આંતરજ્ઞાતીય લગ્નમાં વાત છૂટાછેડા સુધી પહોંચી છે, સંબંધ બચાવવા શું કરું?

24 May, 2019 01:02 PM IST  |  | સેજલને સવાલ - સેજલ પટેલ

આંતરજ્ઞાતીય લગ્નમાં વાત છૂટાછેડા સુધી પહોંચી છે, સંબંધ બચાવવા શું કરું?

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ: મારાં પ્રેમલગ્નને અઢી વર્ષ થયાં છે. આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં હોવાથી બીજા સમાજની પરંપરાઓમાં ભળતાં મુશ્કેલી પડી રહી છે. મારો હસબન્ડ લગ્ન પહેલાં સાવ જુદો હતો. તેના ઘરે પગ મૂક્યા પછી તેનું નવું જ સ્વરૂપ જોવા મળ્યું. ક્રિãયન પરિવાર દેખીતી રીતે બહુ પ્રેમાળ લાગે, પરંતુ કસ્ટમ્સના નામે અમુક ઘટનાઓ એવી ઘટી કે મારું મન ઊતરી ગયું. એ પછી તો તેની મમ્મીનો સ્વભાવ પણ ઉજાગર થવા લાગ્યો. ઘરમાં ચોખ્ખાઈના તો જાણે બધા જ દુશ્મન. કૂતરું મારે ત્યાંય પળાતું, પણ એ ગંદકી ન કરે એની તેને તાલીમ આપેલી. ચોખ્ખાઈ જોઈતી હોય તો જાતે સાફ કરી લે. પરસ્પર રિસ્પેક્ટનો પણ બહુ અભાવ વર્તાય. હું જાણે ઘરમાં એલિયન હોઉં એમ સાસુમા મારી સાથે વર્તે. હસબન્ડને વાત કરું તો કહે તેની વાત મન પર ન લેવી. જોકે તેની મા જ્યારે મારી ફરિયાદ કરે ત્યારે તેની જ સામે મારો ઊધડો લઈ નાખે. સાચું શું છે એ વિશે મને પૂછવાનીયે દરકાર નહીં. ઝઘડો કરીને બે વાર હું પિયર જતી રહી. મને ઘરે લઈ જવા માટે તે પિયર આવે અને મનાવીને લઈ જાય, પણ ઘરે આવતાં જ એનું એ. મન એટલું ઊઠી ગયું છે કે તેની સાથે હવે બેડરૂમમાં પણ ત્રાસ છૂટે છે. ક્યારેક તો મરજી ન હોવા છતાં તે બળજબરી કરી લે છે. આ વખતે પિયર આવીને મેં છૂટાછેડાની અરજી કરી દીધી છે અને મારી મમ્મી તો હવે ગમેએમ કરીને મને આ સંબંધમાંથી છૂટવાનું જ કહે છે. પતિને બદલવાનું તો શક્ય નથી, પણ શું મારાં લગ્ન બચાવવા માટે કંઈ થઈ શકે ખરું? મને લાગે છે કે ઍટલીસ્ટ તેની મમ્મીની ચડવણી ન હોય તો કદાચ અમે સાથે રહી શકીએ એમ છીએ.

જવાબ: તમારો આખો સવાલ વાંચતી વખતે એવું લાગતું હતું કે તમે ખરેખર આ સંબંધથી વાજ આવી ગયાં છો અને તમને એમાં કશું જ સારું નથી જણાઈ રહ્યું. જોકે તમારું છેલ્લું વાક્ય ટર્નિંગ પૉઇન્ટ છે. મનમાં ઊંડે-ઊંડે ક્યાંક તમને ઇચ્છા ચોક્કસ છે કે સંબંધ ન તૂટે એ માટે કંઈક થાય તો સારું.

જરા સમજવા માટે એક વાત પૂછવી છે. આંખો બંધ કરીને દિલને પૂછીને જવાબ આપજો. સંબંધ બચાવવાની ઇચ્છા પાછળ કયું પરિબળ છે? સમાજ શું કહેશે એની ચિંતા છે? બને ત્યાં સુધી લગ્ન ન તૂટવાં જોઈએ એવું ટ્રેડિશનલ કન્ડિશનિંગ છે? કે પછી તમને પતિ સાથે ગાળેલી સારી પળો યાદ આવતી હોવાથી એ સંબંધ ન તૂટે એવી ઇચ્છા છે? ભારોભાર કડવાશ છતાં હજીયે મનમાં ક્યાંક પ્રેમની ટશર પતિ માટે ફૂટી રહી છે એવું છે?

આ પણ વાંચો : સુખી પરિવાર છીએ પણ પતિને પરિવાર સાથે સમય ગાળવાનો ફુરસદ જ નથી

ઉપરોક્ત પ્રશ્નનો તમારો જવાબ શું છે એના પરથી આગળની ઍક્શન નક્કી થાય. સમાજની ચિંતા કે કન્ડિશનિંગને કારણે તમે છૂટાછેડા બાબતે ફેરવિચારણા કરતા હો તો બહુ ન વિચારવું, પણ જો ખરેખર એ સંબંધમાં હજીયે તમને પ્રેમનો અહેસાસ થતો હોય તો ચોક્કસપણે અહમ્ બાજુએ મૂકીને સંબંધને એક મોકો આપવો. અલબત્ત, એમાં પણ તમારે તમારા પતિની માનસિક સ્થિતિ પણ તપાસવી પડે. શું તેને પણ આ સંબંધ તૂટવાના વિચારે દુ:ખ થાય છે? શું સંબંધ ટકી રહે એવી ઇચ્છા તેને પણ છે કે પછી તે છૂટાં પડવા બાબતે બેફિકર છે? જો બન્ને પક્ષે સંબંધને એક મોકો આપવાની દિલની ઇચ્છા હોય તો એક વાર સાથે બેસો અને બન્ને જણ સાથે રહેવા માટે કેટલું સમાધાન કરવા તૈયાર છો એ બાબતે સુલેહ કેળવો અને સંબંધને એક અવસર આપો.

sex and relationships life and style columnists