સિનિયર સિટિઝનને સલામ ફરિયાદી નહીં, આનંદી બનો

01 October, 2020 02:49 PM IST  |  Mumbai | Jayesh Chitalia

સિનિયર સિટિઝનને સલામ ફરિયાદી નહીં, આનંદી બનો

સિનિયર સિટિઝન મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક, કાયમી ફરિયાદી અને બીજા, કાયમી આનંદી. આમ તો દરેક માનવીને આ બાબત લાગુ પડે, પરંતુ આપણે આજે સિનિયર સિટિઝન દિવસ હોવાથી તેમને કેન્દ્રમાં રાખી વાત કરીશું. આ વડીલો પાસેથી આપણે સતત કંઈક ને કંઈક પામતા રહ્યા છીએ, તેમને સાચવવાની જવાબદારી આપણી-સમાજની પણ ખરી; યાદ રહે, આપણે પણ એક દિવસ સિનિયર સિટિઝન બનવાના જ છીએ...

સિનિયર સિટિઝન આ શબ્દ માનવાચક ગણાય. જોકે તેમને કેટલું માન મળે છે એ દરેક સિનિયર સિટિઝન પોતે જ જાણે. માન મળે છે તો શું કામ મળે છે અને નથી મળતું તો શું કામ નથી મળતું એ પણ પ્રત્યેક જણ પોતે જ જાણે. સિનિયર સિટિઝન માટે ગુજરાતીમાં એક સરસ શબ્દ છે, વરિષ્ઠ નાગરિક. આ વરિષ્ઠ નાગરિકની ત્રણ કૅટેગરી હોય છે. એક, ઉંમર મુજબ નિવૃત્ત થઈને કંઈ જ નહીં કરતા લોકોની; બીજી, ઉંમર મુજબ નિવૃત્ત થયા બાદ પણ કંઈ ને કંઈ નોકરી-ધંધા અર્થાત્ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરતા લોકોની અને ત્રીજી, નિવૃત્તિ બાદ સમાજ માટે સેવાભાવે કંઈક સામાજિક પ્રવૃત્તિ કરતા લોકોની.
બીજાને ન નડો, ન નિંદા કરો
આપણે આજે આ માનનીય વડીલોના વિવિધ સ્વરૂપ કે સ્વભાવને જોઈએ-સમજીએ. અમુક વડીલ- વરિષ્ઠ નાગરિક કાયમી ફરિયાદી હોય છે. તેમને સતત એક યા બીજી ફરિયાદ રહ્યા કરે છે યા થયા કરે છે અથવા તેઓ પોતાના સ્વભાવને કારણે ઊભી કર્યા કરે છે. શારીરિક ફરિયાદ શરીરની ઉંમર વધતાં વધે એ સહજ છે, એ કુદરતી બાબત છે. જોકે તેનું અગાઉથી પણ જતન થઈ શકે છે, પરંતુ માનસિક સમસ્યાનું શું? પોતાના રોજિંદા
કામકાજ-નોકરી-ધંધામાંથી નિવૃત્ત થતાં જ અમુક સિનિયર સિટિઝન પોતાના પરિવારના તેમ જ આસપાસના જીવનમાં અગાઉ કરતાં વધુ દરમ્યાનગીરી કરવાનું શરૂ કરી દે છે, તેમને બીજા બધાની ભૂલો કે નબળાઈ દેખાવાનું શરૂ થઈ જાય છે. પોતાની બધી જ દલીલો અને વાત સાચી, બીજાની ખોટી; પોતે સમજદાર, બીજા અણસમજુ; પોતે અનુભવી, બીજા બિનઅનુભવી; એથી પોતે હોશિયાર, બીજા ડફોળ. ટાઇમ પાસ કરવા માટે તેઓ ઘરના પોતાનાથી નાના સભ્યોની, ગામની, રાજકારણની, કરન્ટ અફેર્સ (જેમ કે હાલના બૉલીવુડ, ડ્રગ્સ, સુશાંત, કંગના, ચીન સીમાવિવાદ, શૅરબજારની વધઘટ, સરકારની ભૂલો, કોરોનાના નામની બૂમરાણ વગેરે) જેવા વિષયો પર સતત કથિત ચિંતા અને કથિત ચિંતન કર્યા કરે છે. આમ તે એકલા કરતા રહે ત્યાં સુધી ઠીક છે, પરંતુ તેઓ બધા સાથે આ ચર્ચા કરવા માગે છે. ઘણી વાર તો અર્થહીન ચર્ચા અને લોકો સામેની ફરિયાદો, જેમાં પોતે કંઈ કરતા કંઈ કરી શકવાના નથી એટલે લોકનિંદા શરૂ કરી દે છે. આખા દેશમાં, સમાજમાં, દુનિયામાં બધું ખોટું જ ચાલે છે, કંઈ બરાબર નથી સહિત પોતાના ઘરમાં-પરિવારમાં કોઈ તેમને સાંભળતું યા સમજતું નથી એ ફરિયાદ કૉમન થઈ જાય છે. આનો કોઈ ઉપાય કરવા જાય તો પણ થઈ શકે નહીં, કેમ કે આજે સૌ પોતાની ઉલઝનમાં પડેલા હોય ત્યાં કોનું-કેટલું સાંભળે? ખાસ કરીને અર્થ વિનાની વાત કે ચર્ચામાં કોણ પડે? જેથી આ વડીલોની ઉર્ફે વરિષ્ઠોની ફરિયાદના ઉકેલ આવતા નથી. જોકે સમજની જરૂર બન્ને પક્ષે છે. પરિવારના યુવા સભ્યોએ પણ સમજવું જોઈએ કે તમે નાના હતા ત્યારે તમે પણ અર્થ વિનાની વાતો કરતા હતા, કજિયા કે જીદ કરતા હતા ત્યારે આ જ વડીલો તમને સંભાળી લેતા હતા.
સ્વતંત્રતા અને સ્પેસ આપી આનંદી રહો
બીજા પ્રકારના વરિષ્ઠ સદા કોઈ પણ સંજોગોમાં આનંદી રહે છે, પોતાની મસ્તીમાં મગ્ન રહે છે, પોતે કોઈને નડે નહીં એનું ખાસ ધ્યાન રાખે છે, બીજાની જિંદગીમાં માથાકૂટ કે દરમ્યાનગીરી કરવાનું ટાળે છે. કોઈ તેમને પૂછે અને યોગ્ય લાગે તો સલાહ-સૂચન આપે છે, બાકી સમાન વિચારધારાવાળા મિત્રો સાથે મોજ કરે છે. એક યા બીજી સામાજિક-સેવાની પ્રવૃત્તિમાં સમય આપે છે. ઘાટકોપરમાં રસિકભાઈ શુકલ નામના વરિષ્ઠ નાગરિક આવી જ સંસ્થામાં સક્રિય ભાગ ભજવે છે. આ બધા વડીલો એકબીજાને મળી જીવનની સેકન્ડ ઇનિંગને માણતા રહે છે. કાંદિવલીમાં વડલો નામની સંસ્થા પણ આવી જ પ્રવૃત્તિ કરે છે. આ તો બે દાખલા થયા, બાકી દેશભરમાં વરિષ્ઠો માટે અનેક સંસ્થા કામ કરે છે. આવા આનંદી વડીલો પરિવારના લોકોને જરૂર જણાય ત્યાં સહાયરૂપ થવાનો પ્રયાસ પણ કરે છે. ચહેરા પર ઉદાસી કે નિરાશા કે માંદગીના ભારને લઈને ફરવાને બદલે સ્મિત અને મસ્તી લઈ ફર્યા કરે છે. જોકે એમાં પોતાની મર્યાદા અને શિસ્તનું પણ પાલન કરે છે. કોઈના પર જબરદસ્તી કરતા નથી, ઇમોશનલ બ્લૅકમેલ કરતા નથી. દરેક સભ્યને સ્વતંત્રતા અને તેમની સ્પેસ આપે છે. જ્યાં જરૂર લાગે ત્યાં સલાહ આપે છે, પરંતુ તેને માનવી જ જોઈએ એવો દુરાગ્રહ કરતા નથી. આવા વરિષ્ઠ નાગરિકો સમાજમાં પણ સારા કાર્ય, સારા સ્વભાવ અને પૉઝિટિવ અભિગમ મારફત આનંદ વહેંચતા રહે છે. આવા આનંદી–વિનોદી વડીલો સાથે યુવાનો અને બાળકોને પણ દોસ્તી કરવી ગમે છે. આ વિષયને વધુ સમજવા અહીં વાંચકોને કલબ-60 નામની ફિલ્મ જોવાનું સૂચન છે.
વયોવૃદ્ધ નહીં, જ્ઞાનવૃદ્ધ બનો
આમ તો સાંઠે બુદ્ધિ નાઠી એવી કહેવત છે, પણ આ માત્ર કહેવત છે, હકીકત નથી. ઘણા લોકો ૬૦ પછી નોકરીમાંથી નિવૃત્ત ભલે થાય, પરંતુ અનુભવે તેમને વધુ પરિપકવ બનાવ્યા હોય છે, તેમની બુદ્ધિ વધુ તેજ થઈ હોઈ શકે છે. અનેક વ્યક્તિ વયોવૃદ્ધ થાય છે અને અનેક વ્યક્તિ જ્ઞાનવૃદ્ધ પણ થાય છે. વયોવૃદ્ધ તો કુદરતનો નિયમ છે, જે દરેકને લાગુ પડે છે. બાકી જ્ઞાનવૃદ્ધ થવા માટે માણસે મહેનત કરવી પડે છે. નિવૃત્તિ બાદ દરેક વ્યક્તિની શારીરિક, માનસિક અને આર્થિક દશામાં પરિવર્તન આવે છે. સમાજમાં તેમના દરજ્જામાં પણ ફરક પડે છે. જેમ–જેમ વૃદ્ધ વ્યક્તિ વધુ ને વધુ વૃદ્ધ થતી જાય છે એમ તેની એક યાત્રા બાળક બનવા તરફ શરૂ થઈ જાય છે. આ વરિષ્ઠ લોકોને તેમના પરિવારે બાળકની જેમ જાળવવા પડે, સમાજે તેમને માન સાથે સાચવવા પડે, પરંતુ આ બન્ને લાભ મેળવવા વડીલોએ બદલાયેલા સંજોગોને સ્વીકારવા પડે. તેમણે કોઈના પર ભાર બનવાને બદલે ઉપયોગી બનવા પર ભાર મૂકતા શીખવું જોઈએ. આપણા સમાજમાં હજી એ સંસ્કાર જીવંત છે, જેમાં વડીલોને માન-સન્માન મળે છે. સિવાય કે તેઓ પોતે એની પાત્રતા યોગ્યરીતે જાળવી શકે. બાકી તેઓ કચકચિયા બની જાય તો કોઈને ન ગમે. ભારતીય સમાજમાં સંયુકત પરિવાર હોય કે વિભાજિત પરિવાર હોય, વડીલોની ઉપેક્ષા ત્યારે જ થાય છે, જ્યારે તેમણે પોતે બદલાવાને બદલે સતત બીજાઓને બદલાવવાની, પોતાની મનમાની કરવાની, સ્વજનો-પરિવારજનો કે બીજાઓ પર પોતાના વડીલપણાનો ભાર નાખવાની કોશિશ કરતા રહે તો તેમનું પોતાનું માન જળવાશે નહીં. તેમની ઉપેક્ષા થવા લાગશે અને પછી તેમને પોતાને એમ થશે કે આજની યુવા પેઢી તેમને સમજતી નથી. ચોક્કસ બાબતોમાં સમજવાની જરૂર તેમની પણ ખરી.
આત્મનિર્ભર બનવું જરૂરી
આજના સમયમાં નિવૃત્તિ બાદ વ્યક્તિ બીજા ૨૦થી ૨૫ વર્ષ જીવી શકે છે એ ધ્યાનમાં રાખી આર્થિક આયોજન પણ બહુ પહેલેથી શરૂ કરવું જોઈએ. સંતાનો માટે લાગણી-પ્રેમ અવશ્ય રાખો, પરંતુ સાથે-સાથે પોતાની માટે વ્યવહારું પણ બનવું જરૂરી છે. આર્થિક સાથે સ્વયંના સ્વાસ્થ્ય બાબત પણ તેમણે જાગ્રત-સંયમિત–શિસ્તબદ્ધ રહેવું આવશ્યક છે. પોતાની આર્થિક-શારીરિક અને માનસિક આત્મનિર્ભરતા જળવાઈ રહે એની તમામ કાળજી પોતે જ લેવી પડે. આ માટે અમિતાભ બચ્ચનનું મૂવી ‘બાગબાન’ જોવાનું સૂચન છે. મરાઠી ફિલ્મ ‘નટસમ્રાટ’ પણ આવો જ કંઈક સંદેશ આપે છે.
સરકાર વધુ ધ્યાન આપે
તાજેતરના સમયમાં ઘણા વરિષ્ઠ નાગરિકોની સરકાર સમક્ષ ફરિયાદ રહે છે, તેમના વાજબી મતે બૅન્કોએ વરિષ્ઠ નાગરિકોને તેમની ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવું જોઈએ, એને બદલે વ્યાજદર ઘટતા જતા હોવાથી નિવૃત્ત વડીલો માટે જીવનધોરણ ચલાવવાનું કઠિન બનતું જાય છે. જોકે સરકારની ઘણી યોજના સિનિયર સિટિઝન્સ માટે છે, જેમાં તેમને વધુ વ્યાજ મળી શકે છે. જોકે એમાં પણ સરકારે વ્યાજદર ઘટાડી નાખ્યો છે. અલબત્ત, સરકારે ઇન્કમ ટૅક્સ કાનૂનમાં પણ વરિષ્ઠ નાગરિકોને વિવિધ રાહત આપી છે. જાહેર ટ્રાન્સપોર્ટ સહિત વિવિધ નાગરિક સેવાઓમાં વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ છે. જોકે વધતી ઉંમર સાથે તેમની માંદગીની સમસ્યા વધે છે, જ્યારે કે તેમને મેડિકલેમ પૉલિસી મેળવવામાં તકલીફ પડે છે. ખરેખર તો સ્વાસ્થ્યની બાબતમાં સરકારે ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગ માટે વિશેષ કાળજી લેતી સુવિધા વરિષ્ઠો માટે ઊભી કરવાની જરૂર છે. સરકારે અને સમાજે તેમને સ્વમાનપૂર્વકનું જીવન જીવવાનો માહોલ આપવો જ જોઈએ.


(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

 

jayesh chitalia columnists