આજ ઉત્સવ છે જુદાઈનો દિલીપ

19 July, 2020 10:34 PM IST  |  Mumbai | Hiten Aanandpara

આજ ઉત્સવ છે જુદાઈનો દિલીપ

સુરતસ્થિત ડૉ. દિલીપ મોદીનું 15 જુલાઈએ અવસાન થયું. સજ્જન એવા ડૉક્ટરને દુર્જન કોરોના ભરખી ગયો. હજી થોડાક દિવસ પહેલાં જ તેમનાં માતુશ્રીની આંખો પણ કોરાનાને કારણે મિંચાઈ હતી. સૂક્ષ્મતર વિષાણુ હોવા છતાં એની શક્તિ રાક્ષસી છે. બકાસુરની જેમ હવે કોરોનાસુર ભયાવહ લાગી રહ્યો છે. એક કુશળ કર્મનિષ્ઠ ડૉક્ટર તેમ જ એક સારા શાયરને આપણે ગુમાવ્યા. ડૉ. દિલીપ મોદી પેલે પારના પ્રદેશમાં વગર નિમંત્રણે શું કામ પહોંચી ગયા હશે?

શબ્દથી હું આમ તો પ્રગટી ગયો છું

હું કલમથી ઉમ્રભર જીવી ગયો છું

હું નિમંત્રણ ન મળ્યું હોવા છતાંયે

અટકળોના દેશમાં પહોંચી ગયો છું

કદી કલ્પી નહોતી એવી કોરોનાની કિલકારી બિહામણા આંકડાઓમાં પથરાઈ રહી છે. બેદરકારી રાખનારા ઝડપાય એ સમજી શકાય, પણ સૌથી વધુ ભય સ્વાસ્થ્યકર્મીઓને માથે તોળાતો રહે. કોરાના-પેશન્ટના સતત સંપર્કમાં હોવાને કારણે જિંદગી ફના થઈ જવાની સંભાવના વ્યાપક બને. સૈફ પાલનપુરીનો આ શેર કોઈને પૂછવાનો વારો આવે તો અજુગતું લાગશે... 

મળે એકાદ તારો તો હું એને પ્રશ્ન પૂછી લઉં

ચમકવામાં મજા છે કે ખરી પડવામાં લિજ્જત છે?

હમણાં-હમણાં ઓળખીતા તારા ખરવાના સમાચાર સાંભળીને ક્ષુબ્ધ થઈ જવાય છે. અભિનેતા દીપક દવેએ સાઠ પૂરાં કરતાં પહેલાં જ એક્ઝિટ લઈ લીધી. નિધનના અઠવાડિયા પહેલાં ફાધર્સ ડે નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં તેમણે હરીન્દ્ર દવેનું માઇલસ્ટોન ગીત `માધવ ક્યાંય નથી મધુવનમાં’ અને સુરેશ દલાલનું બાળગીત `ધાબડધિંગા ધનજીભાઈ’ રજૂ કર્યું હતું. ત્યારે કોઈને પણ ખ્યાલ નહોતો કે દીપક દવે આ કવિઓને મળવા પરમધામ પહોંચી જશે. મરણ આવવાનું છે એ નિશ્ચિત છે, પણ સમય પહેલાં ને અકાળે આવે ત્યારે એનો માર બમણો લાગે. અહીંથી વિદાય લઈ જીવ કયા પ્રદેશમાં પહોંચતો હશે એનો ખ્યાલ મનોજ ખંડેરિયા આપે છે...

આકાર, રંગ, સ્વાદ ન જ્યાં કોઈ ચીજને

જેને સીમાઓ છે જ નહીં એવું સ્થળ હતું

આ જિંદગી પણ અનેક વળવળાંકો લેતી હોય છે. શાસ્ત્રોના અર્થઘટન પ્રમાણે તો આખી સૃષ્ટિ જ માયા છે. કિરતારના નિર્દેશ પ્રમાણે કિરદારો ભજવાતાં જાય છે. સંબંધ, અનુબંધ અને ઋણાનુબંધની દુનિયા આપણને તળેટીથી લઈને શિખરનો પરિચય કરાવે. આયુષ્યનો સમય જાગૃતિનો છે કે ભ્રમણાનો છે એવી વિમાસણ થાય. બપોરની ઊંઘમાંથી ઊઠીએ ત્યારે અચાનક એવો ભાસ થાય આ તો વીસ વરસ પહેલાની ડ‌િટ્ટો અનુભૂતિ છે. કશુંક રીરન થઈ રહ્યું છે. કદાચ અતીત વર્તમાનને મળવા આવું કશુંક અકળ કરતું હશે. અદાકાર નાટકમાં ફ્લૅશબૅકમાં જઈ વર્તમાન સમયમાં પાછો આવી જાય એવું કશુંક વાસ્તવિકતામાં અનુભવાય. કળ મળે તોય વળ ઉકેલાય નહીં. ‘બેફામ’સાહેબ લખે છે...

બાંધીએ સંબંધ કાયમનો, સમય ક્યાં એટલો?

કોઈના એકાદ પળ થાશું અને ચાલ્યા જશું

ક્યારેક અંતરંગ ક્ષણોમાં મુસાફિર હૂં યારો જેવી અનુભૂતિ થઈ આવે. દેહમાંથી બહાર નીકળી સાક્ષીભાવે જોઈએ તો દુનિયા જુદી લાગે. સાધકોને ક્યારેક આ સૂર સંભળાતો હશે. આપણી આંખે તો જવાબદારીઓનાં એટલાં બધાં જાળાં બાઝ્યાં હોય કે અલખનો નાદ ઍમેઝૉન પ્રાઇમમાં જ અદૃશ્ય થઈ ગયો હોય. ભગવતીકુમાર શર્માની શીખ સામાન્યજન માટે ખપની છે...

બન્નેને માટે આપણે તૈયારી રાખવી

ફૂલો ઊગે કે કાંટા, કશું ધારવું નથી

ક્ષણમાં જીવું છું, ક્ષણમાં મરી પણ શકું છું હું

ભાવિ ઉપર મુલત્વી કશું રાખવું નથી

ક્ષણ પાસે પોતાનો વૈભવ પણ હોય અને ઉદાસી પણ હોય. એ ક્ષણમાં કોઈનો સંગાથ હોય તો એ સાયુજ્ય બની જાય નહીંતર એકાકી બની રહે. એકાકી રહે એમાં પણ વાંધો નથી, પણ એ અવસ્થામાં ટકવા માટે મક્કમતા જોઈએ. અલિપ્ત રહેવું અને વિભક્ત રહેવું એ બન્નેમાં ફેર છે. અલિપ્ત રહીને જીવનને ઘડી શકે એવી સજ્જતા જોઈએ. નહીંતર બે-ત્રણ દાયકે પરિવારજનમાંથી જ સોંસરવો ટોણો આવે કે શું ઉકાળ્યું અલગ થઈને? જગત સામે પુરવાર થવા કરતાં વિશેષ અઘરું જાત સામે પુરવાર થવાનું છે. આખરે બધું પસાર થતું જોવાનું છે એમ શયદા કહે છે...

અમે હર્ષ જોયો રુદન જોઈ લીધું

કહો ઉન્નતિ કે પતન જોઈ લીધું

કદી ચાંદની તો, કદી રાત કાળી

વહી જાય છે આ જીવન જોઈ લીધું

જીવન જોવા માટે જીવન જીવવું પડે. જીવવા માટે શ્વાસ લેવો પડે. આ શ્વાસ કોઈ બીમારી કે આફતને કારણે રુંધાઈ જાય ત્યારે ગૂંગળામણ માત્ર જનારને જ નહીં, આખા ઘરને થતી હોય છે. ડૉ. દિલીપ મોદીની પંક્તિઓથી જ સંવેદનાસભર સમાપન કરીએ...

તે રીતે ચાહ્યા કરું, ચાહ્યા કરું

ચાહવાને કોઈ કારણ હોય ના

આજ ઉત્સવ છે જુદાઈનો દિલીપ

બારસાખે આજ તોરણ હોય ના

ક્યા બાત હૈ

એ રીતે દિવસો પૂરા કરવા પડે છે

મારો પડછાયો મને પણ ક્યાં જડે છે?

 

મારી આંખોમાં કહાણી છે સમયની

સર્વ દૃશ્યો આંસુઓ થઈ દડદડે છે

 

સાદ તારો સાંભળ્યો બિલકુલ નથી મેં

કાનને પરિચિત અવાજો પણ અડે છે

 

દૂર હો હંમેશ મારું લક્ષ્ય જાણે

શી ખબર રસ્તે મને આ શું નડે છે?

 

આખરે કોનો વિજય થાશે? ન જાને

મન અને હૈયું પરસ્પર બસ લડે છે

 

મૌન ના તૂટ્યું ગગનનું તે છતાંયે

પ્રીત ઘાયલ પંખી જેવી તરફડે છે

 

જાણવું છેવટ સુધી મુશ્કેલ છે એ

જીવવું કોનું અહીં કોના વડે છે?

 

હોય કોરા કાગળે ભીના અવાજો

તું નથી ને મારી સૌ ગઝલો રડે છે

 

પ્રાણ પુરાયા પછીથી પથ્થરોમાં

કોઈ શિલ્પી પ્રેમની મૂર્તિ ઘડે છે

- ડૉ. દિલીપ મોદી (સુરત)

columnists