આઝાદ

20 November, 2022 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોમાએ તેના તરફ ખુરશી ખસેડી. ‘બેસ. કહેવાનું મારે નહીં, તમારે છે. તમારે હવે શું કરવું છે એ કહો, રાહુલ. ભૂતકાળ ભૂલીને નવી વાત કરવા આવી છું. તું જે કહીશ, તારાં મમ્મી-પપ્પા જે કહેશે એ મને બધું જ કબૂલ છે’

ઇલસ્ટ્રેશન

‘​ટિંગ ટોંગ..’ બેલ વાગી.

આ બપોરે જરાક આડાં પડીએ કે બેલ ચાલુ થઈ જાય. બડબડાટ કરતી કલ્પના ઊઠી. જોયું તો દરવાજામાં બે-અઢી વરસની મીઠડી છોકરી ઊભી હતી. ‘અરે બેટા, કોનું કામ છે તમારે..’

‘તમારું...’ પેલીએ પોતાની મોટી-મોટી આંખોથી કલ્પનાને જોતાં કહ્યું.

‘મારું? તું કોણ છે? શું નામ છે બેટા, તારું?’

‘દાદી, હું આલિયા.’

આલિયા? કલ્પનાનું હૈયું એક ધબકાર ચૂકી ગયું. આ આલિયા છે? મારી જાન. હંમેશાં જેની યાદથી મારા હૈયામાં શૂળ ભોંકાય છે તે આલિયા? અવશપણે તેણે આલિયાને તેડી લીધી. ‘તું કોની સાથે આવી બેટા?’

‘મમ્મી સાથે.’

લિફ્ટનો દરવાજો ખૂલ્યો. રોમા બહાર આવી. ‘કેમ છો મમ્મી? અરે આલિયા, તું તો એટલી વારમાં મમ્મીની ફ્રેન્ડ બની ગઈ! દાદી ઓળખી ગયાં તને?’

બંને એકબીજાને ધારદાર નજરે જોઈ રહ્યાં. ‘તમારી પૌત્રી પહેલી વાર ઘરે આવી છે. તેને અંદર આવવાનું નહીં કહો મમ્મીજી?’

કંઈ પણ બોલ્યા વિના કલ્પનાએ આલિયાને નીચે ઉતારી, પોતે અંદર જવા વળી. તેની પાછળ રોમા આલિયાનો હાથ પકડી અંદર પ્રવેશી.

હવે કલ્પનાએ આશંકિત થઈ અજિતને ઉતાવળે બૂમ પાડી, ‘સાંભળો છે... સાંભળો છો...?’

ફોનમાં વ્યસ્ત અજિત અવાજ સાંભળી બહાર આવ્યો.

‘આલિયા, દાદાને પગે લાગ.’ આલિયા દોડીને અજિતને વળગી પડી. ‘દાદા... દાદા.’ અજિત બે ઘડી પગમાં વળગેલી આલિયાને જોઈ રહ્યો. પછી કરડા સ્વરે બોલ્યો.

‘અહીં આવવાનું શું પ્રયોજન છે બહેન, તમારું?’

‘કહું છું.’ રોમાએ ડાઇનિંગ ટેબલ પર પડેલા જગમાંથી પાણી ગ્લાસમાં કાઢી શાંતિથી પીધું, પછી ખુરશી ખેંચીને બેઠી. ‘આલુ, તને પાણી આપું?’ તેણે આલિયા તરફ ગ્લાસ લંબાવ્યો. આ બધી ઘટના કલ્પના અને અજિત જોઈ રહ્યાં.

‘બેસોને પપ્પા, મમ્મી તમે પણ બેસો, જો બીજું કામ ન હોય તો. હું અહીં વાત કરવા જ આવી છું.’

‘વાત કરવા? હવે વાત કરવાનું તમે બાકી શું રાખ્યું છે? તમારે જે કહેવાનું હતું એ તો તમે કહી જ ચૂક્યાં છો.’

‘હા પપ્પા, કહી તો રહી, પણ એનો ફાયદો શો થયો?’

‘એ તો તમારે વિચારવાનું હતું.’

‘આપણું વિચારેલું ક્યાં કશું પૂરું થાય છે.’

‘કેવી રીતે થાય, જ્યાં તમારા વિચાર જ આવા હોય. સામા માણસને સાણસામાં લેવાના.’ અજિતની વાણીમાં કડવાશ હતી. તેનો સ્વર જરા ઊંચો થયો. આલિયા ડરીને તેની મમ્મીને ચીટકી ગઈ. કલ્પનાએ વહાલથી તેને ઊંચકી લીધી. દિકુને ચૉકલેટ ખાવી છે? આવ, તને કૅડબરી આપું. તેને લઈ તે અંદર ગઈ.

અજિત ખુરશી ખેંચી બેઠો. ‘હંમ, બોલો હવે, બહેન શું વાત કરવા આવ્યાં છો તમે?’

‘પપ્પા, હવે ભૂતકાળ બધો ભૂલી નવેસરથી વાત કરવી છે.’

‘એટલે શું કહેવા માગો છો?’

‘પપ્પા, આવી રીતે તો બધાંની જિંદગી ખરાબ થાય છે. એનો મતલબ શું છે? વરસો સુધી કોર્ટમાં લડ્યા કરવાનું? જૂનું બધું ભૂલીને હવે નવેસરથી વાત કરીએ. બોલો, હવે તમારે શું કરવું છે?’

‘શું કરવું છે એટલે?’ અજિતને હજુ કંઈ સમજાતું નથી.

‘એ જ કે મેં શું કર્યું? તેણે શું કર્યું? તમે શું કર્યું? મારી શું ડિમાન્ડ હતી? તમારી શું ડિમાન્ડ હતી? એ બધું ભૂલી પછી વાત કરીએ.’

‘જો ભઈ, મારા કરવાથી શું થવાનું છે? તમારે બેઉએ નક્કી કરવાનું છે.’ અજિતે સેફ બૅટિંગ કરી.

‘અમે બે?’ રોમા કડવું હસી. ‘રાહુલ તમારા અને મમ્મીજી સિવાય ક્યાં કશું વિચારી શકે છે?’

‘કેમ, રાહુલને એટલો તો કાબૂમાં રાખ્યો હતો. તેનાં માબાપને પણ તેનાથી દૂર રાખ્યાં હતાં તમે. દીકરો સુખી થતો હોય તો એમ માની અમે પણ તેનાથી દૂર થઈ ગયાં. પછી પણ તમે ક્યાં સુખેથી રહેવા દીધો તેને?’

‘અને મારું શું? ખેર. વાત પાછી આડા પાટા પર ચડે છે. સામસામા આક્ષેપ બહુ થઈ ગયા. હું નક્કી કરીને આવી છું, ભૂતકાળ ભૂલી જ જવો. મેં શું કર્યું, તમે શું કર્યું, એ જ બધી વાત કર્યા કરીશું તો આમાંથી બહાર જ નહીં અવાય. આમ ને આમ આલિયા અઢી વરસની થઈ ગઈ. તેની જિંદગી શું?’

‘એ તો તમારે પહેલાં વિચાર કરવો હતોને.’

‘ઓફ્ફો, પાછું એ જ. હવે પહેલાંની વાતમાં પૂળો મૂકો, ને કહો આજે, આ ઘડીમાં શું કરવું છે?’

‘તારે શું કરવું છે?’

‘મેં તો કહ્યું હતું મારું. તમે ક્યાં માન્ય રાખ્યું?’

‘કેવી રીતે માન્ય રખાય? તારી માગણી જ ગેરવાજબી હતી.’ અજિતનો સ્વર પાછો ઊંચો થયો.

‘ઓકે, હવે તમે જે કહેશો એ બધું જ હું માન્ય રાખીશ. કહો, મારે હવે બધું પૂરું કરવું છે.’

અજિત ગૂંચવાયો. શું કહેવું? પછી અક્કડ થઈને બોલ્યો, ‘એ તો રાહુલને પૂછવું પડે. તું અને રાહુલ...’

‘હું? મારે કશું નથી કહેવું. રાહુલને પૂછી જુઓ. આજે શનિવાર છે. આમેય અડધો દિવસ હોય. બોલાવી લો તેને.’

‘હંમ.’ અજિત અંદર ગયો. રોમા નજર કરી ઘરને જોઈ રહી. ફિફ્ટીટૂ ઇંચનું સોની ટીવી, રીક્લાઇનર  સોફા, સરસ રાચરચીલું ગોઠવેલું હતું. એ ખુરશી ખસેડી જરા આરામથી બેઠી.

ઘડિયાળના કાંટા આગળ વધતા હતા. ટિક... ટિક... થોડી વારે અજિત બહાર આવ્યો. રોમાએ પ્રશ્નસૂચક નજરે જોયું. ‘આવે છે રાહુલ.’

‘ગુડ. આલિયા શું કરે છે.’

‘તે તેની દાદી સાથે રમે છે.’

‘ઓહો. એટલી વારમાં દાદી સાથે દોસ્તી થઈ ગઈ!’ રોમા મુક્ત મને હસી પડી.

ખરી છે આ છોકરી. શું કરવા માગે છે? સમજાતું નથી. બે વરસથી ધરાઈને ધાન નથી ખાવા દીધું આણે. જ્યારે હવે જરા સેટલ જેવાં થયાં કે માતાજી પાછાં પ્રકટ થયા. શું હશે હવે આના મનમાં?

થોડી જ વારમાં રાહુત આવ્યો. રોમાને બેઠેલી જોઈ જરા અટક્યો. રોમા જ બોલી, ‘હલો રાહુલ, કેમ છે?’

ઠીક, કહી રાહુલ સીધો અંદર જતો રહ્યો. રોમા બાડી આંખે બાપ-દીકરાને અંદર જતા જોઈ રહી. અંદર સંતલસ કરતા હશે. થોડી વારે બન્ને બહાર આવ્યા.

‘બોલ શું છે હવે તારે?’

‘બેસ તો ખરો રાહુલ, થાકેલો આવ્યો છે.’ રોમાએ પાણીનો ગ્લાસ તેના તરફ લંબાવ્યો. રાહુલ એક ઘૂંટડામાં પાણી પી ગયો.

‘હવે બોલ, શું કહેવા આવી છે?’

રોમાએ તેના તરફ ખુરશી ખસેડી. ‘બેસ. કહેવાનું મારે નહીં, તમારે છે. તમારે હવે શું કરવું છે ઓ કહો, રાહુલ. ભૂતકાળ ભૂલીને નવી વાત કરવા આવી છું. તું જે કહીશ, તારાં મમ્મી-પપ્પા જે કહેશે એ મને બધું જ કબૂલ છે.’

‘રોમા, તેં મારી જિંદગી ધૂળધાણી કરી નાખી. મારી દીકરીને તું મને મળવા નથી દેતી. મારું ઘર લઈ લીધું. મારાં માબાપને તેં મારાથી દૂર કર્યાં. હવે શું કરવું છે તારે?’

રોમા સ્થિર નજરે તેની સામે જોઈ રહી. ‘મેં જે કર્યું એ પાસ્ટ હતું. ભૂતકાળ. હવે વર્તમાનમાં આવ. હવે તારે શું કરવું છે, એ બોલ.’

‘મારે હવે તારી સાથે નથી રહેવું. આ બે વરસમાં થાકી ગયો છું તારાથી.’

‘ઓકે. હવે આગળ બોલ.’

‘મને મારી દીકરી જોઈએ છે મારી પાસે.’

‘ઓકે. બીજું?’

અજિત અને રાહુલ એકબીજા સામે જોઈ રહ્યા. ‘તે જે બે કરોડની માગ કરી હતી, એ તને નહીં મળે.’

‘ઓકે.બીજું?’

‘તું કહે તો પચાસ લાખ તને આપી શકીશ.’ રાહુલ જરા પીગળ્યો.

‘ઓકે.બીજું?’

‘એ ઘર તારે અમને આપી દેવું પડશે.’ અજિત બોલ્યો.

‘ઓકે.’

‘તું... તું ગાડી રાખી શકે છે.’

‘ઓકે. તું કહે એમ.’

બાપ-દીકરો પાછું એકબીજાની સામે જોઈ રહ્યા.

‘બોલો... બીજું બોલો, પપ્પા. જોઈએ તો મમ્મીને પણ પૂછી જુઓ. ત્યાં સુધી હું મારા વકીલને બોલાવી લઉં.’

વકીલને? અજિત ચમક્યો. ‘મારે પણ મારા વકીલને બોલાવવો પડશે.’

‘જરૂર પપ્પા. તેને પણ બોલાવી લો. બન્ને વકીલોની હાજરીમાં તમારી ત્રણેની સંમતિથી કાગળિયાં કરાવો. એટલે પછી વાત પાક્કી.’ રોમાએ ફોન હાથમાં લીધો. અજિતે પણ હડબડાઈને ફોન કર્યો તેમના વકીલને. ‘તું તારી મમ્મી સાથે પણ વાત કરી લે.’ રોમાએ રાહુલને જરા ટોણો માર્યો. ‘એમને કંઈ કહેવું હોય તો... હું આલિયા પાસે બેસું છું.’

‘આલિયા તો સૂઈ ગઈ.’ કલ્પનાએ બહાર આવતાં કહ્યું, ‘શું કામ છે મારું?’ રોમાએ સૂચક નજરે રાહુલ તરફ જોયું.

‘આવે છે મારો વકીલ.’

‘સરસ. બન્નેના વકીલો આવે ત્યાં સુધી તમે ત્રણેયને ખાનગીમાં વાત કરવી હોય તો કરી લો.’

‘તારે તારાં મમ્મી-પપ્પાને પૂછવું નથી? તેમને નથી બોલાવવાં?’

‘ના, મારા જીવનના નિર્ણયો હું પોતે જ લઉં છું.’ રોમા ટટ્ટાર થઈ. પંદર મિનિટમાં બન્ને વકીલો આવી ગયા. તેમની હાજરીમાં લખાણ થયું. રોમા અને રાહુલે સહી કરી.

‘હવે તું આઝાદ છે રાહુલ.’ રોમાએ પર્સમાંથી ચાવી કાઢી ટેબલ પર મૂકી, ‘આ ફ્લૅટની ચાવી. આ ગાડીની ચાવી છે. રાહુલે મને ગાડી રાખવાનું કહ્યું છે એટલે આ હું રાખું છું. થૅન્ક્સ રાહુલ. અને પેલા પચાસ લાખ?’

રાહુલે પચાસ લાખનો ચેક લખી રોમા તરફ લંબાવ્યો. અજિત કચવાતી નજરે જોઈ રહ્યો. રોમાએ ચેક લઈ પર્સમાં મૂક્યો. રાહુલ તરફ આભારભરી નજર નાખી ઊભી થઈ. કલ્પનાને કદાચ મહેમાનગતિ યાદ આવી, ‘ચા મૂકું?’

‘ના મમ્મી, હવે કંઈ નહીં.’ વાંકી વળી તે બન્નેના પગે પડી. તેની આંખ કદાચ ભરાઈ આવી હશે. પડદો ઊંચો કરી એક નજર સૂતેલી દીકરી પર નાખી તે ઝડપથી બહાર નીકળી ગઈ. ત્રણેય જણા બૂત બની તેને જતી જોઈ રહ્યાં.

મોડી રાતે આલિયા ઊઠી. મમ્મી... મમ્મી... તેણે એકસરખી રટ લીધી. કલ્પના, અજિત અને રાહુલ બધાંએ પટાવવા, મનાવવાના ખૂબ પ્રયાસ કર્યા, પણ કેમેય માને નહીં. અંતે થાકીને કલ્પનાએ કહ્યું, ‘રાહુલ, આને તેની મા પાસે લઈ જા. બાળક છે. આપણે તેના માટે પરાયાં છીએ. હજુ આપણી હેવાઈ નથી. થોડા દિવસ ત્યાં રહેવા દે. ધીરે-ધીરે આપણી સાથે ભળતી થશે પછી લઈ આવીશું.’

રાહુલ આલિયાને લઈ રોમાના પપ્પાને ઘરે ગયો. ઘરની લાઇટ ચાલુ હતી. રોમા પણ જાગતી લાગે છે. તેને આલિયા વગર ઊંઘ નહીં આવી હોય. મા-દીકરીને અલગ કરવાનું પાપ મેં કર્યું. રાહુલનો આત્મા તેને ડંખી રહ્યો. ઉપર જઈ તેણે બેલ દબાવી. દરવાજો રોમાના પપ્પાએ ખોલ્યો. ‘અરે રાહુલકુમાર તમે? આવો આવો. થોડા મોડા પડ્યા. રોમા હમણાં જ ગઈ.’

 ‘ગઈ..? ક્યાં?’

‘તમને તેણે વાત નથી કરી? તેણે માનસ સાથે લગ્ન કરી લીધાં છે. અત્યારે જ તેમની અમેરિકાની ફ્લાઇટ હતી. તે તો ગયાં’ પપ્પાનો ચહેરો ખુશખુશાલ હતો.

રડતી આલિયાને લઈ રાહુલ નીચે આવ્યો.

રોમાએ તેને આઝાદ કર્યો કે પોતે આઝાદ થઈ ગઈ?

- કામિનિ મહેતા

 

ખાસ નોંધ

ગયા અઠવાડિયે ‘નામ રેવતી પટેલ’ શીર્ષક સાથે કાજલ મહેતાએ મોકલાવેલી શૉર્ટ સ્ટોરી પ્રસિદ્ધ થઈ હતી. જોકે પછીથી ખબર પડી હતી કે આ વાર્તા હકીકતમાં ગીતાબહેન ત્રિવેદીના ‘ઘેરાયેલ ગગન’ પુસ્તકમાંથી ઉઠાંતરી કરેલી હતી. મૂળ વાર્તાનું શીર્ષક છે ‘મૂલ્યાંકન’. વાચકો અને નવોદિત લેખકોને અભિવ્યક્તિનું પ્લૅટફૉર્મ મળે એ માટે શરૂ થયેલી આ પહેલમાં આવી નકલ થાય એ જરાય સ્વીકાર્ય નથી. તેથી હવે જે લેખકો પોતાની વાર્તા મોકલાવે ત્યારે સાથે પોતે મોકલાવેલી વાર્તા તેમની મૌલિક છે એની બાંહેધરી પણ લેખિતમાં આપવી ફરજિયાત રહેશે.

 

(નવા લેખકોને આમંત્રણ - તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો. સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો. જો વાર્તા સિલેક્ટ થશે તો જ પબ્લિશ થશે. એ બાબતે પૂછપરછ ન કરવી.)

columnists