વર્કિંગ પ્રોફેશનલ્સ બની રહ્યા છે સાંધાના દુખાવાનો શિકાર

31 May, 2019 11:17 AM IST  |  | સેજલ પટેલ

વર્કિંગ પ્રોફેશનલ્સ બની રહ્યા છે સાંધાના દુખાવાનો શિકાર

વર્કિંગ પ્રૉફેશનલ્સને સાંધાનો દુઃખાવો

આર્થ્રાઇટિસ એ તો વૃદ્ધોને જ થાય એવું વિચારતા હો તો માન્યતા બદલવાનો સમય આવી ગયો છે. બદલાયેલી જીવનશૈલીને કારણે હવે ૨૫-૩૫ વર્ષના યુવાનોમાં પણ જૉઇન્ટ્સ પેઇનની સમસ્યા બહુ સામાન્ય છે. એને ઇગ્નૉર કરવાને બદલે યોગ્ય સમયે ઝડપી નિદાન કરી લેવું જરૂરી છે

આર્થ્રાઇટિસ તો વૃદ્ધાવસ્થામાં જ થાય, ઠંડા કે ભીના વાતાવરણમાં વધુ રહેવાથી આર્થ્રાઇટિસ થાય છે, દવા કરવાથી આર્થ્રાઇટિસ મટી જાય, પૌષ્ટિક ખોરાક ન ખાવાને કારણે આર્થ્રાઇટિસ થાય, આર્થ્રાઇટિસ દરમ્યાન સાંધામાં પીડા થતી હોવાથી કસરત ન કરાય...

શું તમે પણ આર્થ્રાઇટિસ વિશે આવું જ કંઈક માનો છો? તો આ બધી માન્યતાઓ સદંતર ખોટી છે. આર્થ્રાઇટિસ યંગ એજમાં અને બાળપણમાં પણ થઈ શકે છે. ઠંડા કે ભીના વાતાવરણમાં આ રોગનાં લક્ષણો વકરે છે, પરંતુ એને કારણે ઉદ્ભવે છે એવું ન કહેવાય. કેટલાક આર્થ્રાઇટિસની સારવાર માટેની ઘણી દવાઓ છે. એનાથી રોગનાં લક્ષણો કાબૂમાં આવી શકે છે, પરંતુ સંપૂર્ણપણે ક્યૉર થઈ જાય છે એવું કહેવું યોગ્ય નથી. રોગનાં લક્ષણો પ્રાથમિક તબક્કામાં હોય ત્યારથી સારવાર કરવામાં આવે તો સાંધાની પીડા અને ડિફૉર્મેશન ઓછું થાય છે.

આપણે ત્યાં મુખ્યત્વે બે જ જાતના આર્થ્રાઇટિસ વિશે લોકો જાણે છે, પરંતુ ખરેખર ૧૦૦થી વધુ પ્રકારના આર્થ્રાઇટિસ હોય છે. આર્થ્રાઇટિસ એ બે ગ્રીક શબ્દ પરથી બનેલો છે. આર્થ એટલે સાંધા અને આઇટિસ એટલે જ્વલનશીલ. એટલે કે સાંધામાં આગ જેવી બળતરા થવી. જોકે ઘણા પ્રકારના આર્થ્રાઇટિસમાં સાંધામાં બળતરા થાય કે સોજો આવે એ જરૂરી નથી. એક છે ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ અને બીજું રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ.

ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ શું છે?

આ ઑટોઇમ્યુન રોગ નથી. આ સ્થિતિ વધતી જતી વય સાથે સંકળાયેલી છે. શરીરની આંતરિક સિસ્ટમ પર એની અસર નથી થતી.

લક્ષણો : એકાદ સાંધામાં સોજો આવે છે. એકસાથે એક કે એકથી વધુ સાંધાઓમાં દુખાવો થઈ શકે છે. નખની નજીકના સાંધામાં બળતરા થઈ શકે છે. નિતંબ કે ઘૂંટણ જેવા મોટા સાંધાઓમાં દુખાવો થાય છે. સામાન્ય રીતે ૪૫ કે એનાથી વધુ વયના લોકોને જ આ પ્રકારની તકલીફ રહે છે. પીડા માટે પેઇનકિલર્સ તેમ જ કેટલાક કિસ્સાઓમાં સર્જરીનો વિકલ્પ શક્ય છે.

થવાનાં કારણો : જો એ વખતે ડાયટમાં પૂરતું કૅલ્શિયમ લેવામાં ન આવ્યું હોય તો શરીરને જરૂરી કૅલ્શિયમ હાડકાંમાંથી વપરાતાં હાડકાં ગળાય છે. ખોટી રીતે બેસવાની અને ચાલવાની સ્ટાઇલને કારણે હાડકાં વધુ ઘસાય છે. ઓવરવેઇટ લોકોનાં હાડકાંને પણ વધુ વજન વેઠવું પડે છે જેને કારણે સમય જતાં હાડકાં નબળાં પડે છે. સ્મોકિંગ, કૉફી અને કોલ્ડ ડ્રિન્ક્સની વધુપડતી આદતને કારણે શરીરમાં કૅલ્શિયમની ઊણપ થાય છે. શરીરમાં વિટામિન બીનું પ્રમાણ ન જળવાય એવો ડાયટ લેવાય તો ખોરાકમાંનું કૅલ્શિયમ પૂરી રીતે પચી નથી શકતું.

જીવનનાં પ્રથમ ત્રીસ વર્ષ માનવશરીરમાં હાડકાં સ્ટ્રૉન્ગ થાય છે અને એનો વિકાસ થાય છે, પરંતુ એ પછી હાડકાંનો વિકાસ થવાનું અટકી જાય છે અને ક્યારેક ધીરે-ધીરે હાડકાં નબળાં પણ થતાં જાય છે.

રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ શું છે?

આ ઑટોઇમ્યુન રોગ છે. શરીરની ઇમ્યુન સિસ્ટમ દ્વારા શરીરના સારા કોષો પર ભૂલમાં જ હુમલો થાય છે અને વ્યવસ્થા ખોરવાય છે એટલે સાંધાઓમાં ખૂબ જ બળતરા અને પીડા થાય છે.

લક્ષણો : શરીર જકડાય અને પીડા થાય છે. લાંબો આરામ કે લાંબા સમય સુધી કોઈ પ્રવૃત્તિ ન કરો ત્યારે દુખાવો વધે છે. ખાસ કરીને સવારે ઊઠીને સાંધાનું હલનચલન અઘરું બને છે. એ બન્ને હાથ, કોણી એમ એકસાથે થાય છે. સામાન્ય રીતે આંગળીના સાંધામાં કે હાથની નજીકના સાંધામાંથી પીડાની શરૂઆત થાય છે. માત્ર મોટા સાંધાઓ જ નહીં; હાથ અને પગની ઘૂંટીના નાના સાંધાઓમાં પણ દુખાવો, સોજો, લાલાશ અને બળતરા રહે છે. સાંધાઓને પર્મનન્ટ નુકસાન થાય છે. એક વાર સાંધાઓ જકડાયા અને એને ડૅમેજ થઈ ગયું તો એ નુકસાન ફરી ઠીક નથી થઈ શકતું. આ રોગ પ્રાથમિક તબક્કે પકડાઈ જાય તો એનો ફેલાવો અટકાવી શકાય છે, પરંતુ પેઇનકિલર સિવાય એનો કોઈ કાયમી ઇલાજ નથી.

આ પણ વાંચો : વડીલોમાં ઑસ્ટિયોઆર્થ્રાઈટિસને કારણે શારીરિક તકલીફો કસરત દ્વારા ટાળી શકાય

થવાનાં કારણો : આ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. આ થવાનું કારણ શોધી નથી શકાયું. શરીરની ઇમ્યુન સિસ્ટમમાં ગરબડ થવાને કારણે સાંધાઓના સાઇનોવિયલ ટિશ્યુઝમાં તકલીફ થાય છે. એક્સરસાઇઝ એ સૌથી સારી મેડિસિન છે.

columnists health tips