દીકરી ને હું બહેનપણી જેવાં છીએ, હવે તે ખોટી દલીલો કરે છે, શું કરવું?

10 July, 2019 10:57 AM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ - સેજલને સવાલ

દીકરી ને હું બહેનપણી જેવાં છીએ, હવે તે ખોટી દલીલો કરે છે, શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલઃ મારી દીકરી ૧૮ વર્ષની છે. મેં તેને બધી જ સ્વતંત્રતા આપીને ઉછેરી છે. અમે બન્ને સાથે ફરતાં હોઈએ તો લોકો એમ જ માને કે અમે બે બહેનો અથવા તો બહેનપણીઓ જ હોઈશું. અમે એવી ફ્રેન્ડશિપ કેળવી છે કે તે મને કૉલેજમાં બનતી ઘટનાઓ અને ફ્રેન્ડ્સ સાથે થતી મચમચ વિશે પણ મુક્તપણે વાત કરી શકે છે. અત્યાર સુધી વાંધો ન આવ્યો, પણ હવે તેને લાગે છે કે મારે હજી મૉડર્ન થવાની જરૂર છે. જ્યારે મને એવું લાગે છે કે તેને આપેલી છૂટને કારણે તેના મગજમાં મૉડર્નાઇઝેશનનું ભૂત સવાર થયું છે. તેને એમ કહીએ કે ભલે તમે પહેરવા-ઓઢવામાં મૉડર્ન હો, પણ જ્યારે ઘર સંભાળવાની વાત આવે છે ત્યારે તમારે પરંપરાગત બાબતોને છોડવી ન જોઈએ. હું પોતે નોકરી કરું છું અને તે નાની હતી ત્યારે બહુ સમય નહોતી આપી શકી. હવે તો તેને મારા સમયની જરૂર નથી, પરંતુ અત્યારની એજમાં તે હવે મારી વાતોને સાંભળી-ન સાંભળી કરીને ઇગ્નોર કરવા લાગી છે. પોતાને જે જોઈએ એ જોઈએ જ એવી જીદ, ઘરનું કામ તો મને ન ફાવે એવી ફિશિયારીઓ તેનામાં ઘર કરી રહી છે. મેં તેના માટે નિયમ બનાવ્યો છે કે રાતે દસ વાગ્યા પછી દોસ્તો સાથે ફરવાની વાત નહીં કરવાની, પણ તેને એ કઠે છે. તે કહે છે કે જો તને નોકરીમાં અવારનવાર મોડું થઈ જાય છે તો મનેય મોડું થાય એમાં શું વાંધો? પ્યુબર્ટી એજમાં જેટલો વાંધો ન આવ્યો એટલી હવે તકલીફો થઈ રહી છે. તેને હવે કોઈ પણ બાબતે ટોકીએ તો જરાય ગમતું નથી. પેરન્ટિંગ માટે કહેવાય છે કે સંતાન ૧૮ વર્ષનું થાય એટલે તેની સાથે મિત્ર સરખું વર્તન કરવું જોઈએ. હું તો પહેલેથી જ દીકરીને ફ્રેન્ડની જેમ રાખું છું અને છતાં મુશ્કેલી અનુભવી રહી છું.

જવાબઃ સંતાનોના મિત્ર બનવું જોઈએ એ વાત જેટલી સાચી છે એટલું જ એ પણ ન ભૂલવું જોઈએ કે સંતાનોને માતાપિતાની પણ જરૂર છે જ. મિત્ર બનવું એટલે તેની ઉંમરના થઈને રહેવું એવું નથી. ભલે તમે બાહ્ય રીતે બહેનપણીઓ કે બહેનો જેવાં દેખાતાં હો, તમારી અને સંતાન વચ્ચે જે એજ-ડિફરન્સ છે એ ભુલાવું ન જોઈએ. મિત્ર બનીને પેરન્ટ્સે સંતાનોને મોકળું રહી મનની વાત ખૂલીને કહી શકાય એવું વાતાવરણ આપવાનું છે. જોકે સાથે કાચી માટીને ઘડાનું સ્વરૂપ આપવા માટે જરૂર પડ્યે જે-તે તરફથી ટપારવાનું કામ પણ માતાપિતા બનીને કરવાનું છે.

આ પણ વાંચો : ગામના લોકોએ નાત બહાર કર્યા પછી લગ્ન માટે કોઈ આર્થિક મદદ કરવા તૈયાર નથી

આપણે કાં તો સંતાન જેવડા બનીને રહી શકીએ છીએ, કાં તેને ટોકી-ટોકીને ટૉર્ચર પેરન્ટ્સ બની જઈએ છીએ. બે વચ્ચેનું સંતુલન નથી કેળવી શકતાં એ મુશ્કેલી છે. દીકરી હોય કે દીકરો, બન્નેને તેમની જવાબદારીઓનું ભાન કરાવવું બહુ જરૂરી છે. રાતે મોડા આવવા બાબતે મા સાથે સરખામણી કરવી હોય તો મમ્મી ઘરની જેટલી જવાબદારીઓ ઉઠાવે છે એમાં પણ હેલ્પ કરતાં શીખવું જરૂરી છે. મમ્મી આમ કરી શકે તો હું કેમ નહીં? એવી દલીલ કરવી હોય તો પહેલાં મમ્મી જે જવાબદારીઓ ઉઠાવે છે, કમાણી કરે છે અને ઘરના તમામ લોકોને સંભાળે છે એ બધું જ સમજવું પડશે. સ્વતંત્રતા આપવાની સાથે જો તમે સંતાનોને જવાબદાર ન બનાવો તો આવી તકલીફો થવાની જ. મિત્ર બનેલું ત્યારે જ સાર્થક થાય જ્યારે તમે પેરન્ટ્સ તરીકે તેમના માટે શું કરો છો અને કેમ કરો છો એની અહેમિયત પણ સમજાવી શકો.

columnists sex and relationships life and style