GF જીદ કરીને મને બેસ્ટ ફ્રેન્ડ સાથે સંબંધ તોડવાનું કહે છે, શું કરવું?

03 July, 2019 11:15 AM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ - સેજલને સવાલ

GF જીદ કરીને મને બેસ્ટ ફ્રેન્ડ સાથે સંબંધ તોડવાનું કહે છે, શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું અત્યારે વિચિત્ર ધર્મસંકટમાં મુકાયો છું. ગર્લફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડ વચ્ચેથી મારે એકની પસંદગી કરવી પડે એમ છે. વાત એમ છે કે મારી બેસ્ટ ફ્રેન્ડને કારણે જ હું મારી ગર્લફ્રેન્ડને મળ્યો હતો, કેમ કે બન્ને એક જ કંપનીમાં કામ કરે છે. બેસ્ટ ફ્રેન્ડ સાથેની દોસ્તી પાંચ વર્ષ જૂની છે જ્યારે ગર્લફ્રેન્ડ છેલ્લા સવા વર્ષથી આવી છે. આ બધું એટલા માટે કહેવું પડે છે, કેમ કે મને એવું લાગે છે કે બન્ને પ્રોફેશનલ લાઇફમાં પણ બહુ બાલિશ છે. એક મહિના પહેલાં તેમની વચ્ચે ઝઘડો થયો. આવા ઝઘડા તો અનેક વાર થયા છે એટલે મેં કંઈ તૂત ન આપ્યું. વીક સુધી કોઈ એકબીજા સાથે બોલ્યું નહીં અને બન્નેએ મારા કાનમાં વાત ભરવાનું શરૂ કર્યું. હું આ કૅટ ફાઇટમાં પડવાને બદલે તમે બેઉ જાતે ફોડી લો એમ કહીને ઝઘડામાંથી નીકળી ગયો. સાચું કહું તો મને આમાં મારી ગર્લફ્રેન્ડનો જ વાંક લાગે છે. તેની ભૂલને કારણે પેલીને પ્રોફેશનલી નુકસાન થયું છે અને શો-કૉઝ નોટિસ મળી છે. હું એ સમજતો હોવા છતાં સાચાનો પક્ષ લઈ શકું એમ નથી. વાતવાતમાં મેં ગર્લફ્રેન્ડને તેની ભૂલ સમજાવી તો તે જબરી વીફરી. હવે તે મને કહે છે કે જો તને પેલી સાચી લાગતી હોય તો તું તેની સાથે જા. તેની ધમકી છે કે જો તું પેલી સાથે દોસ્તી રાખીશ તો હું બ્રેકઅપ કરી નાખીશ. મને ખરેખર આવી બાલિશ વાતોથી બહુ ચીડ ચડી રહી છે. જો હું તેની વાત માની જઈશ તો તેને ખોટી જીદ કરવાની આદત પડશે અને જો નહીં માનું તો સંબંધ જ નહીં રહે. મેં ખાનગીમાં પેલી બેસ્ટ ફ્રેન્ડને મળીને સમજાવી કે તું વાતનો કેડો મૂકી દે તો અમારી વચ્ચેની ગેરસમજ ઘટે. તેને વાંધો નથી, પણ ગર્લફ્રેન્ડનો ઈગો એટલો હર્ટ થયો છે એટલે તે વાતનું નકામું વતેસર કરી રહી છે.

જવાબ : સામાન્ય રીતે પરણ્યા પછી પુરુષોની આવી જ હાલત પત્ની અને મમ્મી વચ્ચે થતી હોય છે. બેમાંથી એકેય પોતાની વાતને ખોટી માનવા તૈયાર નથી હોતાં એટલે પુરુષ બિચારો અટવાય છે. તે નથી મમ્મીને ખોટી કહી શકતો નથી પત્નીને. આવી ઘટનાઓને તમારે લગ્ન પછીની નેટ પ્રૅક્ટિસ સમજી લેવી જોઈએ.

આ પણ વાંચો : BFના સતત બિઝી ફોનને કારણે ગર્લફ્રેન્ડને થઈ રહી છે શંકા...

ધર્મસંકટ વિચિત્ર છે. સાચું બોલો તો ગર્લફ્રેન્ડ છૂટી જાય અને જો સારું લગાડવા માટે તેને સાથ આપો તો સાચી વ્યક્તિને અન્યાય થાય. બીજી વાત, જો તમે તેને ખોટું કર્યા પછી આજે પણ સાથ આપશો તો તેને આદત પડી જશે અને પોતાનો અહમ્ સંતોષવાની આદત પડશે. ખોટું કર્યા પછી પણ એમાં પોતાને સાથ મળે એવી ઇચ્છા રાખવી એક વાત છે, પણ સાથ આપવાની ફરજ પાડવી એ યોગ્ય નથી. ગર્લફ્રેન્ડ તમારા પર અત્યારે ખોટાને સાથ આપવા માટે બ્લૅકમેઇલિંગ જ કરી રહી છે. અત્યારે તમારે બેમાંથી એકની પસંદગી કરવાની છે. તમને ગર્લફ્રેન્ડ વધુ વહાલી છે કે તમારો અંતરાત્મા? આજે તમે જેને પસંદ કરશો એ જીવનભર જાળવી રાખવી પડશે. મતલબ કે આજે અંતરાત્માને ચૂપ કરશો તો તમારે જીવનભર એને ચૂપ જ રાખવો પડશે. એક વાત રાખવી પડશે કે આવનારા સમયમાં જે સમય-સંજોગો ઊભા થશે એ આનાથી અનેકગણા કપરા હશે. જે વ્યક્તિ આજે પોતે ખોટી હોવા છતાં બેસ્ટ ફ્રેન્ડનો સાથ છોડવા મજબૂર કરે છે તે કાલે તમારા પોતાના પરિજનો માટે પણ કરશે. માટે આજે તેની વાત માની લેવી એ ભવિષ્ય માટે મોટી આફત વહોરી લેવા બરાબર છે.

columnists sex and relationships life and style