કૉલમ : મહેમાનોનું સ્વાગત કરવા કોને રાખશો? હાથી કે મોર?

20 April, 2019 10:49 AM IST  |  | અર્પણા શિરીષ - શાદી મેં ઝરૂર આના

કૉલમ : મહેમાનોનું સ્વાગત કરવા કોને રાખશો? હાથી કે મોર?

પ્રતીકાત્મક તસવીર

શાદી મેં ઝરૂર આના

લગ્નમાં જો કોઈ ચીજ મહેમાનોનાં દિલ અને આંખો પર લાંબા સમય સુધી છાપ છોડનારી હોય તો એ છે ડેકોરેશન. અને કેમ નહીં? લગ્નના સ્થળે પગ મૂકતાં જ સૌથી પહેલાં ડેકોરેશન જ તો લોકોનું સ્વાગત કરે છે, અને આજકાલ લગ્નમાં જવું એટલે ફ્રેશ ફૂલોના બાગમાંથી ચાલ્યા હોવાનો અનુભવ.

થોડા સમય પહેલાં જ મુંબઈમાં થયેલાં સૌથી મોટાં અને મોંઘાં લગ્નમાં એક ખાસ પ્રકારનું તાજાં ફૂલોનું ડેકોરેશન જોવા મળ્યું. અને હવે એની ડિમાન્ડ સામાન્ય માણસોમાં પણ વધી રહી છે. આ ડેકોરેશન એટલે સાચાં ફૂલોમાંથી બનાવવામાં આવતી મોટી મૂર્તિઓ, જે લગ્નદ્વાર અને મંડપની શોભા વધારે છે. જાણીએ આ વિશે વધુ.

આકર્ષક ફ્લોરલ ફિગર

ઓર્કિડનાં ફૂલોનાં પીછાંવાળો મોર, લીલા ઘાસના હાથી, અને ગલગોટાનાં ફૂલોના પોપટ. આવાં બેથી ત્રણ ફૂટનાં મોટાં ફૂલે મઢેલાં પ્રાણીઓ જો લગ્નનાં દ્વાર પર મહેમાનોનું સ્વાગત કરવા ઊભા હોય તો કેવો રજવાડી લુક આપે! આ પ્રકારના ડેકોરેશન વિશે વધુ માહિતી આપતાં એક જાણીતી વેડિંગ પ્લાનર કંપનીમાં ફ્લાવર ડેકોરેશન ડિપાર્ટમેન્ટ સંભાળતાં દીપાલી ટાંક કહે છે, ‘આ ડેકોરેશન પેસ્ટિંગ વર્ક તરીકે ઓળખાય છે. થર્મોકોલ કે મેટલના તારના બેઝ પર સૌથી પહેલાં પ્રાણીઓના શેપનું ફિનિશિંગ આપી એના પર ગુલદસ્તામાં વપરાતો લીલો બેઝ લગાવી ફૂલો લગાવવામાં આવે છે. આ પ્રકારનું ડેકોરેશન જો ઓપન ગ્રાઉન્ડ વેનુ પર હોય તો વધુ સારું લાગે છે, પણ બૅન્ક્વેટ હૉલના દરવાજા પાસે પણ હાથી કે મોર મૂકી શકાય છે. એ સિવાય રિસેપ્શન વખતે પણ ફૂલોના બનાવેલા મોર સેન્ટર પીસ તરીકે મૂકવામાં આવે છે.’

ફૂલોનો વપરાશ

હવે સનફ્લાવર જેવાં દેખાતાં ઝરબેરા આઉટ થઈ ગયાં છે, એવું જણાવતાં દીપાલી કહે છે, ‘લોકો સામેથી ઓર્કિડ, કાર્નેશન, રોઝ, લીલિયમ જેવાં મોંઘાં, પણ સુંદર લાગતાં ફૂલોનું ડેકોરેશન માગે છે, કારણ કે જ્યારે દેખાવનો સવાલ આવે ત્યારે, ઇન્ટરનૅશનલ ફૂલો જ વધુ સુંદર લાગે છે.

જોકે દિવસના સમયે પરંપરાગત લુક માટે કેસરી અને પીળા ગલગોટા તેમ જ સફેદ રજનીગંધા હંમેશાં એવરગ્રીન છે. ખાસ કરીને ફેરા મંડપના એરિયામાં પરંપરાગત ડેકોરેશન સારું લાગે છે. મોટા એનિમલ ફિગરમાં ઇન્ટરનૅશનલ ફૂલો જોઈએ એવું જરૂરી નથી, ગલગોટા સજાવેલી આવી મૂર્તિઓ પણ, જો કામ સરખું કરાયું હોય તો સુંદર લાગે છે. ડેકોરેશન માટેનાં આ ફૂલો મુંબઈમાં દાદરની ફૂલબજાર અથવા ભૂલેશ્વરની ફૂલગલીમાંથી લેવામાં આવે છે. આ સિવાય ઘણી વાર કોલકાતા બેંગલુરુ, નૈનિતાલ જેવાં સ્થળોથી પણ ફૂલ મગાવવામાં આવે છે.’

બજેટ

સાચાં ફૂલોના ડેકોરેશનની વાત આવે એટલે આખું વેડિંગ બજેટ ઉપર જાય છે. હવે જો આ પ્રકારનાં રિયલ ફ્લાવરની મોટી મૂર્તિઓની વાત કરીએ તો, બેથી ત્રણ ફૂટની એક મૂર્તિની કિંમત ૨૫થી ૩૦ હજાર હોય છે. આ વિશે દિપાલી કહે છે ‘લગ્નમાં જેટલું મહત્વ જમણવારનું છે એટલું જ મહત્વનું ડેકોરેશન છે, કારણ કે આ બે વસ્તુઓ એવી છે જે મહેમાનોને આજીવન યાદ રહે છે. અને જમણવાર તો એક વાર ભુલાઈ જાય, પણ ડેકોરેશન તમારાં લગ્નનાફોટાની શોભા વધારશે અને લાઇફટાઇમ મેમરી બનાવશે, અને માટે જ હવે લોકો ડેકોરેશન પાછળ પણ પૈસા ખરચવા લાગ્યા છે.

સસ્તો પર્યાય

રિયલ ફ્લાવર મોંઘાં લાગતાં હોય તો, આબેહૂબ રિયલનો જ લુક આપતાં આર્ટિફિશ્યલ ફૂલોનો પણ પર્યાય છે, જે લુકમાં બાંધછોડ ન કરતાં થોડા સસ્તામાં કામ પતાવે છે. આવા ડેકોરેશન માટે વપરાતાં બનાવટી ફૂલો ખાસ ચીનથી મગાવવામાં આવે છે. ડેકોરેટરો માટે નકલી ફૂલોનું ડેકોરેશન વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ સાબિત થતું હોવાને કારણે એની કિંમત સાચાં ફૂલો કરતાં ઓછી હોય છે. જોકે જૈન કમ્યુનિટીમાં આર્ટિફિશ્યલ ફૂલોનું ડેકોરેશન એક બીજા કારણસર લોકપ્રિય છે. આ કારણ એટલે, સાચાં ફૂલોનો વપરાશ ટાળવો. આમ સાચાં ફૂલોને નુકસાન પણ થતું નથી અને ફૂલોનું ડેકોરેશન કરવાની ઇચ્છા પણ પૂર્ણ થાય છે.

ફ્લાવર વૉલ

અંબાણીના વેડિંગમાં જોવા મળેલી લાલ રંગના ફૂલોથી સજાવેલી દીવાલ બૅગ તરીકે આગામી લગ્ન સીઝનમાં ખૂબ ચાલશે. રિસેપ્શન વખતે બેડરૂમમાં એક જ રંગનાં અથવા એક જ પ્રકારનાં ફૂલોથી સજાવેલી દીવાલ સાથે લીધેલા ફોટા સુંદર લાગશે. આજકાલ બનાવવામાં આવતાં સેલ્ફી કૉર્નર માટે પણ આ કન્સેપ્ટ સારો છે.

આ પણ વાંચો : દુલ્હનોમાં પૉપ્યુલર આ ઘરેણાંને જોઈને તમને પાછાં લગ્ન કરવાનું મન થશે

ફૂલોની છત

લગ્નના મંડપમાં છત પરથી લટકાવેલી ઓર્કિડ અથવા ચેરી બ્લોસમની ડાળખીઓ આકાશમાંથી જાણે ફૂલોની વર્ષા થતી હોય એવો લુક આપે છે. જે દુલ્હા-દુલ્હન બેસવાનાં હોય અથવા ફેરાનો મંડપ હોય ત્યાંનાં ડેકોરેશન ખાસ છે. ઓર્કિડ સિવાય સફેદ અથવા ગુલાબી ગુલાબદ્યની પણ સુંદર લાગે છે.

columnists