કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (5)

07 June, 2019 02:11 PM IST  |  મુંબઈ | રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (5)

ડેવિલ

‘ઑર્ડર, ઑર્ડર...’

મૅજિસ્ટ્રેટ કમલ નૌતમે પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ ચકાસતી વખતે ચાલી રહેલા ગણગણાટને શાંત કરવા હથોડી ટેબલ પર પછાડી. વાતાવરણ ફરીથી શાંત થયું. પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ જોયા પછી કમલ નૌતમે ડૉક્ટર સુબોધ મહેતાને સાંભળ્યા. ડૉક્ટર સુબોધ મહેતાના કહેવા પ્રમાણે એ ડૉક્ટર કંદર્પ ત્રિવેદીના ફોનને કારણે શાઇસ્તાના ઘરે ગયા હતા. ડૉક્ટર કંદર્પ ત્રિવેદી પોતે ડેથ સર્ટિફિકેટ આપવા માટે સક્ષમ હતા છતાં તેમણે ફોન કરીને ડૉક્ટર સુબોધ મહેતાને શા માટે બોલાવ્યા એ બાબતે ડૉક્ટર સુબોધ મહેતા કંઈ જાણતા નહોતા અને એ જાણવાની પણ તેમણે કોશિશ પણ નહોતી કરી. ડૉક્ટર સુબોધ મહેતાએ એ વાતની પણ ચોખવટ કરી હતી કે ડેથ સર્ટિફિકેટમાં શંકાઓ વ્યક્ત કર્યા પછી પણ ઘરના કોઈ સભ્યોએ તેને કોઈ સવાલ

કર્યો નહોતો.

‘સુબોધ મહેતાના સ્ટેટમેન્ટ પછી આમ જુઓ તો એક પણ વ્યક્તિના સ્ટેટમેન્ટની જરૂર લાગતી નહોતી. ચાર્જશીટમાં જોડાયેલા સ્ટેટમેન્ટના આધારે આખી ઘટના સ્પષ્ટ થઈ જાય છે. એ પણ પુરવાર થાય છે કે મૌલવીચાચાના નામે વધુ જાણીતા ઝફર કુરેશીના કારણે જ શાઇસ્તાનો જીવ ગયો છે. આ પ્રકારે અંધશ્રદ્ધાના આધારે કોઈ વ્યક્તિની સારવાર કરવી અને એ સારવારમાં જે-તે વ્યક્તિનો જીવ જવો એ હત્યાથી સહેજ પણ ઓછી કે ઊતરતી ઘટના નથી. આવતી કાલે બપોરે, રિસેસ પછી આ કેસનું જજમેન્ટ આપવામાં આવશે. રિસેસ પહેલાં ઇન્સ્પેક્ટર અતુલ પરાંજપેને સાંભળવામાં આવશે. જોકે કોર્ટ એક વાતની ચોખવટ કરે છે કે ઇન્સ્પેક્ટર અતુલના સ્ટેટમેન્ટથી શાઇસ્તાના મર્ડરકેસનો ચુકાદો પાછળ ઠેલવામાં નહીં આવે. આ પ્રકારના કેસનો ચુકાદો જેટલો ઝડપી આવે એટલો ઝડપથી સોસાયટીમાં સંદેશ ફેલાય...’

મૌલવીચાચા મૅજિસ્ટ્રેટની ચૅર પર બેઠેલા શૈતાનને જોઈ ગયા હતા.

બેઠેલો એ આત્મા મૅજિસ્ટ્રેટની નકલ કરતાં કહેતો હતો, ‘ઇસ ખુદા કે બંદે કો તબ તક ફાંસી કે ફંદે પર લટકાયા

જાય, જબ તક ઉસકે જીસ્મ કા ખૂન કાલા ન પડ જાય...’

*****

‘સૌથી પહેલાં તો મારી વિનંતીનેમાન આપીને મને કોર્ટમાં બોલાવવામાં આવ્યો એ બદલ હું કોર્ટનો આભાર માનું છું...’

ઇન્સ્પેક્ટર અતુલ પરાંજપેએ ધીમેકથી નજર ઊંચી કરીને ઝફર કુરેશી સામે જોયું.

‘...સામે ઊભેલી વ્યક્તિની ધરપકડ કરતી વખતે મને એ માણસ કોઈ આંતકવાદીથી કમ નહોતો લાગ્યો. દેશમાં આતંક ફેલાવનારાઓને ફાંસીની સજા થવી જોઈએ એવી જ રીતે દેશમાં અંધશ્રદ્ધા ફેલાવનારાઓને પણ મોતની સજા થવી જોઈએ એવું હું દૃઢપણે માનતો હતો, પરંતુ આજે હું કબૂલ કરીશ કે મારી આ માન્યતા ખોટી અથવા તો અધૂરી હતી એ મને આ માણસના એક જ વાક્ય થકી સમજાઈ ગયું, જ્યારે તેમણે મને કહ્યું કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખો છો તો શૈતાનમાં વિશ્વાસને અંધશ્રદ્ધા શું કામ માનો છો. મિ. લૉર્ડ, વાત ખોટી નથી, બિલકુલ ખોટી નથી. આપણે ભગવાનમાં માનીએ છીએ. ભગવાનમાં શ્રદ્ધા રાખીએ છીએ અને એ શ્રદ્ધાને આપણે સહેજ પણ અંધશ્રદ્ધા ગણતા નથી. ઊલટું કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં એનું ખાસ ધ્યાન રાખીએ છીએ અને આ માટે કાયદામાં જોગવાઈ પણ કરીએ છીએ... પણ વાત જ્યારે ભૂતપ્રેતની નીકળે ત્યારે તરત જ આપણે બે ડગલાં આગળ વધીને આધુનિક બની જઈએ છીએ. કહેવા લાગીએ છીએ કે આવી વાતો કરનારને, આવી અંધશ્રદ્ધા ફેલાવનારાને કડકમાં

કડક સજા થવી જોઈએ એવું હું માનતો હતો પણ...’

‘એક્સક્યુઝ મી મિસ્ટર અતુલ પરાંજપે, તમે કોર્ટનો સમય બરબાદ કરી રહ્યા છો, કારણ કે તમે જે કહી રહ્યા છો એ વાત બધા ધર્મગુરરુ કરી રહ્યા છે. આપણને કેસમાં કોઈ સ્પષ્ટતા આવે એ જોવાનું છે.’

‘આઇ ઍમ સૉરી મી લૉર્ડ, પણ મને લાગે છે કે કોઈની જિંદગીની સરખામણીમાં સમય વધુ કીમતી નથી. એક બીજો ખુલાસો એ પણ કરી દઉં કે કોઈ પણ ધર્મગુરુ એ વાત સ્વીકારવા રાજી નથી કે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વાજબી હોય તો દાનવ હોવાની કલ્પના પણ અસ્થાને નથી. અરે, ધર્મગુરુઓ જ શું કામ, આ પૃથ્વી પર રહેલો ૯૯ ટકા વર્ગ એ વાત શ્રદ્ધાપૂર્વક માનશે કે કૃષ્ણ કળિયુગમાં આવશે, પણ એ વાત માનવા તૈયાર નહીં થાય કે જો કૃષ્ણ આવશે તો તેની સાથે રાક્ષસ પણ જન્મ લેશે. આપણને કૃષ્ણના પરચા અને રામની શક્તિમાં અપાર શ્રદ્ધા રાખતાં શીખવવામાં આવ્યું છે પણ શૈતાનની અસૂરી તાકાતને સ્વીકારવામાં કોઈની હિંમતચાલતી નથી.જો દેવીમા પોતાનો પરચો બતાવી શકે તો દાનવ પણ પોતાનો પરચો કેમ બતાવી ન શકે. હનુમાનજીની મૂર્તિ રડે ત્યારે તો પોલીસેય કોઈની ધરપકડ નથી કરતી, ગણેશની મૂર્તિ પાણી પીએ અને લાખો લોકો ભાવનાથી પાણી પીવડાવે પણ ખરા... કોઈને કોઈ જ વાંધો ન હોય... જો આપણે ખુદામાં, ભગવાનમાં માનતા હોઈએ છીએ તો રાક્ષસની વાત આવે ત્યારે કેમ એ વાતને નકારી કાઢીએ છીએ...’

કોર્ટ, વકીલ અને ખુદ મૅજિસ્ટ્રેટ કમલ નૌતમ ઇન્સ્પેક્ટર અતુલ પરાંજપે સામે જોઈ રહ્યા.

‘તમારી વાત સાંભળતી વખતે વાજબી પુરવાર થઈ શકે છે, પણ આ જ વાતને હકીકત સાથે કઈ રીતે જોડી શકાય, શું શાઇસ્તાના કેસમાં તમારી પાસે કોઈ

એવો પુરાવો છે જે તમારી તાર્કિક વાતને મજબૂત કરે...’

‘હા, મી લૉર્ડ... મારી પાસે એવો પુરાવો છે જે કદાચ આ કેસને નવી દિશા આપી શકે...’

‘ઑબ્જેક્શન યૉર ઓનર... શાઇસ્તાના કેસમાં આપે ગઈ કાલે એવું નિવેદનકર્યું હતું કે અતુલ પરાંજપેના સ્ટેટમેન્ટને આ કેસના જજમેન્ટ સાથે કોઈ લેવાદેવા નથી...’

સરકારી વકીલ સુરેશ પાટીલે વિરોધ વ્યક્ત કર્યો.

‘સૉરી, મી લૉર્ડ... અહીં વાત કેસની નથી ચાલતી, કોઈની જિંદગીનો પણ સવાલ છે... ’

‘ઑબ્જેક્શન ઓવરરૂલ્ડ... ગઈ કાલે લેવાયેલા નિર્ણયને કોર્ટ બદલી રહી છે. લેવાયેલા નિર્ણયને વળગી રહેવા કરતાં કોઈની જિંદગીની તરફેણમાં વિચારવું વધારે હિતાવહ છે...’ મૅજિસ્ટ્રેટ કમલ નૌતમે ડોક ફેરવીને ઇન્સ્પેક્ટર અતુલ પરાંજપે તરફ કરી, ‘પ્લીઝ કન્ટિન્યુ...’

‘મી લૉર્ડ, ડૉક્ટર કંદર્પ ત્રિવેદીએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે એ આ આખી ઘટના સાથે કુતૂહલથી જોડાયેલા હતા. તેઓ પણ એક તબક્કે એવું જ માનતા હતા કે ભૂતબૂત જેવું કાંઈ હોતું નથી. આત્મા મરે છે, પણ આત્મા ભટકતો નથી, મૌલવી ઝફર કુરેશી પાસે જ્યારે તેમણે આ વાતની દલીલ કરી ત્યારે ઝફર કુરેશીએ તેમને આઇપૅડમાં અવાજ રેકૉર્ડ કરવાની પરવાનગી આપી હતી. લગભગ એકાદ મહિના સુધી ઝફર કુરેશી શાઇસ્તામાં રહેલા શૈતાન સાથે લડતા રહ્યા અને લડાઈની આ ઘટના દરમ્યાન દરેક વખતે ડૉક્ટર કંદર્પ ત્રિવેદી હાજર રહ્યા. તેમણે લગભગ ૯૦ કલાકનું રેકૉર્ડિંગ કર્યું છે. રેકૉર્ડ કરવામાં આવેલા એ રેકૉર્ડિંગને ફૉરેન્સિક લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. લૅબોરેટરીના રિપોર્ટ મુજબ આ રેકૉર્ડિંગમાં તેમને જુદી-જુદી ૧૬ ઑડિયો ફ્રીક્વન્સી મળી છે. આ ઑડિયો ફ્રીક્વન્સીમાંથી કુલ ૭ ઑડિયો વેવ્સનેઓળખીશકાઈ છે. બાકીની નવ ઑડિયો વેવ્સ કોની છે એ જાણી નથી શકાયું. જે કહે છે કે...’

‘જો તમારે હવે વધુ કંઈ કહેવાનું ન હોય તો તમે ફૉરેન્સ‌િક રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરાવી દો...’

‘થૅન્ક્સ...’

ઇન્સ્પેક્ટર અતુલ પરાંજપેના દિલની ધડકન મેટ્રોની જેમ ભાગી રહી હતી.

‘કોર્ટ આજનો એક દિવસ ચુકાદો બાકી રાખીને લૅબોરેટરીનો ઑડિયો રિપોર્ટ ચેક કરવા માગે છે. શાઇસ્તા મર્ડરકેસનો ચુકાદો આવતી કાલ પર મુલતવી રાખવામાં આવે છે. ભારતની કોઈ કોર્ટે આ અગાઉ પોતાનો નિર્ણય બદલ્યો નહીં હોય. મુંબઈ કોર્ટ પોતાનો નિર્ણય બદલે છે એ માટેનું કારણ એ છે કે કોર્ટ દૃઢપણે માને છે કે કાયદો વ્યક્તિ માટે છે, વ્યક્ત‌િ કાયદા માટે નથી હોતી. જો ૨૪ કલાક કોઈ વ્યક્ત‌િની જિંદગી માટે મહત્ત્વના હોય તો કોર્ટને એ ૨૪ કલાક સામે કોઈ વાંધો નથી. કોર્ટ આવતી કાલે બપોરે રિસેસ પછી ઝફર કુરેશીને પોતાનો આદેશ સંભળાવશે... ’

*****

કોર્ટ, કોર્ટની લૉબી અને કોર્ટનું કમ્પાઉન્ડ માણસોથી છલોછલ હતું. શાઇસ્તા મર્ડરકેસમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન આવેલા આ અણધાર્યા બદલાવથી મુંબઈભરના લોકોને આ કેસનું જજમેન્ટ જાણવું હતું.

બપોરે રિસેસ પૂરી થયા પછીના પહેલા સેશનમાં ફાસ્ટ ટ્રૅક કોર્ટે શાઇસ્તા મર્ડરકેસ ટેબલ પર લીધો.

મૅજિસ્ટ્રેટ કમલ નૌતમ કોર્ટમાં આવ્યા. લાખો આંખો અને હજારો લોકો આજે તેમના જજમેન્ટની રાહ જોઈ રહ્યા

છે, જેનાથી કમલ નૌતમ સહેજ પણ

અજાણ નહોતા.

‘ગઈ કાલ સુધી તો કોર્ટ દૃઢપણે માનતી હતી કે શાઇસ્તા ખાનનું મૃત્યુ કુદરતી નહીં પણ અંધશ્રદ્ધાના જોરે થયેલી હત્યા છે, પણ કોર્ટની આ માન્યતાને ક્ષણવાર માટે ઇન્સ્પેક્ટર અતુલ પરાંજપેએ બદલી છે. અતુલ પરાંજપેની દલીલમાં તર્ક છે. જો ભગવાન હોય તો ભૂત છે અને ખુદા હોય તો શૈતાન છે. જોકે આ વાતથી એવું તો પુરવાર નથી થતું કે શાઇસ્તાની હત્યા કોઈ પ્રેત કે ભૂતે કરી છે. હા, અતુલ પરાંજપેને સાંભળ્યા પછી એ દિશામાં તર્ક ચોક્કસ લગાવી શકાય...’

ટાંકણી પડે તો પણ કોર્ટમાં દેકારો મચી જાય એટલી હદે કોર્ટરૂમમાં શાંતિ હતી. મૅજિસ્ટ્રેટ કમલ નૌતમે ઝફર કુરેશી સામે જોયું. ઝફર કુરેશીની આંખો બંધ હતી અને હોઠો પર કુરાનની આયતનું રટણ ચાલતું હતું. કમલ નૌતમે જજમેન્ટ આગળ વધાર્યું.

‘...કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જવાબ આપવાની ઇચ્છા થતી હોવા છતાં એ સવાલના જવાબ આપવા માટે મન તૈયાર થતું નથી. શાઇસ્તા મર્ડરકેસ સાથે ફરી પાછા એ સવાલ આવ્યા છે. બૌદ્ધિકમાં ગણતરી કરાવતા હોય એ વ્યક્તિ કઈ રીતે કહી શકે કે આસૃષ્ટિપર જેમ ભગવાન છે એમ જ, બરાબર એમ જ, આ સૃષ્ટિ પર ભૂત પણ છે.વાત જ્યારે આ સ્વીકૃતિની આવે છે ત્યારે ઓલવાઈ ગયેલો આત્મા પણ સામે આવીને પોતાની સ્વીકૃતિ માટે બૂમો પડતો હોય છે. અલબત્ત, આ અવાજ સાંભળવા કોઈ રાજી નથી હોતું. આ જગતમાં ક્યારેય કોઈએ અણગમતી વાત સ્વીકારી નથી, સ્વીકારવાના નથી... ’

આ પણ વાંચો : કથા સપ્તાહ : ડેવિલ્સ ઍડ્વોકેટ (4)

‘... ગઈ કાલે જે વાતો થઈ એના પરથી ફરી વખત એ મુદ્દો તો સ્પષ્ટ થઈ ગયો કે દેવ અને દાનવ વચ્ચેનો વિગ્રહ માત્ર ઇતિહાસમાં જ નહીં, આજના વર્તમાનમાં પણ ચાલુ છે... ભૂત છે કે નહીં, આત્મા આવીને માનવસૃષ્ટિને રંજાડતા હોય છે કે નહીં એ મુદ્દો અત્યારે અસ્થાને છે, પણ હકીકત એ છે કે શાઇસ્તાના મોત માટે મૌલવી ઝફર કુરેશી સીધી રીતે ક્યાંય જોડાયેલા નથી. છેલ્લા ૬ મહિનાથી મૌલવી ઝફર કુરેશી જેલના હવાલે છે. કોર્ટ માને છે કે મૌલવી ઝફર કુરેશીએ ભોગવેલો આ જેલવાસ તેમની સજા તરીકે પૂરતો છે. કોર્ટ પોતાનું જજમેન્ટ આપતાં કહે છે કે મૌલવી ઝફર કુરેશીને ૬ મહિનાની સજા કરવામાં આવે છે અને આ સજા તેમણે પૂરી કરી લીધી હોવાથી હવે કોર્ટ મહારાષ્ટ્ર પોલીસને આદેશ કરે છે કે મૌલવી ઝફર કુરેશીને છોડી મૂકવામાં આવે...’

મૌલવીએ નામદાર સામે જોયું. નામદારની પાછળ ઊભો રહેલો આત્મા તેની સામે ઘુરકિયાં કરતો હતો. ઇચ્છા તો એવી જ હતી કે હવે, આ ક્ષણે એ મૅજિસ્ટ્રેટને હૉસ્ટેલ બનાવીને એમાં રહેવા જતો રહે પણ ના, એ શક્ય નહોતું. મૌલવીએ મૅજિસ્ટ્રેટના શરીર ફરતે બનાવેલું રક્ષાકવચ તેને નડી રહ્યું હતું.

(સમાપ્ત)

Rashmin Shah columnists