કૉલમ : પ્રભુતામાં પાડો સ્ટાઇલિશ પગલાં

02 March, 2020 06:30 PM IST  |  | અર્પણા શિરીષ - શાદી મેં ઝરૂર આના

કૉલમ : પ્રભુતામાં પાડો સ્ટાઇલિશ પગલાં

ચંપલ પહેરનાર દુલ્હન કોની છે એ લખેલાં કોલ્હાપુરી

શાદી મેં જરૂર આના

જુદા-જુદા રંગો અને સ્લોગન લખાવેલી જૂતીથી લઈને ચણિયાચોળી જેવા જ ફૅબ્રિકમાંથી બનેલાં હાઈ હીલનાં સૅન્ડલ સુધી બધું જ ટ્રેન્ડમાં છે

લગ્ન હોય એટલે લાલ કે ગોલ્ડન - સિલ્વર રંગનાં ચંપલ લઈ લીધાં, એ જમાનો હવે ગયો. હવે દુલ્હા-દુલ્હન બન્ને પોતાનાં લગ્નનાં કપડાં અનુસાર જૂતાં પણ કસ્ટમાઇઝ કરાવતાં થઈ ગયાં છે. જુદા-જુદા રંગો અને સ્લોગન લખાવેલી જૂતીથી લઈને ચણિયાચોળી જેવાં જ ફૅબ્રિકમાંથી બનેલાં હાઈ હીલનાં સૅન્ડલ સુધી બધું જ ટ્રેન્ડમાં છે. અહીં દુલ્હા પણ પાછળ નથી. પરંપરાગત અને જૂની સ્ટાઇલની જૂતીનું સ્થાન હવે વેલ્વેટનાં પગરખાંએ લઈ લીધું છે. જાણીએ ડિઝાઇનરો શું કહે છે.

બ્રાઇડલ શૂઝ

આજકાલનાં બ્રાઇડલ શૂઝના ટ્રેન્ડ વિશે જણાવતાં શૂ-ડિઝાઇનર પાયલ કોઠારી કહે છે, ‘હાલમાં લગ્નના આઉટફિટ પ્રમાણે જૂતાં ડિઝાઇન કરાવવાનો ટ્રેન્ડ છે. કૉકટેલ પાર્ટી જેવા ફંક્શનમાં ઇન્ડો-વેસ્ટર્ન સાથે હાલમાં પીછાંવાળુ ડીટેલિંગ વર્ક ચાલી રહ્યું છે. એ સિવાય આગળ ફક્ત એક જ પટ્ટો હોય એ ટાઇપની ઊંચી એડીનાં સ્ટિલેટો પણ લોકો પસંદ કરે છે. પાછળના ભાગમાં ઓછી હીલ અને આગળનો ભાગ ટ્રાન્સપરન્ટ હોય એવાં શૂઝ પણ ચાલી રહ્યાં છે. અહીં જૂતાના ઉપરના ભાગમાં તેમ જ હીલ્સમાં એમ્બ્રૉઇડરી કરવાનું અત્યારે ચલણ છે, જે તમારાં લગ્નના ડ્રેસ સાથે સુંદર લાગે છે.’

હીલ્સના પર્યાય

ઘણી યુવતીઓને ઊંચી એડીવાળાં સૅન્ડલ પહેરવાનું નથી ફાવતું, અને લગ્નના દિવસે તો આવા અખતરા ન જ કરી શકાય. એવામાં શું કરવું એનો સુઝાવ આપતાં પાયલ કહે છે, ‘પ્લૅટફૉર્મ શૂઝ જેમાં એમ્બ્રૉઇડરીવાળી પટ્ટીઓ અને હીલના ભાગમાં ચમકીલાં ફૅબ્રિક લગાવેલાં હોય એ સુંદર લાગે છે. આવાં જૂતાંમાં આગળના ભાગની પટ્ટીઓમાં સિક્વન અને ક્રિસ્ટલ પણ લગાવી શકાય.

આ પ્રકારનાં સૅન્ડલ્સ લગ્ન તેમ જ કોઈ પણ પ્રસંગોમાં પહેરી શકાય છે. એ સિવાય બ્લૉક હીલ પણ કમ્ફર્ટ સાથે હાઇટનો પર્યાય આપે છે.’

 

 

આગળ પાયલ કહે છે, ‘બ્લૉક હીલ અને પ્લૅટફૉર્મ દેખાવમાં થોડાં ભારે લાગે છે, એટલે એને વધુ ડેલિકેટ અને સુંદર બનાવવા માટે બ્રોકેડ જેવા ફૅબ્રિકનો ઉપયોગ કરી એપલિકનાં ફૂલો તેમ જ મોતીનું ડેકોરેશન કરીએ છીએ, જે હીલ પરથી ધ્યાન ખેંચી લઈ જૂતાને ડેલિકેટ અને સુંદર બનાવે છે.’

મોજડી

જો ઊંચી એડી પહેરવી ન જ ફાવતી હોય તો, મોજડી પણ એક સારો પર્યાય છે. આજકાલ વિવિધ ટાઇપના શબ્દો લખેલી મોજડી દુલ્હનો સંગીત અને મેંદી જેવા પ્રસંગોમાં પહેરવાનું પસંદ કરે છે. લખનઉની બે બહેનો ટૉકિંગ ટૉઝ નામની બ્રાન્ડ હેઠળ આ પ્રકારની કસ્ટમાઇઝ અને પર્સનલાઇઝ્ડ જૂતી તેમ જ કોલ્હાપુરી ચંપલ દુલ્હન માટે બનાવે છે, જેમાં રંગબેરંગી મોજડી પર પટાકા દુલ્હનિયા, નૌટંકી દુલ્હનિયા જેવા રમૂજી શબ્દો પણ લખવામાં આવે છે. મેંદી અને સંગીત જેવાં ફંક્શન માટે આવી જૂતી દુલ્હનોની ખાસ પસંદગી બની રહી છે.

સૅન્ડલની હીલના પાછળના ભાગમાં તેમ જ અંદરના સોલમાં લગ્નની તારીખ કોરાવવાનો પણ ટ્રેન્ડ છે. આ વિશે પાયલ કહે છે, ‘લગ્નની તારીખ સિવાય અમે ખૂબ જ ભાવુક એવાં વાક્યોવાળાં પણ જૂતાં બનાવ્યાં છે, જેમાં દુલ્હા-દુલ્હન પોતાનો પર્સનલ મેસેજ જૂતાની અંદર લખાવે છે.

બ્રાઇડલ સ્નિકર્સ

હવે અહીં એવો પ્રશ્ન પડે કે લગ્નમાં શું મૅરથૉન દોડવાની છે? પણ જરા વિચારો કે જે યુવતીએ તેની આખી લાઇફમાં ક્યારેય હીલવાળી ચંપલ કે સ્નિકર્સ સિવાય બીજું કઈ પહેર્યું જ ન હોય એ લગ્ન સમયે ઊંચી એડીવાળાં સૅન્ડલમાં કઈ રીતે અનુકૂળ હોઈ શકે? એટલે જ હવે ઘણી એવી સ્ટિરિયોટાઇપને તોડનારી યુવતીઓ લગ્નમાં પણ પોતાને અનુકૂળ એવાં સ્નિકર્સ પહેરતી થઈ છે. જોકે અહીં પણ તે સ્નિકર્સમાં પોતાનાં કપડાંના રંગો પ્રમાણે સિક્વન્સવાળી એમ્બ્રૉઇડરી પણ કરાવી લે છે. દુલ્હન સિવાય તેની સખીઓ કે જેને લગ્નમાં સૌથી વધુ કામ કે ડાન્સ કરવાનો હોય તેઓ પણ હવે હીલ છોડી આ પ્રકારનાં જૂતાં પહેરવાનું પસંદ કરે છે.

દુલ્હાઓનાં સ્ટાઇલિશ ફૂટવેર



સીઝન પ્રમાણે જૂતાં

પોતાની બાજુમાં ઊભેલી દુલ્હને જ્યારે રંગબેરંગી અને સુંદર જુતાં પહેરેલાં હોય ત્યારે દુલ્હાઓ પણ કંઈ પાછળ નથી. આ વિશે વધુ જણાવતાં પાયલ કોઠારી કહે છે, ‘યુવકો હવે સ્લિપ ઑન શૂઝ કે લોફર શૂઝ પસંદ કરે છે. અહીં શિયાળામાં લગ્ન હોય તો વેલ્વેટનાં અને ઉનાળામાં હોય તો હળવા રો સિલ્કનાં કે સ્યૂડ શૂઝ પહેરવાનું પસંદ કરે છે. એ સિવાય વેસ્ટર્ન કૉકટેલ પાર્ટી માટે મેટલનાં બટન તેમ જ લગ્ન માટે એમ્બ્રૉઇડરીવાળા મોટીફ જૂતા પર લગાવાનો ટ્રેન્ડ છે.

આ પણ વાંચો : કૉલમ : મહેમાનોનું સ્વાગત કરવા કોને રાખશો? હાથી કે મોર?

શેરવાનીને અનુરૂપ

યુવકો હવે પોતાની શેરવાની કે સૂટને અનુરૂપ જૂતાં કસ્ટમાઇઝ કરાવે છે, જેમાં લોફર કે બોટ શૂઝને શેરવાની જેવી જ જરદોશી કે સિક્વન્સવાળી એમ્બ્રૉઇડરી કરાવી ડેકોરેટ કરવામાં આવે છે. અહીં મરૂન, લીલો, ઑફ વાઇટ, કેસરી, સ્કાય બ્લુ જેવા રંગો પસંદ કરાઈ રહ્યા છે. એ સિવાય જૂતામાં ક્રિસ્ટલ કે મેટલનો પેચ લગાવેલો હોય એ પણ યુવકો પહેરે છે. ઇન્ટરનૅશનલ બ્રાન્ડ ક્રિન લુબોટન એ પણ પોતાના ઇન્ડિયન કલેક્શન હેઠળ બ્રાઇડલ અને ગ્રૂમ શૂઝની અનેક ડિઝાઇનો બનાવી છે, જે ખરેખર નોંધનીય છે.

columnists weekend guide