સારું ભણવા છતાં નોકરીમાં અપેક્ષા મુજબનું પૅકેજ નથી મળતું તો શું કરવું?

11 July, 2019 11:28 AM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ - સેજલને સવાલ

સારું ભણવા છતાં નોકરીમાં અપેક્ષા મુજબનું પૅકેજ નથી મળતું તો શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલઃ જસ્ટ સિવિલ એન્જિનિયરનું ભણવાનું પૂરું કર્યું છે. જ્યારે કૅમ્પસમાં ઇન્ટરવ્યુ ચાલતા હતા ત્યારે મને જૉબ ઑફર નહોતી મળી. જે નાની કંપનીમાં નોકરી મળેલી એનાથી મારે કરીઅરની શરૂઆત નહોતી કરવી. એ પછી પણ ત્રણેક ઇન્ટરવ્યુ આપ્યા, પણ હજી વાત બની નથી. બધે જ મને પૅકેજના મુદ્દે વાંધો પડે છે. જો એમ્પ્લૉયર તરફથી સારું પૅકેજ ન મળતું હોય તો પણ પહેલી જ વારમાં એ સ્વીકારી લઈએ તો જે સ્કેલથી શરૂઆત કરી હોય ત્યાંથી આગળ વધતાં તકલીફ પડી શકે છે. મારા પેરન્ટ્સની આર્થિક સ્થિતિ એવી નથી કે હું નોકરીની રાહ જોતો ચાર-પાંચ મહિના કાઢી નાખું તો ચાલે. જોકે મને એ ડેસ્પરેશન જ પસંદ નથી. પપ્પા કહે છે કે જે નોકરી મળે ત્યાંથી કરીઅરની શરૂઆત કરી લેવી જોઈએ, પણ મને ઊલટું જ લાગે છે. હવે હું કન્ફયુઝ છું કે મારી પાસે અનુભવ નથી ત્યારે મારે પગાર બાબતે નિગોશિએશન કરવું જાઈએ કે નહીં? મારા અન્ય દોસ્તોએ નિગોશિએટ કર્યું જ છે અને તેમને મનગમતી જૉબ મળી છે. મારા એક આઇટી એન્જિનિયર દોસ્તનું કહેવું છે કે જો તમે નિગોશિએટ નથી કરતા તો સામેવાળો એમ પણ માની લઈ શકે છે કે મને મારા કામમાં વિશ્વાસ નથી. મારો પરિવાર નબળી આર્થિક સ્થિતિ ધરાવે છે એટલે હું જલદી કમાતો થઈ જાઉં એ મહત્ત્વનું છે. મારા પપ્પા એ પ્રેશરને કારણે પણ પગારમાં સમાધાન કરવાનું કહેતા હશે, પણ સામે જ્યારે આખી કરીઅરનો સવાલ હોય ત્યારે શું કરવું?

જવાબઃ તમે ક્યાંથી શરૂઆત કરો છો એ અવગણી શકાય નહીં, પરંતુ શરૂઆત કર્યા પછી શું અને કેવું પર્ફોર્મ કરો છો એ અતિમહત્ત્વનું છે. પહેલી નોકરીમાં પગાર માટે નિગોશિએટ કરાય કે ન કરાય એનો કોઈ નિયમ નથી. પહેલો પગાર તોતિંગ હોય તો એ જ તમારી બેઝ-પ્રાઇસ હોવાથી એ પછી તમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહેવાના છો એની કોઈ ગૅરન્ટી નથી. કોઈ પણ કંપની તમને નોકરી પર રાખે છે ત્યારે તમે તમારા વર્ક-પ્રોફાઇલને કેટલો જસ્ટિફાય કરી શકો છો એ જુએ છે.

પહેલી નોકરીમાં પગાર માટે વાટાઘાટો કરાય પણ ખરી અને ન પણ કરાય. ક્યારે, કેટલી અને કેવી રીતે એ કરવી એ મહત્ત્વનું છે. તમને અત્યાર સુધીમાં મળેલી ઑફર ઓછી લાગી છે. આ ઓછી રકમનું મૂલ્યાંકન તમે કયા આધારે કરેલું? શું એ ઑફર તમારી અપેક્ષા અને જરૂરિયાત કરતાં ઓછી હતી કે પછી તમારી ડિગ્રી અને વર્ક-પ્રોફાઇલની સરખામણીમાં માર્કેટની દૃષ્ટિએ ઓછી હતી? બીજું, તમારા આઇટી એન્જિનિયર દોસ્તની સાથે તમારે સરખામણી ન કરવી જોઈએ કેમ કે આઇટી અને સિવિલ એ બે ક્ષેત્રોમાં રોજગારની તકોમાં ઘણો તફાવત છે. બીજું, કોઈ એક વર્ક-પ્રોફાઇલ માટે દરેક કંપનીના અગલ-અલગ સૅલેરી-સ્કેલ હોય છે એને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.

આ પણ વાંચો : દીકરી ને હું બહેનપણી જેવાં છીએ, હવે તે ખોટી દલીલો કરે છે, શું કરવું?

અંગત રીતે હું માનું છું કે પહેલી નોકરીમાં તમારે પગાર કેટલો મળે છે એના કરતાં તમને અનુભવ કેવો મળશે એના પર ભાર મૂકવો જાઈએ. તમે કઈ કંપનીમાં કામનો પહેલો અનુભવ લીધો છે એ પણ તમારી ભવિષ્યની કરીઅર માટે અગત્યનું છે. સારી, ગમતી અને અપેક્ષિત પગારવાળી નોકરી મેળવવાની રાહ જોયા કરવી એને બદલે સામે આવેલા ઑપ્શન્સમાંથી યોગ્ય પસંદગી કરીને એક વાર કામની શરૂઆત કરી નાખવી જરૂરી છે. નોકરીમાં વ્યક્તિ કેટલાં વર્ષો કામ કર્યું છે એના આધારે નહીં, સાતત્યપૂર્ણ પરિણામો આપવાની કાબેલિયતના આધારે જ આગળ વધી શકે છે.

columnists sex and relationships life and style