સાવધાન! આ ફળ ભૂખ્યાપેટે ન ખાતા

11 June, 2019 09:56 AM IST  |  | સેજલ પટેલ

સાવધાન! આ ફળ ભૂખ્યાપેટે ન ખાતા

લીચી ફળ (તસવીર સૌજન્ય જાગરણ)

ગરમીના દિવસોમાં બિહારના મુઝફ્ફરપુરમાં બાળકો અચાનક જ સંદિગ્ધ કારણોસર મૃત્યુ પામે છે અને ડૉક્ટરો એ માટે ઍક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમ હોવાની સંભાવના બતાવે છે. ગયા અઠવાડિયે મુઝફ્ફરપુરમાં કુલ ૧૯ બાળકોનાં આ રીતે મોત થયાં અને હજી બીજાં ડઝનેક બાળકો હૉસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યાં છે. પહેલી વાર ૧૯૯૫માં આ રીતે એન્સેફેલાઇટિસનો રોગચાળો ફાટેલો ત્યારથી લગભગ દર વર્ષે ૧૫ વર્ષથી નાની વયનાં બાળકો ગરમીની સીઝનમાં આ રોગનો ભોગ બને છે અને એ માટેનાં અનેક કારણોમાંથી એક એવી લીચીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. હાલમાં મુઝફ્ફરપુર જિલ્લાનાં ગામોમાં રોગે પલટી મારી છે અને ફરી એક વાર લીચીને કારણે બાળકોના જીવ ગયા હોવાની વાતોએ જોર પકડ્યું છે. એન્સેફેલાઇટિસમાં મગજમાં સોજો આવે છે. અચાનક આ રોગનો હુમલો થાય ત્યારે દરદીના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ અચાનક જોખમી હદે ઘટી જાય છે, તાવ આવે છે અને દરદી સાનભાન ભૂલી જાય છે અને જો તરત જ સારવાર ન મળે તો કોમામાં સરી પડે છે. મુઝફ્ફરપુરમાં જે ઍક્યુટ એન્સેફેલાઇટિસના દરદીઓ શિકાર થયા એમાં ગ્લુકોઝ ઘટી જવાનું પ્રમાણ સૌથી વધુ હતું. આપણને લાગે કે આ વાતને લીચી ફળ સાથે કઈ રીતે સાંકળી શકાય? બીજી સમજવા જેવી વાત એ પણ છે કે લીચી ભારતમાં જ નહીં, દુનિયાભરમાં છૂટથી ખવાતું ફળ છે અને છતાં બીજે ક્યાંય નહીં અને બિહારના આ એક જ જિલ્લામાં કેમ નુકસાન કરે છે?

આ બાબતે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના નેજા હેઠળ ઘણું સંશોધન થયું છે. ભારતમાં બિહાર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં લીચીનું ઉત્પાદન થાય છે અને ભારતના કુલ ઉત્પાદનમાંથી ૭૪ ટકા લીચી બિહારમાં પેદા થાય છે અને એમાં મુઝફ્ફરપુર છે લીચી કલ્ટિવેશનનું કૅપિટલ. સ્વાભાવિકપણે જે ચીજ ઢંઢેરે પિટાતી હોય એ ત્યાંના લોકોના ભોજનનો મહત્ત્વનો ભાગ હોય જ. આ રોગનો ભોગ બનેલાં મોટા ભાગનાં બાળકો અત્યંત ગરીબ અને લીચીના ઉત્પાદન સાથે સંકળાયેલા પરિવારના છે. અહીં ૨૦૧૪માં ઍક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમના ૩૯૦ કેસ નોંધાયેલા જેમાંથી ૧૨૨ બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

આમ થવાનાં કારણો તપાસવા માટે દરદીઓનાં લોહી, મૂત્ર અને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ તેમ જ એ વિસ્તારમાં પેદા થતી લીચીનાં સૅમ્પ્લસનો સ્ટડી કરવામાં આવ્યો હતો. ઇન્ડિયાની નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ, નૅશનલ સેન્ટર ફૉર એન્વાયર્નમેન્ટ હેલ્થ અને અમેરિકાની સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન સંસ્થાએ ભેગાં મળીને જે બે હૉસ્પિટલોમાં આ બાળદરદીઓને સારવાર માટે રાખવામાં આવેલાં એનો ઊંડો અભ્યાસ કર્યો હતો. લીચીના ફળમાં કોઈ ઝેરી દ્રવ્યો નહોતાં છતાં એની ઝેરી અસર બાળકો પર થઈ હતી. લૅન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન-અહેવાલમાં જે તારણો નીકળેલાં એના મુખ્ય મુદ્દાઓ સમજીએ.

૧. ઍક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રૉમનો ભોગ બનેલાં બાળકોનું બ્લડ-શુગર ખૂબ ઘટી ગયું હતું જેને કારણે મગજને ગ્લુકોઝ મળતો અટકી જતાં કામગીરી ખોરવાઈ ગઈ હતી. બાળકોના શરીરમાં હાઇપોગ્લાયસિન એ અને મિથાઇલેનેસાઇક્લોપ્રોપિલગ્લાયસિન જે એમસીપીજીના ટૂંકા નામે પણ જાણીતાં એવાં બે કેમિકલ્સની હાજરી જોવા મળી. આ કેમિકલ્સ નૅચરલી ફ્રૂટ્સમાં જોવા મળતાં ટૉક્સિન્સ છે જેને કારણે હાઇપોગ્લાયસેમિયા એટલે કે અચાનક જ લોહીમાં શુગરનો ઘટાડો થઈ શકે છે. અત્યંત સૂક્ષ્મ માત્રામાં આ ટૉક્સિન હોય એ જરૂરી પણ છે, કેમ કે લીચી એ મીઠું અને શુગરથી લદોલદ ફળ છે.

૨. રોગનો ભોગ બનેલાં બાળકોએ આગલી સાંજે કંઈ જ ખાવાનું નહોતું ખાધું. ભૂખ્યા પેટે તેમણે ખૂબબધી

લીચી ખાઈને પેટ ભરી લીધું. અચાનક શરીરમાં ઑલરેડી ગ્લુકોઝની કમી

હતી અને એમાં હાઇપોગ્લાયસિન એ અને એમસીપીજી કેમિકલ્સનો ઉમેરો થતાં બાળકોના શરીરમાં શુગરનું લેવલ ઘાતક કહી શકાય એટલા લેવલે નીચું જતું રહ્યું.

3. મોટા ભાગનાં બાળકોએ ફળ ખાતાં પહેલાં એની કોઈ સફાઈ નહોતી કરી, એટલું જ નહીં, એની ઉપરનું કડક પડ કાઢવા માટે પણ તેમણે પોતાના દાંતનો ઉપયોગ કરેલો. એને કારણે લીચીના ઉત્પાદન માટે વપરાયેલાં રાસાયણિક ખાતરના અવશેષો પણ તેમના પેટમાં ગયા. આ બધાને કારણે તેમની ન્યુરોલૉજિકલ સિસ્ટમ અચાનક ઠપ થઈ ગઈ.

ટૂંકમાં લીચી ફળ તરીકે સારું છે, પણ એને ખાવાની ખોટી પદ્ધતિને કારણે એ ક્યારેક નુકસાનદાયી બની શકે છે.

લીચીના ગુણોનું લિસ્ટ

મે અને જૂન એમ બે જ મહિના આ ફળ આવે છે. એની સીઝન કેરી કરતાંય ખૂબ ટૂંકી હોય છે, પણ પોષક તત્ત્વોની દૃષ્ટિએ એના ગુણોની લાંબી યાદી સોનિયા કનાલ પાસેથી જાણીએ.

મીઠું હોવા છતાં લો-કૅલરી ફળ છે. ૧૦૦ ગ્રામમાં ૬૬ કૅલરી હોય છે અને એમાંય ૮૨ ટકા પાણીનો ભાગ હોય છે જે શરીરને શીતળતા અને મૉઇશ્ચર બક્ષે છે. વળી, ફૅટનું પ્રમાણ ઝીરો હોવાથી વજન ઉતારવા માટેનો ડાયટ ચાલતો હોય ત્યારે બેસ્ટ છે.

વળી સ્વીટ હોવાથી વેઇટ-લૉસ ડાયટ દરમ્યાન એ ખાવાથી ગળ્યું ખાવાનું ક્રેવિંગ નથી થતું.

વિટામિન-સીનો ખજાનો એમાં છે. ૧૦૦ ગ્રામ લીચીમાં ૭૧.૫ મિલીગ્રામ જેટલું વિટામિન-સી હોય છે જે શરીરની રોજિંદી જરૂરિયાત પૂરી કરી દઈ શકે છે. એમાં રહેલું લીચીટૅનિન અને ઓલિગોનોલ જેવા ખાસ ઘટકો હર્પીસ, ફ્લુ અને સ્કર્વી વાઇરસ સામે શરીરને રક્ષણ આપે છે.

ઉનાળામાં કબજિયાત ન થાય એ માટે આ બહુ ઉપયોગી છે. એમાં પેક્ટિન નામનું દ્રવ્ય છે જે ગેટ્રોએસોફેગલ રિફ્લેક્સ ડિસીઝ, પાઇલ્સ અને કબજિયાતની તકલીફોમાં કામ આવે છે.

લીચીમાં ભરપૂર માત્રામાં પોટૅશિયમ, મૅગ્નેશિયમ અને વિટામિન-બી૬ ભરપૂર છે. એને કારણે કિડનીની કામગીરી સરળ બનાવે છે અને પથરી થઈ હોય તો એની પીડા પણ ઘટે છે.

ખનીજ દ્રવ્યોનો ભંડાર છે લીચી. એમાં મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ, મૅન્ગેનીઝ અને કૉપર જેવાં હાડકાંની મજબૂતાઈ માટે જરૂરી મિનરલ્સ સારીએવી માત્રામાં છે. એનાથી ખોરાકમાંથી કૅલ્શિયમનું શોષણ કરવાની પ્રક્રિયા અસરકારક બને છે અને કૉપર, ફૉસ્ફરસને કારણે હાડકાંની મજબૂતાઈ વધે છે.

આ પણ વાંચો : આપણે જે કાંઈ ખાઈએ છીએ એ કેટલું સેફ છે?

લીચી કઈ રીતે ખાવી?

ઉનાળાની બળબળતી ગરમીમાં ઠંડક આપતું પાણીદાર ફળ છે લીચી. મોટા ભાગે ફળો એકલાં અને ભૂખ્યા પેટે ખાધાં હોય તો એ વધુ ગુણ કરતાં હોય છે, પણ લીચી માટે એવું નથી એમ સમજાવતાં ખારનાં ન્યુટ્રિશનિસ્ટ સોનિયા કનાલ આપે છે આ ફળ ખાવાની ઇંટિંગ ટિપ્સઃ

મૂળે ચાઇનીઝ ઉત્પત્તિનું ગણાતું આ ફળ સ્વાદમાં મધુર છે એટલે અન્ય કોઈ પણ ફળ સાથે એ લઈ શકાય. જોકે એ કદી ભૂખ્યા પેટે ન લેવું. સવારે ઊઠીને નાસ્તો કરતાં પહેલાંના ફ્રૂટ્સના ક્વૉટામાં લીચી ન લેવાય.

ઉપવાસ દરમ્યાન લીચી ખાવામાં ધ્યાન રાખવું. અન્ય ફળ કે ફરાળી ચીજો લેવાના હો તો ચાલે, પણ લાંબા કલાકોના નકોરડા ઉપવાસ પછી ફળથી પારણું કરવાની ઇચ્છા હોય તો એમાં લીચીનો સમાવેશ ન જ કરાય.

પાકું અને સૉફ્ટ થઈ ગયેલું ફળ જ ખાવું. કાચી અને કડક હોય એવી લીચીમાં ટૉક્સિન્સની માત્રા વધુ હોઈ શકે છે એટલે એને ડિસ્કાર્ડ કરવી કાં પાકે એની રાહ જોવી.

મધુર ફળ હોવાથી એમાં બહુ જલદીથી જીવાત થઈ જાય છે. એ જ કારણસર લીચીમાં જંતુનાશક દવાઓનો મારો થયેલો હોય એવી સંભાવના વધુ હોય છે. આ દ્રવ્યોની આડઅસરથી બચવા માટે ઉપરના કડક પડને દૂર કરવું જરૂરી છે. પડ દૂર કરવા મોઢું કે દાંતનો ઉપયોગ ન કરવો.

પડ દૂર કર્યા પછી એમાંથી નીકળતા સફેદ ફળને એકાદ મિનિટ પાણીમાં પલાળી રાખવું અને પછી ખાવાં. એનો ઠળિયો પણ ઝેરી અસર કરી શકે છે એટલે એ ગળાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવું.

એકબેઠકે પાંચથી છ લીચીથી વધુ ન ખાવી.

health tips columnists