વેડિંગની ડિજિટલ દુનિયા

15 June, 2019 12:17 PM IST  |  મુંબઈ | અર્પણા શિરીષ - શાદી મેં ઝરૂર આના

વેડિંગની ડિજિટલ દુનિયા

#નિકયાંકા

શાદી મેં ઝરૂર આના

આપણે હૅશટૅગ જનરેશન કહેવાઈએ તો એમાં કંઈ ખોટું નહીં હોય, કારણ કે અત્યારે સોશ્યલ મીડિયા પર બધું જ હૅશટૅગ મારફત ટ્રેન્ડિંગ રાખવામાં આવે છે. એમાંથી લગ્ન પણ બાકાત નથી. વિરાટ અને અનુષ્કાનાં લગ્નની હૅશટૅગ વિરુષ્કા, દીપિકા અને રણવીરનાં લગ્નની હૅશટૅગ દીપવીર અને ત્યાર બાદ પ્રિયંકા અને નિક જોનસનાં લગ્ન માટેની તૈયાર કરવામાં આવેલી હૅશટૅગ નિક્યાંકા બાદ હવે કપલ્સ પોતાના માટે પણ આ પ્રકારની હૅશટૅગ તૈયાર કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યાં છે. જાણો આ હૅશટૅગ તેમ જ બીજા કેટલાક ડિજિટલ વેડિંગ ટ્રેન્ડ વિશે.

શું કામ છે વેડિંગ હૅશટૅગ?

આજકાલ દરેક વ્યક્તિ સોશ્યલ મીડિયા પર અકાઉન્ટ ધરાવે છે અને દરેક ફૅમિલી મેમ્બરને કે ફ્રેન્ડ્સને લગ્નના ફોટો જોવા મળે એ માટે આ પ્રકારની હૅશટૅગ બનાવવામાં આવે છે. હૅશટૅગ બનાવ્યા બાદ નિયમ એ કે લગ્નમાં આવેલા કોઈ પણ ફ્રેન્ડ્સ કે ફૅમિલી મેમ્બર્સ ઇન્ટરનેટ પર ફંક્શન દરમિયાનના કોઈ ફોટો અપલોડ કરે તો એ હૅશટૅગ સાથે અપલોડ કરવા જોઈએ જેથી જ્યારે પણ કોઈ એ હૅશટૅગને સર્ચ કરે ત્યારે એને સંબંધિત બધા જ ફોટો એકસાથે દેખાય. આવા શબ્દો બનાવવા માટે આજકાલ ઑનલાઇન ઍપ્સ પણ છે, જે શબ્દો નાખતાં યોગ્ય હૅશટૅગ જનરેટ કરે છે. આ રીતે લગ્નનું એક પ્રકારે માર્કેટિંગ કરવામાં આવે છે એવું પણ કહી શકાય.

કઈ રીતે બનાવશો હૅશટૅગ?

મોટા ભાગની હૅશટૅગ દુલ્હન અને દુલ્હનનાં નામને જોડીને બનાવવામાં આવે છે જેમાં ઉદાહરણ તરીકે જો દુલ્હનનું નામ રાધિકા અને દુલ્હાનું નામ અંકિત હોય તો હૅશટૅગ બનશે #Ankrakishadi. આ વિશે એક વેડિંગ-પ્લાનર કહે છે કે ‘કપલ હવે ખાસ હૅશટૅગ બનાવવાનો આગ્રહ રાખે છે અને પછી આ હૅશટૅગ લગ્નની કંકોતરીથી લઈને લગ્નના છેલ્લા ફંક્શન સુધી બધે જ વાપરવામાં આવે છે.’

આ પહેલાં લોકો કંકોતરીમાં તેમ જ લગ્ન સમયે મંડપમાં વર-વધૂના નામના ફક્ત પહેલા અક્ષરો લઈને કંઈક આર્ટિસ્ટિક બનાવતા હતા. જોકે હવે આ ટ્રેન્ડ ઓછો થઈ ગયો છે અને લોકો હૅશટૅગ તરફ વળ્યા છે. જેમનાં લગ્ન હોય તેમનાં નામની પાછળ ‘કી શાદી’ કે ‘કી બારાત’ જેવા શબ્દો ઉમેરીને પણ હૅશટૅગ બનાવી શકાય. પોતાનાં લગ્ન માટે પણ આ પ્રકારની હૅશટૅગ બનાવનાર અવની વાયડા કહે છે, ‘આમ પણ આપણે ઇન્સ્ટાગ્રામ પર ગમે તે પોસ્ટ કરીએ એમાં હૅશટૅગ ઉમેરતાં હોઈએ છીએ. એટલે અમે પણ અમારાં લગ્ન માટે આવું કરવાનું વિચાર કરેલો, જેથી અમારાં લગ્નની બધી જ મેમરી ફોટોરૂપે હંમેશાં સોશ્યલ મીડિયા પર સચવાયેલી રહે અને જ્યારે પણ અમે કે અમારા ફ્રેન્ડ્સ લગ્નના ફોટો જોવા માગે ત્યારે ફક્ત હૅશટૅગની મદદથી બધા જ ફોટો શોધી શકે.’

અવનીનાં લગ્નની હૅશટૅગ હતી #AnkurAvaniKiShadi

વૉટ્સઍપ ઇન્વાઇટ્સ

હૅશટૅગ પ્રમાણે જ વૉટ્સઍપ પર ઇન્વિટેશન મોકલવાનો ટ્રેન્ડ પણ આજકાલ જોવા મળી રહ્યો છે. ખાસ ગ્રાફિક ડિઝાઇનરો પાસે કોઈ ઇમેજ બનાવડાવી ઇન્વિટેશન તૈયાર કરવામાં આવે છે, જેમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે કેટલાક ફોટો તેમ જ લગ્નની વિગતો મૂકવામાં આવે છે. આ પ્રકારના ઇન્વાઇટમાં સમાવેશ કરવામાં આવતા શબ્દો ખૂબ જ પર્સનલ અને એક વાર વાંચીને જ લોકોને ધ્યાનમાં રહી જાય એવા હોવા જોઈએ. એક જ ઇમેજમાં લગ્નની જરૂરી એવી બધી જ માહિતીઓ સમાઈ જાય એવું ઇન્વિટેશન કાર્ડ વૉટ્સઍપ પર મોકલી દેવામાં આવે તો એ સમય પણ બચાવે છે, યુનિક પણ લાગે છે.

કોને મોકલશો?

હજી આપણે ત્યાં રૂબરૂ મળીને કંકોતરી આપવાનો રિવાજ અને નિયમ બન્ને છે. એવામાં વૉટ્સઍપ પર જ્યારે કંકોતરી મોકલાવતા હો તો એ વ્યક્તિ સાથે તમારા સંબંધો કેવા છે એ મહત્ત્વનું છે. આ પ્રયોગ મિત્રોમાં કરી શકાય તેમ જ આજની યંગ જનરેશનના ફૅમિલી મેમ્બર્સને પણ આવું વર્ચ્યુઅલ ઇન્વાઇટ મોકલી શકાય, પણ જો તમને લાગતું હોય કે પરિવારના વડીલો આ રીતે મોકલાવેલા આમંત્રણને પ્રતિસાદ નહીં આપે તો ત્યાં રૂબરૂ જઈને કંકોતરી આપવી જ સારી રહેશે.

ડિજિટલ વિડિયો ઇન્વાઇટ્સ

હાલમાં ખાસ કરીને એન.આર.આઇ. ગુજરાતીઓનો ફેવરિટ કહી શકાય એવો આ ટ્રેન્ડ છે. લગ્નના ત્રણથી છ મહિના અગાઉ લગ્નની બધી જ વિગતો આપતો એક વિડિયો બનાવી પરિવાર અને મિત્રોને મોકલી દેવામાં આવે છે, જેથી લોકો લગ્નમાં સમયસર પહોંચવા માટે અગાઉથી જ ટિકિટ તેમ જ બીજી તૈયારીઓ કરી શકે. આ પ્રકારના વિડિયો ઇન્વાઇટ બનાવી આપતી વેબસાઇટના સૌરભ રાજપૂત જણાવે છે, ‘આ રીતે વિડિયો પર આમંત્રણ બનાવવાનો ટ્રેન્ડ આપણે ત્યાં ધીમે-ધીમે વધી રહ્યો છે. એક બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પસંદ કરીને લોકો તેમની એક નાનકડી વાર્તા, એ પછી જરૂરી એટલી જ વિગતો આપતો ૩૦થી ૪૫ સેકન્ડનો વિડિયો ઇન્વાઇટ બનાવડાવે છે. અહીં ઇચ્છા હોય તો ફૅમિલી મેમ્બરનાં નામ તેમ જ કપલના ફોટોગ્રાફ પણ ઉમેરી શકાય. હવે લોકો પચાસેક કંકોતરીઓ છપાવી બાકીનાં ડિજિટલ ઇન્વાઇટ બનાવડાવે છે જે પ્રિન્ટેડ કંકોતરી કરતાં સસ્તાં પણ પડે છે.’

આ પણ વાંચો : આ વિડિયો આલબમમાં ઍક્ટર પણ તમે અને સિંગર પણ તમે જ

ડિજિટલ ઇન્વાઇટ બનાવતી આવી વેબસાઇટ પરથી જાતે ઑનલાઇન શૉપિંગ કરતા હોય એ રીતે નાનકડાં ફૉર્મ ભરીને અને તમારી માહિતીઓ આપીને નમૂના તરીકે મૂકેલા વિડિયો સિલેક્ટ કરી વેડિંગ ઇન્વાઇટ ખરીદી શકાય. આ બધું જ ઑનલાઇન જાતે કરી શકાય છે અને જો એમાં કોઈ કસ્ટમાઇઝેશન કરવું હોય તો એ પણ શક્ય છે. આ પ્રકારના ડિજિટલ ઇન્વિટેશન કાર્ડ અને વિડિયોઝ બનાવવા માટે ગ્રાફિક ડિઝાઇનરો પાંચથી દસ હજારના ખર્ચે જોઈએ એવાં ડિજિટલ કાર્ડ બનાવી આપે છે જે તમે ગમેતેટલા લોકોને મોકલી શકો છો. અહીં બધાને આપવામાં આવતી પ્રિન્ટેડ કંકોતરીનો ખર્ચો પણ બચશે અને એ રીતે તમે પર્યાવરણને પણ મદદરૂપ થશો.

columnists