શબ્દોં કે ઇત્તેફાક મેં યૂં બદલાવ કરકે દેખ, તૂ દેખકર ન મુસ્કુરા, બસ મુસ્કુરા કે દેખ!

28 September, 2022 05:23 PM IST  |  Mumbai | Pravin Solanki

કોઈ પણ વિષમ પરિસ્થિતિ એ સમસ્યા છે જ નહીં, માણસનું વિષમ મન જ મોટામાં મોટી સમસ્યા છે.

અમિતાભ બચ્ચન

વિજ્ઞાન, મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન કરતાં પણ સૌથી વધારે મહત્ત્વનું છે આત્મજ્ઞાન. જગત સાથે વિવાદ કરતાં પહેલાં જાત સાથે સંવાદ કરવો જોઈએ. કોઈ પણ વિષમ પરિસ્થિતિ એ સમસ્યા છે જ નહીં, માણસનું વિષમ મન જ મોટામાં મોટી સમસ્યા છે.

‘ગુરુજી એક માર્ગદર્શન મેળવવા આવ્યો છું.’ 
‘બોલો.’
‘તમને નવાઈ લાગશે કે આમાં સમસ્યા શું છે?’
‘સમસ્યા બોલો.’ 
‘આમ જુઓ તો કોઈ સમસ્યા નથી અને આમ જુઓ તો આનાથી મોટી કોઈ બીજી સમસ્યા નથી.’ 
 ‘મારે કોઈ પણ બાજુ જોવું નથી, તમે 
સમસ્યા બોલો.’
‘પ્રભુ, મને ક્યાંય ચેન નથી પડતું.’
‘એટલે?’
 ‘આખો વખત કંટાળો આવે છે.’
 ‘શેનો કંટાળો?’ 
 ‘બધાનો! જીવનનો, કોઈ વાતમાં રુચિ નથી આવતી.’ 
‘શું કરો છો?’
 ‘નિવૃત્ત છું.’ 
‘નિવૃત્તિમાં પણ કોઈ પ્રવૃત્તિ કરો છો કે નહીં?’ 
‘એ જ. કંઈ પણ કરવાનો કંટાળો આવે છે.’ 
 ‘સવાર-સાંજ હરવા-ફરવા જાઓ, તાજી હવા ખાઓ.’ 
‘હવા હવે તાજી રહી છે જ ક્યાં? ભયંકર પ્રદૂષણ છે. ફરવા કરતાં ઘરમાં રહેવું વધારે સારું.’ 
 ‘સંગીતનો શોખ છે? સવાર-સાંજ મધુર સંગીત સાંભળો.’ 
‘મધુર સંગીત? ગોત્યું નથી જડતું. ટીન કા નસ્તર ફૂટ ફૂટ કર ગલા ફાડ કર ચિલ્લાના, યે ન ગાના હૈ ન બજાના.’ 
‘બીજી કોઈ હૉબી નથી તમને?’
 ‘ઘણી બધી છે, પણ બધી કરી-કરીને હવે કંટાળો આવે છે.’ 
‘કોઈ સમાજસેવામાં જોડાઈ જાઓ.’ 
‘સમાજસેવા જેવું અધમ કાર્ય બીજું કોઈ નથી. સાલા બધાને સેવાના નામે મેવા ખાવામાં જ રસ છે.’ 
‘પુસ્તકો વાંચવામાં રસ ખરો?’ 
‘ગુરુ, વાંચવા જેવું હવે લખાય છે જ ક્યાં?’ 
 ‘સવાર-સાંજ જિમમાં જાઓ. તન અને મન બન્ને પ્રફુલ્લિત રહેશે.’ 
‘વિચાર તો કરેલો, પણ પછી સાંભળ્યું કે એક માણસને કસરત કરતાં અટૅક આવ્યો અને તે ગુજરી ગયો, એટલે માંડી વાળ્યું.’
‘સત્સંગ કરો, સવાર-સાંજ વ્યાખ્યાનમાં જતા થાઓ.’ 
‘માફ કરજો, સત્સંગની તો વાત જ ન કરતા. એ જગ્યાએ સત્સંગ ઓછો અને ખણખોદ વધારે થતી હોય છે. સંતો વ્યાખ્યાનની આડમાં પોતાનો વેપાર કેમ વધે એમાં જ રતમાં હોય છે. લોકોને અનાસક્તિ, અપરિગ્રહનો ઉપદેશ આપે ને પોતાના આશ્રમનો ભંડાર કેમ વધારેમાં વધારે ભરાય એની પેરવીમાં મશગૂલ હોય છે. લોકોને સાદું અને સરળ જીવન જીવવાનો ઉપદેશ આપે અને પોતે ઍર-કન્ડિશન્ડ કારમાં અને વિમાનમાં ફરે.’ 
ગુરુજી વ્યક્તિને બરાબર પામી ગયા. આવા માણસો સમાજમાં ‘વાંકદેખા’ તરીકે ઓળખાય છે. દરેક વ્યક્તિ, દરેક પ્રસંગ, દરેક પ્રવૃત્તિમાં તેઓ બીજાનો દોષ જ શોધતા રહે છે. પોતે કરવું નહીં અને બીજાને કરવા દેવું નહીં, પોતે આચરવું નહીં ને જે બીજા આચરે છે એની ટીકા કરવી એ જ આવા લોકોની પ્રવૃત્તિ હોય છે. 
‘આજે તું મને જે પૂછી રહ્યો છે એ પ્રશ્ન બીજા કોઈને પૂછ્યો છે?’ 
‘ઘણાને પૂછ્યો છે.’ 
‘કોને કોને?’ 
‘વિદ્વાનોને, મિત્રોને, સાથી-સંબંધીઓને.’ 
‘એ લોકોએ શું જવાબ આપ્યા?’ 
‘જવાબ કરતાં એ લોકોએ સવાલ વધારે કર્યા, તમારી જેમ.’ 
 વ્યક્તિએ ગુરુને પણ ઝપટમાં લઈ લીધા. 
‘પણ તેં હજી એક વ્યક્તિને પૂછ્યું નથી લાગતું.’ 
‘અરે કોઈ વ્યક્તિ બાકી નથી રાખી.’ 
‘તેં તારી જાતને પૂછ્યું છે? પહેલાં તું તારી જાત સાથે સંવાદ કર, પછી મને મળ.’ 
વિજ્ઞાન, મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન કરતાં પણ સૌથી વધારે મહત્ત્વનું છે આત્મજ્ઞાન. જગત સાથે વિવાદ કરતાં પહેલાં જાત સાથે સંવાદ કરવો જોઈએ. હાર્વર્ડ નામનો લેખક કહે છે કે કોઈ પણ વિષમ પરિસ્થિતિ એ સમસ્યા છે જ નહીં. માણસનું વિષમ મન જ મોટામાં મોટી સમસ્યા છે. 
એક વ્યક્તિએ નવું ઘર ખરીદ્યું. થોડા દિવસ પછી લાગ્યું કે ઘરમાં ભૂત થાય છે, કંઈક અમંગળનાં એંધાણ વર્તાય છે. વ્યક્તિએ ઘર કાઢી નાખવાનો વિચાર કરી લીધો. એક મિત્રને કહ્યું, ‘મારે આ ઘર વેચીને નવું લેવું છે, તું કોઈ ઘરાક હોય તો ધ્યાનમાં રાખજે.’ 
‘અહીં તને તકલીફ શું છે?’
‘ભૂત થાય છે, મનહૂસ જગ્યા છે. અહીં રહેવા આવતાની સાથે જ ધંધામાં નુકસાની થઈ.’ 
‘તો આવી જગ્યા લેશે કોણ?’ 
‘આપણે લેનારને આવી વાતો થોડી કરવાની? તેને તો કહેવાનું કે ઘરમાલિકને મોટી જગ્યાની જરૂર છે એટલે આ વેચવાનું છે.’ 
ઘર વેચાઈ ગયું. થોડી નુકસાની સહન કરવી પડી, પણ માલિકને વેચાયાનો સંતોષ વધારે થયો. થોડા દિવસ પછી એ સોસાયટીનું રીડેવલપમેન્ટનું ઍગ્રીમેન્ટ થયું. ડેવલપરે દરેક ફ્લૅટધારકને ત્રણ કરોડ રૂપિયા કે એટલી જગ્યા આપવાની ઑફર કરી હતી. અસલ જગ્યાની કિંમત હતી બે કરોડ રૂપિયા. 
ઘરમાં ભૂત નહીં, વ્યક્તિના મનમાં ભૂત હતું. 

સમાપન
બુદ્ધ તો હમણાં થઈ જાઉં, પછી શું?
શુદ્ધ તો છું જ, વધારે થઈ જાઉં, પછી શું? 
તું સ્વયં કોણ છે એ ઓળખી લે. 
ચાલો એ ઓળખી લઉં, પણ પછી શું? 
‘પછી શું’વાળા માણસને સમજાવી શકવા અશક્ય છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Pravin Solanki columnists