આંતરડાંમાં તકલીફ હોય તોય ડિપ્રેશન આવે છે ખબર છેને?

18 February, 2019 10:28 AM IST  |  | સેજલ પટેલ

આંતરડાંમાં તકલીફ હોય તોય ડિપ્રેશન આવે છે ખબર છેને?

પ્રતીકાત્મક તસવીર

કંઈક આઘાતજનક સમાચાર મળે તો તરત જ પેટમાં ફાળ પડી હોય એવી ફીલિંગ આવે છે. ખૂબ ઍન્ગ્ઝાયટી અને ચિંતા હોય ત્યારે વારંવાર ટૉઇલેટની વિઝિટ વધી જાય છે. સ્ટ્રેસ અને હતાશાનો હુમલો થયો હોય ત્યારે પેટમાં વિચિત્ર ગડગડાટી બોલવા લાગે છે. મતલબ કે તમે કંઈ પણ ફીલ કરો છો એની સીધી કે આડકતરી અસર પેટમાં થાય છે. આયુર્વેદમાં સ્વસ્થ પાચનક્રિયાને શરીર-મનની સ્વસ્થતા માટેનું પ્રથમ પગથિયું ગણી છે. આ વાત મૉડર્ન સાયન્સે પણ પુરાવાઓ સાથે સ્વીકારી છે ને પેટ અને મગજ વચ્ચે શું અને કેવો સંબંધ છે એ સમજવાની ભરપૂર કોશિશો થઈ રહી છે. બેલ્જિયમની એક યુનિવર્સિટીના અભ્યાસ મુજબ ડિપ્રેશનના દરદીઓમાં કૉપોર્કોકસ અને ડાઇલિસ્ટર પ્રકારના બૅક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય છે. આવા બૅક્ટેરિયા પૂરતી માત્રામાં ન હોય એવા દરદીઓનું ડિપ્રેશન ક્યૉર કરવાનું બહુ અઘરું થઈ જાય છે. તેમને ઊંચી માત્રામાં અપાયેલી ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ પણ કારગર નથી નીવડતી. આ અભ્યાસકર્તાઓએ ૧૦૫૪ લોકોના પેટમાંના બૅક્ટેરિયા અને મેન્ટલ હેલ્થની તપાસ કરીને નોંધ્યું હતું કે સારા બૅક્ટેરિયાની ઊણપ ધરાવતા લોકોમાં ડિપ્રેશન હોવાની સંભાવના ઘણી વધારે રહે છે. અન્ય એક અભ્યાસમાં નોંધાયું છે કે જેમનાં આંતરડાંમાં હેલ્ધી અને શરીર માટે સારું કામ કરતા બૅક્ટેરિયાનું પ્રમાણ ઓછું હોય છે તેમને ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ અને ક્રૉનિક ફટિગ સિન્ડ્રૉમની સમસ્યા પેદા થાય છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસુઓના કહેવા મુજબ જ્યારે આંતરડાંમાં ખરાબ ગણાતા ક્લૉસ્ટિડિયમ બૅક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે ત્યારે સૂવા-ઊઠવાની બૉડી ક્લૉક એટલે કે સર્કાડિયન રિધમમાં ઊલટપૂલટ થઈ જાય છે.

ટૂંકમાં મગજ સ્વસ્થ રહે એ માટે પેટમાં સારા બૅક્ટેરિયા હોય એ બહુ જ આવશ્યક બાબત છે. આ વાત વિગતે સમજવા માટે આપણે પહેલાં તો પેટમાં કેવા બૅક્ટેરિયા હોય છે એ તેમ જ એ પેટમાં રહ્યે-રહ્યે મગજને કઈ રીતે અસર પહોંચાડે છે એ જાણીએ.

આંતરડાં અને રોગપ્રતિકારક ક્ષમતા

આપણા શરીરમાં કરોડો બૅક્ટેરિયા છે અને સૌથી મોટો ખજાનો ગટ એટલે કે આંતરડાંમાં છે. પેટમાં માત્ર બૅક્ટેરિયા જ હોય છે એવું નથી. એમાં અનેક પ્રકારના સૂક્ષ્મ જીવો હોય છે. આંતરડાંમાં રહેલા સૂક્ષ્મ જીવોની કૉલોનીને માઇક્રોબાયોટા કહે છે. એમાં બૅક્ટેરિયા સહિતના અસંખ્ય સૂક્ષ્મ જીવો હોય છે. એમાંથી કેટલાક સારા હોય છે તો કેટલાક ખરાબ. કેટલાક આપણા શરીરને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે તો કેટલાક પરોપજીવીની જેમ પડ્યા રહે છે અને જો સહેજ શરીર નબળું પડ્યું તો લાગ જોઈને હલ્લો બોલીને સિસ્ટમને ખોરવી નાખવાનું કામ કરે છે. આંતરડાં માત્ર ખોરાકનું પાચન અને ચયાપચય કરવાનું જ કામ નથી કરતાં, એ આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમને ડેવલપ કરવામાં અને મેઇન્ટેન રાખવામાં પણ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. આંતરડાંમાં અસંખ્ય સૂક્ષ્મ જીવોનો વસવાટ છે, જે એક પ્રકારે શરીરને વિવિધ પ્રકારના રોગપ્રતિકારક પ્રતિભાવો આપવા માટે સજ્જ કરે છે એ સમજાવતાં હિન્દુજા હૉસ્પિટલના કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘આંતરડાંમાં રહેલા સૂક્ષ્મ જીવો માત્ર ખોરાકના પાચનનું જ નહીં, બીજાં પણ ઘણાં મહત્વનાં કામો કરે છે. આ માઇક્રો ઑર્ગેનિઝમ શરીરમાં ન હોય તો એનાથી પણ શરીરનાં કાયોર્માં અડચણો પેદા થઈ શકે છે. એટલે જ આ ઇકોસિસ્ટમ જન્મ થતાંની સાથે જ ડેવલપ થવા લાગી હોય છે. આપણે ત્યાં કહેવાય છેને કે બાળકને જેટલું વધારે બ્રેસ્ટ-ફીડિંગ કરાવશો એટલી તેની ઇમ્યુનિટી સારી થશે અને તેનું ઓવરઑલ સ્વાસ્થ્ય સારું રહેશે. એનું કારણ પણ આ જ છે. આંતરડાંમાં સારા-ખરાબ બૅક્ટેરિયાની ઇકોસિસ્ટમ જો જળવાયેલી હશે તો ઇમ્યુનિટી પર એની ડાયરેક્ટ અસર થાય છે.’

મગજ અને આંતરડાંના સૂક્ષ્મ જીવો

જ્યારે આપણે સ્વસ્થ હોઈએ ત્યારે આંતરડાંની અંત:ત્વચા પર અસંખ્ય બૅક્ટેરિયા હોય છે. આંતરડાં અને મગજ વચ્ચે સંદેશાવહન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ દ્વારા થાય છે એ સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘મગજ અને બ્રેઇન વચ્ચે ગટ-બ્રેઇન ઍક્સિસ નામે કમ્યુનિકેશન ચૅનલ હોય છે. આ કમ્યુનિકેશન ચૅનલ બાયડિરેક્શનલ એટલે કે આંતરડાંથી મગજ સુધી અને મગજથી આંતરડાં સુધી સંદેશાવહનનું કામ થતું હોવાથી આંતરડાં મગજ સાથે ડાયરેક્ટ સંકળાયેલાં છે. જ્યારે પેટમાં સારા બૅક્ટેરિયાનું પ્રમાણ ઘટી જાય ત્યારે હાનિકારક બૅક્ટેરિયા આ કમ્યુનિકેશન સિસ્ટમ હાઇજૅક કરી લે છે અને એની અસર મૂડ, સ્ટ્રેસ લેવલ, પાચનક્ષમતા, ઊંઘ એમ અનેક બાબતો પર પડે છે. સીધી કે આડકતરી રીતે આ તમામ ફૅક્ટર્સ ડિપ્રેશનનાં લક્ષણોને વધુ ગહેરાં બનાવે છે.’

જ્યારે ઍક્યુટ ઇન્ફેક્શન થયું હોય ત્યારે આ ઍન્ટિ-બાયોટિક્સ બહુ જ અસરકારક લાગે છે, પરંતુ એ પણ બેધારી તલવાર સાબિત થઈ છે. લાંબા સમય સુધી ઍન્ટિબાયોટિક્સ દવાઓ લેવામાં આવે છે ત્યારે પણ દરદીમાં ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી જેવાં લક્ષણો જોવા મળે છે. એનું કારણ એ છે કે આ દવાઓ ખરાબ બૅક્ટેરિયા ભેગા સારા બૅક્ટેરિયાનો પણ ખાતમો બોલાવી દે છે. જ્યાં સુધી ફરીથી સારા બૅક્ટેરિયાની સંખ્યા નહીં વધે ત્યાં સુધી ન તો આંતરડાંની હેલ્થ સુધરે છે, ન ઇમ્યુનિટી ફરી મજબૂત થાય છે કે ન ડિપ્રેશનનાં લક્ષણોમાં કાબૂ મેળવવામાં સફળતા મળે છે. આપણે અત્યાર સુધી ખરાબ બૅક્ટેરિયાને મારવા માટેની અનેક દવાઓ શોધી છે.

સારા બૅક્ટેરિયાથી ડિપ્રેશનમાં મદદ

જ્યાં સુધી ખરાબ બૅક્ટેરિયા ગટ-બ્રેઇન કમ્યુનિકેશન ચૅનલ પર હાવી થયેલા રહે છે ત્યાં સુધી ડિપ્રેશનને દૂર થવામાં મુશ્કેલી નડે છે. એટલે જ ડિપ્રેશનને નાથવા માટે આંતરડાંમાં સારા સૂક્ષ્મ જીવોની બહુમતી થવી બહુ જ આવશ્યક છે. આ માટે જે લોકો ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ લે છે તેમને પ્રોબાયોટિક ફૂડ લેવાની સલાહ અપાય છે. એ વિશે ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘ડિપ્રેશનના દરદીના મગજ કે મૂડ પર કામ કરવું હોય તો તેને ઍન્ટિડિપ્રેસન્ટ કે મૂડ સુધારવાની દવાઓ આપવા ઉપરાંત આંતરડાંની હેલ્થ પણ સુધારવી આવશ્યક છે. ડિપ્રેશનના લક્ષણરૂપે પણ દરદીને ઍસિડિટી, ગૅસ, અપચો અને પાચન સંબધી સમસ્યા હોય જ છે. અમે જોયું છે કે સારવાર ઉપરાંત દરદીની ડાયટમાં પ્રોબાયોટિક્સ ઉમેરવામાં આવે છે ત્યારે એ દવાઓની અસર ઝડપી બને છે. કેટલાક કેસમાં તો એવું પણ જોવા મળ્યું છે કે પ્રોબાયોટિક્સ લેવાથી ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓની જરૂરિયાત પણ ઘટી જાય છે.’

આ પણ વાંચો : વધી રહ્યું છે નાની વયની મહિલાઓમાં ગર્ભાશયની થેલી કઢાવવાનું પ્રમાણ

પ્રોબાયોટિક્સથી ડિપ્રેશન દૂર રહે ખરું?

ડિપ્રેશનના દરદીઓએ આંતરડાંની હેલ્થ સુધારવી જોઈએ અને સારા બૅક્ટેરિયાનો જથ્થો વધે એ માટે ડાયટિશ્યનની સલાહ મુજબ સંતુલિત ભોજન લેવું જોઈએ. જોકે કદી એવું ન માની લેવું કે તમે પ્રોબાયોટિક્સ લેશો એટલે ડિપ્રેશન મટી જશે. હા, જો તમે સ્વસ્થ છો અને તમારા મૂડને બગાડવા નથી માગતા તો તમે ચોક્કસપણે પ્રોબાયોટિક્સ લઈ શકો છો. એ પ્રિવેન્શનમાં ચોક્કસ મદદ કરશે. (ડિપ્રેશનની સારવાર ચાલતી હોય તો સારા બૅક્ટેરિયા વધારવા માટે તમે ડાયટમાં કેવી-કેવી કાળજી લઈ શકો એ વિશે આવતી કાલે જોઈશું.)

columnists life and style