મેનોપૉઝ લાગે છે, પણ ડૉક્ટર માસિક ડિલે કરવાની દવા લેવાનું કહે છે

22 July, 2020 09:48 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મેનોપૉઝ લાગે છે, પણ ડૉક્ટર માસિક ડિલે કરવાની દવા લેવાનું કહે છે

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૪૩ વર્ષ છે. મને હમણાં-હમણાંથી માસિકના સમયમાં ડિલે થઈ જાય છે. જોકે મોટા ભાગે મહિના પર સાતથી દસ દિવસ સુધીમાં પિરિયડ ચાલુ થઈ જતા હોય છે. આ વખતે લગભગ વીસેક દિવસ ઉપર ચડી ગયા હોવાથી ત્રણ વાર હોમ-પ્રેગ્નન્સી ટેસ્ટ કરી. ત્રણેય વાર રિપોર્ટ નેગેટિવ જ આવ્યો એટલે મારી સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફીમાં ગર્ભાશયની દીવાલ જાડી થઈ ગઈ છે એવી ખબર પડી. આ પત્ર સાથે એ રિપોર્ટ પણ બીડ્યો છે. ડૉક્ટરનું કહેવું છે કે તમે માસિક ડિલે કરવાની ગોળીઓ લેશો તો થોડાક દિવસમાં માસિક આવી જશે. જો એ પછી પણ માસિક ન આવે તો ગર્ભાશયની ત્વચા કાઢીને એની ટેસ્ટ કરવી પડશે. મને તો મેનોપૉઝની સંભાવના લાગે છે, પણ ડૉક્ટર માસિક ડિલે કરવાની દવા લેવાનું કહે છે એ સમજાતું નથી.
જવાબ- તમારી શંકા વાજબી છે. તમારી ઉંમર મુજબ તમે કદાચ વહેલો મેનોપૉઝ આવી ગયો હશે એવું ધારો છો. જે કદાચ સંભવ પણ છે. જોકે મેનોપૉઝ નજીક છે કે કેમ એ તપાસવા માટે કેટલાંક હૉર્મોન્સની ટેસ્ટ કરવામાં આવે છે. બીજું, અત્યારે તમારી જે સમસ્યા છે એ માસિકચક્રમાં ગરબડ થયું હોવાનું સૂચવે છે એ કદાચ મેનોપૉઝ હોવાની શરૂઆત પણ હોઈ શકે છે અથવા તો કદાચ ટેમ્પરરી હૉર્મોનલ ડિસ્ટર્બન્સ પણ હોઈ શકે છે.
ડૉક્ટરે તમને માસિક ડિલે કરવાની દવા લેવાનું કહ્યું છે એ પણ એક પ્રકારે તમારા શરીરની હૉર્મોનલ સાઇકલને કન્ટ્રોલ કરવા માટે જ છે. આ દવાઓ કેટલીક મહિલાઓ માસિક વહેલું કરવા અથવા તો ડિલે કરવા માટે વાપરે છે. આ દવાઓ તમે લો ત્યાં સુધી માસિક આવતું નથી, પરંતુ જેવું એ દવાઓ બંધ કરો એટલે ત્રણ-ચાર દિવસમાં જ માસિક આપમેળે આવી જાય છે. એક વાર માસિક આવી જાય એ પછી ફરી એક વાર સોનોગ્રાફી કરાવી લો જેથી ગર્ભાશયની ત્વચાની જાડાઈ કેટલી છે એ ખબર પડે. જો માસિક પછી પણ ત્વચાની જાડાઈ વધુ હોય તો અને તો જ તમારે એ ત્વચા કઢાવીને આગળની ટેસ્ટ કરાવવાની રહેશે.બાકી અત્યારે તમને ડૉક્ટરે જે દવાઓ લખી આપી છે એ એક વીક માટે લઈ લો અને એ દવા બંધ કરતાં જ તમને માસિક આવશે.

dr ravi kothari sex and relationships columnists