હેલ્થ કો કર લો મુઠ્ઠી મેં

01 March, 2019 04:00 PM IST  |  | સેજલ પટેલ

હેલ્થ કો કર લો મુઠ્ઠી મેં

પ્રતીકાત્મક તસવીર

આએ દિન આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ કે રોગોની ભરમાર વધી રહી છે. બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, હાર્ટ-ડિસીઝ અને કૅન્સર જેવા રોગો તો એટલા ફૂલ્યાફાલ્યા છે કે ન પૂછો વાત. તમે કોઈ વ્યસન ન રાખો એમ છતાં કૅન્સર તમને ભરડામાં લઈ લે એવી સંભાવના વધી ગઈ છે. ૪૦-૪૨ વર્ષના યુવાનોને હાર્ટ-અટૅક આવી શકે છે. કદી સાંભળ્યા પણ ન હોય એવા-એવા રોગોનાં નામો સાંભળવા મળી રહ્યાં છે. સ્વાસ્થ્ય પર કેટકેટલાં જોખમો તોળાય છે. હવા પ્રદૂષિત છે, પાણી દૂષિત છે, દવાઓ મોંઘી છે, ફૂડ હવે પહેલાં જેવું ચોખ્ખું નથી રહ્યું. જીવનનો કોઈ ભરોસો નથી રહ્યો. આ બધામાં સ્વસ્થ ભારતની વ્યાખ્યાને કેવી રીતે મૂલવવી?

જો તમે પણ આ જ વિચારતા હો તો આ લેખ તમારા માટે જ છે. આપણે બધા જ જાણ્યે-અજાણ્યે મનમાં સ્વાસ્થ્યને લઈને નાહકનો ભય પેદા કરી રહ્યા છીએ. હા, આજે ભારત અને ભારતીયોને સ્વસ્થ બનાવવા હોય તો ઘણા પડકારો આપણી સામે છે, પણ સાથે-સાથે એ ન ભૂલવું જોઈએ કે આપણે હેલ્થકૅર સેક્ટરમાં જે હરળફાળ ભરી છે એ એક ક્રાન્તિથી કમ નથી. અનેક અવરોધોને પાર કરીને આજે આપણે સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ, સપોર્ટ-સિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રતિભા અને નિષ્ણાતોની અવેલેબિલિટીના મામલે પચાસ વર્ષ પહેલાંની સરખામણીએ લગભગ સોગણા આગળ નીકળી ચૂક્યા છીએ. આજે ખરા અર્થમાં સુવર્ણકાળ શરૂ થયો છે એમ કહીએ તો ચાલે.

હેલ્થકૅર સેન્ટરમાં આપણે ત્યાં કેટલું બધું કામ થઈ ચૂક્યું છે એનો અંદાજ આપતાં આયુષ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘પહેલાંના લોકો બહુ સ્વસ્થ હતા અને હવે લોકો બહુ માંદા પડી રહ્યા છે એવું માનવું એ ભ્રમણા છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયો એ વખતે ભારતમાં સરેરાશ માણસની આવરદા ૪૨ વર્ષ હતી. ૨૦૧૮માં ભારતમાં આવરદાની સરેરાશ ૬૯.૦૯ વર્ષ છે. ૧૯૪૭માં બાળમૃત્યુનો દર ૧૦૦૦માં ૩૫૦નો હતો. ૨૦૧૮માં એ ૧૦૦૦માં ૩૨નો છે. લોકો લાંબું જીવે છે અને બાળકોનાં અકાળ મૃત્યુ કન્ટ્રોલમાં આવ્યાં છે એ બે બાબતો હેલ્થકૅર ક્ષેત્રનો સફળ વિકાસ સૂચવે છે. ૧૯૪૭ના વર્ષ પહેલાં શીતળાને કારણે વર્ષે ૭,૫૦,૦૦૦ લોકો મરતા હતા. આજે ભારતમાંથી એ રોગ નાબૂદ થઈ ચૂક્યો છે. પોલિયોની વાત કરીએ તો ૨૦૧૦માં આપણે પોલિયોમુક્ત થયેલા. ત્યાર બાદ છેલ્લાં પાંચ વર્ષમાં એક જ કેસ નોંધાયો છે. આ બધું કહેવાનો મતલબ એ છે કે હજારો વર્ષોથી જે રોગોને કારણે માણસ મૃત્યુનો ભોગ બનતો આવ્યો હતો એમાંથી ઘણાખરા રોગો કાં તો નાબૂદ થઈ ચૂક્યા છે કાં એની અસરકારક સારવાર ઉપલબ્ધ છે.’

અત્યારે કોઈને એમ લાગી શકે કે કેટલાબધા રોગો અને રોગીઓની સંખ્યા વધી ગઈ છે, પણ શું એ જ સંપૂર્ણ હકીકત છે? જરાક જુદી રીતે વિચારીએ તો એવા કેટલાય રોગો છે જેમને આપણે નિવારી શકીએ એમ છીએ. જે રોગો એક સમયે ઑલમોસ્ટ ડેથ-સેન્ટેન્સ સમાન ગણાતા હતા એ આજે ક્યૉરેબલ અને પ્રિવેન્ટેબલ બની ગયા છે. એક સમયે રાજરોગ ગણાતો ટીબી, ન્યુમોનિયા, ડિફ્થેરિયા, હૅપેટાઇટિસ, ગાલપચોળિયાં, ઓરી જેવા રોગોનું હવે વૅક્સિનેશન દ્વારા નિવારણ થઈ શકે છે. અત્યારે ડાયાબિટીઝ અને હાર્ટ-ડિસીઝના દરદીઓની સંખ્યામાં ભારત વિશ્વમાં મોખરે હોવાનું કલંક ધરાવે છે. તો શું ભારતીયોની હેલ્થ સાવ ખાડે ગઈ છે? ના, તમે આખી પરિસ્થિતિને કઈ વિન્ડોમાંથી ઊભા રહીને જુઓ છો એ પણ અગત્યનું છે એમ જણાવતાં ડૉ. સંજય છાજેડ ઉમેરે છે, ‘ભારતની હાલની વસ્તીના પ્રમાણમાં આપણે આંકડાઓની મુલવણી કરવી જોઈએ. હવા-પાણીનું પ્રદૂષણ અને જીવનશૈલીને લગતાં જે પરિબળો વિશ્વભરના લોકોને કનડે છે એ જ આપણને કનડે છે, પરંતુ ભારતમાં વસ્તી જોતાં એનું સ્વરૂપ બહુ મોટું થઈને બહાર આવે છે. આ રોગોને ડામવા માટે આપણે વધુ કમર કસવી પડે એમ છે અને એ દિશામાં ઘણું કામ થઈ રહ્યું છે. ૧૯૪૭માં ભારતમાં કુલ ૨૫,૦૦૦ બેડ્સ ધરાવતી હૉસ્પિટલો હતી. આજે સરકારી હૉસ્પિટલોમાં લગભગ ૧૩ લાખથી વધુ બેડ્સની કૅપેસિટી છે. એક સમયે મુંબઈમાં સારી અને એ વખતે અદ્યતન કહેવાય એવી બૉમ્બે હૉસ્પિટલ જેવી એકલદોકલ હૉસ્પિટલ હતી, જ્યારે હવે મુંબઈમાં પંદરથી વીસ કિલોમીટરના એરિયામાં સારી કહેવાય એવી મોટી હૉસ્પિટલ મળી જશે. વર્ષો સુધી કૅન્સર માટેની માત્ર એક જ સુવિધા તાતા કૅન્સર હૉસ્પિટલની હતી. હવે માત્ર કૅન્સરની જ સારવાર કરતી કુલ પાંચ હૉસ્પિટલો મુંબઈમાં છે.’

રોગોનું નિદાન સરળ

રોગો વધ્યા છે એમ કહેવાને બદલે રોગોની પરખ અને નિદાન સરળ બન્યાં છે એમ કહેવું જોઈએ. મેડિકલ સાયન્સ એટલું વિસ્તર્યું છે કે હવે કયો રોગ કેમ થાય છે અને એનું મૂળ શું છે એ સમજી શકાય છે. આપણે માનીએ છીએ કે ઑલ્ઝાઇમર્સ, ડિમેન્શિયા અને પાર્કિન્સન્સ ડિસીઝ જેવા ન્યુરોડીજનરેટિવ ડિસીઝ હવે બહુ વધી ગયા છે; પણ એવું નથી. પહેલાં આવા રોગોને વર્ગીકૃત કરવાની સાયન્ટિફિક સિસ્ટમ નહોતી. પાછલી વયે સ્મૃતિભંશ થાય એ સામાન્ય છે એમ માનીને અથવા તો મગજ થોડુંક ચસકી ગયું છે એમ માનીને આ લક્ષણોને માનસિક રોગમાં ખપાવી દેવામાં આવતાં. એને બદલે હવે લક્ષણો અને પરીક્ષણો પરથી રોગનિદાનની સાયન્ટિફિક પ્રક્રિયા વિકસી છે. ભલે એનો સંપૂર્ણ ક્યૉર નથી શોધાયો, પરંતુ જો પ્રાથમિક તબક્કામાં એનું નિદાન થાય તો આ રોગોને તમે દાયકાઓ સુધી કન્ટ્રોલમાં રાખીને નૉર્મલ જિંદગી જીવી શકો એટલું વિજ્ઞાન વિસ્તર્યું છે. સ્વાસ્થ્યલક્ષી સેવાઓ લોકો સુધી પહોંચી રહી છે જેને કારણે તેમને રોગનું નિદાન અને સારવાર બન્નેમાં સરળતા પડે છે એમ જણાવતાં મુંબઈની વૉકહાર્ટ હૉસ્પિટલના અસોસિએટ વાઇસ-પ્રેસિડન્ટ ડૉ. પરાગ રિંદાણી કહે છે, ‘હવે મેડિકલ સાયન્સ રોગોના મૂળ સુધી પહોંચી શક્યું છે. રોગો વધુ થાય છે એના કરતાં એમ કહેવું યોગ્ય ગણાશે કે રોગોના નિદાનમાં હવે સચોટતા આવી રહી છે. પહેલાંના સમયમાં રોગનું નિદાન જ બહુ અઘરું હતું. મેડિકલ ટેક્નૉલૉજી પણ એટલી વિકસી નહોતી અને જે વિકસી હતી એ માત્ર મેટ્રો સિટીઝ સુધી જ સીમિત હતી. ગામડાંઓની તો વાત જ જવા દો, ટૂ-ટિયર શહેરોમાં પણ એ અવેલેબ નહોતી. લોકોને મુંબઈ, દિલ્હી જેવાં મેટ્રો શહેરોમાં જ આવવું પડતું જે આર્થિક રીતે પોસાય એવું નહોતું. એને કારણે રોગોનું નિદાન જ મુશ્કેલ બનતું. નિદાનની સાથે એની સારવાર પણ મેટ્રો શહેરો સુધી જ સીમિત હતી. આજે તમે જોશો તો પૅથોલૉજી લૅબ અને અત્યાધુનિક સાધનો ધરાવતાં સ્ક્રીનિંગ સેન્ટર્સની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે. કૉમ્પ્લેક્સ કહેવાય એવી બાયપાસ સર્જરી કરાવવા માટેના નિષ્ણાતો અને હૉસ્પિટલો તમને અમદાવાદ અને વડોદરા જેવાં ટૂ-ટિયર શહેરોમાં મળી શકે છે અને ની-રિપ્લેસમેન્ટ જેવી સર્જરીઓ વાપી, વલસાડ, ભુજ જેવાં થ્રી-ટિયર શહેરોમાં પણ કૉમન થઈ ગઈ છે. આનો મતલબ એ નીકળે કે આપણે માંદા પડીએ તો આપણને નજીકમાં નજીક લેટેસ્ટ સારવાર ઉપલબ્ધ છે. આનાથી મોટો સધિયારો બીજો શું હોઈ શકે?’

સંશોધનોમાં પણ ભારતનો દબદબો

છાશવારે જોવા-સાંભળવા મળતાં પશ્ચિમી દેશો દ્વારા થયેલાં સંશોધનોમાં પણ હવે પૌરાણિક અને ભારતીય ચિકિત્સાપદ્ધતિઓ પરનો ભરોસો વધી રહ્યો છે. વૈશ્વિક ક્ષેત્રે થતાં આ સંશોધનોમાં પણ ભારતનો સિંહફાળો છે એમ જણાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘ભારત સરકારે આખેઆખું આયુષ ડિપાર્ટમેન્ટ શરૂ કરીને જૂના સોનાને ફરીથી ચળકતું કર્યું છે. આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી જેવી વૈકલ્પિક સારવારોમાં સંશોધનો માટે મદદ મળી રહી છે એને કારણે અનુભવસિદ્ધ પથીઓને પુરાવાઓ સાથે અસરકારકતા પુરવાર કરવાનો મોકો મળ્યો છે. સંશોધનો માટે પહેલાં કરતાં પાંચગણું બજેટ ફાળવવામાં આવ્યું છે અને આયુર્વેદની અનેક દવાઓ માત્ર રિસર્ચના ચોપડાઓમાં પડી હતી એ માર્કેટમાં આવી છે. આયુષ ડિપાર્ટમેન્ટની કામગીરીને કારણે જ આજે આયુર્વેદમાં પણ સ્ટાન્ડર્ડાઇઝ્ડ સારવારની શરૂઆત થઈ શકી છે. એનો ફાયદો એ થયો કે હવે ઇન્શ્યૉરન્સમાં પણ આયુર્વેદિક સારવારનો સમાવેશ થઈ શકે છે.’

વિદેશી સંશોધનોમાં પણ હવે તો પ્રાચીન આયુર્વેદિક ઔષધો, યોગ, ધ્યાન જેવી બાબતો પર ઊંડું અધ્યયન થાય છે અને ભારતની જૂની પરંપરાઓનો વિજ્ઞાન દ્વારા સ્વીકાર થઈ રહ્યો છે. આ પણ ભારતીય સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે બહુ આશાસ્પદ બાબત છે.

પોતાની હેલ્થ પોતાના હાથમાં

સ્વાસ્થ્યની બાબતમાં છેલ્લા દોઢ-બે દાયકામાં બહુ જ દુર્લક્ષ સેવાયું છે. સ્ટ્રેસ, બેઠાડુ જીવનશૈલી, પ્રોફેશનલ હાડમારીઓ, સોશ્યલ પ્રેશર એ બધાને કારણે લોકો પોતાના જ સ્વાસ્થ્ય બાબતે બેકાળજી દાખવવા લાગ્યા હતા એ સિનારિયો પણ હવે બદલાઈ રહ્યો છે. લોકોને હવે પોતાના સ્વાસ્થ્યની ચિંતા છે અને એ બાબતે તેઓ સજાગ બન્યા છે એ વિશે ડૉ. પરાગ રિંદાણી કહે છે, ‘પહેલાં લોકો ડૉક્ટરને ભગવાન માનતા. ડૉક્ટર કહે કે તમને ફલાણો રોગ થયો છે તો એ માની લેવાનું. ડૉક્ટર કહે કે આટલી દવા લેવી પડશે તો લઈ લેવાની. ડૉક્ટર કહે કે સર્જરી કરવી પડશે તો કરી નાખવાની. જોકે હવે પૉઝિટિવ બદલાવ એ આવ્યો છે કે લોકો પોતાને શું થયું છે, કેમ થયું છે એ બધું સમજવામાં રસ દાખવે છે. ડૉક્ટરે સૂચવેલા નિદાન અને સારવારને પણ તર્ક અને સેકન્ડ ઓપિનિયન દ્વારા ચકાસે છે. ડૉક્ટરી ભણનારા જ નહીં, આમ લોકો પણ હવે હેલ્થ વિશે જાણવા અને જ્ઞાન મેળવવાની ઇચ્છા રાખે છે. મીડિયા, સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટ પર અવેલેબલ અખૂટ ખજાનાએ સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ લાવવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. એટલે જ લોકો હવે બીજા પર નિર્ભર રહેવાને બદલે પોતાનું સ્વાસ્થ્ય પોતાના હાથમાં લેવા માગે છે. જોકે અહીં પડકાર એ છે કે સોશ્યલ મીડિયાના માધ્યમથી સાચી-ખોટી માહિતીઓ લોકોના મનમાં ખડકાય છે એ કોઈક રીતે ગળાય. મને આશા છે કે એક સમય એવો આવશે કે લોકો અહીં-તહીંનું સાંભળીને નહીં, પણ ખરેખર સાચું શું છે એ સમજવા મથે.’

લોકો નાની-નાની બાબતોમાં પોતે પોતાના ડૉક્ટર બની રહ્યા છે એમ જણાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘લોકો હેલ્થ બાબતે એટલો રસ કેળવીને સમજતા થયા છે કે તેમને કેવી હેલ્થ-ક્રાઇસિસમાં શું કરવું એની પણ સમજણ પડવા લાગી છે. ધારો કે કોઈકને હાર્ટ-અટૅકનાં લક્ષણો જણાય તો શું કરવું એની ઘણાને ખબર પડે છે. કોઈને વાઈનો હુમલો આવે તો હવે લોકો જોડાં લઈને સૂંઘાડવા નથી દોડતા. ઍસિડ-અટૅક વખતે લોકોને ખબર પડે છે કે ખૂબબધું પાણી રેડ્યા કરશો તો ઍસિડથી ત્વચા અને અંદરના ટિશ્યુઝને વધુ નુકસાન થતું રોકી શકાશે. કોઈ પણ ઇમર્જન્સીમાં શું કરવું એનું જ્ઞાન અને ખૂબ નજીકમાં જ હૉસ્પિટલોની અવેલેબિલિટીને કારણે સ્ટ્રોક, અટૅક અને ઍક્સિડન્ટ જેવી ઇમર્જન્સીમાં દરદીને ખૂબ જ મદદ થાય છે.’

કુદરતી સ્વાસ્થ્યની મહેચ્છા

સ્વાસ્થ્યલક્ષી માહિતીનો પ્રચાર-પ્રસાર થવા લાગ્યો છે એમ-એમ લોકોમાં રોગ થયા પછી જાગવા કરતાં એનું પ્રિવેન્શન કઈ રીતે થાય એ માટેની જાગૃતિ આવી છે, રોગ ન થાય એ માટે શું કરવું એની પૂછપરછ વધી છે. અલબત્ત, શિસ્તના અભાવે પોતાનું જ્ઞાન અમલમાં મૂકવાનું અઘરું જરૂર લાગે છે, પરંતુ આ જ્ઞાનનો ફાયદો એ થયો છે કે લોકોને હવે કુદરતી રીતે સ્વાસ્થ્યની જાળવણીમાં રસ છે. ઍલોપથી દવાઓના ફાકડા મારવાને બદલે લોકો અન્ય વિકલ્પો શોધતા થયા છે. ઍલોપથી અને આયુર્વેદ બન્ને પથીઓને એકબીજાની નબળાઈઓ અને અસરકારકતા સમજાવા લાગી છે. કેટલાય ઍલોપથી ડૉક્ટરો ચોક્કસ રોગ કે સમસ્યા માટે આયુર્વેદિક અને હોમિયોપથીની દવાઓ પ્રિસ્ક્રાઇબ કરતા ખચકાતા નથી. આયુર્વેદ, યુનાની, નેચરોપથીના નિષ્ણાતો પણ જરૂર પડ્યે ઍલોપથીની દવાઓ કે સર્જરીની જરૂર હોય ત્યાં એ રેકમેન્ડ કરવામાં નાનમ નથી અનુભવતા.

ફિટ હૈ તો હિટ હૈ

ડાયટ અને એક્સરસાઇઝ સ્વસ્થતા માટે બહુ જ મહત્વનાં છે એ વાત હવે લોકોને સમજાઈ રહી છે. માત્ર ફિગર સારું રાખવા માટે નહીં, હેલ્ધી રહેવા માટે લોકો શું ખાવું અને કેવી એક્સરસાઇઝ કરવી એની વાતો કરતા થઈ ગયા છે. રણબીર કપૂર અને તેના જેવી સેલિબ્રિટીઝની ફિટનેસનું ધ્યાન રાખતા એક્સપર્ટ પ્રદીપ ભાટિયા કહે છે, ‘છેલ્લાં થોડાં વષોર્માં એક બહુ મોટો ચેન્જ જોવા મળ્યો છે. પહેલાં લોકોને માત્ર ફિગર સારું રહે એની ચિંતા હતી, પણ હવે લોકો રિયલ ફિટનેસ બાબતે સભાન થયા છે. મેં વીસ વર્ષ પહેલાં જિમ ખોલેલું ત્યારે મારા જ પરિવારજનો મને હસવામાં લેતા. તેમને લાગતું કે હું ટાઇમપાસ કરું છું. આજે જિમ વર્કઆઉટ હોય કે જૉગિંગ, દરેક લોકો કોઈક ને કોઈક પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ એવું સમજતા થઈ ગયા છે. મને તો એવા લોકો પણ જોવા મળે છે જેમની લાઇફમાં ફિટનેસ એ જ સર્વસ્વ છે. બોર ન થવાય એ માટે લોકો સાઇક્લિંગ, સ્વિમિંગ અને સ્પોર્ટ્સમાં જોડાવા લાગ્યા છે. ફન વિથ ફિટનેસ મેળવવા માટે લોકો ઝુમ્બા, ઝુમ્બિની, માર્શલ આર્ટ્સ, ક્રૉસ ટ્રેઇનિંગ, પિલાટેઝ અને બે અલગ-અલગ ફિટનેસ-ફૉમ્ર્સનું કૉમ્બિનેશન કરીને એક્સરસાઇઝ કરતા થયા છે. ક્યારેક હું ફૅમિલી કે સોશ્યલ પાર્ટીમાં જાઉં તોય લોકો હવે ડાયટ અને એક્સરસાઇઝની વાતો કરતા હોય છે. શું ખાવું અને શું નહીં એ બાબતે જબરદસ્ત સભાનતા આવી છે. ચોતરફ જીભને ચટાકો કરાવે એવું જન્ક, ફાસ્ટ, ઇન્સ્ટન્ટ ફૂડ બહુ સસ્તું થઈ ગયું છે; પણ હવે લોકોની નજર હેલ્ધી અને નૅચરલ ફૂડ શોધતી થઈ છે. લોકોની વાતોમાં ફિટનેસ સેન્ટર પૉઇન્ટ બનવા લાગ્યું છે. મને આશા છે કે લોકો પોતાની વાતો અને માન્યતાઓને જીવનમાં વણી લેતા થાય. ફિટનેસ પરથી ફોકસ હટાવે એવાં લલચામણાં પ્રલોભનો હજીયે અનેક લોકોને નડતાં હશે, પણ જે રીતે લોકોમાં ફિટ થવાની અને ફિટ રહેવાની ઝંખના જાગી છે એ જોતાં મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં લોકો સેલ્ફ-મોટિવેશનથી ફિટનેસને જીવનમંત્ર તરીકે અપનાવશે.’

ફિટ રહેવું એ બીજા કોઈ પર નહીં, માત્ર પોતાના પર જ નર્ભિર છે એ બ્રહ્મજ્ઞાનને કારણે હવે લોકો જાતે જ સ્વસ્થ રહેવા માટે જાતજાતની ફિઝિકલ ઍક્ટિવિટીઝ કરવા લાગ્યા છે. રનિંગ અને સાઇક્લિંગ એ બેનો પ્રચાર ખૂબ થયો છે. મૅરથૉન, સાઇક્લેથૉન કે ટ્રાયલેથૉન જેવી કમ્યુનિટી ઍક્ટિવિટીમાં ભાગ લેનારા લોકોની સંખ્યા અધધધ કહેવાય એવી વધી છે. માત્ર શહેરોમાં થતી વાર્ષિક મૅરથૉન જ નહીં; નાના-નાના સમાજો, ક્લબો અને કંપનીઓ દ્વારા પણ મૅરથૉન યોજાય છે અને એમાં હજારોની સંખ્યામાં ભાગ લેનારા લોકોનો ઉત્સાહ બતાવે છે કે હવે ફિટ રહેવાની ખેવના કેટલી વધી રહી છે.

કોઈ પણ એજમાં લોકો પોતપોતાનો ફિટનેસ-મંત્ર શોધી કાઢે છે અમે જણાવતાં પ્રદીપ ભાટિયા કહે છે, ‘બાર વર્ષનાં બાળકોથી માંડીને ૮૦ વર્ષનાં સ્ત્રી-પુરુષોમાં મને ફિટ રહેવાની ચાહ જોવા મળે છે. આપણી નેક્સ્ટ જનરેશન તો બાળપણથી જ ફિટનેસ અને સ્પોર્ટ્સ બાબતે કન્સર્ન ધરાવે છે. અરે, મારાં દાદીની વાત કરું. તેઓ ૮૫ વર્ષનાં છે, પણ ફિઝિકલી જબરદસ્ત ઍક્ટિવ છે. પોતાની બૉડીને જરૂરી કસરત મળે એ માટે તેઓ નાનીમોટી પ્રવૃત્તિઓમાં સતત રચ્યાંપચ્યાં હોય. તેમને બીજી કોઈ બીમારી નથી, પરંતુ બૉડીને જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ મળે એ માટે જરૂરી સપ્લિમેન્ટ્સ અચૂક લે છે.’

યોગ એ જ પર્યાય

આમ તો બાબા રામદેવે હજારો વર્ષ જૂની યોગ-પરંપરાને ઘર-ઘરમાં ફેમસ કરી દીધી હતી. બાબાને કારણે સવારે ઊઠીને ભારતીયો ટેલિવિઝનની સામે બેસીને યોગાસન કરવા લાગ્યા હતા. જોકે યોગને વધુ સાયન્ટિફિકલી અને ગંભીરતાપૂર્વક અપનાવવાની શરૂઆત થઈ ૨૦૧૫માં ઇન્ટરનૅશનલ યોગ દિવસની ઉજવણી પછીથી. માત્ર દેશમાં જ નહીં, વિદેશોમાં પણ લોકો યોગ તરફ વળવા લાગ્યા. યોગથી થતા ફાયદાઓને કારણે લોકોમાં મશીનની સહાય વિના થતી કસરતો પ્રત્યે જાગૃતિ આવી છે. હોલિસ્ટિક યોગગુરુ મિકી મહેતા પોતાના અનુભવ પરથી કહે છે, ‘હવે લોકો એક્સરસાઇઝ કરતી વખતે પણ એન્વાયર્નમેન્ટનું ધ્યાન રાખવા લાગ્યા છે. જિમમાં તમે હાઈફાઈ મશીનોના સપોર્ટથી કસરત કરશો તો એ પણ પર્યાવરણ માટે નુકસાનકારક છે. મશીનો ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીની વાત હોય કે મશીનો બનાવવા માટે વપરાતાં કુદરતી સંસાધનો, એ એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડ્લી તો નથી જ. હવે લોકો એક્સરસાઇઝમાં પણ ગો-ગ્રીનનો કન્સેપ્ટ વાપરે છે. અમે પણ યોગ વિથ પોએટ્રીનો કન્સેપ્ટ ડેવલપ કર્યો છે. યોગના જૂના સિદ્ધાંતોને બરકરાર રાખીને એને નવા ફૉર્મમાં રજૂ કરવાથી યોગ વધુ લોકભોગ્ય અને ઇન્ટરેસ્ટિંગ બન્યો છે. યોગ બોરિંગ ચીજ નથી રહી. યોગથી એ બધું જ મેળવી શકાય છે જે જિમ વર્કઆઉટથી થાય છે. અમે યો-વર્કઆઉટની શરૂઆત કરી છે જેમાં યોગ અને વર્કઆઉટનું સંયોજન કરવામાં આવે છે. ફ્લો-યો, સ્ટ્રેન્ગ્થ-યો, કાર્ડિયો-યો, ઍબ્સ-યો, ક્રૉસ-યો, કૂલ-યો એમ નવી બૉટલમાં જૂનો યોગ પીરસવાથી યંગસ્ટર્સને એ આકર્ષે છે. વિવિધ કૉમ્બિનેશનને કારણે સતત નાવીન્ય ઉમેરાતું રહે છે અને મૉનોટોની ક્રીએટ નથી થતી. સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ વયના લોકો આ તમામ કૉમ્બિનેશન કરી શકે છે. ઇન્ટરનૅશનલ યોગ ડેને કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં નવા લોકો યોગમાં ઇનિશિયેટ થાય છે અને એમાંથી હજારો લોકો એને જીવનશૈલી તરીકે અપનાવવાની કોશિશ કરે છે.’

યોગનો ફેલાવો જેમ વધતો જાય છે એમ મોટો પડકર એ પણ છે કે યોગના મૂળભૂત સિદ્ધાંતોને જાળવી રાખવામાં આવે. લોકોને આકર્ષવા માટે યોગના નામે બ્લાઇન્ડ યોગ, નેકેડ યોગ, બિઅર યોગ, પેટ યોગ એમ હવે જાતજાતના પ્રકારો ફૂટી નીકળ્યા છે જે યોગના હાર્દને કચડી નાખનારા છે. યોગને ઓરિજિનલ ફૉર્મમાં જાળવી રાખવા માટે કેવી આશા છે એ વિશે વાત કરતાં યોગગુરુ મિકી મહેતા કહે છે, ‘જેમ ફૅશન ખાતર જાતજાતના યોગ ક્લાસમાં જોડાનારા લોકો વધ્યા છે એમ યોગના મૂળભૂત સિદ્ધાંતોને સમજનારા લોકોનું પ્રમાણ પણ હવે વધ્યું છે. કન્ઝર્વ બ્રેધ અને પ્રિઝર્વ બૉડી એ સિદ્ધાંતની અન્ડરસ્ટૅન્ડિંગ હજી વધુ ફેલાવી જોઈએ. આપણી પાસે ગણતરીના શ્વાસ છે અને એ શ્વાસનું તમે કઈ રીતે નિયમન કરો છો એ યોગમાં બહુ જ મહત્વનું છે. આશાસ્પદ વાત એ છે કે યોગના ગોલ્ડન રૂલ્સ જે એક સમયે ભુલાઈ ગયા હતા એ હવે પાછા પગરણ કરી રહ્યા છે. મને આશા છે કે આપણે એક્સરસાઇઝ પણ માણસની જેમ કરતા થઈશું. અત્યારે લોકો કાં તો કંઈ જ નથી કરતા કાં શરીરને કસવા માટે જાનવરની જેમ કલાકો સુધી જાતજાતના વર્કઆઉટમાં લાગેલા રહે છે. આ બન્ને અંતિમો ઠીક નથી. માણસનો વર્કઆઉટ ક્રીએટિવ હોવો જોઈએ. જે માણસના મનને શાંતિ અને સુખ આપે એ ખરો વ્યાયામ કહેવાય. શરીરને ઉત્તેજિત કરે એવો નહીં, શરીર-મનને કૂલડાઉન કરે એવી કસરત હોવી જોઈએ. આશા રાખીએ કે લોકો કસરત પણ ક્રીએટિવિટી સાથે કરે જે તેમને વધુ સારા માણસ તરીકે ઇવૉલ્વ કરે.’

માનસિક સ્વાસ્થ્યની મહત્તા

છેલ્લા દોઢ દાયકામાં આપણું માનસિક રોગો પ્રત્યેનું વલણ ધરમૂળથી બદલાયું છે. દીપિકા પાદુકોણ જાહેરમાં કહી શકે છે કે તે ડિપ્રેશનનો ભોગ બનેલી. પહેલાંના જમાનામાં માનસિક અસ્વસ્થતાઓને અછૂત ગણવામાં આવતી. આવી બાબતો છૂપી રાખવી પડે, નહીંતર ગાંડામાં ખપાય એ વિચારસરણી ઘણા અંશે બદલાઈ છે એમ જણાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘મેન્ટલ હેલ્થની બાબતમાં લોકોની વિચારસરણીમાં ધરખમ સુધારો થયો છે. માનસિક અસ્વસ્થતાનો સ્વીકાર કરવાની શરૂઆત થઈ ગઈ છે. સોશ્યલ ટૅબૂ હજીયે છે; પણ એ માટે સ્કૂલ, કૉલેજ, કૉર્પોરેટ, સામાજિક સંસ્થાઓ એમ દરેક ક્ષેત્રે ખૂબ જાગૃતિ-કાર્યક્રમો થવા લાગ્યા છે. હવે ૧૫-૧૭ વર્ષના ટીનેજર એકલા પોતાની સમસ્યા લઈને સાઇક્રિયાટ્રિસ્ટને મળે છે. આ એક જબરદસ્ત બદલાવ છે. મેન્ટલ હેલ્થના ક્ષેત્રે પણ ખૂબ સંશોધનો અને ટેક્નૉલૉજીના આવિષ્કાર થયા છે એને કારણે પેશન્ટને વધુ સચોટ અને ઇફેક્ટિવ સારવાર મળે છે. અહીં પડકાર એ છે કે મનોવિજ્ઞાન ક્ષેત્રે હજીયે પૂરતા પ્રમાણમાં નિષ્ણાતો નથી. શારીરિક સ્વાસ્થ્ય માટે મોટી હૉસ્પિટલોમાં જે વિભાગો અને સુવિધા હોય છે એટલું મહત્વ મેન્ટલ હેલ્થને નથી મળતું. આજે તમે જોશો તો ૮૦થી ૮૫ ટકા સાઇકિયાટ્રિસ્ટોની પ્રાઇવેટ પ્રૅક્ટિસ જ હશે. આ ક્ષેત્રમાં ઑર્ગેનાઇઝ્ડ રીતે કંઈક કરવામાં આવે એ જરૂરી છે.’

૧૯૪૭માં દેશ આઝાદ થયો એ વખતે ભારતમાં સરેરાશ માણસની આવરદા ૪૨ વર્ષ હતી. ૨૦૧૮માં ભારતમાં આવરદાની સરેરાશ ૬૯.૦૯ વર્ષ છે. ૧૯૪૭માં બાળમૃત્યુનો દર ૧૦૦૦માં ૩૫૦નો હતો. ૨૦૧૮માં એ ૧૦૦૦માં ૩૨નો છે. લોકો લાંબું જીવે છે અને બાળકોનાં અકાળ મૃત્યુ કન્ટ્રોલમાં આવ્યાં છે એ બે બાબતો હેલ્થકૅર ક્ષેત્રનો સફળ વિકાસ સૂચવે છે. - ડૉ. સંજય છાજેડ,આયુર્વેદાચાર્ય

મને આશા છે કે આપણે એક્સરસાઇઝ પણ માણસની જેમ કરતા થઈશું. અત્યારે લોકો કાં તો કંઈ જ નથી કરતા કાં શરીરને કસવા માટે જાનવરની જેમ કલાકો સુધી જાતજાતના વર્કઆઉટમાં લાગેલા રહે છે. આ બન્ને અંતિમો ઠીક નથી. માણસનો વર્કઆઉટ ક્રીએટિવ હોવો જોઈએ. જે માણસના મનને શાંતિ અને સુખ આપે એ ખરો વ્યાયામ કહેવાય - મિકી મહેતા, યોગગુરુ

કૉમ્પ્લેક્સ કહેવાય એવી બાયપાસ સર્જરી કરાવવા માટેના નિષ્ણાતો અને હૉસ્પિટલો તમને અમદાવાદ અને વડોદરા જેવાં ટૂ-ટિયર શહેરોમાં મળી શકે છે અને ની-રિપ્લેસમેન્ટ જેવી સર્જરીઓ વાપી, વલસાડ, ભુજ જેવાં થ્રી-ટિયર શહેરોમાં પણ કૉમન થઈ ગઈ છે. આનો મતલબ એ નીકળે કે આપણે માંદા પડીએ તો આપણને નજીકમાં નજીક લેટેસ્ટ સારવાર ઉપલબ્ધ છે. આનાથી મોટો સધિયારો બીજો શું હોઈ શકે? - ડૉ. પરાગ રિંદાણી, વૉકહાર્ટ હૉસ્પિટલના અસોસિએટ વાઇસ-પ્રેસિડન્ટ

બાર વર્ષનાં બાળકોથી માંડીને ૮૦ વર્ષનાં સ્ત્રી-પુરુષોમાં મને ફિટ રહેવાની ચાહ જોવા મળે છે. આપણી નેક્સ્ટ જનરેશન તો બાળપણથી જ ફિટનેસ અને સ્પોર્ટ્સ બાબતે કન્સર્ન ધરાવે છે. અરે, મારાં દાદીની વાત કરું. તેઓ ૮૫ વર્ષનાં છે, પણ ફિઝિકલી જબરદસ્ત ઍક્ટિવ છે. - પ્રદીપ ભાટિયા, સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ

આ પણ વાંચો : નૅચરલી પ્રોબાયોટિક્સ મળી રહે એવી ઍન્ટિ-ડિપ્રેશન-ડાયટ

મેન્ટલ હેલ્થના ક્ષેત્રે પણ ખૂબ સંશોધનો અને ટેક્નૉલૉજીના આવિષ્કાર થયાં છે એને કારણે પેશન્ટને વધુ સચોટ અને ઇફેક્ટિવ સારવાર મળે છે. અહીં પડકાર એ છે કે મનોવિજ્ઞાન ક્ષેત્રે હજીયે પૂરતા પ્રમાણમાં નિષ્ણાતો નથી. શારીરિક સ્વાસ્થ્ય માટે મોટી હૉસ્પિટલોમાં જે વિભાગો અને સુવિધા હોય છે એટલું મહત્વ મેન્ટલ હેલ્થને નથી મળતું - ડૉ. હરીશ શેટ્ટી, સાઇકિયાટ્રિસ્ટ

columnists