારીમાંથી જોયું. સૂરજ આથમવાની તૈયારીમાં હતો. આંસુનું એક ટીપું તેની મેંદી રચેલી હથેળી પર પડ્યું જ્યાં નિશાંતનું નામ લખેલું હતું. મેંદીવાળી છોકરીએ હસતાં-હસતાં કહેલું, ‘જીજાજી કો નામ ઢૂંઢને કે લિએ બડી મેહનત કરની પડેગી દેખના.’

ક્યારના પ્રકૃતિને જોઈ રહેલા નિશાંતે અજાણતાં જ પત્નીની હથેળીમાં પોતાના નામ પર હાથ મૂકીને સહેજ ભાર દીધો. સાંત્વન આપવા શબ્દો જરૂરી હોય? 

ધીમે-ધીમે શહેર પાછળ છૂટતું ગયું. હવે છૂટાંછવાયાં ઘરો દેખાતાં હતાં. વૈશાખના ગરમ લાંબા દિવસ પછી સાંજનો વાયરો થોડી ઠંડક પ્રસરાવતો હતો. સડકની બંને તરફનાં ખેતરોમાં આંબાનાં વૃક્ષો પર લચી પડતી કેરીઓ ઝૂલતી દેખાતી હતી. જોકે પ્રકૃતિના મનમાં અફસોસ, આક્રોશ અને નિરાશાની ડમરી ઊડી રહી હતી. ત્યાં કેવી રીતે ગમશે? ફાર્મહાઉસ?

હવે રસ્તો થોડો ઉબડખાબડ શરૂ થયો હતો. ગાડીની ઝડપ પણ ઓછી થઈ હતી. આસપાસ ફક્ત ખેતરો હતાં. એકલદોકલ સ્થાનિક લોકો સિવાય કોઈ વસ્તી દેખાતી નહોતી.

‘માસા તો બે કલાક કહેતા હતા. આ તો કેટલી વાર થઈ ગઈ.’ પ્રકૃતિના મને બળાપો કાઢ્યો.

થોડી વારે ગાડી અટકી. સૌ નીચે ઊતર્યા.

નીચે ઊતરતાં જ હરિત પર્ણોની તાજગીભરી હવા પ્રકૃતિના શ્વાસમાં પ્રવેશી ગઈ. ગાડી જ્યાંથી દાખલ થઈ ત્યાંથી ઘરના ઓટલા સુધી બંને તરફ ફૂલોથી લચી પડતા ક્યારા હતા. રજનીગંધા, રાતરાણી, ગુલાબ અને મોગરાની સુગંધ સેળભેળ થઈને વાતાવરણને આહલાદક બનાવી રહી હતી. પ્રકૃતિ ઊભી હતી એની પાસે મોગરાના છોડ પર અસંખ્ય ફૂલો મહેકતાં હતાં. આ પહેલાં મોગરાની સુગંધ મહોલ્લામાં સુરેશભાઈની અગરબત્તીમાંથી આવતી હતી.

ઘર ખાસ્સુ મોટું હતું અને રોશનીથી સજાવેલું હતું. પગથિયાં ચડીને જાવ એટલે મોટા ઓટલા પર હીંચકો બાંધેલો હતો.

‘શહેરમાં હીંચકા ખાવાનું મન થાય એટલે માસીને ત્યાં જવું પડતું. નાના હતા ત્યારે પપ્પા દર રવિવારે શહેરના મોટા બગીચામાં હીંચકા ખાવા લઈ જતા.

સાસુજીએ પ્રવેશદ્વાર પર નવદંપતીની આરતી ઉતારી. નણંદોએ નવોઢાનાં કંકુ પગલાં કરાવ્યાં. થોડી વારમાં સરસ ઠંડો શેરડીનો તાજો રસ આવી ગયો. પ્રકૃતિનો તો ખાસ મનપસંદ. થોડી વાર પછી નણંદ પ્રકૃતિને ઉપરના માળે મોટા બેડરૂમમાં મૂકી ગઈ. ડબલ બેડ પર આછા ગુલાબી કલરની ચાદર પર લાલ ગુલાબની પાંદડીઓ વેરાયેલી હતી. આખો ઓરડો બંધ હતો. એક તરફ અટૅચ્ડ બાથરૂમ પણ હતો. પ્રકૃતિ થાકેલી, કંટાળેલી અને અજાણ જગ્યાના માહોલમાં અકળાઈ ગઈ હતી. બંધ ઓરડામાં ઉનાળાનો દિવસ. તપેલી હવા હવે અસહ્ય લાગતી હતી. પંખો પણ ગરીબ અને અસહાય લાગી રહ્યો હતો. પલંગની બરાબર સામે વિશાળ બારી હતી જે બંધ હતી.

ચિડાઈને પ્રકૃતિ બારી પાસે આવી અને જોરથી ધક્કો મારીને ખોલી નાખી.

ઓહ...

બારી ખોલતાં જ ચોમેર પથરાયેલાં લીલાં ખેતરો અને વૃક્ષોની ઠંડી હવા નવવધૂને વીંટળાઈ વળી.

પ્રકૃતિની આંખો ક્યાંય સુધી પલક ઢાળવાનું ભૂલી ગઈ. પૂર્વ દિશામાં ખૂલતી બારીમાંથી વૈશાખી પૂર્ણિમાનો રૂપેરી થાળી જેવો ચાંદ દેખાઈ રહ્યો હતો. ક્ષિતિજ સુધી ફેલાયેલાં ખેતરો પર ઢોળાતી શીતળ ચાંદનીનું દૃશ્ય ફક્ત એને જોવા માટે સર્જાયું હતું જાણે...

શહેરમાં તો શરદ પૂનમના દિવસે કોઈના ધાબા પર ચંદ્ર જોવા જવું પડતું. 

અહીં તો ચંદ્ર સાવ હાથવગો હતો.

પ્રકૃતિનો કંટાળો, થાક અને અણગમો ઓગળવા માંડ્યા. ક્યાંય સુધી અનિમેષ નેત્રે તે પૂર્ણ ચંદ્રને જોતી હતી..

ત્યાં તેના ખભે હાથ મુકાયો.

‘ખબર છે મેં લગ્ન પૂનમના દિવસે જ રાખવાની જીદ કરી હતી. હવે આપણે અનેક સૂર્યોદય અને ચંદ્રોદય સાથે માણીશું, બરાબરને...’ કહીને કોમળતાથી નિશાંતે પ્રકૃતિની ચિબૂક પકડીને આંખો મેળવી. આખા ઓરડામાં પૂનમનો ઉજાસ ફેલાઈ ગયો.

બીજા જ દિવસે સૂર્યોદય જોવાનું ચુકાઈ ગયું. બારીમાંથી ડોકાતી બેશરમ મધુમાલતીએ હવા સાથે કેટલીયે કૂથલી વહેતી કરી...

 

- સ્ટોરી માના વ્યાસ (સ્પંદના)

 

નવા લેખકોને આમંત્રણ

ઘણા નવા લેખકોની વાર્તાઓ અમને મળી રહી છે. વાર્તાકારો આમાં જેટલો ઉત્સાહ દર્શાવી રહ્યા છે એ માટે સહુનો ખૂબ-ખૂબ આભાર. 
૧. તમારી વાર્તા ટાઇપ કરેલી જ હોવી જોઈએ. હસ્તલિખિત વાર્તા સ્વીકારવામાં નહીં આવે. 
૨. વાર્તા તમારી મૌલિક છે. એની લેખિત બાંહેધરી વાર્તાની સાથે લખીને આપવી. 
૩. વાર્તાના શબ્દો ખૂબ વધારે કે ખૂબ ઓછા હશે તો એ સિલેક્ટ નહીં કરવામાં આવે. 
તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો. 
સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો. 

columnists