કૉલમ : ઉનાળામાં બપોરે ઝપકી લઈ લેવી સારી

10 May, 2019 09:45 AM IST  |  | સેજલ પટેલ

કૉલમ : ઉનાળામાં બપોરે ઝપકી લઈ લેવી સારી

પ્રતીકાત્મક તસવીર

બપોરે સૂવું જોઈએ કે નહીં એ વિશે અનેક મતભેદ પ્રવર્તે છે. મૉડર્ન સાયન્સ માને છે કે રાતની ઊંઘ પૂરી ન થાય તો દિવસે એની ભરપાઈ કરીને પણ મગજને આરામ આપી દેવો જોઈએ. જોકે આવી રોજની આદત ઠીક નથી. રાતે ઉજાગરા કરીને દિવસે કલાકો સુધી ઊંઘવાની આદત હેલ્ધી નથી. આયુર્વેદમાં કેટલીક ખાસ અવસ્થાઓમાં બપોરે વામકુક્ષિ કરવાનું કહેવાયું છે અને ખાસ અવસ્થાઓમાં સૂવાનું વર્જ્ય પણ ગણવામાં આવ્યું છે.

કહેવાય છે કે જે માણસ સૂરજ માથે ચડી જાય ત્યાં સુધી સૂએ છે અથવા તો બપોરે કલાકોની ઊંઘ ખેંચે છે તેને કફ અને વાયુની તકલીફ થાય છે. ઉનાળાની ગરમી ચાલી રહી છે ત્યારે બપોરે બળબળતી ગરમીમાં કોઈ ભારે કામ થઈ શકતું નથી તો શું ગરમીમાં બપોરની ઊંઘ લેવી જોઈએ કે નહીં? આયુર્વેદમાં કાળઝાળ ઉનાળામાં બપોરે ઝપકી લેવાની છૂટ આપવામાં આવી છે, પણ આ છૂટ ખાસ સંજોગોમાં અને ચોક્કસ સ્વાસ્થ્યની સ્થિતિ ધરાવનારાઓ માટે જ છે. ઊંઘ સાથે આયુર્વેદના મૂળ સિદ્ધાંત સમાન કફ, પિત્ત અને વાયુદોષો કઈ રીતે સંકળાયેલા છે અને બપોરે કોનાથી સુવાય અને કોનાથી ન સુવાય એ વિશે વિગતવાર વાત ગોરેગામના આયુર્વેદનિષ્ણાત ડૉ. વિનય સિંહ પાસેથી જાણીએ.

સમય અનુસાર ત્રિદોષ

આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ એમ ત્રણ દોષોનું સંતુલન થાય ત્યારે જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આ ત્રણ દોષો દિવસના અલગ-અલગ કાળમાં પ્રાધાન્ય ધરાવતા હોય છે એટલે દિવસના એ સમયમાં આપણે જે-તે દોષને અનુકૂળ આવે એ રીતની પ્રવૃત્તિઓ જીવનશૈલીમાં સામેલ કરવી જોઈએ. સવારે ૬થી ૧૦ કફનો કાળ છે. આ સમયમાં આપણે બૉડીને સુપરઍક્ટિવ રાખવી જોઈએ. આ સમયે એક્સરસાઇઝ કરવી જોઈએ. જો સવારના સમયે તમે ઊંઘતા રહ્યા તો આળસુ થઈ જવાય અને આંતરિક અવયવોની કાર્યક્ષમતા પણ ક્ષીણ થવા માંડે. પિત્તનો સમય છે સવારે ૧૦થી બપોરે બે. એટલે જ આયુર્વેદમાં બપોરના ભોજન એટલે કે રોંઢાને સૌથી વધુ મહત્વનું ભોજન કહ્યું છે. પિત્ત એટલે અગ્નિ. આ સમયમાં પાચનશક્તિ સૌથી પ્રબળ હોય. આ સમયે શરીર ખોરાકનું એનર્જીમાં રૂપાંતર કરવામાં સુપર એફિશ્યન્ટ હોય છે. આ સમયે મળેલી એનર્જી આખા દિવસ દરમ્યાન શરીરને સતત સ્ફૂર્તિમય રાખે. શરીરની ઊર્જા ભોજન પચાવવા તરફ વળેલી હોય એટલે આ સમય દરમ્યાન હેવી શારીરિક પ્રવૃત્તિ ન કરવી. બપોરે બેથી સાંજે ૬ વાગ્યાનો સમય છે વાયુકાળ. આ સમયે માનસિક અને સર્જનાત્કમ કાર્યો માટે ઉત્તમ હોય છે. કેમ કે આ સમયે મગજ સતેજ હોય છે. જોકે આ જ સમયે તમને ઊંઘરેટાપણું પણ ફીલ થઈ શકે છે એટલે મગજને રીફ્રેશ કરે એવું પીણું આ સમયમાં લેવું જોઈએ. આયુર્વેદ મુજબ જો બપારે ઊંઘ લઈએ તો એનાથી કફ અને પિત્તના દોષો શરીરમાં વધે. એકાદ-બે દિવસ સૂવાથી કદાચ ઇન્સ્ટન્ટ અસર ન પણ દેખાય, પરંતુ લાંબા ગાળાની આદત હોય તો આંતરિક અવયવોની કાર્યપ્રણાલીમાં ઓટ આવી શકે છે.

ઉનાળો અને ઊંઘ

આપણે ત્યાં કહેવત છે, ‘વહેલા સૂઈ વહેલા ઊઠે વીર, બળબુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર.’ આયુર્વેદમાં કહેવાયું છે કે બ્રહ્મમુહૂર્તમાં ઊઠે તે વ્યક્તિનું શરીર અને બુદ્ધિ બન્ને મૃત્યુ સુધી સ્વસ્થ રહે છે. બ્રહ્મમુહૂર્ત એટલે કે સૂયોર્દય થાય એના બેથી અઢી કલાક પહેલાં ઊઠી જવું જોઈએ. ઉનાળામાં સૂર્યોદય પણ વહેલો થાય છે એટલે ઊઠવાની ક્રિયા પણ વહેલી થવી જોઈએ. ગરમીમાં થાક વધુ લાગે છે અને દિવસ વહેલો શરૂ થયો હોવાથી બપોરે શરીરનું એનર્જી-લેવલ ઘટી ગયેલું હોય છે. આવા સમયે જો નાની ઝપકી લેવામાં આવે તો શરીર-મગજને આરામ મળે છે અને બાકીનો દિવસ પણ તમે અલર્ટનેસ અને સ્ફૂર્તિમય રહી શકો છો. ગરમીમાં તાપ અને પસીનાને કારણે થાક લાગવાનું પ્રમાણ વધી જાય છે. તમે સવારથી કામે લાગ્યા હો તો નૅચરલી બપોરે તમને સુસ્તી લાગવા માંડે છે. પસીનો અને ગરમીને કારણે જાણે શરીર ઢીલું પડી ગયેલું લાગે છે. એવામાં બપોરે પંદર-વીસ મિનિટથી ઝપકી લઈ લીધી હોય તો ફરીથી શરીર એનર્જેટિક ફીલ કરવા લાગે છે એનું સૌથી મોટું કારણ એ છે કે ઉનાળામાં દિવસ લાંબો હોય છે અને રાત ટૂંકી. ઉનાળામાં સૂર્યનો પ્રકાશ પણ ધરતી પર લાંબો સમય રહેતો હોય છે. અલબત્ત, બપોરે સૂવાની વાત એ લોકોને જ લાગુ પડે છે જે લોકો સૂયોર્દય પહેલાં ઊઠે છે. સૂરજનાં કિરણો ધરતી પર પડવાનું શરૂ થઈ જાય ત્યાં સુધી પથારી છોડો નહીં અને ફરીથી ખાઈ-પીને બપોરે બે-ત્રણ વાગ્યે લંબાવી દો તો એ શરીરમાં વાયુદોષનો વધારો કરે છે.

ઝપકી લેવી, ઘસઘસાટ ઊંઘવું નહીં

યાદ રહે, અહીં વાત માત્ર ડાબા પડખે પડીને આંખો બંધ કરીને ઝપકી લેવાની વાત છે. ઘસઘસાટ એક-બે કલાકની ઊંઘ ખેંચી લેવાનું કોઈ પણ સીઝનમાં ઠીક નથી. એનાથી કફ અને પિત્તના રોગો વધે છે. વધુ લાંબો સમય સૂવાથી વજન વધે છે અને મગજ મંદ પડે છે.

કોણે બપોરે ન સૂવું?

મેદસ્વિતા અને કફ પ્રકૃતિનો બાંધો કે કફદોષના રોગ ધરાવતા લોકો માટે બપોરે સૂવું વર્જ્ય છે.

ડાયાબિટીઝના દરદીઓએ પણ બપોરે સૂવું નહીં.

જો તમે બહુ ઑઇલી અને મરીમસાલાવાળું હેવી ભોજન લીધું હોય તો બપોરે સૂવું નહીં.

વધુ સુવાથી નુકસાન

દિવસ દરમ્યાન લાંબા સમય સુધી સૂવાની આદત હોય તો શરદી-ખાંસી વકરે છે, વજન વધે છે, ગળાની સમસ્યાઓ વધે છે, યાદશક્તિ અને બુદ્ધિશક્તિ ક્ષીણ થવા માંડે છે, પાંચેય ઇન્દ્રિયોની ક્ષમતા નબળી પડે છે અને લાંબા ગાળે શરીરની રોગો સામે લડવાની શક્તિ હણાય છે.

આ પણ વાંચો : ફૅશન માટે નહીં, હેલ્થ માટે જરૂરી છે કાન વીંધવા

કોણે નૅપ લેવી?

જે વૃદ્ધો ઉંમર થવા છતાં આખો દિવસ પ્રવૃત્તિમય અને ઍક્ટિવ રહે છે તેમણે બપોરે નાની ઝપકી લઈ લેવી જોઈએ. એમ કરવાથી શરીર-મગજને પૂરતો આરામ મળતાં સવાર અને સાંજનો સમય પ્રફુલ્લિત રહે છે.

વિદ્યાર્થીઓ જેકોઈ ખાસ પરીક્ષાની તૈયારી કરે છે અને સતત લાંબા કલાકો વાંચે છે તેમણે દિવસના અન્ય સમયે સૂઈને ઊંઘ પૂરી કરવાને બદલે બપોરના સમયે સૂવું જોઈએ. સવારે કે મોડી સાંજે સૂવાથી બૉડીની ઊઠવા-જાગવાની સાઇકલ ખોરવાતાં માંદા પડાય છે.

જેમને વાતદોષને કારણે અપચાની તકલીફ હોય તેમણે બપોરે વામકુક્ષિ કરવી જોઈએ.

જેમનો ગુસ્સો હંમેશાં નાકના ટેરવે રહેતો હોય અને નાની-નાની વાતે અકળાઈ ઊઠતા હોય એવા લોકોએ પણ બપોરે નાની ઝપકી લઈને શરીર-મગજને આરામ આપવો જોઈએ. એમ કરવાથી તેમના ચીડિયાપણા અને ગુસ્સાના આવેગોમાં ફરક પડે છે.

મોટી માંદગીમાંથી ઊઠ્યા હો અથવા તો સર્જરી કરાવીને એની રિકવરી થઈ રહી હોય તો શરીર ઝડપથી થાકી જતું હોય છે. આવા સમયે બપોરની ૧૫-૨૦ મિનિટની ઊંઘ જબરદસ્ત એનર્જાઇઝર પુરવાર થાય છે.

કુપોષિત કહેવાય એ હદે કૃશ કાયા ધરાવતા લોકોએ વજન વધારવા માટે બપોરે શરીરને થોડો આરામ આપવો જોઈએ.

લાંબા સમયનું ટ્રાવેલિંગ કરીને આવ્યા હો તો શરીરમાં વાતનું અસંતુલન થયું હોઈ શકે એવા સમયે બપોરની નાની ઊંઘ વાત સંતુલિત કરીને એનર્જી વધારશે.

columnists