કૉલમ : રાતે પણ લેન્સ પહેરીને તમે સૂઈ જાઓ છો?

14 May, 2019 11:50 AM IST  |  | સેજલ પટેલ

કૉલમ : રાતે પણ લેન્સ પહેરીને તમે સૂઈ જાઓ છો?

સૂતી વખતે લેન્સ પહેરી રાખવાની ટેવ બનાવી શકે છે દ્રષ્ટિહિન

થોડા દિવસ પહેલાં અમેરિકાના નૉર્થ કૅરોલિનાના ઑપ્થેલ્મોલૉજિસ્ટ પૅટરિક વૉલ્મરે કેટલીક ભયાવહ તસવીરો સાથે લોકોને ચેતવ્યા હતા કે જો રાતે સૂતાં પહેલાં કૉન્ટૅક્ટ લેન્સ કાઢવાની આદત ન હોય તો શું થઈ શકે છે? તેની પાસે એક મહિલા આવી હતી જે આખો દિવસ કામ કરીને થાકીને રાતે લેન્સ કાઢ્યા વિના જ સૂઈ ગયેલી. સવારે ઊઠીને જોયું તો તેની એક આંખમાંથી પીળું કેરીના રસ જેવું ફ્લુઇડ નીકળવા લાગ્યું હતું અને એ આંખે કશું જ દેખાતું નહોતું. તેની આંખમાં સ્યુડોનોમસ અલ્સર થઈ ગયેલું અને કૉર્નિયા એટલો ડૅમેજ થઈ ગયો કે એ આંખની દૃષ્ટિ સાવ જતી રહેલી. લગભગ ૬ મહિનાની સારવાર પછી તેની દૃષ્ટિ પાછી આવી છે અને છતાં હજી આંખનો કેટલોક ભાગ ડૅમેજ થયેલો જ છે જેને કોઈ કાળે સુધારી શકાય એમ નથી. યસ, ચશ્માંને બદલે કૉન્ટૅક્ટ લેન્સ પહેરનારાઓએ આ બાબતે બહુ સચેત રહેવાની જરૂર છે. પણ શું ખરેખર એક રાતમાં આવું થઈ જાય ખરું? શું ક્યારેક એમ જ તમે ભૂલથી રાતે કૉન્ટૅક્ટ લેન્સ કાઢવાનું ભૂલી જાઓ અને આવું ઇન્ફેક્શન રાતોરાત થઈ જાય? આ વાત સાથે સહમત થતાં જુહુના અનુભવી ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘યસ, સ્યુડોમોનસ બૅક્ટેરિયા એટલા ખતરનાક હોય છે કે એ માત્ર ૨૪થી ૪૮ કલાકની અંદર તમારી આંખને અંદરથી કોરી ખાય છે અને એને કારણે દૃષ્ટિ પર બહુ જોખમ ઊભું થાય છે. જે લોકોને આ ઇન્ફેક્શન થાય છે તેમની દૃષ્ટિ બચાવવાનું બહુ મુશ્કેલ થઈ જાય છે. કોઈકને ચાર-પાંચ મહિને કે દસ-બાર મહિને વિઝન પાછું આવે છે તો કોઈકને કદી દૃષ્ટિ પાછી આવતી જ નથી.’

હાઇજીન અને બૅક્ટેરિયા

અમેરિકન ઑપ્થેલ્મોલૉજિસ્ટ અસોસિએશનના કહેવા મુજબ અમેરિકામાં લગભગ દર વર્ષે આશરે ૬૦,૦૦૦ લોકોને સ્યુડોમોનસ બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન થાય છે. એની સારવાર શક્ય બની છે, પરંતુ ઇન્ફેક્શન પછી દૃષ્ટિ નબળી પડી જાય છે અને આંતરિક અવયવોનું ડૅમેજ ૧૦૦ ટકા રિવર્સ નથી થતું. એનું નિવારણ કરવા માટે કૉન્ટૅક્ટ લેન્સ વાપરનારાઓએ હાઇજીનનું ધ્યાન રાખવું જોઈએ એમ જણાવતાં ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘જ્યારે દૃષ્ટિ નબળી પડે ત્યારે ચશ્માંને બદલે કૉન્ટૅક્ટ લેન્સ પહેરવાનું સ્ટાઇલિશ લાગી શકે છે, પણ એ માટે તમારે પ્રૉપર હાઇજીન જાળવવામાં ન આવે તો ઊલમાંથી ચૂલમાં પડી જવાય. સ્યુડોનોમસ બૅક્ટેરિયા અત્યંત ઘાતક પ્રકારના હોય છે. જો લાંબો સમય લેન્સ પહેરી રાખવામાં આવે અને એ વખતે જો સ્વચ્છતાના અભાવે આ બૅક્ટેરિયા આંખમાં ગયા હોય તો એનાથી પણ ઇન્ફેક્શનનું જોખમ રહે છે. અલબત્ત, જો લેન્સ પહેરીને સૂઈ જવામાં આવે તો આ ચેપ થવાનું રિસ્ક છથી આઠ ગણું વધી જાય છે. આજકાલ આવા એટલાબધા કેસ આવે છે કે ન પૂછો વાત. થોડા સમય પહેલાં મારે ત્યાં એક બૉલીવુડ-ઍક્ટરની દીકરી આ જ સમસ્યા સાથે આવી હતી. કૉન્ટૅક્ટ લેન્સ લાંબા સમય સુધી પહેરી રાખવા, પહેરતી વખતે સ્વચ્છતા ન જાળવવી, ગંદા હાથે આંખો ચોળવા જેવી આદતો આ રોગ નોતરી શકે છે. જરા વિચાર કરો કે તમે બહુ સારી બ્રૅન્ડનાં શૂઝ લાવ્યાં છો અને એનાથી તમે બહુ ઝડપથી અને કમ્ફર્ટેબલી ચાલી-દોડી શકો છો. પણ શું તમે આ શૂઝ આખો દિવસ અને રાતે પણ પહેરીને સૂઈ શકશો? ૨૪ કલાક શૂઝ પહેરી રાખો તો પગની શું હાલત થાય છે એ તમે સમજી શકો છો, તો આંખ પર પણ લેન્સનો ભાર ૨૪ કલાક શું કામ રાખવો? ઘણા લોકો ખાસ કરીને યુવાનો આ બાબતે બહુ બેદરકાર હોય છે. આખો દિવસ લેન્સ પહેરી રાખવા કે રાતે લેન્સ સાથે જ સૂઈ જવાથી કશું નથી થવાનું એવું તેમને લાગે છે, પણ આ આદતો રૅશ ડ્રાઇવિંગ જેવી છે. તમે હાઇવે પર બેફામ સ્પીડમાં કાર ચલાવી શકો છો, પણ જે દિવસે ઍક્સિડન્ટ થશે એ દિવસે તમારો જીવ બચશે કે નહીં એ કહેવું મુશ્કેલ બની જાય. એવી જ રીતે રાતે લેન્સ પહેરીને સૂઈ જવાની આદત કયા દિવસે આંખમાં ઇન્ફેક્શન પેદા કરશે એ કંઈ કહેવાય નહીં.

રાતે લેન્સથી જોખમ કેમ વધુ?

જે લેન્સ દિવસે પહેરવાથી સ્પષ્ટ જોવામાં મદદ કરી શકે છે એ જ લેન્સ રાતના સમયે શું કામ હાનિકારક બની જાય છે? એ વિશે વાત કરતાં ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘વાત માત્ર ઊંઘમાં લેન્સ પહેરવાની આદતની નથી. વાત લાંબો સમય લેન્સ પહેરવાની છે. જ્યારે તમે કૉન્ટૅક્ટ લેન્સ પહેરેલા હોય ત્યારે આખો દિવસ ચોમેર ઊડતી ધૂળ, રજકણ અને પૉલ્યુટન્ટ્સ આંખમાંના આ ફૉરેન પાર્ટિકલ પર એકત્ર થાય છે. જ્યારે તમે એ પહેરીને ઊંઘી જાઓ છો ત્યારે એ બધી ચીજોને ટૉક્સિક થવા માટે પૂરતો સમય આપો છો. બીજું, જ્યારે આઇબૉલ્સ લેન્સથી ઢંકાયેલા હોય ત્યારે એને પૂરતો ઑક્સિજન નથી મળતો. વળી, સૂઈ જાઓ ત્યારે તો પાંપણ પણ બંધ થઈ ગઈ હોવાથી આંખને જરાય ઑક્સિજન નથી મળતો. એનાથી આંખો ડ્રાય થાય છે, આંસુ પેદા કરતી પરત પાતળી થાય છે અને અંદર બેઠેલા બૅક્ટેરિયા જબરદસ્ત સ્પીડમાં મલ્ટિપ્લાય થાય છે. ડ્રાયનેસને કારણે આંખમાં છાલું પડી જાય અને એ પછી તો બૅક્ટેરિયા ધારે એટલી ખાનાખરાબી કરી શકે. જો દિવસે પણ તમે લાંબો સમય લેન્સ પહેરી રાખો તો એ પણ હાનિકારક બને જ છે.’

લેન્સ કરતાં સર્જરી બહેતર

કૉન્ટૅક્ટ લેન્સ પહેરવામાં બહુ કેર કરવી પડે છે. તમે આંખની અંદર બહારની ચીજ મૂકી રાખો છો એટલે એ સ્ટરાઇલ હોય એ જરૂરી છે.

ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘હું તો કહીશ કે કૉન્ટૅક્ટ લેન્સ એ લેસિક સર્જરી કરતાં વધુ જોખમી છે. જો તમને ચશ્માં પહેરવાનું ન ગમતું હોય તો લેસિક સર્જરી દ્વારા નંબર દૂર કરવા બહેતર વિકલ્પ છે. કૉન્ટૅક્ટ લેન્સમાં તમે રોજેરોજ આંખને બૅક્ટેરિયા અને અન્ય હાનિકારક ઇન્ફેક્શનના જોખમ તળે મૂકો છો.’

આ પણ વાંચો : કૉલમ : ઉનાળામાં બપોરે ઝપકી લઈ લેવી સારી

હાઇજીન માટે શું કરવું?

લેન્સ હાથમાં લો એ પહેલાં હાથ ધોઈને કોરા કરેલા હોવા જરૂરી છે.

લેન્સને સાફ કરવા માટે હથેળીમાં સૉલ્યુશન લઈને એમાં લેન્સ મૂકીને આંગળીથી રબ કરીને સાફ કરવા.

લેન્સ રાખવાનું કેસ દર ત્રણ-ચાર મહિને બદલી નાખવું.

બને ત્યાં સુધી ડેઇલી ડિસ્પોઝેબલ લેન્સ સેફ છે. એનાથી ઇન્ફેક્શન થવાના ચાન્સિસ ઘટે છે.

કૉન્ટૅક્ટ લેન્સ પહેરવા હોય તો ૬-૮ કલાકથી વધુ સળંગ પહેરી ન રાખવા.

લેન્સ સાફ કરવા માટે કદી લાળ કે નળના પાણીનો ઉપયોગ ન કરવો.

રોજ રાતે લેન્સ કાઢીને સૉલ્યુશનથી સાફ કરીને પછી જ ડબ્બીમાં મૂકવા.

દરેક વખતે નવું અને ફ્રેશ સૉલ્યુશન જ વાપરવું.

ગરમીની સીઝનમાં લેન્સ પહેર્યા હોય ત્યારે ખાસ સનગ્લાસિસ પહેરવાનું રાખવું. એનાથી ગરમી અને અલ્ટ્રાવાયલેટ કિરણોથી પણ આંખને પ્રોટેક્શન મળશે.

લેન્સ પહેરીને સ્વિમિંગ-પૂલમાં પડવું નહીં. પૂલમાં રહેલું ક્લોરિનેટેડ વૉટર નુકસાન કરી શકે છે.

રોજેરોજ લેન્સ પહેરવાની આદત રાખવાને બદલે અવારનવાર ચશ્માં પહેરવાથી આંખને ઓછો શ્રમ પડશે.

health tips columnists