ત્રણ ગોલ એક દૃષ્ટિ

13 February, 2021 05:31 PM IST  |  Mumbai | Sanjay Raval

ત્રણ ગોલ એક દૃષ્ટિ

પ્રતીકાત્મક તસવીર

અર્જુન પાસે મોટિવેશન માટે એકમાત્ર કૃષ્ણ હતા અને કૃષ્ણએ પોતાની એ જવાબદારી સંભાળી, પણ આપણી પાસે મોટિવેશન માટે અઢળક રસ્તા છે અને એમાંથી તમારા ફેવરિટ રસ્તે તમે મોટિવેશન મેળવી શકો. તમને ગમતું હોય તો તમે તમારા ફેવરિટ મોટિવેશનલ સ્પીકરની સ્પીચ સાંભળી શકો. જો તમને પસંદ હોય તો તમે બુક્સ વાંચીને પણ મોટિવેશન મેળવી શકો. તમને મોટિવેટ કરતા હોય એવા લોકો સાથે વાતો કરીને પણ જાતને મોટિવેશન આપી શકો. અંગત સલાહકાર હોય અને જેમનામાં સકારાત્મક ઊર્જા હોય એવા લોકોની સલાહ લઈ શકો અને એ લઈને પણ તમે તમારી સ્ટ્રેસ ઓછી કરી શકો. એક નહીં, અનેક રસ્તા છે અને એ રસ્તાઓ દ્વારા તમે તમારી જાતને મોટિવેટ કરી શકો છો. આપણી આ જ વાતને આગળ વધારતાં પહેલાં તમે મને એક વાતનો જવાબ આપો.

જેકોઈ મોટિવેશનલ સ્પીચ છે એનો મુખ્ય હેતુ શું હોય છે?

મોટિવેટ કરવાનો. જો આ તમારો જવાબ હોય તો આ જવાબ ખોટો છે. તમારા ગોલ અચીવ કરવા માટે હેલ્પ કરવાનો. જો આ જવાબ હોય તો એ પણ ખોટો છે. સાંભળનારા કે પછી જોનારાઓમાં કૉન્ફિડન્સ બિલ્ટ કરવા માટે? ના. ખોટી વાત અને વધારે મહેનત કરો એ પહેલાં જ કહી દઉં કે આ કે આવા બીજા જેકોઈ જવાબ છે એ બધાના પ્રત્યુત્તરમાં એક જ જવાબ છે, ના.

મોટિવેશનલ વિડિયો કે સ્પીચનું કામ જુદું છે અને તમે વર્તો પણ સાવ અવળું છાે. યુટ્યુબ કે ફેસબુક જેવા સોશ્યલ મીડિયા કે પછી વૉટ્સઍપ કે ટેલિગ્રામ જેવા મેસેન્જર પર ફૉર્વર્ડ થતા મોટિવેશનલ વિડિયો તમે જુઓ છો અને એ જોઈ લીધા પછી તમે ફરી તમારા કામમાં વ્યસ્ત થઈ જાઓ છો. આ તમારી જે રીત છે એ હકીકતમાં સાવ ટાઇમ વેસ્ટ કહેવાય એવી રીત છે. મોટિવેશનલ વિડિયો જોયા પછી જો તમે અંદરથી કોઈ ચેન્જને આવકારતા ન હો, અંદરથી બદલાવ લાવતા ન હો તો એ ટાઇમનો વેડફાટ માત્ર છે. કહેવાનો અર્થ એવો નથી કે મોટિવેશનલ સ્પીચ સાંભળીને કે પછી એવા વિડિયો જોઈને તમે તરત જ મોટિવેટેડ થઈ જાઓ અને ચાર્જ-અપ થઈને એનર્જી સાથે કામ પર લાગી જાઓ. ના, કહેવાનો ભાવાર્થ એવો બિલકુલ નથી અને પ્રૅક્ટિકલી એ શક્ય પણ નથી. કહેવાનો ભાવાર્થ એટલો કે એકધારું મોટિવેશન મળતું હોય અને એ પછી પણ કંઈ નવું નથી થઈ શકતું કે પછી કોઈ નક્કર સ્ટેપ્સ નથી લઈ શકતા એ જ આપણી નિષ્ફળતા છે.

આવું થવાનું કારણ સ્પષ્ટતા સાથે સમજવાની જરૂર છે.

મોટિવેશનલ મટીરિયલ સાથે વ્યક્તિ માત્ર રમ્યા કરે છે. બસ, રમવાનું અને એ સિવાય બીજું કંઈ નથી કરવાનું. મોટિવેશન ટાઇમપાસ બની ગયું છે. જેમ રમવું એ ટાઇમપાસ પ્રવૃત્તિ છે એ જ રીતે મોટિવેશન પણ ટાઇમપાસ બની ગયું છે. મોટિવેશનલ વિડિયો જોઈને, મોટિવેશનલ સ્પીચ સાંભળ્યા પછી કે પછી એવી બુક વાંચીને તમે મહત્ત્વના કામ હાથ પર લેતા નથી કે પછી એ દિશામાં આગળ વધવાનું કામ પણ કરતા નથી. મોટિવેશનલ મટીરિયલ વાંચ્યા, જોયા કે સાંભળ્યા પછી ચાર્જ્ડ-અપ થઈ ગયા પછી બીજું શું કરવાનું એવું તમને મનમાં આવી શકે, મનમાં થઈ શકે કે હવે કયું મહત્ત્વનું કામ કરવાનું રહી ગયું. એ પણ સમજાવું તમને.

તમે ચાર્જ્‍ડ-અપ થયા, હવે તમારામાં નવી તાકાત આવી ગઈ. હવે એ તાકાતને તમારે સાચી દિશામાં ઢાળવાની છે. વાંચ્યું, સાંભળ્યું કે જોયું, ખુશ થયા અને પછી પાછા રૂટીન કામમાં જોતરાઈ ગયા. આ રૂટીન કામ કરતાં-કરતાં જ તમે તમારા અજાગ્રત મનને કહી પણ દીધું કે મેં મોટિવેશન લઈ લીધું છે. બસ, પછી હતાં ત્યાં ને ત્યાં.

હું શું કરું છું એવો સવાલ તો આપણે આપણી જાતને ક્યારેય પૂછતા જ નથી. આપણે એવું પણ જાણવાની કોશિશ નથી કરતા કે મારે શું કરવું જોઈએ. પછતા નથી એટલે પરિસ્થિતિ એવી નિર્મિત થાય છે કે મોટિવેટ થઈ ગયા છીએ તો હવે આવેલી એ તાકાત ક્યાં કાઢવી એની ખબર નથી.

હું કહું છું કે તમારે તમારી જાતને સવાલ પૂછવાના છે અને એ સવાલના સાચા અને પ્રામાણિક જવાબ મેળવવાના છે. આજે મેં શું કર્યું, હવે હું શું કરીશ, મારો ગોલ શું છે, નજીકના ભવિષ્યમાં મારે શું કરવું છે અને એ માટે મારે કઈ રીતે આગળ વધવાનું છે. આવું તો કશું કરતા જ નથી અને આ મોટા ભાગના લોકોની ફરિયાદ છે. હું કહીશ કે એનર્જી લીધા પછી જો એ તમારામાં જ પડી રહેવાની હોય, બહાર આવવાની જ ન હોય તો એનો કોઈ અર્થ નથી સરતો. એનર્જી એકત્રિત કરવાનો એક જ અર્થ છે કે તમે એ એનર્જીને લાયક કામ પણ કરો. બહુ સરળ રીતે તમને આ વાત તમારી લાઇફમાં ગોઠવી આપું.

તમારે ત્રણ પ્રકારના ગોલ બનાવવાના છે;

એક આજ માટે, એક નજીકના ભવિષ્યનો અને એક જીવનકાળનો ગોલ.

આ ત્રણ ગોલ બનાવીને દરરોજ સાંજે કે રાતે જોવાનું છે કે તમે આ ત્રણેત્રણ ગોલની દિશામાં કેટલા આગળ વધ્યા અને સાચી દિશામાં આગળ વધ્યા કે નહીં. જો આ આદત કેળવી લેશો તો તમને ખબર પડશે કે તમે જેકંઈ કરી રહ્યા છો, જેકંઈ કરવા માગો છો એ વાજબી છે કે નહીં અને એને માટે જે મહેનત કરો છો એ યથાર્થ છે કે નહીં. યાદ રાખજો કે તમારે બીજા કોઈને સફળ નથી બનાવવાના કે પછી તમારે બીજા કોઈને વધુ મહેનત કરવા માટે પ્રેરણા પણ નથી આપવાની. તમારે માત્ર આટલું જ કરવાનું છે. ત્રણ ગોલ બનાવીને દરરોજ એ ગોલની દિશામાં તમે કેટલા આગળ વધ્યા એ જોતા જવાનું. જરૂરી નથી કે દરેક વખતે તમે ગોલની દિશામાં આગળ વધો જ વધો. કોઈ વખત એવું પણ બને જેમાં તમારી બધી મહેનત માથે પડી હોય એવું પણ લાગે અને કોઈ વખત એવું પણ બને કે તમને એમ લાગે કે આ તો બે-ચાર દિવસમાં બહુ નજીક પહોંચી ગયા. જરૂરી છે તો એ કે તમે તમારી જાતને સવાલ પૂછી શકો અને એ સવાલનો જવાબ માગી શકો એને સમર્થ બનો.

એક સરસ વાર્તા છે. એક ગુરુએ પોતાના શિષ્યને એક ઢાલ આપી અને કહ્યું કે હું ગમે તે સમયે તને લાકડાની તલવારથી મારીશ. તારે માત્ર એટલું કરવાનું છે. કાં તો ઘા ચૂકી જવાનો છે અને કાં તો એ ઘા તારે ઢાલ પર ઝીલી લેવાનો છે. શિષ્યને આ વાત બહુ નાની લાગી. ગુરુએ પોતાનું કામ શરૂ કર્યું અને મનમાં આવે ત્યારે તેઓ વાર કરી લેતા. થોડા કલાકમાં તો શિષ્યના આખા શરીર પર લાકડાની તલવારના ઘા થઈ ગયા. ગુરુ પણ બોલેલું પાળતા હતા. તેઓ ગમે તે સમયે ઘા કરતા હતા. ઊઠતાં-જાગતાં, ખાતાં-પીતાં, સૂતાં-બેસતાં ઘા કરી લે. સમય પસાર થતો ગયો અને એક સમયે શિષ્ય પણ નિપુણ થઈ ગયો. તે હવે આસાનીથી ગુરુના ઘા ચૂકવા લાગ્યો. હવે એવો તબક્કો આવી ગયો કે ગુરુ હાથ પણ ઊંચો કરે તો પણ શિષ્ય સજાગ રહેવા માંડ્યો.

લાકડાની તલવારના ઘા ખાળવાની નિપુણતા શિષ્યમાં આવવા માંડી એટલે ગુરુએ સાચી તલવારથી વાર કરવાનું નક્કી કર્યું અને ત્યાં સુધી ચેતવણી આપી દીધી કે મને મનમાં આવશે તો હું રાતે તું સૂતો હશે ત્યારે પણ વાર કરીશ. શિષ્ય સજાગ થઈ ગયો. ધીમે-ધીમે ગુરુની તલવારના ઘા આવવાનું શરૂ થઈ ગયું અને શિષ્ય ઘાયલ થવા લાગ્યો, પણ પછી બન્યું એવું કે શિષ્યએ ઊંઘના સમયે થનારા અને એ સિવાયના સમયે થનારા તલવારના ઘા પર પણ નિપુણતા મેળવી લીધી.

ગુરુનું કામ પૂરું થયું, પણ શિષ્યના મનમાં એક વાત સ્ટોર થઈ ગઈ કે મને આટલું શીખવનારા ગુરુ કેટલા સજાગ રહે છે એ જોવું પડશે. એક દિવસ ગુરુ કોઈની સાથે વાત કરતા હતા ત્યારે શિષ્યએ પાછળથી ઘા કરવા માટે પહેલું પગલું માંડ્યું અને ગુરુ બોલ્યા ઃ ઘા રોકવા માટે કદાચ સક્ષમ ન હોઉં એવું ઉંમરને લીધે બને, પણ જો ઘામાંથી બચી જઈશ તો પીઠ પાછળના ઘાને કેવી રીતે રોકવો એ શીખવીશ.

શિષ્યને સમજાઈ ગયું કે ગુરુ તેનાથી એક ડગલું આગળ છે.

કહેવાનો ભાવાર્થ એ કે સમયનો ઘા આવે ત્યારે સજાગ રહેવા માટે જાતને તૈયાર કરવાની છે અને એને માટે તમારે સતત તમારી જાતને તૈયાર રાખવાની છે. યાદ રાખજો કે જો દરેક સ્થિતિ માટે સજાગતા તમારી અંદર હોય તો ક્યારેય ભૂલ થાય નહીં, પણ એ સજાગતા લાવવા માટે તમારે જાતને કેળવવાની છે અને એ કેળવણી બીજું કોઈ ન આપી શકે, તમે જ તમારી જાતને આપી શકો. માત્ર મોટિવેશનના મમરા ફાકવાને બદલે જાતને પૂછવાનું શરૂ કરો અને જાતને પૂછતાં પહેલાં આગળ કહ્યું એમ, ત્રણ ગોલ બનાવો અને પછી જુઓ કે તમે એ દિશામાં કેટલા આગળ વધી રહ્યા છો.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Sanjay Raval