રોકાણ બાબતે મારા પપ્પા બહુ જુનવાણી અને સિક્યૉરિટી મેન્ટાલિટી રાખે છે

19 June, 2019 12:49 PM IST  |  | સેજલ પટેલ - સેજલને સવાલ

રોકાણ બાબતે મારા પપ્પા બહુ જુનવાણી અને સિક્યૉરિટી મેન્ટાલિટી રાખે છે

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું એકવીસ વર્ષનો છું અને એક વર્ષમાં જ ભણવાનું પૂરું કરીને નોકરીએ ચડી જઈશ. આમ તો ઘરની આર્થિક સ્થિતિ સારી છે, પણ બે બહેનોનાં લગ્નની જવાબદારીને કારણે પપ્પા ખૂબ ચિંતામાં રહ્યા કરે છે. મારી મોટી બહેનનાં લગ્ન એકાદ વર્ષમાં જ લેવાવાનાં છે અને બીજી બહેન ત્રણેક વર્ષ નાની છે. મારા ઘરમાં પહેલેથી જ કહેવાતું આવ્યું છે કે જ્યાં સુધી દીકરીઓ સાસરે નહીં વળાવાય ત્યાં સુધી ઘરમાં વહુ નહીં આવે. મને હાલમાં કોઈ જલદી પણ નથી, પરંતુ આર્થિક ભાર વધુ ન આવે એ માટે પપ્પા બન્ને બહેનોનાં સાથે લગ્ન લેવાનું વિચારે છે. મેં તેમને કહ્યું છે કે જો બે બહેનોનાં લગ્ન બે વર્ષ પછી લેવાનાં હોય તો ત્યાં સુધીમાં આપણે તમે બચાવેલા પૈસાને યોગ્ય જગ્યાએ રોકીને એનું વળતર મેળવવું જોઈએ. શૅરબજાર એવો ચડતો ઘોડો છે જ્યાં સાદા ઇન્વેસ્ટમેન્ટ ઑપ્શન્સ કરતાં વધુ સારું વળતર મળે છે. પપ્પા ખૂબ જુનવાણી માનસિકતાવાળા છે. તેમને ફિક્સ ડિપોઝિટથી આગળ વધવું જ નથી. મેં તેમને કહ્યું કે અડધા પૈસા પણ મને રોકાણ કરવા આપો. હું ફાઇનૅન્સનું ભણી રહ્યો છું અને નોકરી કરવાની સાથે હું એ વિષયમાં વધુ આગળ રસ લઈને ભણવાનો છું. ત્યારે પૈસા રોકવા બાબતે મૉડર્ન અભિગમ રાખવા માટે તેમને સમજાવું છું. તેઓ કેમેય માનતા જ નથી. તેઓ બચતને ક્યાંય જોખમ હોય એવી જગ્યાએ મૂકવા જ નથી માગતા. જ્યાં રિસ્ક હોય ત્યાં જ વધુ વળતર હોય એ જૂની પેઢીને સમજાવવા માટે શું કરવું?

જવાબ : સૌથી પહેલાં તો હું પોતે કોઈ ફાઇનૅન્શિયલ પ્લાનર નથી એટલી સ્પષ્ટતા કરી લઉં. પણ હું એટલું જાણું છું કે દરેક વ્યક્તિના જીવનમાં નાણાકીય વ્યવસ્થાપન બહુ મોટો ભાગ ભજવે છે. હાલમાં તમે જ્યાં અટવાયા છો ત્યાં સમસ્યા એ છે તમે અને તમારા પપ્પા બન્ને અંતિમો પર ઊભા છો. પપ્પા જુનવાણી સિક્યૉરિટીની મેન્ટાલિટીમાંથી નથી નીકળતા અને તમે ઝટપટ શૅરબજારમાંથી કમાઈ લેવાય છે એવી મૉડર્ન મેન્ટાલિટીમાં રાચો છો.

આ બન્ને મેન્ટાલિટી જોખમી છે. બે વર્ષમાં જો દીકરીનાં લગ્ન લેવાવાનાં હોય તો તમારા પપ્પા જરાય ખોટા નથી. રિસ્ક લેવાથી જ વિકાસ થાય છે એ જેમ વણલખ્યો ગ્રોથનો નિયમ છે, પણ રિસ્ક ક્યારે લેવું અને ક્યારે નહીં એ સમજવું એનાથીયે વધુ મહત્ત્વનું છે. તમે જોખમ ઉઠાવીને કંઈક મોટું વળતર મેળવવા માગો છો પણ એ માટે કદાચ શૅરબજારનો ઑપ્શન યોગ્ય નથી. જરા કલ્પના તો કરો કે તમે શૅરબજારમાં રોકાણ કરવાનું વેન્ચર આરંભો અને ન કરે નારાયણ ને બે વર્ષ પછી જ્યારે તમને પૈસાની જરૂર હોય એ વખતે માર્કેટ ડાઉન હોય તો શું કરશો? એ વખતે માર્કેટ નીચું હશે તો પણ પૈસાની જરૂરિયાતને કારણે તમારે લાખના બાર હજાર કરવા જ પડશે.

આ પણ વાંચો : સ્ત્રીને ક્યાં સુધી પિતા અને પતિના કહ્યાં મુજબ રહેવું પડશે, શું કરવું?

જૂની પેઢીને ઇનસિક્યૉરનું લેબલ લગાવી દેવાથી આપણે મૉડર્ન નથી થઈ શકતા. ઓછા ગાળા માટે જ્યારે તમે રોકાણ કરવા માગતા હો ત્યારે જોખમ ઓછું હોય અને સ્ટેડી વળતર હોય એ જ ઑપ્શન અપનાવવો જોઈએ એવું મને લાગે છે. તમે ફાઇનૅન્સ વિશે શીખી રહ્યા છો એટલે આ બધું સમજતા જ હશો. કદાચ તમારી ગણતરીઓ પણ હશે અને એ કદાચ સાચી પણ પડી શકે. બસ, ધારો કે એ ગણતરી ઊંધી પડી તો શું એનો વિચાર કરો. પિતાએ આખી જિંદગી પસીનો પાડીને દીકરીનાં લગ્ન માટે બચત એકઠી કરી છે. તમે જ્યારે પૈસા બચાવવાનું શરૂ કરો ત્યારે મૉડર્ન અપ્રોચ દાખવજો.

columnists sex and relationships life and style