બેસ્ટ ફ્રેન્ડની પત્ની મારી ઑફિસમાં જ કામ કરતી હોવાથી ફ્રેન્ડને શંકા છે

30 August, 2019 02:25 PM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ - સેજલને સવાલ

બેસ્ટ ફ્રેન્ડની પત્ની મારી ઑફિસમાં જ કામ કરતી હોવાથી ફ્રેન્ડને શંકા છે

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : બે મિત્રો વચ્ચે થોડી ગલતફહેમી થઈ જાય ત્યારે શું કરવું જોઈએ? તકલીફ એ છે કે અમારી ગેરસમજને કારણે તેની પત્ની હેરાન થઈ રહી છે. વાત એમ છે કે મારા ખૂબ જ ગાઢ દોસ્તની વાઇફ મારી ઑફિસમાં કામ કરે છે. હું ને મારો ફ્રેન્ડ છેક કૉલેજના વખતથી સારા મિત્રો છીએ. તેનાં અને મારાં લગ્ન લગભગ સાથે જ થયેલાં. તેના અરેન્જ્ડ મૅરેજ થયેલાં અને મારાં લવ-મૅરેજ. એને કારણે મારી પત્ની પહેલેથી જ મારા દોસ્તોને ઓળખે. જોકે તેની પત્ની સાથે ઓળખાણ તેનાં લગ્ન પછી જ થઈ. ત્રણેક વર્ષ પહેલાં તેની વાઇફને લગ્ન પછી ઘરમાં કંટાળો આવતો હતો એટલે તેણે પણ કામ કરવાનું નક્કી કર્યું અને કંઈક શીખવા માટે તેને નોકરી જોઈતી હતી. મારી કંપનીમાં મેં તપાસ કરી અને તેણે ઇન્ટરવ્યુ આપ્યો અને તે સિલેક્ટ થઈ ગઈ. છેલ્લાં ત્રણ વર્ષથી અમે એક જ કંપનીમાં કામ કરીએ છીએ. એક જ ઑફિસમાં કામ કરતાં હોવાથી ઓળખાણ વધી. એને કારણે જ્યારે બધા ભેગા મળીએ ત્યારે અમારી પાસે કૉમન ઑફિસની વાતો બહુ હોય. જોકે એ મારા દોસ્તને બહુ જચ્યું નહીં. તેને લાગે છે કે મને તેની વાઇફમાં ઇન્ટરેસ્ટ છે. જ્યારે હું મારી મૅરેજલાઇફથી ખૂબ ખુશ છું અને તેની વાઇફ થોડી ઑર્થોડોક્સ ટાઇપની હોવાને કારણે તેને ગ્રૂમ કરવામાં મારી વાઇફે જ તેને મદદ કરી છે. મારા માટે તે ભાભી જ છે. હા, ક્યારેક મારી વાઇફ પિયર ગઈ હોય તો તે મારા માટે ઑફિસે ટિફિન લાવે, એનાથી વિશેષ અમારી વચ્ચે કોઈ જ અંગત દોસ્તી નથી. અલબત્ત, એ પણ ભાભી તરીકે જ. દોસ્તની શંકા સામે હું સ્પષ્ટતા કરું છું તો તેને લાગે છે કે હું તેની વાઇફને બચાવું છું, કેમ કે મને તેને માટે લાગણી છે. મારી વાઇફ મને કહે છે તમે થોડા સમય આ બન્નેથી દૂર રહેશો તો વાંધો નહીં આવે. ભાભી પણ નોકરી છોડી દેવાનું વિચારે છે, કેમ કે તેને જૉબમાં મજા નથી આવતી.

જવાબ : વહેમનું કોઈ ઓસડ નથી હોતું. સમય જવા દેવો એ જ સાચો ઉકેલ છે. તમે અત્યારે ગમેએટલી સ્પષ્ટતા કરવા જશો એ બૂમરૅન્ગ જ થશે. બહુ સારું છે કે તમારી પત્ની સમજુ છે અને તમારી સાથે છે. જોકે આ શંકાને દૂર કરવા માટે તમારે થોડો સમય આ દોસ્તીથી ડિસ્ટન્સ રાખવું જોઈએ. ક્યારેક વધુપડતી ઘનિષ્ટતામાં મર્યાદાની રેખા ઓળંગાઈ ગઈ હોય એવું ફીલ થતું હોય છે.

બીજું, તમારે મૌન ધારણ કરવાની જરૂર છે. તમે આ બાબતે જેટલી સફાઈ આપવા જશો એટલા વધુ શંકાના ઘેરામાં આવશો. એનો મતલબ એ નથી કે તમારાં ભાભીને એકલાં પડી જવા દેવાં. તમારા કિસ્સામાં બહુ સારી વાત એ છે કે તમારી પત્ની તમારા પડખે છે. જો તે સમજુ અને સ્પષ્ટવક્તા હોય તો તમે તેને આ બાબતમાં ઇન્વૉલ્વ કરી શકો છો, બાકી બને ત્યાં સુધી આ મુદ્દે સ્પષ્ટતા અને ખુલાસા કરવાની પણ જરૂર નથી. ડાયરેક્ટલી ભાભીને સાંત્વના કે સહાનુભૂતિ આપવાની જરૂર નથી. તમારી વાઇફનાં ભાભી સાથે બહેનપણાં ડેવલપ થવા દો.

આ પણ વાંચો : 14 વર્ષ બાદ આટલા બદલાઈ ગયા છે શક્તિમાનના કલાકારો, જુઓ તસવીરો

જો ભાભીને આ જૉબમાં મજા ન આવતી હોય તો તેણે નોકરી બદલી લેવી જોઈએ. હા, બદલવી જોઈએ, છોડીને ઘરે બેસવાની જરૂર નથી. દાંમ્પત્યજીવનમાં શાંતિ અને સુખ કરતાં કોઈ નોકરી મોટી નથી હોતી. બીજી જગ્યાએ નોકરી કરવાથી રોજ મળવાનું પણ બંધ થઈ જશે અને શંકાની સોય પણ શમી જશે.

sex and relationships columnists life and style